કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/માયાદેવી
← ચુલ્લબોધિની પત્ની | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો માયાદેવી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
મહાપ્રજાપતિ ગૌતમી → |
३–मायादेवी
એ કોળિયા દેશના રાજા મહાપ્રબુદ્ધની જ્યેષ્ટ કન્યા હતાં. દેવદહ નગરમાં એમનો જન્મ થયો હતો. એમના જન્મ સમયે બ્રાહ્મણોએ ભવિષ્યવાણી કહી હતી કે, “આ કન્યાને પટે ચક્રવર્તી કુમાર જન્મ લેશે.” પિતાને ઘેર એમને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળ્યું હતું અને અનેક સદ્ગુણોથી એમનું જીવન વિભૂષિત થયું હતું. કપિલવસ્તુના પરાક્રમી રાજા શુદ્ધોદન સાથે એમનું લગ્ન થયું હતું. રાજાએ એમને પટરાણીરૂપે સ્થાપ્યાં હતાં. માયાદેવીમાં મિથ્યા માયા લેશમાત્ર નહોતી. એમનું રૂપ અપૂર્વ હતું. અજ્ઞાનરૂપી અંધકારનો એમણે નાશ કર્યો હતો. પ્રજાની સાથે એમની વર્તણુંક માતા સમાન હતી. સદા એમના કલ્યાણમાંજ પોતે તલ્લીન રહેતાં. મુરબ્બીઓ પ્રત્યે સાક્ષાત્ ભક્તિરૂપ બનીને આજ્ઞાધીનતા દાખવતાં. ટૂંકાણમાં એ કે રાજા શુદ્ધોદનના રાજમહેલમાં તથા તેના આખા રાજ્યમાં દેવી માયા એક લક્ષ્મીસ્વરૂપ હતાં. પ્રજાનો પણ તેમના પ્રત્યે પૂરો આદરભાવ હતો.
જે મહાપુરુષ દ્વારા આખા જગતનું કલ્યાણ થવાનું હતું, ભૂતદયા, મૈત્રી, કરુણા, ક્ષમા આદિ સદાચારોનો સંદેશો જગતને જેની મારફતે સંભળાવવાનો હતો, તેની માતા થવાનું વિધાતાએ સાધ્વી માયાદેવીને માટે નિર્માણ કર્યું હતું.
આષાઢી પૂર્ણિમા પહેલાં સાત દિવસ ઉપર કપિલવસ્તુમાં એક મોટા ઉત્સવનો આરંભ થતો. માયાદેવી સાત દિવસ સુધી ચંદનપુષ્પથી શરીર શણગારી અતિ આનંદથી ઉત્સવમાં ભાગ લેતાં. માયાદેવી તદ્દન નિર્વ્યસની હતાં. દારૂને કદી પણ સ્પર્શ ન કરવાનો એમનો નિયમ હતો અને એ નિયમનું એમણે જિંદગીપર્યંત પાલન કર્યું હતું. બીજાં ક્ષત્રિય સ્ત્રીપુરુષો એ સમયના રિવાજ મુજબ એ ઉત્સવમાં દારૂ પીતાં, પણ માયાદેવી સર્વ પ્રકારના માદક પદાર્થથી અલિપ્તજ રહેતાં.
એક વરસ આ પૂર્ણિમાને દિવસે માયાદેવીએ આંધળાંપાંગળાં વગેરે અનાથોને અને શ્રમણ બ્રાહ્મણોને પુષ્કળ દાન દીધાં અને રાતે ઘણોખરો વખત શાસ્ત્રની કથા સાંભળવામાં ગાળ્યો.
એ રાતે સૂઈ ગયા પછી એમને સ્વપ્ન આવ્યું કે, ચારે દિશાના રક્ષક દેવો તેમને ઊંચકીને હિમાલય પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં એક વિશાળ શાલ વૃક્ષની નીચે મૂકી દીધાં. પછી એ ચારે દેવોની સ્ત્રીઓએ આવીને માયાદેવીને દિવ્ય ગંધોદકથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલંકારથી શણગારીને એક સુવર્ણ વિમાનમાં ઉત્તમ પલંગ ઉપર પૂર્વમાં માથું કરીને સુવાડ્યાં. પછી એક ધોળો હાથી ત્યાં આગળ આવ્યો અને પોતાની રૂપેરી સૂંઢમાં એક શ્વેત કમળ ઘાલીને માયાદેવીની ત્રણ પ્રદક્ષિણા કરી અને તેમની જમણી કૂખમાં થઈને ધીરે ધીરે તેમના પેટમાં પેઠો.
પ્રાતઃકાળે રાણીએ સ્વપ્નની વાત સ્વામીને જણાવી. રાજાએ બ્રાહ્મણો તથા જોશીઓને બોલાવીને સ્વપ્નનું વૃત્તાંત જણાવ્યું અને તેનું ફળ પૂછ્યું.
બ્રાહ્મણોએ કહ્યું: “એનો અર્થ એ છે કે, મહારાણીને પેટે એક મહાન પુરુષ જન્મવાનો છે. એ જો ગૃહસ્થાશ્રમમાં રહેશે તો ચક્રવર્તી રાજા થશે. સંન્યાસી થશે તો બુદ્ધ થઈને જગતનું અજ્ઞાન દૂર કરશે.”
આજથી મહારાણી માયાનું માન વધ્યું. રાજા બહુજ પ્રેમ અને કાળજીપૂર્વક એની સાથે વર્તન રાખવા લાગ્યો.
માયાદેવી સગર્ભા થયાં. મૂળથીજ એમનો સ્વભાવ દયાળુ હતો, પણ સગર્ભા થયા પછી જનસમાજ પ્રત્યેની દયામાં વધારોજ થતો ગયો. વિષયવાસના એમના હૃદયમાંથી તદ્દન ચાલી ગઈ.
નવ માસ પૂરા થવા આવ્યા, એવામાં એમને પિયેર જવાની ઈચ્છા થઈ. કપિલવસ્તુથી દેવદહ જતાં માર્ગમાં લૂંબિની નામના એક સુંદર બગીચામાં તેમણે પડાવ નાખ્યો હતો. ત્યાં આગળ જ તેમને પ્રસવપીડા થઈ અને બોધિસત્ત્વ–ગૌતમબુદ્ધનો જન્મ વૈશાખ સુદિ પૂર્ણિમાને દિવસે થયો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડ્યું.
પુત્રના પ્રભાવને જોઈને માયાદેવી હર્ષઘેલાં થઈ ગયાં, અને સિદ્ધાર્થ સાત દિવસનો થયો એટલામાં તો એ દેવલોકમાં સિધાવ્યાં.