← ગર્ભવતી ગંગા ગંગા - એક ગુર્જર વાર્તા
આનંદભુવન !
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
સુખના તો સ્વપ્નાં જ →



પ્રકરણ ૨૧ મું
નંદનભુવન !

ર તરફથી કેટલીક સ્વસ્થતા થયા પછી કિશેાર નોકરી કરતો હતો તે સાથે પોતાનો વિદ્યાભ્યાસ પણ કર્યો જતો હતો. ગંગાએ પુત્રીને જન્મ આપ્યા પછી તેના પિતાના પત્રથી કિશેાર સાસરે ગયો, ને ઘણીક રીતે તેમને આનંદ આપ્યો. આ વેળાએ સસરા જમાઇએ વાતમાં, ન્યાતમાં બાળવિધવાઓ ઘણી છે તેનાં લગ્ન થાય તો કેમ એ પર પોતાનો સંવાદ ચલાવ્યો. બિહારીલાલે ઘણાક પ્રકારે સિદ્ધ કરી આપ્યું કે આર્ય ધર્મનું જે બંધન છે તે જોતાં સ્ત્રીનાં લગ્ન ફરીથી થાય જ નહિ, પણ જો સ્ત્રી રજસ્વલા થઇ નહિ હોય ને પતિ ગત થયો હોય, વૈધવ્ય પાળવે તે બાઈ અશક્ત હોય, તો એક દયા ખાતર જ તેનાં લગ્ન થાય તો ઠીક, જો કે રૂડાં તો નહિ જ. આ વાદવિવાદમાં બિહારીલાલે પોતા તરફથી એટલી બધી તો અચ્છી દલીલો આણી કે કિશોરની ગમે તેટલી નિપુણતા છતાં તેનાથી કેટલીક બાબતના ઉત્તર દેવાયા નહિ, એટલું નહિ પરંતુ પુનર્લગ્નની તરફ જે એનું વલણ દૃઢતાથી વળેલું હતું તેમાં ઉલટો એ પાછો હઠયો. એ નિરાશ થયો ને કમળીનાં લગ્ન માટે શું કરવું તે માટે મોટા વિચારમાં પડી ગયો.

એક અઠવાડિયું રહીને કિશોર પાછો મુંબઇ આવ્યો. એલ. એલ. બી. ની પરીક્ષાને માટે એણે ખૂબ તનમનથી અભ્યાસ કીધો. સારા યોગે એ પરીક્ષામાં પસાર થયો ને સનદ મેળવી. હવે તેને હાઇ કોર્ટમાં કામ કરવાની સત્તા મળી. આ બીના ગંગાના જાણવામાં આવી તેથી તેને એટલો બધો આનંદ થયો કે પોતાની લાડકી દીકરીપરનો સર્વ પ્રકારનો પ્રેમ ઉતારી પોતાના પિયુનું જ સ્મરણ કરવા લાગી. દહાડો ચઢતો હોવાથી હાઇકોર્ટમાં કામ કરવા માંડ્યા પછી બે ત્રણ મહિનામાં એક વકીલ તરીકે એ સારો પંકાયો. પહેલે જ સપાટે રૂ. ૨૦૦ થી રૂ. ૩૦૦ દર મહીને મેળવવા લાગ્યો, અને આ પોતાની આવક સ્થાયી થશે એવી આશા ઉત્પન્ન થવાથી ગિરગામમાં એક સારો બંગલો ભાડે રાખ્યો. ટેબલ, ખુરશી, કાચ, છત્રીપલંગાદિ કેટલોક અગત્યનો સર્વે સામાન તેણે વસાવ્યો. ગંગાને પાંચ માસ થઇ ગયા હતા તેથી એનાં માતા પિતાએ સારા આડંબરથી વિદાય કીધી. વાણિયાઓની રીત પ્રમાણે ગંગાની દીકરીને સારા વસ્ત્રાલંકાર તથા પારણા સાથનું ઘોડીયું વગેરે વિદાય કરતી વેળાએ બિહારીલાલે આપ્યાં.

