કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ગોપા (યશોધરા)

← મહાપ્રજાપતિ ગૌતમી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ગોપા (યશોધરા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કિસાગોતમી →


६–गोपा (यशोधरा)

જથી અઢી હજાર કરતાં પણ વધારે વર્ષ પૂર્વે કપિલવસ્તુ નામનું નગર હતું. એ નગર કઈ જગ્યાએ હતું, તે સંબંધે વિદ્વાનોના જુદા જુદા મત છે. એક અંગ્રેજ ઈતિહાસવેત્તાના મત પ્રમાણે સંયુક્ત પ્રાંતમાં બસ્તી જિલ્લાની ઉત્તરે આવેલું હાલનું પિપ્રાવા ગામ તેજ પ્રાચીન કપિલવસ્તુ. બૌદ્ધધર્મના ખાસ અભ્યાસી બીજા અંગ્રેજ લેખકના મતે કપિલવસતુ હાલની કોહાના નદી તે પ્રાચીન રોહિણી નદીને કિનારે, બનારસથી ઈશાન દિશામાં સો માઈલ છેટે હતું. ગમે તે હો, પરંતુ એટલું તો નિર્વિવાદ છે કે, એ કપિલવસ્તુ નગરમાં પૂર્વે શાક્ય લોકો વસતા હતા. એ જાતિના લોકો ખેતીનો ધંધો કરતા હતા અને એમાંના કેટલાંક કુટુંબો રાજવંશી હતાં. કપિલવસ્તુમાં શુદ્ધોદન નામનો એક શાક્યવંશી રાજા રાજ્ય કરતો હતો. એ રાજા યુદ્ધવિદ્યામાં ઘણો કુશળ અને પ્રતાપી હતો. એને બે રાણીઓ હતી. મહામાયા અને પ્રજાપતિ, વૃદ્ધાવસ્થામાં રાણી મહામાયાના ગર્ભથી તેને એક પુત્ર ઉત્પન્ન થયો હતો. એ બાળક ઘણો સુંદર અને દિવ્ય કાંતિવાળો હતો. પુત્ર સાત દિવસનો થયો એટલે એની માતા મરણ પામી અને સાવકી મા પ્રજાપતિએ તેને પોતાનાજ બાળકની પેઠે લાડમાં પાળીપોષીને મોટો કર્યો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું.ગૌતમનામથી પણ એ ઓળખાતા.

સિદ્ધાર્થના જન્મ પછી કોઈ સિદ્ધ પુરુષે રાજપુત્રને જોઈને કહ્યું હતું કે, “આ બાળક કોઈ વખતે સંન્યાસ ધારણ કરીને એક પ્રસિદ્ધ મહાત્મા થશે.” શુદ્ધોદન ઘણા વખતથી વાંઝિયો હતો. વૃદ્ધાવસ્થામાં રાજકુટુંબના એક માત્ર આધારરૂપ આ પુત્ર જન્મ્યો. તે પણ રાજ્યનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જશે, એ ચિંતાથી રાજાના દુઃખનો પાર રહ્યો નહિ. પુત્રની મતિ વૈરાગ્ય તરફ ન જાય એટલા સારૂ સિદ્ધાર્થ મોટો થયો ત્યારથી તેને ઘણા પ્રકારના ભોગવિલાસમાં ઉછેર્યો.

પણ બુદ્ધદેવ તો બચપણથીજ ભાવનામય અને વિચારશીલ હતા, એટલે એમને એ બધા bhoગવિલાસ રુચ્યા નહિ. ઘણી વખત પોતે એવા આમોદપ્રમોદમાંથી દૂર જતા રહીને એકાંત સ્થળમાં ચિંત્વન કરતા.

કપિલવસ્તુની પાસે કલિદેશ નામનું એક નાનું રાજ્ય હતું. કલિદેશના રાજા દંડપાણિને ગોપા નામની એક પરમસુંદરી, વિદ્યાવતી અને બુદ્ધિશાળી કન્યા હતી; અને સદ્‌ગુણોથી વિભૂષિત હતી. સિદ્ધાર્થનું વય ઓગણીસ વર્ષનું હતું ત્યારે ગોપા સાથે તેનો વિવાહ થયો.

વિવાહ પૂર્વ રાજાએ અનેક કુમારિકાઓને એક ઉત્સવમાં આમંત્રણ કર્યું હતું અને ત્યાં સિદ્ધાર્થને હાથે એક કિંમતી લહાણી વહેંચાવવાની વ્યવસ્થા કરી હતી. અનેક રાજકન્યાઓ એ ઉત્સવમાં ભાગ લેવા આવી અને રાજકુમારને હાથે લહાણી લઈને ચાલી ગઈ. ગોપા પણ આવી, પરંતુ તેની વારી આવી ત્યારે લહાણી ખૂટી ગઈ. સિદ્ધાર્થની અને ગોપાની ચાર આંખ થઈ. બન્ને એક બીજા પ્રત્યેથી ચક્ષુ ફેરવી શક્યાં નહિ, થોડી વાર સુધી બન્નેચિત્રની પેઠે ઉભાં રહ્યાં. થોડી વાર પછી ગોપા ચમકી, તેને શરમ આવી, આંખ નીચી કરી લઈને તેણે પૂછ્યું: “કુમાર ! મને લહાણી નહિ મળે ? હું પણ નિમંત્રણથી આવી છું હો.”

ગૌતમે કહ્યું: “મેં તમને અપમાન કરવા સારૂ બોલાવ્યાં નથી. સુવર્ણથી પૂર્ણ આ અશોક–પાત્ર તમને લહાણીમાં આપું છું અને સાથે સાથે મારી આંગળીની વીંટી પણ આપું છું.” એમ કહીને રાજકુમારે આંગળી ઉપરથી વીંટી કાઢવા માંડી.

