કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/કુલવધૂ સુજાતા

← વિશાખા મિગારમાતા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
કુલવધૂ સુજાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નકુલમાતા →


१४–कुलवधू सुजाता

ગવાન તથાગત બુદ્ધના આવિર્ભાવ–કાળમાં જંબુદ્વીપ, અંગ, મગધ, કાશી, કૌશલ વગેરે સોળ ભાગમાં વહેંચાયલો હતો. મહારાજા બિંબિસાર મગધદેશના રાજા હતા. અંગ દેશ પણ તેમના જ તાબામાં હતો. રાજા પ્રસેનજિત એ સમયમાં કૌશલના સિંહાસન ઉપર બિરાજતા હતા. બિંબિસાર અને પ્રસેનજિત પોતાના સમયમાં ધનવૈભવ આદિમાં ભારતવર્ષના બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હતા. તેમના પ્રયત્નથી મગધ અને કૌશલ મહા પ્રતાપી અને ઐશ્વર્યશાળી રાજ્ય બન્યાં હતાં.

કૌશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તી નગરીમાં હતી. શ્રાવસ્તી નગરીના વૈભવ અને સૌંદર્યની સીમા નહોતી. અનેક સુંદર આશ્રમસ્થાનો, ઉદ્યાન, વન, ઉપવન અને સરોવરો વગેરેથી એ નગરી સુશોભિત હતી. વિચિત્ર ચિત્ર અને કોતરકામથી સુંદર બનેલી મોટી મોટી હવેલીઓ એ શહેરની શોભામાં વૃદ્ધિ કરી રહી હતી અને તેના રહેવાસીઓની સમૃદ્ધિની સાક્ષી પૂરતી હતી. નગરવાસીઓની આકર્ષક કાંતિ, તેમનાં વિશાલ ઉન્નત શરીર, રમણીય અને ઉજ્જવળ મુખારવિંદ એ બધાંને લીધે નગરની શોભામાં સોગણો વધારો થતો હતો.

એ શહેરમાં સુદત્ત નામનો એક વણિક રહેતો હતો. એ શ્રાવસ્તી નગરીમાં સૌથી વધારે ધનવૈભવ વાળો પુરુષ હતો. પુણ્યદાન પણ એ પુષ્કળ કરતો હતો. તેનો વેપાર હિંદુસ્તાનમાં બહુ ફેલાયો હતો. પ્રત્યેક મોટા નગરમાં તેની દુકાન હતી. સદાચારી, ઉદાર, અસાધારણ દાતા અને પરમ ધાર્મિક પુરુષ તરીકે શ્રાવસ્તીનગરમાં એ ઘણોજ લોકપ્રિય થઈ પડ્યો હતો. વિદ્વાન અને સદાચારી બ્રાહ્મણો ઉપર પણ તેની વિશેષ પ્રીતિ હોવાથી બ્રાહ્મણો પણ તેનાં ઘણાં વખાણ કરતા હતા.

મોક્ષમાર્ગના શેધક, પરમ શાંતિ, પરમ સુખ અને નિર્વાણધર્મના પ્રવર્તક, સ્વયં ભગવાન બુદ્ધદેવને મુખે તેમના અમૃતમચ, ધર્મ અને સંઘની કથા સુદત્તે રાજગૃહ નગરમાં પોતાની બહેનને ઘેર સાંભળી હતી. એ ઉપદેશથી સુદત્તના સંસારનાં દુઃખ અને તાપથી ક્લેશ પામેલા હૃદયે અવર્ણનીય શાંતિ અનુભવી હતી. તેના હૃદયમાં એ દિવસથી કાંઈક અપૂર્વ સુખની રેખા ઉત્પન્ન થઈ હતી. તેણે સંકલ્પ કર્યો હતો કે, “મારી અગાધ દોલતનો ઉપયોગ બૌદ્ધધર્મના પ્રચારમાં કરીશ અને ધર્મચિંત્વન તથા સાધુસેવામાં બાકીનું જીવન ગાળીશ.