આજે પ્રાતઃકાળના સાત વાગે ગંગાએ પોતાના પ્રિયના નવા ઘરમાં પ્રવેશ કીધો. જેવી તેની ગાડી આવી પહોંચી કે તરત કેશવલાલ, જે આ વેળાએ મુંબઇમાં પોતાની નોકરી પર આવ્યો હતો તે સામો લેવાને ધસ્યો ને કિશોર પણ તેટલા જ પ્રેમથી સામે ગયો. ઉતરતાં તેમને ગંગાએ જ્યેષ્ઠને ઘણા મોહક સ્મિત હાસ્યથી બોલાવ્યા, ને તેણે ગંગાની દીકરીને - જે એવી તો દેખાવડી હતી કે કોઇનું પણ તેને લેવાને મન દોડે તેને એકદમ હાથમાં લઇને ચુંબનથી ગભરાવી નાંખી. આ નાનું બાળક એક રમકડું હતું; ને તેની કાંતિ બેશક તેના શત્રુઓને પણ પ્રીતિ ઉત્પન્ન કરે તેવી હતી. નવા ઘરમાં પ્રવેશ કરતાં ગંગાને ઘણો આનંદ ઉપજ્યો. આખા ઘરમાં ફરીને સઘળી જગ્યા જોઇને ઘણો આનંદ પામી. પોતાને મનપસંદ સઘળી વ્યવસ્થા થઇ શકશે એમ લાગવાથી તે રાજી થઇ. જે જે સ્થળે કોચ ખુરશી ટેબલ સ્ટાન્ડ ગોઠવવામાં આવ્યા હતા, તે ગંગાને નહિ પસંદ પડવાથી કેટલીક ખોડખાપણ કાઢી ત્યારે હસતાં હસતાં કિશોરે કહ્યું કે “બેશક, હવે પછી સઘળી ઘરની વ્યવસ્થા યથાયોગ્ય થશે. જ્યાં તમે પધાર્યા ત્યાં બાકી શું રહેશે ?”

કિશોરે ઘરમાં પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે ચાકરનફરો રાખ્યા હતા. સઘળે ફરીને ગંગા ઘરના બીજા ભાગમાં ગઇ, ત્યાં નવા ચાકરોએ પોતાની લાયકીવાળી શેઠાણીને સારી રીતે નમન કીધું, જો કે તેથી ગંગાને કંઈ ગર્વ ચઢ્યો નહિ. રસોડું, સ્નાન કરવાની જગા, સૂવાનો ઓરડો તથા દીવાનખાનું વગેરે જોઇને તેને એમ ભાસ્યું કે આ સઘળી પોતાના વિચારને અનુકૂલ જગા છે. હિંદુ ઘરસંસારમાં ઘરની વ્યવસ્થા કરવાનું ઘણું કરીને પુરુષને માથે હોય છે. તે જેમ ઇચ્છે તેમ વ્યવસ્થા કરે, પણ સ્ત્રીઓ તો ઘરને કેમ શણગારવું તે બાબત જરા પણ સમજે જ શેની ? ઘરમાં ગમે તેવી અવ્યવસ્થા ચાલે તોએ સઘળું ઠીકાઠીક. પણ ગંગા તો પોતાની જ મરજીને અનુકૂળ સઘળું કરતી, ને તે એવી તો સરસ રીતે કરતી કે ગમે તેવા પ્રેક્ષક પણ તેમાં બનતાં સુધી ખોડખાંપણ કાઢી શકે નહિ.

સઘળે ફરી રહ્યા પછી નાની બાળકીએ તથા ગંગાએ સ્નાન કીધું, ને ભોજન કર્યા પછી કેશવલાલ ને કિશોર પોતપોતાને ધંધે ગયા. કિશોરનો વિચાર પોતાની માતુશ્રી વગેરે સઘળા કુટુંબને મુંબઇ તેડાવી લેવાનો હતો, ને તેટલા માટે પોતાને જોઈએ તે પ્રમાણે મોટું ઘર લીધું હતું. આ બાબત સૂરત કાગળ લખ્યો કે લલિતા શેઠાણી ગુસ્સે થયા “શું હું તે રંડાના હાથ નીચે જઇને રહીશ ?” એમ ગુમાન આણીને ના પાડી. કમળીની મરજી ઘણીએ જવાની હતી, પણ તેનું બાપડીનું ચાલે શું ? વેણીલાલને માથે હોકો ટોકો રહ્યો નહિ તેથી તે સ્વચ્છંદી બન્યો હતો; ને પોતાની મા જેમ શીખવે તેમ જ વર્તતો હતો. કમળીએ ઘણીક વેળાએ પોતાની પ્રિય ભાભીને પોતાને મુંબઇ તેડાવી લેવાને પત્ર લખ્યો, પણ અફસોસ ! તે બિચારીના દુઃખનો અંત આવ્યો નહિ. જો તેમ એ કરત તો ઘરમાં મોટું રમખાણ થાત ને જે કજિયો બંધ પડ્યો હતો તે પાછો સજીવન થતાં સહુને દુઃખ ઉત્પન્ન થાત.

