કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વિશાખા મિગારમાતા

← સોમા (પહેલી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વિશાખા મિગારમાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
કુલવધૂ સુજાતા →


१३–विशाखा मिगारमाता

બૌદ્ધધર્મના ગ્રંથમાં જે સાધ્વી સન્નારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં વિશાખાનું સ્થાન ઘણું ઊંચું છે.

શ્રાવસ્તીથી સાત યોજનના અંતરે સાકેત નામનું એક મોટું શહેર વસેલું હતું. તે શહેર વસાવનાર ધનંજય શ્રેષ્ઠીની ગણતરી એ સમયે નવકોટિનારાયણોમાં થતી હતી. વિશાખા એ કરોડાધિપતિ શેઠની એક અત્યંત સ્વરૂપવતી કન્યા હતી. તે વયમાં આવી ત્યારે શ્રાવસ્તીના મિગાર શ્રેષ્ઠીના પૂર્ણવર્ધન નામના પુત્ર સાથે તેનો વિવાહ નક્કી થયો. સાકેત અને શ્રાવસ્તી એ બેઉ શહેરોમાં ઉભય પક્ષે વિવાહ સમારંભ ભારે ઠાઠથી ઊજવ્યો.

વિવાહવિધિ પૂરો થયા બાદ ધનંજય શ્રેષ્ઠી પોતાની કન્યાને લઇ શ્રાવસ્તી આવ્યો. ત્યાં તેણે પોતાની જ્ઞાતિમાંના આઠ કુલીન ગૃહસ્થોને બોલાવી આણી તેમને વેવાઈ સમક્ષ એમ કહ્યું કે, “જો મારી પુત્રીનો કોઈ દોષ જણાઈ આવે, તો તમારે બરાબર ચોકસાઈ રાખવી.”

ધનંજય શ્રેષ્ઠી પુત્રીને સાસરે મૂકી સાકેત ગયા પછી એક દિવસ મિગાર શ્રેષ્ઠીએ નિર્ગ્રંથ શ્રમણો (નાગા સંન્યાસી)ને પોતાને ઘેર પુત્રના લગ્ન સમારંભ નિમિત્ત ભોજનાર્થે આમંત્રણ આપ્યું. મિગાર શેઠ નિર્ગ્રંથનો ઉપાસક હતો. તેમને માટે તેણે પાણી નાખ્યા વિના ચોખ્ખા દૂધનીજ ખીર કરાવી હતી. નિર્ગ્રંથ આવી પોતપોતાને આસને બેઠા. પછી મિગાર શ્રેષ્ઠીએ પોતે આદરાતિથ્ય કરી તેમને સંતોષપૂર્વક જમાડ્યા અને તેમનું ભોજન પૂર્ણ થયા પછી પોતાની પુત્રવધૂને કહાવ્યું કે, “આપણે ઘેર અર્હંત આવ્યા છે. તેમને નમસ્કાર કરવા આવવું.”

‘અર્હંત’ એ શબ્દ કાને પડતાંજ વિશાખાને ઘણો આનંદ થયો; કારણકે નાનપણથી જ તે બુદ્ધની ઉપાસિકા હતી તથા બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુ સિવાય અન્યને પણ અર્હંત કહે છે એ તેને ખબર ન હતી. ઉતાવળી ઉતાવળી લૂગડાં પહેરીને તે પોતાનો સસરો અને તેના સૌ, અર્હંત જે દીવાનખાનામાં બેઠા હતા ત્યાં ગઈ; પણ તે નગ્ન શ્રમણોને જોઈ તેને અત્યંત તિરસ્કાર છૂટ્યો અને પોતાના સસરાને કહેવા લાગી કે, “મને આપે અહીં શા માટે બોલાવી? આવા નાગા ઉઘાડા લોકો કદી અર્હંત હોઈ શકે ખરા કે ? આવા નિર્લજ્જોને અમે અર્હંત કહેતા નથી.” આ ઉદ્‌ગાર કાઢીને વિશાખા ત્યાંથી ચાલતી થઈ.

