કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/રુકમાવતી

← પ્રભવા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
રુકમાવતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સોમા (પહેલી) →


११–रुक्मावती

બૌદ્વયુગમાં ઉત્પલાવતી નગરીમાં રુકમાવતી નામની એક ધનાઢ્ય, દયાળુ અને વિદ્વાન સ્ત્રી રહેતી હતી. તે જે મહોલ્લામાં રહેતી હતી, તે મહોલ્લામાં વસનારાં સ્ત્રી પુરુષોમાં કોઈ કદી અન્નવસ્ત્રની તંગીને લીધે દુઃખ વેઠે છે એવી ખબર રુકમાવતીને કાને પડે તો તે તરત તેનું દુઃખ દૂર કરવાના ઉપાય કરતી. મહોલ્લાઓમાં કોઈ સંકટથી પીડાય છે કે કેમ તેની તે સદા ગુપ્ત રીતે ખબર રાખતી અને દુઃખી મનુષ્યોનું દુઃખ મટાડવા તન, મન, ધનથી યત્ન કરતી. એક દિવસ દયાની મૂર્તિસ્વરૂપ રુકમાવતી રાજમાર્ગ ઉપર ફરી રહી હતી. ત્યાં તેના જોવામાં આવ્યું કે, સરિયામ રસ્તા ઉપર દુકાળથી રિબાતી, દૂબળા શરીરની ભૂખને માર્યે ટળવળતી, એક નારી પોતાની પાસે ખાવાની કોઈ પણ વસ્તુ નહિ હોવાથી, બીજો કાંઈ પણ ઉપાય ન સૂઝવાથી પોતાનાજ તરતના જન્મેલા બાળકને ચીરી નાખીને ખાઈ જવાની તૈયારીમાં હતી. એક અબળા આવું નીચ કામ કરવા તૈયાર થાય એ વાત માનતાં, અમારી કોમળ હૃદયની દયાળુ ગુજરાતી બહેનોને, કદાચ સંકોચ થાય એ સ્વાભાવિક છે; પણ અમારી જે બહેનોએ હિંદુસ્તાનમાં આપણાજ જમાનામાં પડેલા ભયંકર દુકાળોના વખતમાં બહાર જઈ દુકાળિયાંની સ્થિતિ નિહાળવાની તસ્દી લીધી હશે તેઓ આ વાતને જરૂર ટેકો આપશે; કારણકે તેમની પોતાની આંખો આગળ એવા ઘણા ત્રાસજનક બનાવ બન્યા હશે. ભૂખ એક એવી આફત છે કે જેથી ગભરાઈ જઈને આદમી જે પાપ કરવા તૈયાર ન થાય તે ઓછું. જે હિંદુઓ માંસનું નામ સાંભળીને અભડાઈ જાય છે, તેજ હિંદુઓ ઘોર દુકાળના વખતમાં કબરો ખોદીને મુડદાંઓનું માંસ ખાતા જોવામાં આવ્યા છે, તો પછી આ કંગાળ સ્ત્રી પોતાના તરતના જન્મેલા બાળકનો ભક્ષ કરવા તૈયાર થઇ હોય તો તેમાં ન માનવા જેવું કાંઈજ નથી; કેમકે જે વખતની આ વાત છે તે સમયે દેશમાં ઘણો ભયંકર દુકાળ પડ્યો હતો. ભૂખરૂપી અગ્નિથી બળીને ભસ્મ થઈ જતાં પેટવાળાં નરનારીઓનાં માંહોમાંહેના ત્રાસજનક પોકારથી એ સુંદર શહેર સ્મશાન જેવું લાગતું હતું. ચારે તરફ ભૂખે મરતા લોકો જીભ બહાર કાઢીને પડ્યાં હતાં. શહેર અને શહેર બહારનાં પરાંઓમાંની ઝાડની વેલો પાંદડાંઓ અને ફૂલો, તેમજ ખેતરમાંનાં ઘાસ સુધ્ધાંત દરેક ચીજો નાશ પામીને દુકાળિયાંઓના જઠરાગ્નિને સંતોષવાનું સાધનરૂપ બની હતી. આહાર વગર મૃત્યુના વિકરાળ મોંમાં ફસાઈ પડેલાં નરનારીઓ આમ તેમ તરફડિયાં મારતાં હોવાથી આખા દેશે એક ઘોર સ્મશાનનું રૂપ ધારણ કર્યું હતું.

