કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ચુલ્લબોધિની પત્ની

← માદ્રી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ચુલ્લબોધિની પત્ની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
માયાદેવી →


२–चुल्लबोधिनी पत्नी






બોધિસત્ત્વ પૂર્વજન્મમાં એક વાર કાશી રાજ્યમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. એ જન્મમાં એમનું નામ ચુલ્લબોધિ હતું. તેમની પત્ની ઘણી સુશીલ હતી. લગ્ન થઈ ગયું હતું, પણ પતિની વૃત્તિ વૈરાગ્ય તરફ હોવાથી એ વિદુષી તરૂણીએ પણ પોતાની કામવૃત્તિઓને અંકુશમાં રાખી અને પતિને ધર્મસાધનામાં મદદરૂપ થઈ પડવાના હેતુથી તેના વ્રતમાં ભંગ પડવા દીધો નહિ. આખરે જ્યારે ચુલ્લબોધિનાં માતપિતા મરણ પામ્યાં; ત્યારે તેણે કહ્યું: “ભદ્રે ! અમારા પૂર્વજોની આ અપાર સંપત્તિ તું લે અને દાનાદિક પુણ્યકર્મો કરીને આ ઘરમાં સુખેથી કાળ વ્યતીત કર. મને ગૃહસ્થાશ્રમનો હવે કંટાળો આવ્યો છે. હું પરિવ્રાજક વેશે હિમાલય ઉપર વાસ કરવા ઈચ્છું છું.”

તેની પત્ની બોલી: “આર્યપુત્ર ! પુરુષોએ પ્રવજ્યા વેશ ધારણ કરવો અને સ્ત્રીઓએ નહિ, એવો નિયમ છે શું ?”

બોધિસત્ત્વે કહ્યું: “એવો કાંઈ નિયમ નથી; તોપણ તું મોટા

કુળમાં જન્મેલી સુકુમાર સ્ત્રી છે. તારાથી અરણ્યવાસનાં દુઃખો સહ્યાં જશે નહિ. તેથી હું કહું છું કે, તારે આ ઘરમાંજ રહી દાનાદિ પુણ્યકર્મ કરવાં.”

બોધિસત્ત્વે ભાર્યાને પોતાની સાથે ન આવવાને ઘણી સમજાવી, પરંતુ તે સત્ત્વશીલ સ્ત્રીએ ભાવિ દુઃખોને ન ગણકારતાં તાપસ વેશ સ્વીકારીને પતિનો માર્ગ ગ્રહણ કર્યો. થોડા સમય બન્નેએ ફળમૂળ ખાઈને હિમાલયમાં વ્યતીત કર્યો. ત્યાર પછી તેઓ ભિક્ષા માગવા સારૂ કાશી રાજયમાં આવી પહોંચ્યાં.

કાશીરાજ એક દિવસે બગીચામાં ફરવા ગયો હતો, ત્યાં એણે એક વૃક્ષ નીચે બોધિસત્ત્વને અને બીજા વૃક્ષ નીચે તેની પત્નીને દીઠાં. રાજા સ્ત્રીનું રૂપ જોઈને મોહિત થઈ ગયો અને કાંઈ પણ પરવા ન કરતાં એ સ્ત્રીને પોતાના મહેલમાં લઇ જવાનો સિપાઈઓને હુકમ આપ્યો. રાજમહેલમાં રાજાએ તે સ્ત્રીને લલચાવવાનો ઘણોયે પ્રયત્ન કર્યો પણ ભય કે લાલચ કશાની એ પતિવ્રતા ઉપર અસર થઈ નહિ. આખરે રાજાએ પણ બળાત્કારથી સતીનું શિયળ ભંગ કરવાનો વિચાર માંડી વાળીને તેને બોધિસત્ત્વની પાસે મોકલી આપી.

પતિની ઉચ્ચ અભિલાષાઓ પોષવા માટે, દુઃખમાં પતિની સહચારિણી થવા માટે અને આપત્તિમાં પણ પાતિવ્રત્ય ધર્મમાં અટળ રહેવા માટે ચુલ્લાબોધિની પત્ની આપણી પ્રશંસાને પાત્ર છે.*[]

  1. ‘બુદ્ધલીલાસારસંગ્રહ’માંથી સાભાર ઉદ્ધૃત.