આ બાજુ, પેલા શ્રમણોને આ નવવધૂએ પોતાનું અપમાન કર્યા બદલ અતિશય ખોટું લાગ્યું અને તે એકદમ મિગાર શ્રેષ્ઠને ને કહેવા લાગ્યા કે, “હે ગૃહપતિ ! આવી કર્કશાને તું ક્યાંથી પકડી લાવ્યો ? જાણે કે તારા પુત્રને આખા જગતમાં બીજી કન્યાજ મળતી નહોતી ?”

મિગારે કહ્યું: “હજુ તેનો સ્વભાવ છોકારવાદી છે, ધીરે ધીરે સુધારતા જઈશું. તેના આ ઉદ્ધત આચરણ બદલ તેને ક્ષમા કરવી ઘટે છે.”

મિગારે જેમતેમ કરીને નિર્ગ્રંથોને સમજાવીને રસ્તે પાડ્યા અને પોતે દૂધની ખીરથી ભરેલી થાળી લઈ જમવા બેઠા. વિશાખા તેને પંખાથી પવન નાખતી એક બાજુએ ઊભી રહી હતી. એવામાં દ્વાર પાસે એક બૌદ્ધ ભિક્ષુ આવી ઉભો રહ્યો. મિગાર બેઠેલે ઠેકાણેથી તે ભિક્ષુને જોતો હતો, છતાં તેના ભણી પૂર્ણ દુર્લક્ષ્ય કરી તે પોતાના ભોજનમાં એકરસ થઈ ગયો હતો. ત્યારે વિશાખાએ ત્યાંથી જ તે ભિક્ષુને કહ્યું: “આર્ય ! મારો સસરો વાશી ખાય છે. તમે ત્યાં ઊભા ન રહેતાં આગળ વધો.”

વિશાખાના આ શબ્દ કાને પડતાંજ મિગારે અતિશય સંતપ્ત થઈ નોકરોને કહ્યું: “આ ખીર અહીંથી લઈ જાઓ અને આ છોકરીને મારા ઘરમાંથી આજ ક્ષણે હાંકી કાઢો. એ એટલી ઉન્મત્ત થઈ છે કે મારા સમક્ષ મારૂં અપમાન કરતાં પણ એને લાજ આવતી નથી.”

મિગાર જો કે ઘણો ગુસ્સે થયો હતો, તો પણ વિશાખાના અંગને હાથ લગાડવાની તેની કે તેના નોકરોની છાતી ચાલી નહિ. તેણે શાંતપણે પોતાના સસરાને જવાબ આપ્યો કે, “આપને મારા ઉપર આટલો ક્રોધ કરવો ઘટતો નથી. હું કાંઈ વેચાતી આણેલી દાસી નથી. હું આપના જેવાજ મોટા કુળમાં જન્મી છું. પ્રથમ મારો અપરાધ મને સમજાવો અને પછી મને અહીંથી જવાનું કહો. મારા પર વિના કારણે આરો૫ આવે નહિ તેથી મારા માટે મારા પિતાએ અહીં આઠ કુલીન ગૃહસ્થોને મારા અપરાધની ચોકસી કરવા માટે કહી રાખ્યું છે, તો તેમની સમક્ષ મારો શો દોષ છે તે જણાવો. જો તેઓ મને અપરાધી ઠરાવશે તો હું ખુશીથી અહીંથી નીકળી જઇશ.”

પુત્રવધૂનું આ સ્પષ્ટ બોલવું સાંભળી મિગારનો મિજાજ જરા ઠેકાણે આવ્યો. તેણે તે આઠ કુલીન ગૃહસ્થોને તરતજ બોલાવી મંગાવ્યા અને પોતાની પુત્રવધૂને ગુનો તેમને કહી સંભળાવી જણાવ્યું: “આને મારા ઘરમાંથી આજ ને આજ કાઢી મૂકો.”

