કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુમેધા
← ઈશાનદેવી | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો સુમેધા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
સંઘમિત્રા → |
८५–सुमेघा
મસ્તાવતી નગરીમાં કૌંચ રાજની પટરાણીના ગર્ભમાં તેનો જન્મ થયો હતો. સુમેધા બાલ્યાવસ્થાથીજ બુદ્ધિમતી અને સારાં કાર્યોમાં મતિ રાખનારી હતી. શ્રમણ ધર્મની વિધિઓ એ બાળા યત્નપૂર્વક પાળતી. અતિશીલવતી, અનેક શાસ્ત્રોમાં પ્રવીણ, સરસ વ્યાખ્યાન આપનારી અને ધર્મમાં નિમગ્ન રહેનારી કન્યા હતી, એવી સુશીલ અને વિદુષી કન્યાને રાજા અનિકર્તની સાથે પરણાવવાની તેના માતાપિતાની ઈચ્છા હતી. અનિકર્ત રાજા પણ તેના ઉપર પ્રેમમુગ્ધ હતો; પરંતુ સુમેધાને તો નાનપણથી જ પોતાની સખીઓ સહિત ભિક્ષુણીઓના મઠમાં જવાનો શોખ હતો. સત્સમાગમને લીધે તેનું જીવન ધાર્મિક બન્યું હતું, એટલે તેની ઈચ્છા ગ્ર્હસ્થાશ્રમની મોહજાળમાં પડવાની નહોતી. એક દિવસ તેણે નમ્રતાપૂર્વક માતપિતાને જણાવ્યું કે, આપ કૃપા કરીને મારી વિનતિ સાંભળો. મારી ઇચ્છા નિર્વાણ પ્રાપ્ત કરવાની છે. હું આ જગત અને પરલોકને અનિત્ય ગણું છું. આ શરીરનાં બધાં સુખ તુચ્છ છે. ભોગવિલાસથી સુખ તો ઘણું થોડું મળે છે અને અસંતોષ તથા દુઃખ ઘણું પ્રાપ્ત થાય છે. કડવા ઝેર જેવા કામભોગ ઉપર જે લોકો મોહિત થાય છે, તે લોકો મૂઢ હોય છે. એ લોકો અધોગતિમાંજ પોતાનું જીવન વ્યતીત કરે છે. એ મૂર્ખાઓને મન, વચન અને કર્મને સંયમમાં રાખતાં આવડતું નથી. એ પ્રજ્ઞાહીન લોકોને ખબર નથી કે, દુઃખ શાથી અટકાવી શકાય છે; એટલુંજ નહિ પણ જ્યારે તેમને મોહનિદ્રામાંથી જગાડવા પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે પણ તેઓ જાગતા નથી અને શીખવ્યા છતાં પણ તેઓ શીખતા નથી. ચાર આર્ય સત્યોનું ભાન એમને કદી થતું નથી. પૂજ્ય બુદ્ધદેવે જે સત્યો આપણને શીખવ્યાં છે, તેને ઘણાં લોકો જાણતાં નથી. એમને તો જન્મવાનું સુખ જોઈએ છે. વળી એ બધાં સ્વર્ગ મેળવવાની ઈચ્છા રાખે છે, પણ એમને ખબર નથી કે સ્વર્ગનું સુખ પણ શાશ્વત નથી. એ પણ અનિત્ય અને ચંચળ છે અને એક દિવસ જતું રહેશે. સ્વર્ગસુખ ભોગવ્યા પછી પણું પાછા જન્મમરણના ચક્રમાં આવવું પડે છે, એનો એ લોકો વિચાર નથી કરતા. એ લોકોનો ચાર પ્રકારનો વિનિપાત–પડતી થાય છે; અર્થાત્ નરક, પશુજન્મ, પ્રેતજન્મ અને રાક્ષસજન્મ એ ચારમાંથી એક પ્રકારની ગતિ ભોગવવી પડે છે. કેટલાકને બે પ્રકારની ઉચ્ચ ગતિ અર્થાત્ મનુષ્યજન્મ અને દેવતાજન્મ મળે છે, વિનિપાન થયા પછી આ સંસારની મોહજાળમાંથી છુટકારો પણ મળતો નથી અને પ્રવજ્યા પણ લેવાતી નથી. નિશ્ચય મનુષ્યની અધોગતિ થાય છે; માટે હે માતપિતા ! મારી ઇચ્છા તો દશ પ્રકારના બળવાળા બુદ્ધદેવના વિધાન અનુસાર પ્રવજ્યા લેવાની છે.
