કુસુમમાળા/પ્રેમસિન્ધુ
← અસ્થિર અને સ્થિર પ્રેમ | કુસુમમાળા પ્રેમસિન્ધુ નરસિંહરાવ દિવેટિયા |
પ્રેમનાં સ્વરૂપ → |
પ્રેમસિન્ધુ
ગગડે જ્યહાં ગ્રહગોળ, અને આ તારાટોળું
વેર્યું ફેંકી જ્યહાં, હેવું આ વ્યોમ પહોળું
ફેલાઈ ચૉપાસ, હાસ ગમ્ભીરું કરતું,
આલિંગન સુવિશાળ ભૂમિને ભાવે ભરતું. ૧
પણ વળી એ વ્યોમને, લઈ ગ્રહગોળ સકળને,
લઈ તારા સહુ સંગ, લઈ આ ભૂમંડળને,
આ સઘળું બ્રહ્માણ્ડ અનન્ત અગાધ દીસે જે,
ત્હને મ્હોટો પ્રેમસિન્ધુ આલિઙ્ગ લે છે. ૨
એ સિન્ધુ તો અનન્ત રહ્યો ઉપકણ્ઠ વિના એ,
નિત્યે ગતિ ગમ્ભીર ધરી ચૉગમ ફેલાએ;
નહિ કો વસ્તુ અહિં જેહ હેમાં ન સમાતી,
હેમાં ન્હાની પ્રેમનદીઓ ડૂબી જાતી. ૩
વ્હાલી ! જે તુજ પ્રેમસરિત મીઠી ને ધીરી
વ્હેતી નિર્મળ જળે લહરિ લઈ ઝીણી ઝીણી,
ત્હેને કાંઠો ખરો-રખે રીસાતી મીઠી !-
પણ મ્હેં તે સિન્ધુમાં સરિત એ વ્હેતી દીઠી. ૪