ગોપાએ તેને રોકીને કહ્યું: “ના, આપનો અલંકાર મારે જોઈતો નથી. મારી ઈચ્છા પૂર્ણ થઈ છે.” એટલું કહી લહાણી લઈને ગોપા ધીરે ધીરે ચાલી ગઈ. ગોપાનું રૂપ નીરખીને, વાતચીતમાં તેની વિદ્યા તથા ગુણનો પરિચય પામીને કુમાર તેની તરફ આકર્ષાયો. ગોપા પણ મનમાં ને મનમાં સિદ્ધાર્થને પોતાનો આત્મા સમર્પણ કરીને પિતૃગૃહે ગઈ.

પુત્રનો અભિપ્રાય જાણી જઈને રાજા શુદ્ધોદને દંડપાણિ પાસે ગોપાની સાથે સિદ્ધાર્થનો વિવાહ કરવાનું માગું મોકલ્યું; પણ ક્ષત્રિયોચિત શૌર્ય, પરાક્રમ આદિ ગુણો કરતાં વિચારશીલ અને તત્ત્વચિંત્વન માટે કુમાર સિદ્ધાર્થ ઘણો પ્રસિદ્ધ હતો; એટલે દંડપાણિએ એવા રાજકુમારને પોતાની કન્યા આપતાં આંચકો ખાધો. સિદ્ધાર્થને એ વાતની ખબર પડતાં એણે જાતજાતની કસરત, ખેલ, અસ્ત્રચાલન, વગેરે ક્ષત્રિયને છાજતા ગુણોમાં અને એ સમયના ઉચ્ચ શિક્ષણમાં પોતાની પ્રવીણતા ઘણી સારી રીતે સાબિત કરી આપી. આ પ્રમાણે કુંવર સિદ્ધાર્થે ક્ષત્રિયોએ અવશ્ય જાણવા યોગ્ય વિષયની પરીક્ષા પાર ઉતારીને ગાયારૂપી સ્ત્રીરત્ન પ્રાપ્ત કર્યું.

મનપસંદ વરને વરીને ગોપા છાયાની પેઠે પતિની અનુગામિની બની. સુખદુઃખમાં ગોપા હમેશાં પતિની સાથેજ રહેતી. દશ વર્ષ સુધી એમનો સંસાર ઘણા સુખમાં વ્યતીત થયો. ગૌતમની બધી ચિંતાઓ સુશીલ પત્નીના પ્રેમને લીધે ચાલી ગઈ. બન્ને સુખી થયાં. આનંદના દિવસો વહી જતાં વાર પણ ન લાગી.

એક દિવસ ગૌતમ સૂઈ રહ્યા હતા, રાત્રિ પૂરી થવા આવી હતી, ચંદ્રમા પશ્ચિમ આકાશમાં ડૂબી રહ્યો હતો, પૂર્વ દિશા સૂર્યનાં તરુણ કિરણોથી રંગાઈ રહી હતી. એવામાં એક ગવૈયો એવી મતલબનું ગીત ગાઈ રહ્યો હતો કે, “આ સંસારમાં કશું નિત્ય રહેવાનું નથી. કાળ બધાની પાછળ લાગી રહેલો છે.” આ ગાયન સાંભળતાં વારજ એમની નિદ્રા ઊડી ગઈ અને ઊંડા વિચારના તરંગો એમના મનમાં ઉત્પન્ન થયા ! વિચારનો પ્રવાહ હવે એ દિશામાંજ વહેવા લાગ્યો. શિકારે જતાં પણ વિચાર આવતો કે, સ્વછંદે રમતા આ નિર્દોષ પશુને મારવાનો મને શો અધિકાર છે ? આવો વિચાર કરીને ઉગામેલું ધનુષ્ય પાછું ખેંચીને ઘેર આવતા. કેટલાક ખેડૂતો પોતાના સ્વાર્થની ખાતર બળદને મારતા અથવા એમની પાસે એટલું વધારે કામ લેતા કે એ પશુઓની પીઠ ઉપર ચાઠાં પડી જતાં. એ જોઇને ગૌતમને દયા આવતી. એક દિવસ સારથિની સાથે રથમાં બેસીને ફરવા જતાં એક વૃદ્ધ પુરુષને જોયો. માણસ વૃદ્ધ શાથી થાય છે, વૃદ્ધાવસ્થામાં શાં દુઃખો છે, પરવશતા કેટલી વધી પડે છે, એ બધું સારથિને પૂછ્યાથી જાણ્યું. એ પણ જાણ્યું કે, પોતાનો સુંદર અને સબળ દેહ પણ એક દિવસ આવી જ રીતે જીર્ણ થશે.

ત્યાર પછી એક માણસના શબને લોકો લઈ જતા હતા તે જોયું. તે ઉપરથી તેમને મનુષ્યના શરીરની નશ્વરતા અને ક્ષણભંગુરપણાનું ભાન થયું. વળી એક સમયે એક રોગીને રોગથી તરફડિયાં મારતો જોયો. એ સંબંધી તપાસ કરી તો જણાયું કે, થોડા વખત પહેલાં એ સાજો હતો. હવે એને રોગ લાગુ પડ્યો છે; તેથી એ પીડાય છે. રોગ એ પણ શરીરનો ધર્મ છે.

જ્યારે જ્યારે ગૌતમે આવા દેખાવો જોયા ત્યારે ત્યારે એને ઊંઘ ન આવી. ગહન વિચારોમાં ચિત્ત ડામાડોળ થવા લાગ્યું. એક દિવસ સારથિની સાથે ફરવા જતાં એક સંન્યાસીને દીઠો. ગૌતમે એની મુલાકાત લીધી, એનો શો ઉદ્દેશ છે, શા કારણથી સંન્યસ્ત વ્રત લીધું છે વગેરે જાણી લીધું અને મનમાં ને મનમાં કાંઈ પ્રતિજ્ઞા કરી.