દયાવતી રુકમાવતીએ જ્યારે જોયું કે સુવાવડમાંથી તરતની ઊઠેલી સ્ત્રી ભૂખની ઝાળથી અધીરી બનીને નવા જન્મેલા બાળકના દેહને ખાઈ જવા તત્પર છે, ત્યારે શું કરવું તેના વિચારમાં તે સ્તંભિત થઈ ગઈ. તે વિચારવા લાગી: “મનુષ્યના હૃદયમાં આટલી હદ સુધી કઠોરતા કેમ પહોંચી હશે ? માતા પોતાના શરીરના પોષણ માટે પુત્રના દેહનું માંસ ઉદરમાં નાખી ભૂખ મટાડવા માગે છે એ શું ભેદભાવ જાહેર નથી કરતું ?” આવા પ્રકારના વિચાર કરતી કરતી રુકમાવતી એજ ભૂખે મરતી નારીની પાસે ગઈ અને તેને કહેવા લાગી કે, “હે ભૂખે મરતી સ્ત્રી ! શાંત થા ! ધીરજ પકડ !” તરત તે કંગાળી સ્ત્રીએ જવાબ આપ્યો “ધીરજ તો ઘણીએ પકડું, પણ ખાઉં શું ? આખા દેશનાં જંગલી શાક, પાંદડાં, વનસ્પતિ તથા ઘાસ સુધ્ધાંત પણ લોકોના પેટમાં જઈને ખૂટી ગયાં છે, તો હવે મારે ખાવું શું પથ્થર ?” રુકમાવતી બોલી: “ધીરજ ધર બહેન ! હું ઘેર જઈને તારે માટે ખાવાની સામગ્રી લઈ આવું છું, તે તું ખાજે, પણ આ તરતના જન્મેલા બચ્ચાને ખાઈ જઈશ નહિ. બહેન જરા સબૂરી રાખ !” એવી રીતે દિલાસો આપીને બુદ્ધિમાન રુકમાવતીએ કેટલાક વખતને માટે એ પિશાચણીને એ દુષ્ટ કામ કરતાં રોકી. તેને પણ એથી જરા હિંમત મળી; પણ દૂરંદેશ રુકમાવતીને તરતજ વિચાર સૂઝ્યો કે, “જો હું ખાવાનું આણવા ઘેર જઈશ અને એટલી વારમાં લાગ મળ્યાથી ભૂખની મારી, પોતાના વચનનું ભાન ભૂલી જઈને, આ અધીરી બનેલી સ્ત્રી બાળકને ખાઈ જાય તો પછી શું કરવું ? બાળકનો પ્રાણ બચાવવાનો મારો પ્રયત્ન તો નિષ્ફળ જાય ને ? વળી બાળકનું રક્ષણ કરવા માટે એને માતાના ખોળામાંથી જબરદસ્તીથી લઈ જાઉં તો પુત્રવિયોગના શોકથી અને જઠરાગ્નિની વેદનાથી એ અધીરી બનેલી માતા, પોતાનો પ્રાણ ત્યજી દે, તો મને સ્ત્રીહત્યાનું પાપ ન લાગે ? માટે હવે કરવું શું ?” રુકમાવતી ઘણી ગૂંચવાડા ભરેલી સ્થિતિમાં આવી પડી. કોઈ પણ ચોક્કસ ઠરાવ ઉપર આવવું તેને મુશ્કેલ પડ્યું. તે પોતાને એક મોટા ધર્મસંકટમાં આવી પડેલી સમજવા લાગી, પરંતુ વધારે વખત ખોવાનો આ પ્રસંગ નહોતો, એટલે વિશેષ વિલંબ ન કરતાં તે એક ગંભીર નિશ્ચય ઉપર આવી. વહાલી બહેનો ! તમારી અટકળને ખૂબ વેગથી દોડાવો અને પછી કહો કે એ નિશ્ચય શો હશે ?

તેણે પોતાનો પવિત્ર વિચાર પાર પાડવા માટે દૃઢ નિશ્ચય અને ધૈર્યપૂર્વક એક ધારવાળી છરી વડે પોતાનું સ્તન કાપી નાખીને તે સંતાનના લોહીની તરસી, દુકાળથી પીડાતી અને ભૂખથી અધીરી બની ગયેલી સ્ત્રી તરફ ફેંક્યું. તરતજ તે સ્ત્રીએ પોતાનો હાથ લંબાવીને એ માંસપિંડ ગ્રહણ કર્યો અને તેને સ્વાહા કરી ગઈ. આ લાગ જોઈને તે દયાળુ બૌદ્ધ મહિલા, તે સાચી સેવિકા બાળકને ત્યાંથી લઈને ચાલી ગઈ. તેની છાતીમાંથી વહેતી રુધિરની ધારાએ ઉત્પલાવતી નગરીના રાજમાર્ગને રંગી નાખ્યો.