ગંગાને પોતાના નવા ઘરમાં દાખલ થવાને એક મહિનો વીતી ગયો છે. કિશોરલાલનું નવું ઘર આજે નંદનભુવન જેવું થયું છે. ઘરમાં સર્વ સ્થળે આનંદ વ્યાપી રહ્યો છે. દરેક સ્થળની ખૂબીઓ બદલાઇ ગઇ છે. ચાકરનફરો પોતાની શેઠાણીની આજ્ઞા પ્રમાણે ઘરની વ્યવસ્થા રાખે છે. કિશેાર પોતે પણ પોતાના ધંધામાં સારી રીતે કમાય છે ને દંપતી સર્વ પ્રકારે સુખી છે. મોહનચંદ્રના ઘરમાં વડીલો ને તેમાં બીજાં બધાં કરતાં પેલાં કર્કશા સાસુજીનો ઘણો ભય હોવાથી ગંગાથી પોતાના આખા ઘરની જોઇયે તેવી વ્યવસ્થા થઇ નહિ, પણ અહિંયા તો એવા પ્રકારે ગોઠવણ કરવામાં આવી હતી કે કોઇ અંગ્રેજ સ્ત્રીપુરુષને પણ તે વ્યવસ્થા જોઇને ઈર્ષા આવે. ગંગા સર્વ સાફસફ ને ચોખ્ખું રાખવાને ઇચ્છતી હતી ને ઈશ્વરકૃપાએ તે માટેનાં સઘળાં સાધનો તેને મળ્યાં હતાં. પેહેલે તેણે પોતાના મનની સઘળી ધારણા મનમાં જ સમાવી હતી, પણ હવે સઘળી ઇચ્છા બર આણવાનો સારો સમય આવ્યો હતો.

સામાન્ય રીતે એક હિંદુનું ઘર એ તો જાણે, મલેચ્છખાનું જ કહો ! કોઇ પણ ઠેકાણે જરા જેટલી વ્યવસ્થા નહિ. ટેબલ હોય તો ખુરસીનું ઠેકાણું નહિ, ખુરસી ટેબલ બંને સારાં મળ્યાં તો દરેકપર દોઢ દોઢ મણ ધૂળ નહિ જોશો તો ભાગ્ય ! ચાકરો બેકેલાં, ને શેઠશેઠાણી કેાઇના પણ હુકમને માને નહિ કરે, પણ પોતે જ ઘરના માલીક થઇ બેસે, શેઠને જો વાંચવા લખવાનો શોખ હોય તો શેઠાણી કાળા અક્ષરને કૂટી મારનારાં હોય, ને શેઠાણી હોંસીલાં હોય તો શેઠને કંઇ શોખ જ નહિ હોય - તેએા જડભરત જેવા થઇને બેસે. બે ચાર પુસ્તકો ટેબલપર પડ્યાં હોય તો તે પર ધૂળના ઢગલા વળેલા હોય. આરસા હોય તો તેપર સત્તર પંદર ડાઘાડુઘી હોય, આંખને ઠંડક આપવાને ચિત્રો ટાંગ્યાં હોય તો તે એવાં બેડોળ રીતે ગોઠવ્યાં હોય, કે જોવાં ગમે નહિ. એમ એકનું ઠેકાણું હોય તો બીજાનાં ફાંફાં, એવી હિંદુ ઘરની હાલત હોય છે. પણ ગંગાના નવા ઘરની હાલત તદ્દન ઓર જ છે. ઘરમાં પાંચ મોટા ઓરડા ને ત્રણ નાની ઓરડીઓ છે. ત્રણ નાની ઓરડીમાં નહાવા, રાંધવા તથા ઘરનો સામાન મૂકવામાં આવતો હતો. શયનગૃહ ઘણું સારું શણગારેલું હતું, પણ તે કરતાં દીવાનખાનામાં વળી ઘણી સારી વ્યવસ્થા હતી. એક ઓરડામાં લાયબ્રેરી જેવું રાખ્યું હતું. ને તેમાં પોષાકાદિની વ્યવસ્થા થતી હતી. જમવા બેસવાને માટે ઘણો સારો એારડો હતો. ગંગાએ જેમ સૂરતમાં સસરાના વાડામાં બગીચો બનાવ્યો હતો, તેમ અત્રે પણ પોતાના શોખને અનુકૂળ યોજના કીધી હતી. નાનો સરખો બગીચો બે ઘડી મોજ આપે તેવો હતો. સંધ્યાકાળે પોતાની નાની બાળકીને લઇને તે જ્યારે ફરતી ત્યારે તેના આનંદનો પાર નહોતો. તેવામાં કિશેાર આવતો કે તે વહેલી વહેલી દરવાજાપર સામી જતી હતી, ને પ્રેમથી તેનો હાથ પકડતી; થોડીવાર બગીચામાં ફરી બને ધરમાં જતાં હતાં. એક ઘણો સુંદર તોરો તે હંમેશાં પોતાના પ્રિયને માટે તૈયાર રાખતી તેની તે ભેટ આપતી, તે જોઈ આ વખતે કિશોર પોતાના આગલા દુઃખના દિવસ યાદ કરતો ને બને સજલનેત્ર થતાં હતાં.