ગોપાના વિવાહને દશ વર્ષ વીતી ગયાં. એ ગર્ભવતી થઈ અને દશ માસ પૂર્ણ થતાં એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ગૌતમના પિતાને આશા બંધાઈ કે પ્રેમની આ દૃઢ સાંકળથી સિદ્ધાર્થ સંસારમાં બંધાઈ રહેશે. એને તત્વજ્ઞાનના વિચારો કરવાની ફુરસદ હવે નહિ મળે.

સગર્ભાવસ્થામાં એક રાત્રિએ ગોપા પતિની સાથે સૂઈ રહી હતી, એવામાં એને કાંઈક વિષમ સ્વપ્ન આવ્યું અને તે ઝબકીને ઊભી થઇ ગઈ. પતિના હસ્તને ત્રણ વાર ચુંબન કરીને પતિપ્રાણા સાધ્વી બોલી ઊઠી:―

“નાથ ! જાગો ! નાથ જાગો ! વાણી દ્યો આશ્વાસની”

ગૌતમ જાગ્યા. “વહાલી શું છે ? કેમ ઝબકી ઊઠી ? તબિયત તો ઠીક છે ને ?” એમ પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા, પણ ગોપાનું રુદન તો ચાલુ જ હતું. એને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. આખરે સ્વસ્થ થઈને એ નમ્રતાપૂર્વક બોલી:—

સૂતી હું નાથ ! સુખે મૃદુ નીંદરે, શિશુ બહુ ઉદરે તુજ તે સ્ફુરે;
જીવન, મોદ અને વળી પ્રેમની, દ્વિગુણ નાડી વહી હૃદયે રહી.
સુખદ ગાનજ તે તણું હું સુણી, મધુર નીંદરમાં શમતી ઘણી;
પણ અહો, કંઈ સ્વપ્નજ કારમાં, અનુભવી છબી જાગી હું તો હવાં.

એમ કહીને ગોપાએ પોતાને આવેલાં બે સ્વપ્નોની વાત જણાવી કે, “પહેલું સ્વપ્ન એવું આવ્યું કે જાણે હું એક ધોળો આખલો જોઉં છું. તેનાં શીંગડાં ફેલાયેલાં છે. કપાળમાં એક ચળકતો મણિ છે. એ નગરના દરવાજા તરફ મહાલતો મહાલતો જઈ રહ્યો હતો. કોઈ તેને રોકી શકતું નહિ. એટલામાં ઇંદ્રના મંદિરમાંથી એક વાણી સંભળાઈ: “જો તમે એને રોકશો નહિ તો નગરની કીર્તિ ચાલી જશે.” છતાં કોઈ રોકી શક્યું નહિ. હું મોટે સ્વરે રોતી રોતી એ આખલાને કંઠે વળગી અને રોકવા મથી. લોકોને નગરનાં દ્વાર બંધ કરવાની આજ્ઞા કરી, પણ વૃષભરાજ મારા હાથમાંથી સહેલાઇથી છૂટીને ચાલ્યો અને દરવાજાની ભોગળો તોડીને દરવાનને પગ નીચે ચગદીને ચાલ્યો ગયો.

“વળી બીજું સ્વપ્ન આ પ્રમાણે દીઠું. ચાર દિવ્ય સ્વરૂપો, સુમેરુ પર્વત ઉપર રહેતા દિક્‌પાળ હોય એમ જણાતાં, આકાશમાંથી અસંખ્ય ગણોની સાથે ઊતરીને નગરમાં ઝડપથી પેઠાં. તે સાથે ઇંદ્રલોકના દરવાજા ઉપરનો, સોનેરી વાવટો, ફડફડીને નીચે પડ્યો; ને તે સ્થળે એક તેજસ્વી વાવટો પ્રગટ થયો. તેના કપડામાં રૂપેરી દોરે સીવેલાં માણેક ગૂંથ્યાં હતાં અને તેનાં કિરણો વડે અપૂર્વ અને અર્થભાર ભરેલાં વચનો રચાયાં. તે વચનથી સર્વ જીવતાં પ્રાણીઓ હર્ષિત થયાં. પૂર્વમાંથી સૂર્યોદય સાથે પવન નીકળી એ વાવટો પહોળો થતાં એ વચનો સર્વને સ્પષ્ટ જણાયાં અને અદ્ભુત પુષ્પોની વૃષ્ટિ થઈ.”

સિદ્ધાર્થે ઘણું આશ્વાસન આપી કહ્યું:―

“ઓ મારી મધુરી પદ્મની કળી ! સર્વ છે સ્વપ્નએ રૂડાં, દીઠાં જે તે ફરી.”

ગોપાએ ઉત્તર આપ્યો:―

“સત્ય એ નાથ ! પણ એહ વિરામતાં.
ઘોર વાણી સુણી મેં તો; ‘આવી એ વેળ’ એમ ત્યાં.

“વહાલા ! એ ઉપરાંત મને જે સ્વપ્ન આવ્યું હતું તેની પણ વાત સાંભળો અને પછી કહે કે હું ગભરાઉ કે નહિ ? એ સ્વપ્નું આ પ્રમાણે હતું. હું જાણે આપના પડખામાં ભરાવાનું કરતી હતી તો આપ નહોતા. માત્ર વગર દબાયલો તકિયો અને ખાલી જભ્ભો ! સ્વપ્નમાંજ હું ઊભી થઈ અને મારી છાતી નીચે વીંટેલી આપની માળા–મેખલા બદલાઈ જઈને સર્પ બની ગઈ. પગનાં કલ્લાં સરી પડ્યાં, હાથનાં સોનાનાં કંકણ તૂટીને પડી ગયાં; કેશમાંથી જૂઈનાં ફૂલ કરમાઈને રજકણ થઈ ગયાં અને મારી લગ્નશય્યા જાણે જમીનમાં ડૂબી ગઈ અને કિરમજી મચ્છરદાની કશાકથી ચિરાઈ ગઈ. આ પછી દૂર દૂર પેલા ધેાળા વૃષભનો અવાજ સંભળાયો અને પેલો ભરતકામનો વાવટો ફફડ્યો અને બીજી વાર ‘આવી એ વેળ’ પુકાર સંભળાયો. એ સાંભળી હું જાગી ઊઠી.” આટલું બોલીને ગોપા રડવા લાગી. ગૌતમે તેને દિલાસો આપવા કહ્યું:―