તે ગૃહસ્થોએ પૂછ્યું: ”કેમ, બહેન વિશાખા ! તારા સસરા વાસી અન્ન ખાય છે એવું તેં કહ્યું હતું કે ?”

વિશાખા બોલી: “મારો સસરો જૂના પુણ્ય પર નિર્વાહ કરે છે અને નવીન પુણ્ય સંપાદન કરતો નથી, એવો મારા કહેવાનો અર્થ હતો, તેથી તે જૂનું પુરાણું ખાય છે એમ મેં કહ્યું હતું.”

તે ગૃહસ્થોએ મિગારને કહ્યું: “આ કહેવું ઘણું ડહાપણ ભરેલું જણાય છે, એટલા માટેજ વિશાખાને ઘરમાંથી હાંકી કાઢવી એ તમને ઉચિત નથી.”

વિશાખાના બીજા કેટલાક બારીક બારીક દોષો મિગારે તે ગૃહસ્થોને જણાવ્યા, પણ તપાસ કરતાં તે દોષ ન હોઈ, મિગારની કેવળ ગેરસમજ થઈ હતી એવું દેખાઈ આવ્યું. જ્યારે મિગાર બોલ્યો: “પણ આનો બાપ જ્યારે અહીં આવ્યો ત્યારે અમારી સમક્ષ એણે દસ નિયમ એની પુત્રીને શીખવ્યા હતા. અમને તો તે કેવળ ઘેલછાજ જણાય છે. પછી આને એનો અર્થ જે સમજાયો હોય તે ખરો.”

તે ગૃહસ્થો બોલ્યા: “કેમ, બહેન વિશાખા ! ધનંજય શ્રેષ્ઠીએ તને કયા કયા નિયમ શીખવ્યા હતા અને તેમના અર્થ શા છે ?”

વિશાખા બોલી: “અંદરની આગ બહાર લઈ જવી નહિ, એ પહેલો નિયમ મારા પિતાએ મને શીખવ્યો. તેનો અર્થ એવો છે કે ઘરમાં કોઈ તકરાર વગેરે થઈ હોય, તેની વાત બહાર કહેવી નહિ. બહારની આગ અંદર આણવી નહિ, આ બીજો નિયમ. આનો અર્થ એવો છે કે, આડોશીપાડોશી સાસુસસરાના કે જેઠાણી, દેરાણી કે નણંદના અવગુણ બોલતા હોય, તો તે સમાચાર કોઈને ઘરમાં કહેવા નહિ. આપનારનેજ આપવું એ ત્રીજો નિયમ; અને ન આપનારને ન આપવું એ ચોથો નિયમ. આનો અર્થ એ કે જે કોઈ ઘરમાંની વસ્તુ ઉછીની લઈ જઈ પાછી આપે તેનેજ આપવી, જે આપતો નથી તેને તે ન આપવી. આપનાર કે ન આપનાર હોય તોયે આપવી એ પાંચમો નિયમ પાસેનાં સગાંસંબંધીને લાગુ પડે છે. એટલે પોતાના સંબંધમાં કોઈ દરિદ્રી હોય અને ઉછીની લીધેલી જણસ પાછી આપવાનું સામર્થ્ય તેનામાં ન હોય, તો તેને તે આપવી. સુખેથી બેસવું એ છઠ્ઠો નિયમ, સુખેથી જમવું એ સાતમો નિયમ અને સુખેથી સૂવું એ આઠમો નિયમ. આનો અર્થ એ કે વડીલ માણસો જે ઠેકાણે વારંવાર આવજા કરે તે ઠેકાણે બેસવું નહિ; તેમના જમ્યા પહેલાં પોતે જમવું નહિ; નોકરચાકરોની ખબર કાઢીને પછી જમવું; વડીલ માણસોના સૂતા પહેલાં પોતે સૂવું નહિ, તેમની વ્યવસ્થા કરીને પછી સૂવું. અગ્નિની પૂજા કરવી એ નવમો નિયમ. પતિવ્રતા સ્ત્રીને પતિ અગ્નિ સમાન પૂજ્ય હોવો જોઈએ અને બ્રાહ્મણ જેમ અગ્નિની પરિચર્યા કરે છે, તેમ તેણે પોતાના પતિની કરવી, એ આ નિયમનો અર્થ છે. ગૃહદેવતાની પૂજા કરવી એ દસમો નિયમ, એટલે સાસુસસરા ઇત્યાદિ વડીલ માણસોને ગૃહદેવતા સમજી તેમની સેવા કરવી.”