ઘરમાં પેસતાં જ કોઈને પણ આ નવા હિંદુ ઘરની નાજુકાઈ જણાતી હતી. બગીચામાં જો આપણે પ્રવેશ કરીશું તો એક ક્ષણભર ત્યાંની રચનાથી દંગ થઇશું; દીવાનખાનામાંની યોગ્ય ગોઠવણથી અચરજ પામીશું; ને ઘેરની સ્વચ્છતાથી મોહિત થઈશું. કોઇ પણ સ્થળે તમને પોકળ પતરાજી ને મિથ્યાદોષનું દર્શન થશે નહિ. ખોટો દુમાક કશો હતો જ નહિ. માત્ર એક નાનકડા ઘરની શોભામાં તેની કરકસરથી ઘણો વધારો થયો હતો. પોશાક માટેની ઇલાયદી જગ્યા હતી. આમ ઘરમાંથી તેમને જે જોઇયે તે તરત મળે તેવી ગોઠવણ હતી. શોધવા દોડાદોડ કરવાની જરૂર જ નહિ. તેમ પુસ્તકો પણ બરાબર ગોઠવેલ હતાં. ટેબલપર ખડિયા ને ખડિયાની એક બાજુએ કલમ ને બીજી બાજુએ પેનસીલ ને ચાકુ રાખેલાં હતાં. લખવાના કાગળપત્રો, બ્લોટીંગ તથા કાગળો ઉડી નહિ જાય તેનું વજન પણ તે નજીક જ હતું. જ્યારે જોઇયે ત્યારે સર્વ વસ્તુ ક્ષણમાં પ્રાપ્ત થતી હતી, પણ જેમ સાધારણ રીતે હિંદુ ઘરમાં બને તેમ ખેાળાખેાળ ને દોડાદોડ કરવી પડતી નહિ, કે જાણે તે વસ્તુ ઘરમાં જ નથી એમ લાગતું નહિ. સાધારણ રીતે જો કોઇ હિંદુના ઘરમાં કંઈ બોરીઆં શોધવાં હોય તો ટેબલના બે ખાનામાં ખેાળાખેાળ થશે, એકાદ બે કબાટ ઉઘાડવા પડશે, પાનદાનીમાં પણ જોશે ને છેલ્લે કોઇ જૂની પુરાણી પેટીમાં પણ ખેાળશે; સાથે આખા ઘરમાં ઉથલપાથલ થશે, તોપણ જોઇતી વસ્તુ હાથ આવશે નહિ. જો કંઇ પુસ્તક જોઇશે તો કબાટ, ચોપડી મૂકવાનો સ્ટેન્ડ, રદ્દી કાગળ નાખવાની ટોપલી ને છેલ્લે સર્વાળે કપડાંનું કબાટ પણ ઉથલપાથલ કરશે ! જો કદી ડાકટર આવ્યો ને પ્રીસ્ક્રિપશન લખવાને કાગળ માગ્યો તો ચોબાજુએ બૂમાબૂમ ને દોડાદોડ ને ગભરાટ થશે. કાગળ આવ્યો તો કલમનાં ઠેકાણાં નહિ ને કલમ મળી તો ખડિયામાં શાહી સૂકાઇ ગયેલી, ને તેમાં પાણી નાખવાને માટે ત્રીજે માળેથી વખતે ભોંયતળિયે આવવું પડે, ને તેટલા માટે ઘરના સઘળા માણસો દોડધામમાં પડી જશે. પણ આપણી ગંગાના ઘરમાં તમને આવું કંઇ જણાશે નહિ. ઘરની શોભા એથી ઘણીક રીતે જાય છે, અને તેથી જ પણ ગંગાને તેનો સઘળા પ્રકારે તિરસ્કાર હતો. ઘણા ઘરોમાં આવી રીતની અવ્યવસ્થાથી પુરુષો કંટાળે છે, પણ તેનો સુધારો થતો નથી. જો કે તેવો સુધારો કરવાને સઘળા ઇચ્છે છે ખરા ! પરંતુ વ્યવસ્થાનો ખ્યાલ પણ સંસારમાં નથી ને તેથી ત્યાં હમેશાં અવ્યવસ્થા જ રહે છે. ગંગાને તો પોતાને જે કેળવણી બચપણથી મળી હતી તે હિંદુ સંસારથી ઉલટી હતી. નાનપણથી ચોખવટ, સ્વચ્છતા, વ્યવસ્થા એ તેને ઘણી પ્રિય હતી.

