કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વિજયા

← ગુપ્તા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વિજયા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચાલા →


७०–विजया

રાજગૃહ નગરમાં કોઈ ક્ષત્રિયને ઘેર તેનો જન્મ હતો. મોટી થયા પછી રાજરાણી ખેમા સાથે તેનાં બહેનપણાં બંધાયાં. ખેમાએ જ્યારે સંસારનો ત્યાગ કરીને થેરીપદ ગ્રહણ કર્યું, ત્યારે વિજયાને વિચાર આવ્યો કે, “મારી સખી રાજવૈભવ છોડીને ભિક્ષુણી બની શકે, તો હું પણ એમ શા માટે ન કરું? અનેક દુઃખોથી ભરેલા આ સંસારમાં શા સારૂ પડી રહું?” એમ વિચારીને એ પણ થેરી બની. ખેમાએ એને ધર્મનું તથા ભિક્ષુણીઓનાં કર્મોનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે ચાલ્યાથી તથા એકાગ્રચિત્તે અભ્યાસ કર્યાથી એ અર્હંત્‌પદને પામી હતી.

થેરીગાથામાં ૧૬૪ થી ૧૭૪ મા શ્લોક સુધીની રચના એની છે. એમાં એ પાતાનો ધાર્મિક અનુભવ વર્ણવે છે કે, “મનની શાંતિ અને વિચારો ઉપર કાબુ મેળવવા સારૂ હું મારા એકાંતવાસ છોડીને બહાર આવી અને ખેતરેખેતર ફરી. ત્યાર પછી હું ભિક્ષુણી ખેમાની પાસે ગઈ અને તેની આગળ મારા ચિત્તને ડામાડોળ કરી મૂકનારી શંકાઓ જણાવી, તેમની પાસેથી હું દુઃખનું કારણ સમજી અને ધર્મ શીખી; વળી શ્રેષ્ઠ તત્ત્વો તથા ઇંદ્રિય ને બલનું નિદાન જાણ્યું. ધર્મના આઠ માર્ગ અને બુદ્ધની આજ્ઞાઓ પણ શીખી. ભિક્ષુણીની આજ્ઞા માનીને સાધનામાં ચિત્ત પરોવ્યું. રાત્રીને પહેલે પહોરેજ પૂર્વજન્મનાં સ્મરણો ઉદય થઈ આવ્યાં અને રાત્રીના બીજા પહોરમાં દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયાં. ત્રીજે પહોરે આ ચિત્તમાંથી અંધકારનો નાશ થઈ ગયો. આ પ્રમાણે મનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરીને ઊંડી સાધનામાં હું સાત દિવસ સુધી બેઠી. સાતમે દિવસે મારો અંધકાર ચાલ્યો ગયો.”