“ધીરજ ધાર તું પ્રાણ ! મધુરી ! એ ધીરજ ધારે;
અવિચલ પ્રેમ છે સ્થાન, સતત આશ્વાસનનું તારે–ધીરજ૦

(સાખી)
ભલે સ્વપ્ન તુજ ભાવિનાં, ચિત્ર ચીતરે ગૂઢ,

ને દેવો ડગતા ભલે નિજ આસન આરૂઢ;
તદપિ તું ધીરજ ધારે–ધીરજ૦
વિશ્વ શકે ઉદ્ધારનો, માર્ગ જાણવા આજ,
તત્પર ઊભું ભેદ કંઈ, ગૂઢ સમજવા કાજ;
તદપિ તું ધીરજ ધારે–ધીરજ૦
દશા આપણી પલટીને, ભલે તજે નિજ સ્થાન,
સત્ય વદું છું યશોધરા, હૂતી ને છે મુજ પ્રાણ;
હૃદય એ તું ધીરજ ધારે–ધીરજ૦
દુઃખિત જગ ઉદ્ધારવા, અવિરત કરતો ધ્યાન,
નિર્મિત સમયજ આવતાં, ભાવિ નિશ્ચય ફળશે મહાન;
વહાલી ! ઓ ધૈર્ય તું ધારે–ધીરજ૦”

આ પ્રમાણે પ્રેમથી આશ્વાસન આપીને કહ્યું: “પ્રિયતમે ! હું અજ્ઞાત જીવોના દુઃખથી દુઃખિત થાઉં છું. તેમને માટે મારો આત્મા તલસી રહ્યો છે, તો પ્રિયમાં પ્રિય યશોધરાના જીવન ઉપર મારો આત્મા ભમ્યા નહિ કરે ? સર્વ વિશ્વમાં ભમી વળીને આખર તારા ઉપરજ વિશ્રામ લે છે. જે તીવ્ર શોધ હું કરૂં છું તે સર્વ માનવોને અર્થે છે એ ખરૂં, પણ સર્વથી વિશેષ તારે અર્થે છે.” આમ કહીને તેને શાંત પાડીને સુવાડી દીધી. પતિપ્રાણા યશોધરા પતિની આજ્ઞાથી ઊંઘી ગઈ; નિદ્રામાં પણ એજ સ્વપ્નાંના વિચાર આવી જતા અને તે લવી ઊઠતીઃ “એ વેળ આવી !”

એ દિવસે તો સિદ્ધાર્થ ગોપાને આશ્વાસન આપીને પોતે પણ સૂઈ ગયા, પણ મનમાં સમજ્યા કે પત્નીનાં સ્વપ્નો બધાં સાચાં છે. સંસાર પ્રત્યેની પોતાની આસક્તિ વાસ્તવિક રીતે ઓછી થતી જતી હતી અને જગતને ઉદ્ધારવાની ઈચ્છા પ્રબલ થતી હતી. રાજકુમારના ચિત્તમાં આ પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું હતું, એવામાં ગોપાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્ર થોડાકજ દિવસનો થયો એટલામાં સિદ્ધાર્થની દૃષ્ટિએ આગળ જણાવી ગયા એવા સંસારની નશ્વરતા સૂચવનારા પ્રસંગો જોવાને મળ્યા. એક રાત્રિએ ગોપા નાના બાળક રાહુલને ભેટીને સૂતી હતી, એ વખતે રાજકુમાર સિદ્ધાર્થને વિચાર આવ્યોઃ—

આવી રજની એ ! ઉદ્ધારવા જે રૂખ્યા.
માર્ગ વર્ય તું પુણ્યનો કે જગત કેરી વિભૂતિનો;
આ ક્ષણ જ નિર્ણય કઠિન કર્ય સુખ દુઃખ કેરી પ્રસૂતિનો
રાજનો અધિરાજ બનીને આણ નિજ વર્તાવવા,
કે મુકુટ ગૃહવિણ શૂન્ય ભટકી જગત્‌નેજ બચાવવા.

કર્યો નિશ્ચય દૃઢ આ વાર, હવે હું ચાલું રે,

નવ પાછો ફરૂં કો કાળ, અચળ પથ ઝાલું રે.
શોધું સત્ય અતિ ગૂઢ તે મળતા લગી ફરું નહિ.
અન્વેષણ અતિ તીવ્ર ને તપ ઉગ્ર ફળે જો કાંઈ. ”

ભર નિદ્રામાં સૂતેલી પ્રિયાને અને સુકુમાર બાળક રાહુલને તજીને જતાં સિદ્ધાર્થની આંખમાં આંસુ આવી ગયાં. એણે વિચાર્યું કે બાળકને છેલ્લી વાર ભેટી લઉં, પણ રાણીનો એક હાથ બાળક ઉપર પડેલો હતો તે ઉપાડીને પુત્રને લેવા જાય તો રાણી જાગી ઊઠે અને જાગ્યા પછી યશોધરા પતિને સંસારનો ત્યાગ કરીને જવા પણ દે? આવા વિચારથી તેણે હૃદયને કઠણ કરીને―

કીધી પ્રદક્ષિણા ત્રણવાર, શય્યા કેરી ધરી ભક્તિ સાર;
જોડી ધડકતે હૃદયે પાણિ, બોલ્યો સિદ્ધાર્થ અવિચલ વાણીઃ
“ફરી આ રમ્ય શય્યામાંહિ, કરૂં શયન કદી હું નાંહિ.”