આનંદમાં દોઢ વરસ વહી ગયું, તે જણાયું નહિ, ગંગાની પ્રિય દીકરી હમણાં બે વરસની થઈ હતી, ને તેણે કાલું કાલું બોલીને ઘરના ચાકરનફર સર્વનો પ્રેમ ખેંચી લીધો હતો. કિશોર ને ગંગા તો તેને જરાપણ વીલી મૂકતાં નહિ, ને તેની બરદાસ્તમાં એક દાસીને મૂકી હતી. ઘરમાં તારી (તે બાળકીનું એ નામ પડ્યું હતું) દોડા દોડ કરી મૂકતી ને પોતે ગમ્મત મેળવી ઘરનાં સઘળાંને ગમ્મત આપતી હતી. ગંગા સવાર સાંઝ તેને દરિયે ફરવા મોકલતી હતી, ને ઘેર આવ્યા પછી એટલી બધી તો તે ચંચળતા બતાવતી હતી કે બંને દંપતી તેનો કેડો મૂકતાં નહોતાં. રમકડાં સાથે તે રમત કરતી ને પછી જ્યારે તે ગંગા પાસે આવતી ને વિનોદી કાલું કાલું બોલીને તેનું મનોરંજન કરતી ત્યારે ચુંબનથી તારીને ગભરાવી મૂકતી હતી, ને તેવામાં તે રડતી તો તેના સૌન્દર્યનાં વખાણ કરી કંઈક ખાવાનું આપીને રંજન કરતી હતી. આ નાની બાળકી જાણે પોતાની માતાની તાદૃશ્ય છબી હોયની તેવી રુપ ગુણથી ભરેલી હતી, તેનાથી ઘરમાં આનંદનો સાગર જ ઉભરાઈ જતો હતો. કિશેાર બહારથી આવતો કે એકદમ દોડીને બાપુજીની ખબર પૂછતી, તેના હાથપર જતી ને પછી મીઠું મીઠું બોલીને હર્ષ ઉપજાવતી હતી.