“બુદ્ધદેવનાં દશ બળ આ પ્રમાણે છે:— (૧) સત્ય અને અસત્યનું જ્ઞાન, (૨) કર્મના ઉદ્ભવ તથા પરિણામ, (૩) ઇષ્ટ સાધનમાં પટુતા, (૪) ભૂતજ્ઞાન, (૫) પ્રવૃત્તિની ગતિ અને કાર્ય, (૬) મનુષ્યની આત્મશક્તિ, (૭) વિનય સાધવાનો માર્ગ, (૮) પૂર્વજન્મ, (૯) દિવ્ય ચક્ષુ અને (૧૦) મુક્તિ. જન્મમરણનો નાશ કરવાની ઇચ્છા હવે તો મને થઈ છે. આ અસાર શરીરનાં ‘સાંસારિક’ સુખ મારે જોઇતાં નથી. ભવની બધી તૃષ્ણાઓને રોકીને હું તો સંસાર ત્યજીને પ્રવજ્યામાં ચાલી જઈશ. અશુભ કાળ જતો રહ્યો છે; બુદ્ધદેવના જન્મથી શુભ ક્ષણ આવી પહોંચી છે. મારી ઈચ્છા છે કે આ જન્મમાં બ્રહ્મચર્ય અને શીલધર્મનો કદી ત્યાગ ન કરૂં. હવે હું ભૂખી મરીશ, પણ આ ઘરમાં ભોજન નહિ કરૂં.”
સુમેધાને મુખેથી વારંવાર આવી ને આવીજ સંસારત્યાગ કરવાની વાત સાંભળ્યાથી તેની માતાનું હૈયું ભરાઈ આવ્યું. એ રોકકળ કરવા લાગી. પિતાને પણ ઘણી વેદના થઈ અને સુમેધા ધરતી પર પડી હતી, ત્યાંથી એને ઉઠાડીને શિખામણ આપવા લાગ્યા કે, “દીકરિ ! ઊઠ, જરા વિચાર તો કરી જો. મેં રૂપ, ગુણ અને સંપત્તિમાં યોગ્ય પતિ સાથેજ તારો વિવાહ કરવાનો વિચાર કર્યો છે, રાજા અનિકર્તના કરમાં તને સમર્પણ કરવાનો મારો અભિલાષ છે. એ રાજા પણ હર્ષપૂર્વક તારો સ્વીકાર કરશે અને તેને પટરાણી બનાવીને પ્રેમપૂર્વક રાખશે. બ્રહ્મચર્ય, પ્રવ્રજ્યા અને શીલધર્મ ઘણાં કઠિન છે. હે પુત્રિ ! આ યૌવનમાં તું પ્રભુતા અને ધનૈશ્વર્યના ભોગ અને સુખ પ્રાપ્ત કર; રાજ્યનો ઉપભોગ કર.” સુમેધાના ચિત્ત ઉપર પિતાના આ ઉપદેશની કાંઈજ અસર થઈ નહિ, તણે દૃઢતાપૂર્વક કહ્યું: “હું આ અસાર સંસારને હવે ભજવાની નથી. હું તો હવે પ્રવ્રજ્યા ધારાણ કરીશ. એમ નહિ કરવા દો, તો એના કરતાં મરણને પસંદ કરીશ. આ દેહ જેને તમે પરણાવવા માગો છો, જેને રાજા અનિકર્ત પ્રેમપૂર્વક પોતાનો બનાવવાની ઈચ્છા રાખે છે, તે શું છે ? એ તો ગંધ મારતો, ભયંકર અપવિત્ર પદાર્થ છે. શબની પેઠે મળમૂત્રનું એ ઘર ત્યાગ કરવા લાયક છે. એને તો સ્વામી કેવી રીતે ગ્રહણ કરશે ? માંસ અને લોહીથી ઢાંકેલા આ પિંડનેજ તમે દેહ કહો છો ને ? એ તો કીડાઓનું ઘર છે. ગીધ આદિનું ભોજન છે. એને તો કોણ કન્યાદાનમાં આપી શકે ? ‘વિજ્ઞાન’ જતું રહ્યા પછી આ શરીર સ્મશાનમાં નાખી દેવામાં આવે છે, ત્યારે ફેંકી દીધેલા જુના લાકડાં જેટલી એની કિંમત છે. જ્ઞાનીજનો પણ એના સામું જોવાનું પસંદ કરતાં નથી. તેઓ બીજા જીવોના ભક્ષ્યરૂપ આ દેહને છોડી દઈને