રાણીના સૌંદર્ય અને સગુણને લીધે સિદ્ધાર્થને એના ઉપર અઢળક પ્રેમ હતો; એટલે ત્રણ વખત પાછા પત્ની શય્યા પાસે આવ્યા અને ત્રણ વખત પાછા ગયા. છેલ્લી વખતે માયાનાં બધાં બંધનો જ્ઞાનની તલવાર વડે કાપી નાખીને સિદ્ધાર્થ ત્યાંથી વિદાય થયા. આ પ્રસંગને બૌદ્ધધર્મમાં “મહાભિનિષ્ક્રમણ” નામથી એાળખાવવામાં આવ્યો છે.

સવાર થતાં આ સમાચાર સઘળે ફેલાઈ ગયા રાજમહેલ અને નગરવાસીઓ રડારોળ કરવા લાગ્યા. સ્વામીના વિચારોમાં થતું પરિવર્તન ગોપાએ ઘણા સમયથી જોયું હતું. પોતાને આવેલાં સ્વપ્નાં ઉપરથી ભવિષ્યનું અનુમાન કર્યું હતું. એ સમજી ગઈ કે સ્વામી ગૃહસંસાર ત્યાગી સંન્યાસી બન્યા. એ તો હવે જગતનો ઉદ્ધાર કરશે; પણ હું શું કરું ? એક તો સ્ત્રીની જાત હતી, બીજું બાળકપુત્ર ખોળામાં હતો, ઘરનો ત્યાગ કરીને ચાલ્યા જવું તેને માટે સંભવિત નહોતું. એ ઘરમાં રહીનેજ સંન્યાસિની થઈ.

રાજવધૂનો વેશ કાઢી નાખીને ગોપાએ સંન્યાસિનીનો વેશ ધારણ કર્યો. રાજમહેલમાં કુળવધૂના બધા ભોગવિલાસનો બિલકુલ ત્યાગ કરીને એણે કઠોર બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું.

સસરાએ ઘણું સમજાવી. સાસુએ ઘણું રુદન કર્યું પણ ગોપાનું મન ચળ્યું નહિ. એણે સંન્યાસિનીનો સાદો વેશ તથા કઠોર વ્રત છોડ્યાં નહિ.

સાસુજીને બોલાવીને ગોપાએ કહ્યું: “મા ! તમે ધર્મશીલ હોવા છતાં મને અધર્મમાં શા માટે દેરવા માગો છો ? જેના સ્વામી સંન્યાસી થયા તે સ્ત્રીને વસ્ત્રાભૂષણ, ભોગવિલાસનું શું પ્રયોજન ? સ્વામીજ નારીનું સર્વસ્વ છે; સ્વામી એજ તેનું સુખ, તેનો ભોગવિલાસ અને તેનાં આભૂષણ છે. સ્વામીજી જ્યારે ઘરબાર છોડીને સંન્યાસી થઈ ગયા, તો તેમની સાથે મારૂં બધું સુખ પણ ડૂબી ગયું. ગૃહસ્થાશ્રમનું સુખ જતું રહ્યું, ભોગવિલાસ જતા રહ્યા. વસ્ત્રાભૂષણના આડંબર કરવાનું હવે પ્રયોજન રહ્યું નથી. હવે તો મારો ધર્મજ જાણે બદલાઈ ગયો છે.

“સ્વામી જ્યારે રાજપુત્ર હતા ત્યારે હું રાજવધૂ તરીકે તેમની સંગી અને સહધર્મિણી હતી. આજ એ સંન્યાસી થયા તો હું સંન્યાસિની થઈશ. સ્ત્રીનું જીવનવ્રત એજ છે કે સ્વામીની અનુગામિની થવું. એ વ્રત મે આરંભ્યું છે. તો માજી ! કૃપા કરીને મને એમ કરતાં રોકશો નહિ. વળી મા ! તમારો એકનો એક પુત્ર આજે સંન્યાસી થઈ અરણ્યમાં કથોર તપશ્ચર્યા કરે છે એ તમારાથી સહેવાય છે, તો ઘરમાં બેસીને વહું સંન્યાસિનીનો વેશ ધારણ કરીને, સંન્યાસિનીવ્રત પાળે છે એ શા માટે સહન નથી થતું ?”

ગૌતમીદેવી પુત્રવધૂનો જવાબ સાંભળીને ચૂપ રહી.એ સિદ્ધાર્થની માશી તેમજ ઓરમાન મા થતી હતી. સિદ્ધાર્થની જનની મહામાયા પુત્રના જન્મ પછી સાત દિવસમાં મરી ગઈ હતી. ગૌતમીએ માતાની માફક સિદ્ધાર્થને ઉછેર્યો હતો. ગૌતમીના પુત્ર તરીકેજ સિદ્ધાર્થ ગૌતમબુદ્ધ નામથી પ્રસિદ્ધ થયો.

આ રીતે:—

શોક ભરી બેસી રહી, ને જીવન સુખ સહુ છાંડ્યું;
મધુર રાણી યશોધરાએ, વૈધવ્ય વિરલું માંડ્યું.

આ પ્રમાણે અનેક વર્ષ વીતી ગયાં, રાજા શુદ્ધોદને પુત્રની ઘણી તપાસ કરાવી પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. છ વર્ષ સુધી ગૌતમે રાજગૃહની પાસેના વનમાં અને પછી ગયાના ગંભીર અરણ્યમાં તપશ્ચર્યા કરી. આખરે ગયા નગરીની પાસેના એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતાં ધરતાં એમને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું. જે જ્ઞાનની શોધમાં હતા તે મળી ગયું. એ જાગ્યા, હૃદયમાં ખરો બોધ થયો એટલે પોતે બુદ્ધ થયા. આ સમયે તેમની ઉંમર ૩૫ વર્ષની હતી. હવેથી એ ભિક્ષુના વેશમાં સર્વત્ર પોતાને જ્ઞાન થયું હતું તે જ્ઞાનનો પ્રચાર કરવા લાગ્યા. હવે આપણે સિદ્ધાર્થને બુદ્ધદેવ, બુદ્ધ ભગવાનના પવિત્ર નામથી સંબોધીશું.

