કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ચાલા

← વિજયા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ચાલા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વડ્‌ઢમાતા →


७१–चाला

ગધ દેશના નાલક નામના ગામમાં એનો જન્મ થયો હતો. એની માતાનું નામ સુરૂપસારી હતું. બ્રાહ્મણી સુરૂપસારીના પુત્ર સારીપુત્ત હતો. સારીપુત્તે સંસાર ત્યાગીને પોતાના જ્ઞાનને લીધે થેર-સાધુ તરીકે ઘણીજ ખ્યાતિ મેળવી હતી. બુદ્ધભગવાનના આગેવાન શિષ્યોમાં તેની ગણતરી હતી. મોટાભાઈએ સંસાર ત્યજીને બૌદ્ધધમનો સ્વીકાર કર્યો, ત્યારે ચાલા અને તેની બીજી બે બહેનોએ વિચાર કર્યો કે, “મોટાભાઈ જેવા જ્ઞાની અને વિચારશીલ પુરુષે જે ધર્મ અને આશ્રમનો સ્વીકાર કર્યો છે, તેમાં અવશ્ય કાંઈ ઉત્તમ તત્ત્વ હોવું જોઈએ. એ ધર્મ અસાધારણ હોવો જોઈએ. અમે પણ ભાઈનું જ અનુસરણ કરીશું.” એમ વિચારીને એ ત્રણે બહેનોએ સંસારનો ત્યાગ કરીને થેરીવ્રત અંગીકાર કર્યું. તેમની યુવાવસ્થા અને સૌંદર્યને જોઈને 'મારે' તેમને લલચાવવા અને સંસારની જાળમાં ફસાવવાને ઘણો યત્ન કર્યો. મારની સાથેનો પોતાનો વાર્તાલાપ થેરીગાથામાં ચાલાએ વર્ણવ્યો છે.

સાધુપંથને અનુસરી, ઈદ્રિયદમન કરી, શાંત પદ અને સંયમનું સુખ પ્રાપ્ત કરી એ ભિક્ષુણી જગતનાં દુઃખોને ત્યજીને બેઠી હતી, એવામાં મારે આવીને તેને પ્રશ્ન કર્યોઃ “શા ઉદ્દેશથી શિર મૂંડાવ્યું છે અને ચીર ધારણ કર્યું છે? શ્રમણીના જેવો વેશ શા સારૂ ધારણ કર્યો છે? પાખંડીઓના દળમાં તું શા સારૂ દાખલ થઈ છે? કયું ફળ મેળવવાની તારી આશા છે?”

ચાલાએ ઉત્તર આપ્યોઃ “પાખંડી તો એ છે કે, જેઓ જ્ઞાનદૃષ્ટિહીન છે, ધર્મનું તત્ત્વ જાણતા નથી અને મૂર્ખ છે. શાક્યકુળમાં જન્મેલા નરશ્રેષ્ઠે મને ઉપદેશ આપીને બધી બાબતોનું શિક્ષણ આપ્યું છે. દુઃખનું કારણ તથા દુઃખ શાથી જાય છે, તે હું શીખી છું. આર્યોના ધર્મનાં આઠ અંગનું શિક્ષણ પણ મેં મેળવ્યું છે. એ ગુરુદેવની વાણીને અનુસરીને હું જગતમાં વિચરણ કરૂં છું. તથાગતની સેવા કર્યાથી મેં ત્રિવિદ્યાને પ્રાપ્ત કરી છે. મારી ભોગની તૃષ્ણા મરી ગઈ છે; અંધકાર ચાલ્યો ગયો છે. હે માર ! તું અહીંયાં હણાયો છે. ચાલ્યો જા.”