સ્નાન કરીને ચાલ્યા જાય છે. માબાપ પણ એજ કરે છે, તો બીજાનું તો પૂછવું જ શું ? હાડકાં અને નાડીઓથી ભરેલા આ દેહરૂપી ઘરમાં બધે ઠેકાણે અપવિત્રતા, ગંદકી ભરેલી છે. એનો તો વળી આદર કોણ કરે ? આ દેહને જો ઉકેલી ઉથલાવી નાખવામાં આવે, તો એની અંદરથી એવી અસહ્ય દુર્ગંધ નીકળે કે, પોતાની જનેતા પણ ત્યાંથી દૂર નાસે. આ તો તમારૂં શરીરરૂપી પૂતળું છે. દેહ એ તો જન્મ અને મૃત્યુમય પદાર્થ છે. અને જન્મ લેતાં પણ દુઃખ થાય છે; માટે જ મારી વિવાહ કરવાની મુદ્દલ ઈચ્છા નથી.
“લગ્ન કરીને સંસારનું સુખ ભોગવવા કરતાં તો હું સો વર્ષ સુધી દરરોજ ભાલા ખોસીને મને મારી નાખે તે વધારે પસંદ કરૂં. બુદ્ધદેવનો પવિત્ર ઉપદેશ જાણનાર માણસને ભાલાના ઘા ખમવા સહેલા છે. આ સંસારના લાંબા ફેરામાં મૃત્યુ ફરી ફરીને આવે છે. દેવ જન્મ, નરજન્મ, પશુયોનિ, અસુરદેહ, પ્રેતરૂપ એ પ્રમાણે કર્માનુસાર અનેક જન્મ ધારણ કરવા પડે છે અને અનંત દુઃખ વેઠવાં પડે છે. દેવજન્મ ધારણ કર્યાથી પણ નિર્વાણ મળતું નથી. જન્મમરણના ફેરામાંથી છૂટવા માટે જે માણસ બુદ્ધનાં વચન પાળે છે, તેજ નિર્વાણ પામે છે. આ અસાર ભોગવિલાસથી શું વળવાનું છે ? પિતાજી હું તો આજેજ ઘરનો ત્યાગ કરીને ચાલી જાઉં છું. ઊલટી કરેલા ભોજનની સમાન એ બધા ભોગવિલાસ ઘૃણા કરવા યોગ્ય છે. એ અસાર વસ્તુ મારે નથી જોઈતી.”
પિતાપુત્રી વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, એવામાં અનિકર્ત રાજા પણ પોતેજ પસંદ કરેલી કન્યાને મળવા તથા લગ્નની બાબતમાં તેની સંમતિ લેવા સારૂ પ્રેમપૂર્વક એ નગરમાં આવી પહોંચ્યો. સુમેધાએ એના આવ્યાની પણ પરવા ન કરતાં પોતાના નિશ્ચય અનુસાર લાંબા કાળા અંબોડાને છરી વડે કાપી નાખ્યો અને બધાની વાતચીતને રોકીને ધ્યાનમગ્ન થઈ ગઈ. એકાગ્રચિત્તે જગતની અનિત્યતા સંબંધી વિચાર કરવા લાગી. રાજાને નગરમાં પેસતાં સુમેધાના વિચારો જાણ્યામાં આવ્યા, એટલે એ જે સ્થળે સુમેધા ધયાન ધરી રહી હતી ત્યાં ગયો અને પોતાના સુવર્ણ તથા મણિમાણિક્યથી અલંકૃત દેહ વડે હાથ જોડીને યાચના કરવા લાગ્યો:—
“આ યૌવનકાળમાં તો હે સુંદરિ ! તું મારી રાણી થા અને ધન તથા વૈભવનું સુખ ભોગવ. આ દુનિયામાં ભોગ અને સુખ દુર્લભ પદાર્થ છે. તું શાંતિપૂર્વક રાજ્યસુખ ભોગવ. મરજીમાં આવે તેને દાન આપ. મારો આ ખજાનો તારા હાથમાં રહેશે. તારા મનમાં ઊલટા વિચાર આણવા છોડી દે. જો, તારાં માતાપિતા તારા સંસારત્યાગની વાત સાંભળીને મરવા પડ્યાં છે !”
