કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સંઘમિત્રા

← સુમેધા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સંઘમિત્રા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શ્રીમતી →


८६–संघमित्रा

જથી લગભગ અઢી હજાર કરતાં વધારે વર્ષ પૂર્વે ભારતવર્ષના એક દિગ્વિજય સમ્રાટના ઘરની કન્યા સંસારના ધનવૈભવને તુચ્છ ગણીને ધર્મનેજ વરી હતી અને આખી જિંદગી સુધી કુંવારી રહીને ધર્મપ્રચારના કાર્યમાંજ તેણે પોતાનું અમૂલ્ય જીવન અર્પણ કર્યું હતું. આજે પણ એ વાત સંભારતાં આપણને આનંદ થાય છે. આજે ભારતના એ ગૌરવમય યુગની પ્રાતઃસ્મરણીય રાજકન્યાનું જીવનચરિત્ર લખીને અમે અમારી લેખિનીનું સાર્થક થયું ગણીએ છીએ.

એ રાજકુમારી મહાપ્રતાપી રાજાધિરાજ અશોકના વંશમાં ઉપન્ન થઈ હતી. એક મત એવો છે કે એ એમની કન્યા હતી અને એજ મતનું અવલંબન કરીને અમે આ ચરિત્ર લખ્યું છે. અંગ્રેજ ઈતિહાસવેત્તા વિન્સેંટ સ્મિથ એને અશોકની સગી બહેન ગણે છે. ઉજ્જન નગરીમાં એનો જન્મ થયો હતો. એના ભાઈનું નામ મહેંદ્ર હતું. બન્ને ભાઈબહેન નાનપણમાં ઉજ્જયિની નગરીમાંજ વાસ કરતાં હતાં. ત્યાર પછી ઈ. સ. પૂર્વે ૨૬૮માં અશોક મગધના સામ્રાજ્યના સમ્રાટ બનીને મહેંદ્ર અને સંઘમિત્રાને લઈને પાટલીપુત્ર નગરમાં આવી વસ્યા. હાલ જ્યાં આગળ પટના શહેર છે, ત્યાં જ પહેલાં પાટલીપુત્ર નગર શોભા આપી રહ્યું હતું. એ વખતે એ નગરીની રમણીયતા અને સુખ સમૃદ્ધિમાં કોઈ વાતનો અભાવ નહોતો. અનેક જાતના લોકો ત્યાં વસતા હતા. ચિત્રવિચિત્ર રાજમહેલો, બગીચાઓ, શેઠિયાઓની હવેલીઓ અને તરેહ તરેહની વસ્તુઓનાં ચૌટાઓ જોનારાઓને આશ્ચર્યચકિત કરી નાખતાં હતાં. એ નગરનાં સ્ત્રીપુરુષો મહેંદ્ર અને સંઘમિત્રાનું રૂપાલાવણ્ય તથા એમની અનુપમ મૂર્તિના દર્શન કરીને અતિશય આનંદ પ્રગટ કરવા લાગ્યાં. મહારાજ અશોકે બન્ને ભાઈબહેનની માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ સારૂ તેમને સારી કેળવણી આપવાનો પૂરતો બંદોબસ્ત કર્યો.

અહીંયાં જગવિખ્યાત રાજા અશોકના જીવનચરિત્રને લગતી બેએક વાત જણાવવી જરૂરની છે. અશોક ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારને છોકરો હતો. રાજપુત્ર હોવા છતાં એનો ચહેરે કદ્રૂપો હતો, એટલા સારૂ રાજા બિંદુસાર એને બહુ ચાહતા નહિ. એમ જણાય છે કે પિતા અને સાવકી માની અવગણના અને તિરસ્કારને લીધે ધાર્મિક અશોક પણ યૌવનમાં અતિશય સ્વાર્થી અને અધાર્મિક નીવડ્યો હતો. તેની રક્તપિપાસા અને ક્રૂરતાને લીધે એ ચંડાશોક અર્થાત્ યમદૂત નામથી ઓળખાતો હતો. દંતકથા એવી છે કે, યમરાજ્યનું અનુકરણ કરીને એણે એક નરકપુરી બંધાવી હતી. અપરાધીઓને એ ભયંકર પુરીમાં કેદ રાખીને મારવામાં તથા પીડવામાં આવતા અને અનેક તરેહનાં દુઃખ દઈને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવતાં. આવું હોવા છતાં પણ એજ અશોકમાં અસાધારણ શક્તિ અને નાના પ્રકારના સદ્‌ગુણ પણ જણાતા હતા. રાજા બિંદુસારે પુત્રને પોતાનાથી દૂર રાખવા સારૂ તેને ઉજ્જયિનીનો સૂબો નીમ્યો હતો. ત્યાં આગળજ દેવી નામની એક તરુણી રમણીની મનમોહક મૂર્તિનાં દર્શન કરીને એ તેના તરફ આકર્ષાયો અને તેની સાથે પરણ્યો. ત્યાર પછી પિતા બિંદુસારનું મૃત્યુ થયું, એટલે ભાઈના લોહીથી હાથ ખરડીને અશોક પિતાના રાજ્યસિંહાસન ઉપર બેઠો. અશોકનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ૦ ૨૬૯ માં થયો.