વિશાખાએ પોતાના પિતાએ બતાવેલા દસ નિયમની આ પ્રમાણે સમજણ આપવાથી તે આઠ કુલીન ગૃહસ્થાએ તેની ઘણી પ્રશંસા કરી અને મિગાર શ્રેષ્ઠીને કહ્યું કે, “આપ ગુસ્સે થઈને આ ડાહી છોકરીને ઘરમાંથી કાઢી મૂકવા તૈયાર થયા છો; પણ એ તમારા ગૃહની લક્ષ્મીજ છે એમ સમજો.”

મિગારે પોતાની ભૂલ કબૂલ કરી અને વિશાખાની ક્ષમા માગી.

વિશાખા બોલી: “આપ વડીલજ છો; એટલે ક્ષમા કરવા જેટલો મોટો અપરાધ આપે કર્યો છે એમ હું ધારતી નથી; પરંતુ માત્ર એક વાતમાં મારે અને તમારે મેળ ખાય એમ લાગતું નથી. હું છું બુદ્ધની ઉપાસિકા અને આપે છો નિર્ગ્રંથના ઉપાસક, એટલે બૌદ્ધ ભિક્ષુ અહીં ભિક્ષાર્થે આવતાં તે આપને પરવડશે નહિ અને એ નિર્ગ્રંથ આવતાં તેમને હું નમસ્કાર કરનાર નથી. આ બાબતમાં કોઈ નિર્ણય કર્યા સિવાય મારા અહીં રહેવાથી આપને કે મને સુખ થનાર નથી.”

મિગાર બોલ્યો: “તારી ઈચ્છા મુજબ તું વર્તજે; મને તેમાં કાંઈજ હરકત નથી. મારે ઘેર પુષ્કળ ધનદોલત છે. બૌદ્ધ ભિક્ષુને આમંત્રણ કરી તું જમાડે તો તેથી હું કાંઈ દરિદ્રી થઈ જવાનો નથી. હું મારા નિર્ગ્રંથોને અન્નદાન કરીશ અને તું યથાવકાશ તારા બૌદ્ધ ભિક્ષુકોને અન્નવસ્ત્રાદિકનું દાન કરજે.”

વિશાખાએ બીજેજ દિવસે બુદ્ધ અને ભિક્ષુ સંઘને નિમંત્રણ કર્યું. આ સમાચાર નિર્ગ્રંથોને માલૂમ પડતાં જ તેઓ મિગાર શ્રેષ્ઠીને મળ્યા અને બૌદ્ધભિક્ષુઓને કરેલા નિમંત્રણ વિષે તેમનો ખુલાસો માગ્યો.

મિગાર બોલ્યોળ્ “મારી પુત્રવધુ કાંઈ નાના સૂના કુળની નથી. તેની જોડે દાસી પ્રમાણે વર્તાવ કરવો શક્ય નથી. મારા ઘરમાં જો સુખ વર્તાવવું હોય તો મારી પુત્રવધૂને મારે યોગ્ય સ્વાતંત્ર્ય આપવું જ જોઈએ.”

નિર્ગ્રંથ બોલ્યા: “બૌદ્ધ ભિક્ષુઓને તારે ઘેર આવવાની જો તું મનાઈ કરી શકતો ન હોય, તો તું તેનાં દર્શન કરવા ન જતો. એટલું તો જરૂર કરજે. બુદ્ધ મોટો માયાવી છે. તે લોકોને મુગ્ધ કરી, પોતાના પંથમાં ખેંચી લે છે એવું અમે સાંભળ્યું છે, માટે વિશાખા ગમે તેટલો આગ્રહ કરે તોયે તું તેના દર્શને જઈશ નહિ.”

