← પ્રેમસિન્ધુ કુસુમમાળા
પ્રેમનાં સ્વરૂપ
નરસિંહરાવ દિવેટિયા
પ્રેમ →


પ્રેમનાં સ્વરૂપ

રોળાવૃત્ત

સતારમાંથી ઊઠી મધુર સુર રમે પવનશું,
ને મૃદુ તુજ કણ્ઠથી ગાન જનમી જે ઘૂમતું,
કોયલ ટહુકો મીઠો મીઠો રવ નદીલહરીનો,
વનવેલી ચુમ્બતો પવન ત્હેનો સ્વર ઝીણો:- ૧

જન એ સહુનું નામ મધુરનાદ કરી ક્‌હેછે,
પણ એ ખોટું તમામ મ્હને નિશ્ચય દીસે છે;
સતારસૂર, તુજ ગાન, પવનનદીકોકિલરવ ને,
પ્રેમતણાં એ રૂપ બધાં ભાસે છે મુજને. ૨

ફૂલડાંમાં જે રહ્યો નાચતો ગન્ધ મધુરો,
ને મેઘધનુષ મહિં રંગમેળો જે પૂરો,
તે નવ હોય સુગન્ધ, નહિં એ રંગ રસીલા,
પ્રેમતણાં એ રૂપ, પ્રેમની એ તો લીલા. ૩

દિવ્ય કુસુમ એ પ્રેમ ધરે વિધવિધ આકારો,
પણ ઢાંક્યો ર્‌હે કેમ ? એહ સહુથકી છે ન્યારો.-
નાદ, ગન્ધ, ને રંગ-દિવ્ય કુસુમોની ગૂંથી
માળા અર્પું તુંને, વધુ શું મુજને તુંથી ? ૪



સૃષ્ટીમાંની સૌન્દર્યની મૂર્તિયો - જે'વી કે મધુર નાદ, સુગન્ધ, સુન્દર રંગ-ત્હેનો પ્રેમ સાથે અભેદારોપ કરી અહિં કલ્પના ખેંચી છે. આ જ કલ્પનાનો સવિશેષ વિકાસ આગળ 'બહુરૂપ અનુપમ પ્રેમ ધરે' (પૃ ૩૪.) એ કાવ્યમાં કર્યો છે.

કડી ૩. રંગમેળો = રંગનો મેળાવડો; રંગનું એકત્ર આવવું.

કડી ૪, લીંટી ૩. નાદ=મધુરનાદ; ગન્ધ=સુગન્ધ; રંગ=સુન્દર રંગ. એ દિવ્યકુસુમો; - પ્રેમનાં જ રૂપ ગણ્યાં તેથી, તથા ત્હેમાંની દિવ્ય સુન્દરતાથી પણ.

પ્રેમ. - પૃષ્ઠ ૩૩.

કડી ૨, લીંટી ૧. ગાતો - પુષ્પના સુગન્ધના પ્રવાહનો ગાન સાથે અભેદારોપ કર્યો છે. તેમ જ લીંટી ૪ મા 'પ્રદીપ્ત' એ શબ્દ ગન્ધને લગાડી દર્શનના વિષય જોડે અભેદારોપ કર્યો છે.

કડી ૪. અહિં ભિન્નભિન્ન વિષય પરત્વે પ્રેમનું સ્વરૂપ કાંઈંક ત્હેને પ્રતિરૂપ ગન્ધથી દર્શાવ્યું છે. એ પ્રતિરૂપતા બારીક કલ્પનાથી જ જોવાની છે.

-૦-