મહારાજા બન્યા પછી અશોકે કલિંગા દેશના રાજા સાથે ઈ. સ. પૂ. ૨૬૧ માં એક ભીષણ યુદ્ધ કરીને કલિંગ દેશ અથવા ઓડિસ્સાને પોતાના તાબામાં લીધો. એ યુદ્ધમાં લાખ નરહત્યા થઈ હતી. એ ભયંકર હત્યાકાંડનું સ્મરણ થતાંજ અશોકનું પથ્થરનું હૈયું પણ પીગળી ગયું અને એના હૃદયમાં વૈરાગ્યનો ઉદય થયો. પુણ્યકર્મોનો ઉદય થતાં પાપીઓની પાપવાસનાનો એમજ એકદમ ક્ષય થઈ જાય છે અને એમનું પાપી જીવન એક નવોજ સારો પલટો ખાય છે. એ સમયથી અશોકે પારકું રાજ્ય જીતી લેવાની ઈચ્છા બિલકુલ છોડી દીધી. ત્યાર પછીથી અશોકના જીવનમાં આધ્યાત્મિક શક્તિની ગૂઢ ક્રિયા શરૂ થઈ. એક મહાપ્રતાપી, શક્તિશાળી બૌદ્ધ સંન્યાસીએ અશોકના હૃદય પર કાબૂ જમાવ્યો. જોતજોતામાં તેના જીવનમાં મહાપરિવર્તન થઈ ગયું. બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરીને મહાપુરુષ બુદ્ધદેવના મહાન આદર્શને તેણે સ્વીકાર્યો.વિશ્વપ્રેમથી તેનું હૃદય પરિપૂર્ણ થઈ ગયું.

એ સમયમાં બૌદ્ધધર્મનો પ્રચાર બહુ જોરમાં ચાલી રહ્યો હતો. બૌદ્ધધર્મના ઉપદેશકો વિશ્વપ્રેમનો પ્રચાર કરીને યાગયજ્ઞ અને પશુવધનું ખંડન કરી રહ્યા હતા. તેમના ઉપદેશથી જીવહિંસા બહુ અટકી હતી, નીચલી જાતિઓને ઊંચ વર્ણના ત્રાસથી બચાવવાને પણ એમણે ઘણો પ્રયત્ન કર્યો હતો. મૈત્રી, કરુણા અને “અહિંસા પરમો ધર્મ” એ ત્રણ પ્રેમમંત્રની વાણીનો ઘોષ ચારે તરફ થઈ રહ્યો હતો. એ પ્રેમ અને કરુણાની વાણી મહારાજા અશોકના હૃદય સુધી પહોંચી અને તેમણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી. દીન, દુઃખી નરનારી અને પશુપક્ષીઓનાં દુઃખ અને કલેશથી એનું હૃદય પીગળી ગયું અને તેમનાં સંકટનું નિવારણ કરવા સારૂ એણે પોતાનો રાજભંડાર ખૂલ્લો મૂક્યો. નવ કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ પુણ્યમાં વાપરવામાં આવી. પશુપક્ષીઓના રોગોનો ઈલાજ કરવા સારૂ દવાખાના બંધાવ્યાં. જ્ઞાન, ધર્મ અને નીતિની ઉન્નતિ તથા તેમને સુખની વૃદ્ધિ સારૂ અશોકે જેટલા ઉપાય કર્યા હતા, તેટલા ઘણા થોડા રાજા કે બાદશાહોએ કર્યા હશે.