બુદ્ધદેવ ઉપર તેને અચળ શ્રદ્ધા અને અટળ ભક્તિ હતી. ચોરાસી કરોડ કાર્ષાપણ (પાંચ રૂપિયાની બરાબરનો સોનાનો એક સિક્કો) ખર્ચીને તેણે શ્રાવસ્તી નગરીની ઉત્તર દિશામાં જેતવન નામના પરમ રમણીય ઉદ્યાનમાં એક મોટો વિહાર બંધાવ્યો હતો. એ સુંદર વિહાર તેણે બુદ્ધદેવ તથા તેમના શિષ્યોને સમર્પણ કરી દીધો હતો. દરરોજ બે હજાર ભિક્ષુકોને તે ભોજન કરાવતો હતો. એ ઉપરાંત અસંખ્ય દીનદુઃખી અનાથો તેને બારણેથી અન્ન મેળવીને બે હાથે આશીર્વાદ આપતા, અનાથોને દરરોજ આહાર કરાવતો હોવાથી વણિક સુદત્ત શેઠ ‘અનાથપિંડદ’ નામથી ઓળખાવા લાગ્યો.

ભગવાન બુદ્ધદેવની ઉપાસિકાઓમાં વિશાખા સૌથી મુખ્ય હતી. તેના જેવી દાનશીલ સેવિકા એ સમયમાં બીજી કોઈ નહોતી. શ્રાવસ્તી નગરીમાં પૂર્વ દિશામાં તેણે ર૭ કરોડ કાર્ષાપણ ખર્ચીને પૂર્ણરામ નામનો એક પરમ રમણીય વિહાર બંધાવી, બુદ્ધ ભગવાનને અર્પણ કર્યો હતો. તેના પિતા મેંડક અંગ દેશના ભદ્રીય નગરના એક જાણીતા ધનૈશ્વર્યશાળી શેઠ હતા. શ્રાવસ્તી નગરના બીજ એક ધનવાન શેઠ મિગારના પુત્ર પુણ્યવર્ધક સાથે તેનું લગ્ન થયું હતું.

આપણી આ ચારિત્રનાયિકા સુજાતા એ વિશાખાની નાની બહેન થાય. અનાથપિંડદના પુત્ર સાથે તેનું લગ્ન થયું હતું. ધનવાન શેઠની કન્યા હોવાથી સુજાતાના મનમાં ઘણું અભિમાન હતું. એ કોઈનું કહ્યું માનતી નહિ. સાસુસસરાને ગાંઠતી નહિ અને સ્વામી ઉપર પણ તેની શ્રદ્ધા નહોતી.

અનાથપિંડદના આમંત્રણનું માન રાખીને બુદ્ધદેવ એક દિવસ તેને ઘેર ભિક્ષા કરવા ગયા હતા. અગાઉથી જ તેમને સારૂ યોગ્ય આસન વગેરે સામગ્રી તૈયાર હતી. ભગવાન પધાર્યા એટલે અનાથપિંડદે તેમનો સત્કાર કરીને આસન ઉપર બેસાડ્યા તથા પોતે સન્મુખ બેઠો. એ સમયે શેઠના અંતઃપુરમાં ઘણી ગડબડ મચી રહી હતી. ઊંચે સાદે લડતાં મનુષ્યોનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. ભગવાને પૂછ્યું: “શેઠજી ! ઘરમાં આટલી બધી ગડબડ શાની છે ? કોઈ માછીમારની માછલી ચોરાઈ ગઈ હોય અને જેવો ખળભળાટ મચી રહે એવી ગડબડ અહીં છે.” અનાથપિંડદે હૃદય ખોલીને પોતાના દુઃખની વાત બુદ્ધદેવને કહી. તેણે કહ્યું: “ભગવન્ ! સાચી વાત છે. મારી એક પુત્રવધૂ મોટા ઘરની દીકરી છે. એ મારે ઘેર આવી છે ત્યારથી કોઈને ગાંઠતી નથી. એ ઘણી મિજાજી છે, તેના સ્વામીને પણ ગણકારતી નથી. સાસુસસરાનું અપમાન કરે છે. ભગવાન ઉપર પણ તેનો અનુરાગ નથી, એ કોઈ દિવસ પૂજા પણ કરતી નથી. તેના આચરણથી કંટાળીને અંતઃપુરવાસી સ્ત્રીઓ બૂમાબૂમ કરી રહી છે.”