સુમેધાએ કહ્યું: “મારે તમારાં સુખ અને વૈભવ નથી જોઈતાં. મને એમાં જરાયે મોહ રહ્યો નથી. ભોગની વાસનામામ્ મને હવે ન ધકેલશો. ભોગમાં તો દુઃખ ભોગવ્યા વગર છૂટકો જ નથી. તમે ભારતવર્ષનો પ્રાચીન ઈતિહાસ કેમ વીસરી જાઓ છો ? ચારે દ્વીપના અધિપતિ મહારાજા માંધાતા કેવા શ્રેષ્ઠ પુરુષ હતા ? એમના જેટલું ધન તથા વૈભવ કોની પાસે હતાં ? છતાં પણ એ નરપતિ મરી ગયો અને તેની લાલસા આ દુનિયામાં તો પૂરી ન થઈ. દશે દિશાઓમાં સ્ત્રીરત્નનો વરસાદ વરસે તોપણ ભોવિલાસથી કોઈને તૃપ્તિ થતી નથી. એ બધું ત્યજીને મનુષ્યો મરી જાય છે. હે ભૂપ ! ભોગ તલવાર સમાન છે, ભોગ શૂલ સમાન છે, ભોગ નાગની ફેણ સમાન છે, ભોગ અગ્નિની ઝાળની પેઠે બાળનારા છે, આ રૂપ હાડકાંના માળા જેવું છે, ભોગ અને સુખ અનિત્ય અને અધ્રુવ છે, દુઃખપ્રદ અને મહા ઝેરીલાં છે, તપાવેલા લોખંડના દડાના જેવાં છે. એ તે સદા પાપનોજ ઉદય કરે છે. વૃક્ષ ઉપર ચઢીને ફળ તોડવા જતાં માણસ પડી જાય છે, એજ પ્રમાણે કામભોગનું છે. માંસનો ટુકડો લેવા સારૂ પક્ષીઓ જેવી રીતે પરસ્પર લડાઈ કરે છે એજ પ્રમાણે ભોગની બાબતમાં બને છે. ઉધાર માગીને કોઈ ચીજ લાવ્યા હોઈએ તે જેમ પાછી ન આપીએ ત્યાં સુધી ઉદરાવો રહે છે, તેમજ ભોગના સંબંધમાં છે. એ ભોગ સ્વપ્નની પેઠે છેતરનારા છે. કામભોગ તીવ્ર બાણસમા, દારુણ રોગ જેવા અને વિસ્ફોટક સમા છે. તપાવેલા અંગારા સમા એ ભીષણ છે. પાપ અને મૃત્યુમય હોવાથી ભચાનક છે. આ જિંદગીમાં મેં બતાવ્યાં એવાં અનેક દુઃખ આવી પડે છે, અનેક અડચણો નડે છે; માટે મને સંસારમાં જરાયે વિશ્વાસ નથી રહ્યો. તમે ઘેર જાઓ. મારા માથામાં જ્યારે આગ લાગી રહી છે, ત્યારે બીજું કોઈ મને શું કરી શકવાનું હતું ! જરા અને મૃત્યુ મને બાંધવા આવ્યાં છે. હું તેમનો નાશ કરવા તત્પર રહીશ.” આ પ્રમાણે કહીને સુમેધા ઘર બહાર નીકળવા લાગી. જોયું તો ઉમરા ઉપર બેસીને માતપિતા અને રાજા અનિકર્ત રોઇ રહ્યાં છે. એ જોઇને સુમેધાને એમના અજ્ઞાન અને મોહ ઉપર દયા આવી. મોહવવશ થઈને રુદન કર્યાથી કેટલી હાનિ થાય છે, સંસાર કેવો અનિત્ય છે, દુઃખથી ભરેલો