મિગારે બુદ્ધ કે બૌદ્ધભિક્ષુનાં દર્શન ન કરવાનું વચન આપ્યાથી નિર્ગ્રંથ પોતાને આશ્રમે પાછા ફર્યા.

બીજે દિવસે વિશાખાએ ભોજનની સર્વ તૈયારી કરી. બુદ્ધ અને ભિક્ષુઓને બોલાવી, ઘણા આદરસત્કાર સહિત જમાડ્યા. ભોજન પછી વિશાખાએ પોતાને તથા ઘરનાં સર્વ માણસોને ધર્મોપદેશ કરવાની બુદ્ધગુરુને વિનતિ કરી, પણ આ ઉપદેશ સાંભળવા મિગાર આવ્યો નહિ. વિશાખાએ અત્યંત આગ્રહ કર્યાથી તેણે પડદાની આડે બેસી ધર્મોપદેશ સાંભળવા કબૂલ કર્યું, બુદ્ધનું મુખ માત્ર તેને જોવું ન હતું ! વિશાખાએ એક બાજુએ પડદો બાંધી પોતાના સસરાને બેસવાની સગવડ કરી.

સર્વ મંડળી ભેગી થયા પછી બુદ્ધે પોતાની અમૃતતુલ્ય વાણીથી તેમને ઉપદેશ કર્યો. દાન, શીલ, ભાવના ઈત્યાદિ વિષય સંબંધે બુદ્ધે કરેલે બોધ સાંભળી મિગાર શ્રેષ્ઠીને ઘણું લાગી આવ્યું. આવા મહાપુરુષ પોતાને ઘેર આવ્યા છતાં પોતે મૂર્ખાઈથી તેનાં દર્શન કરવા તૈયાર નથી, એ વિચારથી એને ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી એકદમ પડદો દૂર ખસેડી નાખી બહાર દોડી આવી, તેણે બુદ્ધના ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું. તે બોલ્યો: “ભગવન, મારા અપરાધની ક્ષમા કરો. આજથી હું આપનો ઉપાસક થયો છું. આ બાબતમાં વિશાખા મારે માતા સમાન છે. તે જો મારે ઘેર આવી ન હોત, તો આ૫ની અમૃતવાણી મારે કાને ન પડી હોત. તેથી આજથી હું તેને મારી માતાજ કહેતો જઈશ.”

ત્યારથી વિશાખાનું મિગારમાતા એવું નામ પડ્યું. શ્રાવસ્તિના ઘણાખરા લોકો તેને મિગારમાતા નામથી જ ઓળખતા. તેણે બુદ્ધને અને ભિક્ષુસંઘને રહેવા માટે પૂર્વારામ નામના ઉદ્યાનમાં એક પ્રાસાદ બાંધ્યો હતો. જેને ‘મિગારમાતા પ્રાસાદ’ કહેતા. શ્રાવસ્તિમાં વિશાખાના ડહાપણની અને નીતિમત્તાની કીર્તિ તરતજ પ્રસરી અને રાયથી રંક સૌ કોઈ તેના તરફ આદરબુદ્ધિથી જોતા. મંગળ કાર્યો અને ઉત્સવમાં વિશાખાને પહેલું આમંત્રણ દેવાનો વહીવટ ચાલુ થયો. શ્રાવસ્તિની બૌદ્ધ ઉપાસિકાઓમાં તે પ્રમુખ હતી. આવતાજતા અને રોગગ્રસ્ત ભિક્ષુઓની માવજત તરફ તે ઘણું લક્ષ આપતી* []

  1. * પ્રૉફેસર કૌશામ્બીના ‘બુદ્ધલીલાસારસંગ્રહ’ નામના ઉત્તમ ગ્રંથમાંથી તેમની રજાથી ઉપકાર સહિત આ ચરિત્ર ઉતારવામાં આવ્યું છે.