ખરાબ સ્વભાવનાં મનુષ્યો હંમેશાં વહેમી હોય છે. અનાથપિંડદને ભગવાન બુદ્ધદેવની પાસે જતો જોઈને સુજાતાએ મનમાં વિચાર્યું કે, મારા સસરા મારી નિંદા કરવા જાય છે. એવા વહેમથી એ અંતઃપુરના બારણા આગળ આડમાં ઉભી રહીને બુદ્ધદેવ સાથે અનાથપિંડદને શી શી વાત થાય છે તે સાંભળવા લાગી. ભગવાનને બાતમી મળી કે, સુજાતા છાનીમાની બધું સાંભળી રહી છે, એટલે એમણે અનાથપિંડદને કહ્યું: “સુજાતાને અહીં બોલાવો.” ભગવાનની આજ્ઞાને માન આપીને સુજાતા અંદરથી બહાર આવી અને ભગવાનને નમસ્કાર કરી દૂર જઈ બેઠી. ભગવાને તેને સંબોધીને કહ્યું: “સુજાતા ! પુરુષને સાત પ્રકારની ભાર્યા હોય છે. જેવી કે –(૧) વધકાસમા (વધકારિણી) (૨) ચોરીસમા (૩) આર્યસમા (૪) માતૃસમા (૫) ભગિનીસમા (૬) સખીસમાં (૭) દાસીસમા. તું આ સાતમાંથી કયા પ્રકારની ભાર્યા છે ?”

સુજાતાએ કહ્યું: પ્રભુ હું આપના સંક્ષિપ્ત ઉપદેશનો મર્મ સમજી શકી નહિ. સરળ ભાષામાં ખુલાસાવાર મને એ ઉપદેશ સંભળાવો, સમજાવ્યા પછી હું ઉત્તર આપીશ.”

ભગવાને કહ્યું: “ત્યારે ધ્યાન દઈને સાંભળ !”

સુજાતા બોલી: “હા પ્રભુ ! સાંભળું છું બોલો.”

ભગવાન બોલ્યા: “જે સ્ત્રી હંમેશાં ક્રોધ કર્યા કરતી હોય,સ્વામીનું ભૂંડું ચાહનારી હોય, પારકા પુરુષ ઉપર મોહી જઈને પતિનું અપમાન કરતી હોય, ધન દ્વારા ખરીદાયલી હોવા છતાં જે ખરીદનારનો વધ કરવા ઉત્સુક હોય એવી સ્ત્રીને વધકાભાર્યા કહે છે.

“શિલ્પ, વેપાર કે ખેતીદ્વારા સ્વામી જે કાંઈ ધન મેળવે છે તેમાનું થોડું પણ ધન ચોરવાની જે સ્ત્રી ઈચ્છા કરે છે અને લાગ આવે ચોરી પણ કરે છે એટલું જ નહિ પણ ચૂલા ઉપર ચડાવેલા આંધણમાંથી દાળચોખા ચોરીને સંતાડી રાખવાનો જે સ્ત્રી યત્ન કરે છે તેને ચોરીસમા કહે છે.

“જે સ્ત્રી કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા કરતી નથી, આળસુ સ્વભાવની હોય છે, એટલે કે સારું ખાધાપીધા વગર અને સારૂં પહેર્યા વગર જેને ચેન પડતું નથી, જેની વર્તણૂંક કર્કશ છે, પ્રકૃતિ ઉગ્ન છે, જે અપ્રિય અને કર્કશ વ્યવહાર કરે છે અને સ્વામીની ઉપર પોતાની મોટાઈ દાખવે છે તે સ્ત્રી પુરુષની આર્યસમા ભાર્યા કહેવાય છે.

“જે સ્ત્રી સર્વદા પતિનું હિત ચાહનારી હોય છે, માતા જેવી રીતે પુત્રનું રક્ષણ કરે છે તેવી રીતે જે સ્ત્રી પ્રાણ સાટે પોતાના પતિની રક્ષા કરે છે, જે સ્ત્રી પતિએ કમાયલા ધનનું યત્નપૂર્વક રક્ષણ કરે છે, તે સ્ત્રી માતૃસમા ભાર્યા કહેવાય છે.