એવા મહારાજાની દેખરેખ નીચે સંઘમિત્રા અને રાજકુમાર મહેંદ્ર ઊછર્યા હતાં, બન્ને ભાઈબહેનને જોતાં વારજ તેઓ એક ફૂલનો સુંદર બે કળીઓ હોય એમ લાગતું હતું. બન્નનો સ્વભાવ ઘણો મીઠો હતો. અશોકનો બન્નેના ઉપર અત્યંત પ્રેમ હતો. બન્ને જણાં સાથેજ અનેક વિષયોનું શિક્ષણ મેળવી રહ્યાં હતાં. ઊંચી કેળવણથી સંઘમિત્રાનું હૃદયકમળ ખીલી ઉઠ્યું. તેણે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના હૃદયમાં ધર્મભાવ જાગૃત થયો. એ વખતે સંઘમિત્રાની વય ૧૮ વર્ષની અને મહેંદ્રની ૨૦ વર્ષની હતી મહારાજા અશોકે મહેંદ્રને યૌવરાજ્ય પદ ઉપર અભિષિક્ત કરી પોતે ભિક્ષુ બનવાનો સંકલ્પ કર્યો હતો; પરંતુ એટલામાંજ બુદ્ધદેવના પવિત્ર આત્માએ બન્ને ભાઈબહેનને ધર્મપ્રચારનું મહાન વ્રત ગ્રહણ કરવા સારૂ આમંત્રણ મોકલ્યું. એ વખતે બૌદ્ધધર્મના એક આચાર્યે મહારાજા અશોકને કહ્યું:— “રાજન્‌ ! જેમણે ધર્મની ખાતર પુત્ર કે પુત્રીને અર્પણ કર્યાં છે તેજ બૌદ્ધધર્મના ખરા મિત્ર છે.”

આચાર્યની એ વાણીએ અશોકના હૃદયને સ્પર્શ કર્યો. તેણે સ્નેહપૂર્ણ નયને સંઘમિત્ર અને મહેંદ્રના તેજસ્વી મુખ તરફ જોયું અને પછી પૂછ્યું: “કેમ, તમે ભિક્ષુધર્મ સ્વીકારવા તૈયાર છો ?”

બન્ને ભાઈબહેન પિતાના મુખમાંથી નીકળેલાં એ વચનો સાંભળીને પોતાનું ધનભાગ્ય ગણવા લાગ્યાં. ધન અને ઐશ્વર્યમાં ઊછરેલાં હોવા છતાં પણ સંન્યસ્તધર્મ ગ્રહણ કરીને ભિક્ષુ અને ભિક્ષુણી બનીશું અને કરુણામય બુદ્ધદેવના દયામય ધર્મનો પ્રચાર કરવા સારૂ આત્મબલિદાન આપીશું, એના કરતાં આ પૃથ્વીમાં બીજું વધારે સુખ કયું હોઈ શકે ? એવા વિચારથી બંને ભાઈબહેને ઘણાં પ્રફુલ્લિત વદને મહારાજા અશોકને જણાવ્યું: “પિતાજી ! આપની આજ્ઞા મળતાંવારજ અમે એ મહાન વ્રત ગ્રહણ કરીને મનુષ્યજન્મ સફળ કરીશું.”

મહારાજાધિરાજ અશોકે એજ વખતે ભિક્ષુઓના સંઘને જણાવી દીધું કે, “આજે મેં ભગવાન તથાગત બુદ્ધદેવના પવિત્ર ધર્મને સારૂ મારાં લાડકાં પુત્ર અને પુત્રીને અર્પણ કર્યાં છે.”

ત્યાર પછી મહેંદ્ર અને સંઘમિત્રા બૌદ્ધધર્મની પ્રચલિત પદ્ધતિ અનુસાર દીક્ષા ગ્રહણ કરીને ભિક્ષુ અને ભિક્ષુણી બન્યાં. ધર્મપાલી અને આયુપાલી નામની બે ભિક્ષુણીઓએ સંઘમિત્રાને ઉત્તમરૂપે ભિક્ષુણીની સાધનાના ઊંડા તત્ત્વોનું શિક્ષણ આપવા માંડ્યું.