થોડા સમય પછી બુદ્ધદેવ ધર્મનો પ્રચાર કરતા કરતા એક દિવસ કપિલવસ્તુ નગરીમાં પહોંચ્યા, રાણી યશેાધરા એ સમયે પતિવિરહથી દુઃખી બનીને, બાળપુત્ર રાહુલની બાળચેષ્ટાઓ નિહાળતી નદીકિનારે બેઠી હતી અને ઊંડા નિઃશ્વાસ નાખીને મનમાં ને મનમાં પક્ષીઓને કહેતી હતી કે:–

“કદી જઈ ચઢો અકસ્માત,જહિં છૂપ્યા રહ્યા મુજ નાથ;
કહેજો યશોધરાના પ્રણામ, પછી વિનવીને વદજો આમ:
‘સુણવા શબ્દ એક તમ મુખનો, લેવા લ્હાવો ક્ષણ સ્પર્શ સુખનો,
મરણોન્મુખ જીવતી છે દાસી,’ કહેજો એટલું નભવાસી !”

આ પ્રમાણે રાણી શોકોદ્‌ગારો કાઢી રહી હતી, એવામાં દાસીએ આવીને શુભ સમાચાર કહ્યા:—

“રાણીજી ! ઓ રાણીજી ! આવ્યા નવીન કો આપણા;
પુરમાંહિ દક્ષિણ દ્વારથી બે વાણિક હસ્તિનાપુરતણા,”

ભંડાર દૂરજ દેશના.
લાવિયા, પણ એહ સર્વે રત્નને ઝંખાવતી,
લાવ્યા અમોલી એક વાર્તા રાણી ! તમ મન ભાવતી !
ભાળ લાગી એહની, તુજ નાથની અમ રાજની,
આ ભૂમિકેરી બધી આશા તણા એ શિરતાજની.
નિરખિયો સિદ્ધાર્થ નજરોનજર એ વ્હેપારિયે,
ને પૂજિયો ચરણે ઢળી અભિવંદિયો શિરનામીને;
ભાખિયું હતું ભવિષ્ય તે અનુસાર બનિયો રાજ એ,
જ્ઞાની તણો ગુરુ, ભુવનવંદ્ય, પવિત્ર અદ્‌ભુત આજ એ;
બુદ્ધ બનિયો, મધુર વચને ને અગાધ દયા ગુણે,
જન તારતો, ઉદ્ધારતો, અહીં આવતો વણિકો ભણે.”

અંધને ફરીથી નેત્રની પ્રાપ્તિ થાય તેના કરતાં પણ હજારોગણો હર્ષ આ સમાચારથી ગોપાને થયો. એણે તરતજ એ વણિકોને પોતાની પાસે બોલાવ્યા અને એ શુભ સમાચાર પોતાને કાને સાંભળ્યા તથા અનેક રત્ન–માણિક્ય એ લોકોને ઈનામમાં આપીને વિદાય કર્યાં.

બુદ્ધદેવના પિતા રાજા શુદ્ધોદન એ સમયે જીવતા હતા. કપિલવસ્તુ નગરીમાં બધે બુદ્ધદેવના પધાર્યાના સમાચાર પહોંચી ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો અને રાજપુત્રને જોવા લોકોનાં ટોળેટોળાં છૂટ્યાં. લોકોએ જોયું કે રાજકુમાર ભિક્ષુકના વેશમાં રસ્તામાં ભિક્ષા માગે છે અને પોતાના ધર્મનો ઉપદેશ કરે છે.

ગોપાએ અગાશીમાં ચઢીને ભિક્ષુ સ્વામીને જોયા.

હાય ! ગોપાથી આ દૃશ્ય દેખી શકાય ? જે રાજકુમારના અંગ ઉપર હજારો મણિમાણિક્ય ઝળકી ઊઠતાં હતાં, સેંકડો દરજીઓ જેનો પોષાક બનાવતાં થાકી જતા હતા, અસંખ્ય નોકરો જેમની સેવામાં રાતદિવસ હાજર રહેતા હતા, જેનું સુંદર રૂપ જોઈને ગોપા પોતે મુગ્ધ થઈ ગઈ હતી, તેજ પ્રિય સ્વામી આજ ધ્રુવની માફક રાજપાટનો ત્યાગ કરીને, પોતાની ઈચ્છાથી દીનવેશ ધારણ કરીને પોતાનાજ રાજ્યના રાજમાર્ગમાં ઉઘાડા પગે ફરે છે ! જે મસ્તકમાં રોજ જાતજાતનાં સુગંધીદા૨ તેલ નખાતાં હતાં તે સુંદર ઝૂલફાં હવે ક્યાં છે ? કાનમાં હીરાનાં કુંડળ ક્યાં છે ? એ રાજકુમારનો પહેરવેશજ ક્યાં છે ? ગોપાએ ચુપચાપ બધું જોયું. તેની આંખોમાંથી અશ્રુધારા છૂટી, સ્વામીનું મુંડન કરાવેલું શિર અને ગરીબ ભિખારી જેવો વેશ જોઈને ગોપાથી પોતાના હૃદયના આવેશને રોકી શકાયો નહિ.