છે એ બધુ મર્મસ્પશી ભાષામાં સમજાવ્યું. રાજા અનિકર્તને પણ સમજાવ્યું કે, રાજાઓને સંસારમાં રહ્યાથી બીજા રાજા, અગ્નિ, ચોર અને જળનો ભય રહે છે. ઉપરાંત પણ બીજા અનેક શત્રુઓથી ભરેલા સંસારમાં ફસાઈ રહેવાની ઈચ્છા કોણ કરે ? મોક્ષ સામે હોવા છતાં બંધનમાં પડવાનું કોણ પસંદ કરે ? આ સંસારમાં કામનાઓની સાંકળથી તમે બંધાયલા છો. એ સાંકળને તોડી નાખીને તમે વાસનાઓને દબાવો. ફરી ફરીને કહું છું કે, ભોગમાં અતિશય અને પાર વગરનું દુઃખ છે. ચિત્ત સદા ચિંતાઓથી ભરેલું રહે છે. એ અધ્રુવ કામભોગનો ત્યાગ કરો. એનાથી કેવલ દુઃખજ ઊપજવાનું છે, બીજું કાંઈ નથી. અજર ધર્મમાર્ગ આ રહ્યો. જે કામનાઓ થોડા વખતમાં જૂની પડી જાય છે તે કામનાઓ–વાસનાઓને લઈને તમે શું કરશો ? એ કામનાઓ તો મૃત્યુ અને વ્યાધિઓને આણશે અને ફરી ફરીને જન્મ લેવો પડશે. ધર્મનો માર્ગ અજર, અમર, શોક વગરનો, અમૃતમય, શત્રુહીન, રોકટોક વગરનો, કોઈ ખસેડે નહિ એવો અને અટુટ તથા ભય વગરનો છે. એ અમૃતમય માર્ગ કેટલાએ લોકોએ પ્રાપ્ત કર્યો છે, આજ પણ કેટલાએ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે; પરંતુ જેમના ચિત્તમાં ઉત્સાહજ નથી, તેમના ભાગ્યમાં એ માર્ગમાં જવાનું કદીએ લખાયું નથી. આ પ્રમાણે કહીને સુમેધાએ પોતાનો કાપી નાખેલો અંબોડો અનિકર્તની સમક્ષ મૂક્યો.
રાજા અનિકર્તને સુમેધાના અગાધ જ્ઞાન તથા તીવ્ર વૈરાગ્યની ખાતરી થઈ ગઈ હતી. તેણે સુમેધાનાં માતાપિતાને વિનતિ કરી કે, “સુમેધા સત્યના માર્ગમાં જવા માગે છે; આપ એને ખુશીથી જવા દો.” માબાપે વિદાય આપી. સુમેધા શોક અને ભયરહિત થઈને ભિક્ષુણીરૂપે બહાર નીકળી પડી. પહેલેથીજ ઉચ્ચ શિક્ષણ પામેલી હતી અને પછી ધર્મમાર્ગમાં પડી, એટલે સદ્ગુરુના ઉપદેશથી અંતર્જ્ઞાનની છ વિદ્યાઓ તેણે જલદી પ્રાપ્ત કરી લીધી. પોતાના પૂર્વ જન્મોનું પણ એને જ્ઞાન થયું. ત્યાર પછી બુદ્ધદેવના ચરણમાં બેખીને તેણે સંપૂર્ણ શાંતિ અને નિર્વાણ પ્રાપ્ત કર્યા.
થેરીગાથામાં ૪૪૮ થી ૫૫૨ સુધીના શ્લોક તેના રચેલા છે અને તેમાંથી એના ઉન્નત વિચારોનો યથાર્થ પરિચય મળી આવે છે.