અહીંયાં જગાવવું જરૂરનું છે કે, મહાત્મા બુદ્ધદેવના ધર્મમાં સર્વસ્વ ત્યાગી સંન્યાસી અને સંન્યાસિનીનો જે વર્ગ હતો તેજ ભિક્ષુ અને ભિક્ષુણી નામથી ઓળખતો. એ ભિક્ષુ અને ભિક્ષુણીઓ પરણતાં નહિ, પરંતુ કઠોર વૈરાગ્યવ્રત ધારણ કરીને રાતદિવસ ધર્મસાધન અને જીવના કલ્યાણની ચિંતામાં ગૂંથાયલાં રહેતાં. સંઘમિત્રાએ ભિક્ષુણી બનીને બધી જાતનાં સુખની લાલસા છોડી દીધી અને વાસના ઉપર જય મેળવીને ધર્મ સાધન કરવા માંડ્યું.

ભિક્ષુણીઓને સાધારણ રીતે ઉપદેશ આપવામાં આવતો કે, તૃષ્ણા ત્યાગ કરો. થોડામાંજ સંતોષ માનો. ખોટા મોજશોખથી દૂર રહો અને એકાંતમાં રહીને ધ્યાનધારણા તથા ધર્મની સાધના કરો. આળસનો ત્યાગ કરી મહેનતુ બનો. અભિમાન તજી દઈને સુશીલા, વિનયી અને નમ્ર બનો અને બધાની સાથે સદ્‌ભાવ સાચવીને સંતોષપૂર્વક જીવન ગાળો, બૌદ્ધ તપસ્વિનીઓએ શુદ્ધાચારપૂર્વક પોતાના વ્રતનું પાલન કરવું જોઈએ.”

ભિક્ષુ અને ભિક્ષુણીઓને કેવા પ્રકારની સાધના કરવી પડતી હતી, તે બાબતમાં વિદ્વાન બંગાળી લેખક શ્રીયુત સત્યેંદ્રનાથ ઠાકુર લખે છે: “વિષયવાસનાથી વેગળા રહીને ભિક્ષુઓએ એકાંતમાં પંચભાવનાની સાધના કરવી પડતી. મૈત્રી, કરુણા, મુક્તિ, અશુભ અને ઉપેક્ષા એ ભાવનાના પાંચ પ્રકાર હતા.

“દેવતા હો કે મનુષ્ય હો, બધા જ સુખી થાઓ; શત્રુનું પણ ભલું થાઓ; બધા રોગ, શોક અને પાપતાપથી મુક્ત થાઓ, એવા પ્રકારનો શુભ વિચાર કરવો એને મૈત્રી ભાવના કહે છે.”

“દુઃખીનાં દુઃખ પ્રત્યે લાગણી–દિલાસોજી બતાવવી, શું કર્યાથી જીવોનાં દુઃખ નાશ પામે અને સુખ વધે એનો રાતદિવસ વિચાર કરવો એને કરુણા કહે છે.

“ભાગ્યવાન મનુષ્યોના સુખે સુખી થવું, તેમનાં સુખ અને સૌભાગ્ય સ્થાયી થાઓ એવો વિચાર રાખવો અને મુક્તિ ભાવના કહે છે.

“શરીર વ્યાધિનું ઘર છે, વીજળીના ચમકારાની પેઠે ક્ષણસ્થાયી છે, ઝાંઝવાના જળ જેવું મિથ્યા છે અને મળમૂત્ર, પરૂ વગેરે ગંદા પદાર્થોથી ભરપૂર છે, માનવજીવન જન્મમૃત્યુને અધીન છે, દુઃખમય અને ક્ષણભંગુર છે એવો વિચાર કરવો તેને અશુભ ભાવના કહે છે.

“બધા જીવ બરાબર છે, કોઈ પ્રાણી બીજા પ્રાણી કરતાં વધારે પ્રીતિ કે વધારે તિરસ્કારને પાત્ર નથી; બળ, દુર્બળતા, દ્વેષ, મમતા, ધન અને ગરીબાઈ, યશ, અપયશ, જુવાની અને ઘડપણ, સુંદર, અસુંદર, બધા ગુણ અને બધી અવસ્થાઓ સમાન છે એવી સામ્ય ભાવના રાખવી તેને ઉપેક્ષા કહે છે.”