રાત્રિના ત્રણે જણાં સાથે જમતાં ત્યારે જે આનંદ આ ઘરમાં વ્યાપી રહેતો તે કોઇની પણ ઈર્ષા ખેંચવાને બસ હતો. સામસામા પાટલો માંડીને જમતાં ને જેમ બીજા હિંદુના ઘરમાં સ્ત્રીનું પદ ઉતરતું ગણાય છે, તેમાંનું અત્રે કંઇ પણ જણાતું હતું નહિ. જમી રહ્યા પછી પોતાના હાથની બનાવેલી પાનબીડી ગંગા કિશોરને આપી પછી દીવાનખાનામાં બેસતી. ત્યાં કોમળ સ્વરે એકાદ ઘણું સુંદર ઈશ્વરભજન કે પ્રીતિનું પદ ગંગા ગાતી ને તેથી ઘરમાં આનંદની લહેર ઉઠી રહેતી હતી. બરાબર દશ વાગે શયનગૃહમાં શય્યાપર જતાં ને ત્યાં પૂર્ણપ્રેમથી વિલાસ ભોગવતાં હતાં. પરોઢિયામાં સૌથી પહેલી ગંગા ઉઠતી ને પોતાનું કામ તે બરાબર બજાવતી હતી; જે કામ ચાકરો માટેનાં હતાં તે કામો તેમને સોંપી દેતી ને ચાકરો પણ ઘણી હોંસે શેઠાણીની આજ્ઞાને આધીન રહેતા હતા, કોઇ પણ ચાકર કદી બેદરકાર કે અસંતોષી થતો નહિ. કોઇ એક બીજા વચ્ચે વૈરભાવનું નામ નહોતું, ઘરનાં સર્વે માણસો શેઠ શેઠાણીપર પ્રીતિમય થઇ રહેતાં. શેઠાણીને મન બધાં સરખાં હતાં. પહેલે ઘણા લાંબા કાળ સુધી ગંગાને અભ્યાસ કરવાનો વખત મળ્યો નહોતો, પણ હમણાં સર્વ પ્રકારનો અવકાશ હોવાથી પછી તે વિદ્યાભ્યાસપર મંડી ને અંગ્રેજીનો સારો અભ્યાસ કીધો. વિદ્યાભ્યાસમાં કોઇ પણ પ્રકારની કશી પણ કચાસ રાખી નહિ, કવચિત્ બીજી સુજ્ઞ સ્ત્રીઓની મંડળીમાં તે સામેલ થતી ને તેઓ એની લાવણ્યમય સુંદરતા ને વિવેકપર વારી જતી હતી, પાડોસની દક્ષિણી સ્ત્રીઓ સાથે તેનો પરિચય થવાથી તેમનામાંની કેટલીકોને પોતાના જ્ઞાનનો લાભ આપી ઘણીક રીતે તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો; ને તે જોઇને કિશેાર બહુ રાજી થયો.

ઘરની જરા જેટલી પણ ચિંતા કિશેારને નહોતી ને તેના ઘરની આવી યોગ્ય વ્યવસ્થા જોઇને તેના સર્વ મિત્રો જ્યારે પ્રશંસા કરતા હતા, ત્યારે તે પોતાને સર્વ પ્રકારે સુખી માનતો હતો. તેની આવક કેટલેક દરજ્જે વધતી ગઇ, ને તેથી પોતાના પિતાનું સઘળું દેવું વાળી દીધું. અભ્યાસ પછાડી ગંગાનાં ઘરેણાં ગીરો મૂક્યાં કે વેચી નાખ્યાં હતાં તે પાછાં વસાવ્યાં, ને પોતાની પેદાશમાંથી પોતાની માતાને નિયમિત સારી રકમ મેાકલ્યે જતો હતો.

સર્વ પ્રકારે ત્યાં આનંદ વ્યાપી રહ્યો હતો. દુઃખનું નામ નહોતું. કિશોરને આ ઘર સ્વર્ગસદન લાગતું હતું. ગંગાને આથી વિશેષ સુખની અભિલાષા નહોતી અને ખરે જ એમના સુખમાં કંઇ પણ ઉણું હતું નહી. સ્વર્ગ જેને કહેવામાં આવે છે તે શું કંઇ બીજું હશે વારુ? એ જ સ્વર્ગ હતું, જ્યાં દુ:ખ નહોય ત્યાં જ સ્વર્ગ છે ! જે સદનમાં સદા હર્ષમાં કિલ્લોલ કરનાર સુજ્ઞજનો વસે છે ત્યાં સ્વર્ગ શિવાય બીજું છે શું?