કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/નકુલમાતા

← કુલવધૂ સુજાતા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
નકુલમાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
બ્રહ્મદત્તા →


१५–नकुलमाता

એક બૌદ્ધધર્મની મુખ્ય ઉપાસિકા હતી. તેણે પોતાના પતિને આપલો ઉપદેશ ઘણો બોધજનક છે અને એ ઉપરથી જણાઈ આવે છે કે, એને ઉપાસિકા વર્ગમાં અગ્રસ્થાન કેમ મળ્યું હતું.

ભર્ગ દેશમાં શિશુમાર ગિરિમાં બુદ્ધદેવ રહેતા હતા. ત્યાં તે વખતે નકુલપિતા નામના એક ગૃહસ્થ બહુ માંદો હતો. તેનો મરણકાલ સમીપ છે એમ સર્વને લાગ્યું, ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “હે ગૃહપતિ ! સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામો એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે, એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ ! કદાચિત્‌ તમારા મનમાં એવી શંકા આવશે કે, ‘મારા મૂઆ પછી નકુલમાતા છોકરાઓનું પાલન કરી શકશે નહિ, પ્રપંચનું ગાડું હાંકી શકશે નહિ;’ પરંતુ એવી શંકા તમે મનમાં લાવશો નહિ, કારણ કે મને સૂતર કાંતવાની કળા આવડે છે અને મને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી છોકરાઓનું પોષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ ! આસક્તિયુક્ત અંતઃકરણથી તમારૂં મરણ ન થાય એમ હું ઈચ્છું છું. હે ગૃહપતિ ! તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે, ‘નકુલમાતા મારા મરણ પછી પુનર્વિવાહ કરશે;’ પરંતુ આ શંકા તમે છોડી દો. હું આજ સોળ વર્ષથી ગૃહસ્થ બ્રહ્મચર્યવ્રત ( ઉપોસથવ્રત ) પાળું છું, તે તમને ખબર છે જ. તો પછી હું તમારા મૃત્યુ પછી વિવાહ કેમ કરીશ ? હે ગૃહપતિ તમારા મરણ પછી ‘હું બુદ્ધ ભગવાનનો અને ભિક્ષુસંઘનો ધર્મોપદેશ શ્રવણ કરવા નહિ જાઉં’ એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ તમારી પાછળ પહેલાં પ્રમાણેજ બુદ્ધનો ઉપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે, એની તમારે ખાતરી રાખવી અને કોઈ પણ પ્રકારે ઉપાધિ સિવાય મરણ આવવા દો.હે ગૃહપતિ ! તમારી પાછળ ‘હું બુદ્ધ ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહિ પાળું’ એવી તમને શંકા આવવાનો સંભવ છે; પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું પણ એક છું, એ તમે ખાતરીથી સમજજો. માટે કોઈ પણ પ્રકારની ફિકર વગર મરણ આવવા દો. હે ગૃહપતિ ! ‘મને સમાધિલાભ થયો નથી, તેથી તમારા મરણથી હું બહુ દુઃખી થઈશ,’ એમ તમે સમજશો નહિ. જે કોઈ બુદ્ધોપાસિકા સમાધિલાભવાળી હશે, તેમાંની હું એક છું એમ સમજજો અને માનસિક ઉપાધિ છોડી દો. હે ગૃહપતિ ! ‘બુદ્ધિધર્મનું તત્ત્વ મને હજી સમજાયું નથી’ એવી પણ તમને કદાપિ શંકા આવશે; પરંતુ જે તત્ત્વજ્ઞ ઉપાસિકાઓ છે, તેમાંનીજ હું એક છું, એમ ચોક્કસ ધ્યાનમાં રાખો અને મનમાંની કાળજી કાઢી નાખો.’

આ પ્રમાણે નકુલમાતાના ઉપદેશથી તેના પતિ–નકુલપિતાના મનનું સમાધાન થયું અને તેનો વ્યાધિ વેળાસર શમ્યો. રોગમાંથી સારો થયા પછી તે બુદ્ધના દર્શન સારૂ ગયો, ત્યારે તેને બુદ્ધદેવે કહ્યું: “હે ગૃહપતિ ! તું મોટો પુણ્યશાળી છે. નકુલમાતા જેવી ઉપદેશ કરનારી અને તારા ઉપર પ્રેમ રાખનારી સ્ત્રી તને મળી છે. હે ગૃહપતિ ! ઉત્તમ શીલવતી જે ઉપાસિકાઓ છે, તેમાંની એ એક છે. આવી પત્ની તને મળી એ તારૂં મહાભાગ્ય છે.”

આ એક દૃષ્ટાંત ઉપરથી બુદ્ધ ભગવાન સ્ત્રીઓની યોગ્યતાની કેટલી કદર કરતા, એ સહજ સમજી શકાય છે. વળી બુદ્ધ ભગવાન જેવા મહાજ્ઞાની, તપસ્વી અને સિદ્ધ રાજર્ષિ જેને માટે આવા સારા શબ્દો ઉચ્ચારે તે સન્નારીમાં કેટલા બધા સદ્‌ગુણો હશે તેની પણ કલ્પના વાચક બહેને કરી શકશે. ❋ []

  1. ❋‘જ્ઞાનસુધા’ પત્રમાં પ્રગટ થયેલા ‘બુદ્ધધર્મ અને સંઘ’ નામના લેખમાંથી સાભાર ઉદ્ધૃત.