કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/બ્રહ્મદત્તા
← નકુલમાતા | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો બ્રહ્મદત્તા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ક્ષેમા → |
१६–ब्रह्मदत्ता
આ સન્નારી વારાણસીના રાજાની કુમારી હતી. એ ઘણી સુંદર અને ભણેલી ગણેલી હતી. તેનું પાણિગ્રહણ કરવા માટે દેશદેશાવરના રાજાઓ તલપાપડ થઈ રહ્યા હતા; પરંતુ બ્રહ્મદત્તાએ લગ્ન નહિ કરવાનો સંકલ્પ કર્યો હતો. બૌદ્ધશાસ્ત્રનું અધ્યયન કરીને શાસ્ત્રની આલોચના કરવામાં જીવન ગાળવાની તેને ઈચ્છા હતી. આખરે ભગવાન કશ્યપ જ્યારે ઋષિપત્તનમાં વાસ કરવા આવ્યા હતા, ત્યારે એ લાગ જોઈને રાજકન્યા બ્રહ્મદત્તા તેમની પાસે ગઈ અને પ્રાર્થના કરી કે, “મારી ઈચ્છા આપની પાસે બૌદ્ધધર્મનો ઉપદેશ ગ્રહણ કરવાની છે.”ભગવાન કશ્યપની પાસે શિક્ષણ મેળવીને રાજકુમારી બ્રહ્મદત્તાએ તપશ્ચર્યા કરવાનું આરંભ કર્યું.
એ વખતે રાજકુમારીના પ્રમાકાંક્ષી રાજકુમારોએ તેને ચિરકૌમારવ્રત અંગીકાર કરતાં રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એણે કોઇની વિનતિ ઉપર ધ્યાન આપ્યું નહિ. આખરે તેમણે બળપૂર્વક તેનું હરણ કરી જવાનો નિશ્ચય કર્યો, પરંતુ એ દુષ્ટો રાજકુમારીના આશ્રમમાં જઈ પહોંચ્યા ત્યારે રાજકુમારી પોતાના અદ્ભુત યોગબળથી આકાશમાર્ગમાં ચડી ગઈ. તેનો આ ચમત્કાર જોઈને રાજકુમારો સ્તબ્ધ થઈ ગયા અને તેને પરણવાની મિથ્યા આશા છોડી દઈને વીલે મોંએ પોતપોતાને ઘેર પાછા ગયા.
અંતરીક્ષમાં ચડવું એ યોગમાં મોટી સિદ્ધિ ગણાય છે. એવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજકુમારી બ્રહ્મદત્તા ધન્યવાદને પાત્ર છે.