ઘણી વાર સુધી રોઈને આખરે એણે મનને શાંત કર્યું. મનમાં ને મનમાં એ વિચારવા લાગી: “છી ! હું આ શું કરૂં છું ? હું કયા દુઃખથી જોઉં છું ? હું દેખતી નથી કે તેમના ચરણારવિંદથી નગર ઝગઝગાટ થઈ ગયું છે. તેમના દર્શનથી નગરવાસીઓનાં મોં ઉપર કાંઈ દિવ્ય પ્રકાશજ જણાઈ આવે છે અને હું તેમની ધર્મપત્ની છું. હું રુદન કરી રહી છું ! હાય ! વેશાભૂષણહીન હોવા છતાં પણ, એ મૃર્તિ અતુલ જ્યોતિર્મય છે. એની આગળ રાજતેજ શા હિસાબમાં ? એ પૂર્ણ શાંતિ અને જ્યોતિર્મય મહામૂર્તિ મારા સ્વામી છે. એજ મારા સ્વામી આજે મનુષ્યરૂપમાં દેવતા છે. આજ એમણે ભોગવિલાસનો ત્યાગ કર્યો છે, સુખદુઃખથી તે અતીત છે. આજ રાજવેશ અને ભિક્ષુક વેશમાં તેમના મનથી કાંઈ ભેદ નથી. આજ રાજમહેલનો રાજા અને ગરીબભિખારીની ઝુંપડીની ભાજી એમને મનથી સમાન છે. અહા ! આજ એ કેવા મહાન, કેવા ઉચ્ચ છે ! તેમના અમૃતમય ઉજ્જવળ દેહને હું પાર્થિવ વેશાભૂષણથી ઢંકાયેલું જોવાની ઈચ્છા રાખતી હતી !! આજ મારે સ્વામીના મહત્ત્વના ગૌરવથી પોતાને ગૌરવાન્વિત સમજવી જોઈએ; ન કે આમ મોહાંધ સ્ત્રીની પેઠે રોવું જોઈએ. જો મારામાં એટલું પણ મહત્ત્વ ન હોય તો પછી એવા મહાપુરુષની સ્ત્રી ગણાવું ફોગટ છે.”

ગોપા અગાશીમાંથી બે હાથ જોડીને ભક્તિપૂર્વક દેવતારૂપી સ્વામીને નમસ્કાર કરીને નીચે ઉતરી.

બુદ્ધદેવ નિમંત્રિત થઈને રાજનગરીમાં આવ્યા હતા, પણ સ્વામીના સંન્યસ્તવ્રતમાં ભંગ પડે એ બીકથી ગોપા તેમનાં દર્શન કરવા ગઈ નહોતી. બાળક પુત્ર રાહુલને બોલાવીને અંતઃપુરમાંથી બુદ્ધદેવને દેખાડીને ગોપાએ કહ્યું: “બેટા ! આ તારા પિતાજી. જા, એમને પ્રણામ કરીને એમની પાસે પિતૃધનની પ્રાર્થના કર !”

હાય ! ગોપા ! રાહુલનું પિતૃધન હવે કઠોર સંન્યાસ છે એ તને ખબર નથી ? સ્વામીના સંન્યાસથી તું સંન્યાસિની થઈને ગૌરવ માને છે, પણ બાળક પુત્રને પણ એજ કઠોર સંન્યાસનો વારસો અપાવતાં તારૂં હૈયું કેમ ચાલે છે ?

રાહુલ પિતાની પાસે ગયો. પિતૃધન–પિતાના વારસાની ઇચ્છા રાખનાર પુત્રને સંન્યાસી પિતાએ સંન્યાસની દીક્ષા આપી.

વળી કેટલાંક વર્ષો વીતી ગયાં. પિતા શુદ્ધોદનના મૃત્યુ સમયે બુદ્ધદેવ પાછા એક વાર કપિલવસ્તુ નગરમાં પધાર્યા. શુદ્ધોદનનું મૃત્યુ થયું. ગોપા અને નગરવાસી બીજી કેટલીક સ્ત્રીઓએ બુદ્ધદેવની પાસે આવીને સંન્યાસધર્મ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. એમને દીક્ષા આપીને બુદ્ધદેવે ભિક્ષુણી સંપ્રદાય સ્થાપ્યો. ગોપા ભિક્ષુણી સંપ્રદાયની–એ સેવિકાઓની ટોળીની આગેવાન થઈ.

આજ ગોપાનું જીવન સફળ થયું. આજ સ્વામીના ત્યાગમાં ત્યાગી, સ્વામીના ગૌરવથી ગૌરવિણી, સ્વામીના ધર્મકર્મની સંગી, સ્વામીના પુણ્યતેજના મહિમાથી મહિમામયી, જગતના સર્વશ્રેષ્ઠ મહાસાધકની સહધર્મિણી યશોધરા, ફક્ત કહેવાની જ નહિ, પણ ખરેખરી રીતે સ્વામીની સહધર્મિણી અને સહચારિણી બની.

એ ત્યાગી અવસ્થામાં પરિવ્રાજિકા યશોધરાએ પતિ–ગુરુદેવને એક વાર પૂછ્યું:—

“અરહંત તણા ઊંડા, હૃદયે કો સમે પડે;
પૂર્વાવસ્થા તણી છાયા ? ભગવન્ ! પૂછું આદરે.
છાયાએ અર્પતી કાંઈ લાંચ્છનો ઉર શુદ્ધને ?
નિર્વાણ શાંતિમાં એથી પડતો ભંગ કો ક્ષણે ?”

પત્નીનો એ સરળ પ્રશ્ન સાંભળી બુદ્ધદેવે કૌમુદીપટમાં તદ્‌ગુણતા પામતી એક નૌકાને દૃષ્ટાંતરૂપે બતાવીને કહ્યું;—

(વસંતતિલકા)

“સાધ્વી ? તને કહું હું આજ નિગૂઢ એક,
અજ્ઞાન પામર લહી શકશે ન ભેદ;
નિર્વાણનું અકલ રૂપ ન મંદ જાણે,
શાંતિ જલે લહરિને સ્થિતિ ભંગ માને !
નિર્વાણ સિંધુ જલમાં કદી ના વિકાર;
આભાસ થાય કદી, અન્યજ એ પ્રકા૨.
મારા અગાધ હૃદયે બનિયા બનાવ,
તેમાંથી એક વરણું, સુણ્ય ધારી ભાવ.