દરરોજ સવારે અને સાંજે આવા ઊંચા પ્રકારના વિષયોનું ચિંત્વન કર્યાથી નરનારીઓ ઘણા ઊંડા ભાવમાં ડૂબી જાય અને તેમનાં મન અતિશય ઉન્નત થાય, હૃદય વિશાળ થાય એ વાત તો સહેજે સમજી શકાય એવી છે. એ સાધનાપ્રણાલીને લીધેજ સુજાતા, વિશાખા વગેરે અનેક બૌદ્ધ રમણીઓએ ઉન્નત જીવન પ્રાપ્ત કર્યું છે. રાજકન્યા સંઘમિત્રા પણ એ સાધન કરવા લાગી અને ધીમે ધીમે ધાર્મિક જીવનની એકે એકે ઊંચી સીડીએ ચઢવા લાગી.

સંઘમિત્રાનો મોટોભાઈ મહેંદ્ર બત્રીશ વર્ષની વયે ધર્મપ્રચારને સારૂ સિંહલદ્વીપમાં ગયો. સિંહલદેશના રાજા તિષ્ઠ મહેન્દ્રનું આધ્યાત્મિક જ્યોતિથી પ્રકાશિત થયેલું શાંત સુંદર સ્વરૂપ જોઈને વિસ્મય પામ્યા અને અત્યંત શ્રદ્ધા અને આદરપૂર્વક તેને પોતાને ત્યાં રાખ્યો. સિંહલનાં હજારો સ્ત્રીપુરુષો મહેન્દ્રનો ઉપદેશ સાંભળીને બૌદ્ધધર્મ ગ્રહણ કરવા લાગ્યાં.

થોડા દિવસ પછી સિંહલની રાજકુમારી અનુલાએ પાંચસો સખીઓ સહિત ભિક્ષુણીવ્રત લેવાનો સંકલ્પ કર્યો. એ વખતે મહેન્દ્રને લાગ્યું કે, આટલી બધી સ્ત્રીઓને ઉત્તમ રીતે ધર્મનું શિક્ષણ આપવા તથા સિંહલની સ્ત્રીઓમાં ધર્મપ્રચાર કરવા સારૂ એક કેળવાયલી અને ધર્મશીલ ભિક્ષુણીની અત્યંત આવશ્યકતા છે. એટલા માટે એણે પોતાની વહાલી બહેન સંઘમિત્રાને સિંહલ મોકલાવવા સારૂ પિતા અશોકને પત્ર લખ્યો. રાજકુમારી સંઘમિત્રાને હવે ધર્મ સિવાય બીજા કોઈ પાર્થિવ પદાર્થ ઉપર આસક્તિ રહી નહોતી, એટલા માટે એણે જયારે સાંભળ્યું કે, ધર્મપ્રચારની ખાતર દૂર દેશાવર સિંહલદેશમાં ભાઈ મહેન્દ્રની પાસે જવું પડશે ત્યારે એનું હૃદય એકદમ આનંદના સરોવરસમ થઈ ગયું અને એ સરોવરમાં શાંતિરૂપી કમળ ખીલી રહ્યાં. પુણ્યશીલા નારીએ પ્રફુલ્લ ચિત્તે સગાંવહાલાંની માયાજાળ કાપી નાખીને, સિંહલ જવા સારૂ સમુદ્રગામી વહાણમાં પગ મૂક્યો.

એની પૂર્વે બીજી કોઈ ભાગ્યશાળી ભારતરમણી ધર્મ પ્રચારની ખાતર એટલે દૂર દેશાવર ગઈ હતી કે નહિ તે અમે જાણતા નથી; એટલે એ શુભ દિવસ ખરૂં જોતાં ભારતરમણીઓના ઈતિહાસમાં સ્મરણમાં રાખવા યોગ્ય દિવસ છે, એમાં જરા પણ સંદેહ નથી, અનુમાન કરીએ છીએ કે એ દિવસે ભારતનું વહાણ કોઈ નૂતન ગૌરવ અનુભવતું સાગરના તરંગો ઉપર આનંદમાં ડોલતું ડોલતું જતું હશે. સંભવ છે કે એ દિવસે કિનારા ઉપર વસનારા આર્ય નરનારીઓએ વહાણના કિનારા ઉપર ઊભાં રહીને રાજકન્યાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી હશે.