“જે સ્ત્રી ભગિનીની પેઠે સ્વામીની ઉપર સ્નેહ અને ભક્તિ રાખે છે અને જે લજ્જાપૂર્વક સ્વામીની આજ્ઞા મુજબ ચાલે છે તે સ્ત્રી ભગિનીસમા ભાર્યા કહેવાય છે.

“ઘણા સમય પછી મળવા આવેલી સખીને જોયાથી સખીને જે પ્રમાણે આનંદનો અનુભવ થાય છે તેવી જ રીતે જે સ્ત્રી પતિને જોતાંજ આનંદમગ્ન થઈ જાય અને જે કુળના ગૌરવનું રક્ષણ કરનારી શીલવતી અને પતિવ્રતા હોય તે સ્ત્રી સખીસમા ભાર્યા કહેવાચ છે.

“સ્વામી મારી નાંખવાને તૈયાર થયો હોય તોપણ જે સ્ત્રી પ્રસન્નચિત્તે ભક્તિપૂર્વક સ્વામીની ગેરવર્તણુંક સહન કરે, સ્વામીના ઉપર જરા પણ ક્રોધ ન કરે, જે સ્વભાવથીજ ક્રોધ વગરની હોય અને સ્વામીને વશ રહીને ચાલનારી હોય તે સ્ત્રી દાસીસમા ભાર્યા કહેવાય છે.

“વધકા, ચોરી અને આર્યસમા એ ત્રણ પ્રકારની સ્ત્રીઓ દુઃશીલા, કર્કશા સ્વભાવની અને સ્નેહહીન હોય છે. મૃત્યુ પછી તેમનો નરકવાસ થાય છે.

“માતા ! ભગિની, સખી અને દાસીસમા શીલવતી સ્ત્રી હમેશાં સારાં કામમાં નિમગ્ન રહેનારી અને સંયમવાળી હોય છે. મૃત્યુ પછી તેને સ્વર્ગલોકમાં ગમન કરે છે.

“હે સુજાતા ! પુરુષોને એ સાત પ્રકારની સ્ત્રી હોય છે. તું એમાંથી કયા પ્રકારની છે ?”

સુજાતાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો: “હે પ્રભુ ! આજથી મને મારા સ્વામીની દાસીસમા ભાર્યા તરીકે ગણજો.”

ત્યારપછી ભોજન કરી ભગવાન જેતવનના વિહારમાં પાછા ફર્યા. સુજાતા એ દિવસથી સાસુસસરા ઉપર ભક્તિ રાખવા અને તેમની સેવાચાકરી કરવા લાગી. સ્વામીના ઉપર અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ રાખીને છાયાની માફક તેની વશવર્તિની થઈ. દાસદાસીઓ ઉપર છોકરાંના જેવો પ્રેમ રાખવા લાગી. હવે તેના આચરણથી ઘરનાં તથા પડોશનાં બધાં માણસો સંતુષ્ટ રહેવા લાગ્યાં.

આ ઉપરથી વાચક બહેન સમજી શકશે કે, ભગવાન બુદ્ધદેવની સ્ત્રીજાતિ ઉપર કેટલી બધી પ્રીતિ હતી. સ્ત્રીઓને ભગવાને જે અમૃતમય ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે જો આપણી ભગિનીઓ અને કન્યાઓ વર્તશે તો સંસારના અનેક પાપતાપથી બચી જશે અને તેમનો સંસાર શાંતિનિકેતન બની જશે. કુસંપને લીધે જે કુટુંબોમાં કલહાગ્નિ સળગી રહ્યો હશે ત્યાં આગળ જો બુદ્ધ ભગવાનના આ ઉપદેશનું સ્મરણ કરવામાં આવશે તો ત્યાં અપૂર્વ શાંતિ–સુધાની વૃદ્ધિ થશે.

બૌદ્ધયુગમાં સુજાતાએ મહાસાધ્વી તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી હતી.