(અનુષ્ટુ૫)

મંથનો મેં કર્યાં ઊંડા, બોધિવૃક્ષ તળે રહી;
ચિત્રો નાના પ્રકારોનાં, પ્રગટ્યાં ને ગયાં શમી.
અંતે આનંદ–સિંધુના, જળમાં બોળતું મને;
પ્રગટ્યું તીવ્ર કો ઊંડું, સંવેદન કહું તને.
પામ્યો હું સહસા ત્યારે, અપ્રમેય દશા નવી;
ખરો નિર્વાણનો સિંધુ, રેલાયો હૃદયે રમી.

(વસંતતિલકા)

નિર્વાણ એ અનુભવ્યો સતત પ્રવાહી,
વર્ષો અનેક લગી, શાંતિ રહી છવાઈ.
તોએ ઊંડા અનુભવે કદી ભિન્ન ભાસી,
એ શાંતિમાં પ્રગટતા, પછી જાય નાસી.
જો એક વેળ બનિયું ન બન્યું કદી જે,
હું ધ્યાનમાં સ્થિર રહ્યો, નવ લક્ષ બીજે;
ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની,
એ ધ્યાનમાં સ્ફૂરતી જો ! પ્રગટીજ છાની.
આભૂષણો વળી, દુકૂલજ રાણી જોગાં,
સર્વે ગયાં સરી, અને પ્રગટ્યાંજ બીજાં;
સાદાં, તથાપિ કંઈ દીપિત દિવ્ય તેજે,
તે ધારતી મૃદુલ કાન્તિ નિહાળી મેં તે

.

(અનુષ્ટુ૫)

નૌકા પેલી સરે જ્યોત્સ્ના, પૂરમાં તે સમી સ્થિતિ;
દિવ્યતા પામતી તારી, મધુરી મૂર્તિની હતી.

(વસંતતિલકા)

એ શુદ્ધ મૂર્તિ આ હૃદયે સ્ફુરંતી,
નિર્વાણ–કૌમુદી જળે દીઠી મેં સરંતી;
નિર્વાણમાં નવ થયો કંઇ તેથી ભંગ,
નિર્વાણ તું બની રહી મમ દિવ્ય અંગ.”[]

બુદ્ધદેવનો આ ઉત્તર એમનો યશોધરા માટેનો પ્રેમ તથા સદ્ભાવ સૂચવે છે. બૌદ્ધદેવનો ધર્મ બહુ ઝડપથી આખા દેશનાં સ્ત્રીપુરુષોમાં ફેલાઈ ગયો. તેનો કાંઈક યશ આ આર્યનારીની પરમ સાધનાને પણ ઘટે છે. ભિક્ષુણી સંપ્રદાયની આગેવાન તરીકે અનેક રમણીઓને સેવા અને પરોપકારના વ્રતમાં પ્રેરીને ગોપાએ જગતને મોટો લાભ પહોંચાડ્યો હતો.

યશોધરાના શરીરનો રંગ કાંચન સમે હોવાથી બૌદ્ધધર્મના ગ્રંથોમાં પણ ભદ્રા કાંચના નામથીજ તેને સંબોધવામાં આવ્યાં છે.

સંઘમાં દાખલ થયા પછી આત્મોન્નતિ ઉપરજ તેણે પોતાનું સઘળું લક્ષ્ય પરોવ્યું હતું. ભિક્ષુણીસંઘના નિયમોનું પાલન તેણે બીજી ભિક્ષુણીઓની પેઠેજ પૂર્ણ કાળજીપૂર્વક કર્યું હતું. ત્યાં એણે અર્હત્‌ પદ પ્રાપ્ત કર્યું અને અભિજ્ઞાઓમાં પ્રવીણતા મેળવી. એક દિવસ ધ્યાનમાં બેઠી હતી, ત્યાં એને એકદમ પૂર્વકાળના હજારો જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તેનો એ ગુણ વિશેષ પ્રસિદ્ધ થયો.

બુદ્ધ ભગવાન ભિક્ષુણીસંઘમાં પદવિદાનના સમારંભમાં મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓમાં યશોરાને અગ્રસ્થાન આપ્યું, મહાભિજ્ઞા પ્રાપ્ત કરનાર ભિક્ષુઓ તો થઇ ગયા છે; પરંતુ સ્ત્રીઓમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરનારી એકલી યશોધરાજ હતી. દિવ્ય શક્તિને અભિજ્ઞા કહે છે. જાતજાતના ચમત્કાર કરવા, દિવ્યનાદ શ્રવણ કરવો, બીજાઓના મનની વાત પારખવી, પૂર્વજન્મનું સ્મરણ થવું, દિવ્ય ચક્ષુ આવવાં અને વિકારોનો ક્ષય થવો એને અભિજ્ઞા કહે છે. મહાભિજ્ઞા એનાથી પણ ઉપરનો દરજ્જો છે. એ પ્રાપ્ત કર્યાથી અસંખ્ય પૂર્વજન્મનું જ્ઞાન થાય છે.

અભ્યાસથી યોગી એ શક્તિઓ પોતાની મેળેજ પ્રાપ્ત કરી શકે છે એવો બુદ્ધદેવનો અભિપ્રાય હતો; પણ એનેજ એકમાત્ર ધ્યેય ન સમજી લેવું જોઈએ અને એના પ્રત્યે આસક્તિ ન રાખવી જોઇએ એવો એમનો ઉપદેશ હતો.

  1. આ ચરિત્રમાંની કવિતાઓ સાક્ષરવર્ય રા. રા. નરસિંહરાવભાઈના ‘નૂપુરઝંકાર’ ગ્રંથમાંથી લેવામાં આવી છે.