સંઘમિત્રા સિંહલદેશમાં જઈ પહોંચ્યા પછી તેની તેજસ્વી મુખમુદ્રા, તપસ્વિનીનો વેશ અને અપૂર્વ ધર્મભાવ જોયાથી ત્યાંના સ્ત્રીપુરુષોનાં હૃદયમાં કેવા પ્રકારની ભક્તિ અને વિસ્મય ઉપન્ન થયાં હશે, તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. મહારાજા અશોકના જીવનચરિત્રમાંથી કેવળ એટલું તો જણાઈ આવે છે કે, સંઘમિત્રાએ સિંહલદેશમાં જઈનેત્યાં આગળ એક ભિક્ષુણીસંપ્રદાય સ્થાપ્યો હતો. તેના ત્યાગમંત્રદ્વારા પવિત્ર બનેલા જીવનનો પ્રભાવ સિંહલવાસીઓ ઉપર ઘણો સારો પડ્યો હતો, પણ એ સંબંધી વિશેષ વૃત્તાંત આપણા જાણ્યામાં નથી આવતો; પરંતુ એ સંન્યાસિની રાજકન્યાની બાબતમાં જે થોડીક વાતો જાણી શક્યા છીએ, તેના ઉપર વિચાર કરવાથી કલ્પનાના માયામંત્ર દ્વારા મનમાં ને મનમાં તેની એક માનસી મૂર્તિ ખડી થાય છે; અને એ મૂર્તિ આગળ આપણે મસ્તક નમાવવું જ પડે છે. જરા વિચાર કરીને જોયાથી જણાશે કે, ધર્મ પ્રચાર કરતાં વધારે ગૌરવમય કાર્ય આ સંસારમાં બીજું કાંઈ નથી. આત્મોસર્ગ કરીને સત્યની અમૃતમય વાણી મનુષ્યજાતિને સંભળાવવા કરતાં વધારે ઉન્નત કાર્ય સ્ત્રીને માટે કયું હોઇ શકે ? લગભગ ૨૧૭પ વર્ષ પૂર્વે ભારતના એક ચક્રવર્તી મહારાજધિરાજની કન્યા સંઘમિત્રાએ એ ધર્મપ્રચારના કાર્યનું ગૌરવ અનુભવ્યું હતું અને આડોઅવળો કાંઈ પણ વિચાર કર્યા વગર ધર્મ ખાતર પોતાનું અમૂલ્ય જીવન સમર્પણ કરી દીધું હતું. જયાંસુધી ભારતનો ઈતિહાસ કાયમ રહેશે ત્યાં સુધી આપણે એ ભારતરમાણીના પવિત્ર નામનું ઉચ્ચારણ કરતાં કરતાં પ્રતિદિન તેના પ્રત્યે ખરા અંતઃકરણની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરવી પડશે.

મહાવંશ વગેરે બૌદ્ધ ગ્રંથમાં સંઘમિત્રાનો ઉલ્લેખ મળી આવે છે. મહાવંશના લેખક લખે છે કે, “સંઘમિત્રાએ પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હથલહક નગરમાં વાસ કરતી વખતે તેણે ધર્મની ઉન્નતિને સારૂ પુષ્કળ પુણ્ય કાર્યો કર્યાં હતાં અને ૬૯ વર્ષની વયે પરિનિર્વાણ પદ પ્રાપ્ત કર્યું હતું. સિંહલના રાજાએ અત્યંત માનપૂર્વક સંઘમિત્રાની અંત્યેષ્ટિ ક્રિયા કરી હતી.

ભારતવર્ષની દરેક મહત્તાસૂચક વાતો ઉપર અશ્રદ્ધા રાખનાર અંગ્રેજ લેખકો પહેલાં તો ‘સંઘમિત્રા’નો ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવાને તૈયાર નહોતા; પરંતુ હવે તો વિન્સેંટ સ્મિથ જેવા પ્રસિદ્ધ ઈતિહાસ લેખક તેનું અસ્તિત્વ સ્વીકારે છે અને પોતાની પહેલાંની ભૂલ માને છે.❋[૧]

  1. ❋શ્રી. અમૃતલાલ ગુખના એક બંગાળી લેખ ઉપરથી.