ગંગા - એક ગુર્જર વાર્તા/સુખના તો સ્વપ્નાં જ
← આનંદભુવન ! | ગંગા - એક ગુર્જર વાર્તા સુખના તો સ્વપ્નાં જ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
બીજી વિપત્તિ → |
કિશેારલાલ સ્વર્ગનું સુખ ભેાગવતો હતો પણ સુખ પછી દુઃખને આવતાં વિલંબ લાગતો નથી. ઈશ્વરની પણ એવી ઈચ્છા જોવામાં આવે કે મનુષ્ય પ્રાણીને સર્વકાળ એક જ સ્થિતિમાં રાખવું નહિ.
ગંગા ને કિશેારની જોડી અનુપમ હતી ને એ લાવણ્યવતી તરુણીએ પોતાનો સંસાર એવો તો ઉત્તમ પ્રતિનો રાખ્યો કે ઘણી જલદીથી વાણિયાની ન્યાતમાં તે એક દૃષ્ટાંતરૂપ થઇ પડી. ઘર તો ગંગાનું, વ્યવસ્થા તો ગંગાના ઘરની, જ્ઞાન તો ગંગાનું, પત્ની તો ગંગા, વહુવારુ તો ગંગા ને સર્વ બાબતમાં ગંગા જ વાણિયા જ્ઞાતમાં એક અનુપમ સુંદરી તરીકે પૂજાતી હતી. કદીમદી કોઇ સ્થળે ગંગા જતી ને લોકોના જોવામાં આવતી હતી, તો તેઓ તરત આંગળીથી તેને બતાવતા હતા, તે એટલે સુધી હોંસથી કે બૈરાંઓ બધાં ગમે તે નિમિત્તે તેની સાથે વાતે વળગવાને તત્પર થતાં હતાં. લાડ, પોરવાડાદિ બીજી જ્ઞાતની સ્ત્રીઓ વખત બે વખત તેને મળવા જતી હતી, ને ત્યાં તેના ઘરની રીતિ, વૃત્તિ ને કૃતિ જોઇ પોતાને ત્યાં તે પ્રમાણે સુધારો કરવાને તત્પર તો થતી, પણ શરીરમાં કંઇ ગાડે ગાડાં આળસ સમાયલું તેથી ઘેર આવ્યાં કે જ્યાંના વિચાર ત્યાં જ રહેતા હતા. ગંગાનાં દાસ દાસીઓ જે વિવેકથી વર્તતાં તે વિવેકને જોઈને પોતાના ઘરનાં દાસ દાસીઓને બધી રીતે તેવા કરવાનો વિચાર કરતી, પણ પ્રારંભથી જ બે કાયદા થયેલા ઘાટાઓ શેઠાણી ને શેઠને પત જ શાના કરે, ને દાસીઓ તો શેઠાણીના માથાપર ચઢી નહિ બેસે તો ભલું.
હિંદુ સંસાર તે કંઇ સંસાર છે વારુ ? મુંબઇની શેઠાણીઓ તો ઠીક જ છે, જ્ઞાનમાં તો મહારાજોનાં મંદિરે જવાનું જ શીખેલી, ને ઘરમાં રીતભાત એવી રાખેલી કે જ્યારે શેઠ ઘરમાં નહિ હોય ત્યારે બાર કલાક સુધી શેઠાણી બરાડા પાડે, પણ સેવકો સાંભળે જ શેના ચાકરો ઘણી વેળાએ વિનય વગર ઘણું નફટાઇ બતાવે, ને સમયે શેઠાણીની સામા બેમર્યાદા થઇ ચાળા પણ પાડે; ને શેઠાણી વળી એવાં ભલાં માણસ કે વગર વિવેકે ચાકર માણસ સાથે ગપાટા મારે, અને તેઓ જોડે મર્યાદા રહિત બોલે, પછી હિંદુ શ્રીમંત કે રંક કોઇના પણ બૈરાંના ભાર વક્કર કેમ પડે ?
આમાંનું કંઇ પણ ગંગાના ઘરમાં નહિ જોતી ત્યારે મોટા મોટા લોકના ઘરની સ્ત્રીઓ પણ ચકિત થતી હતી. ગંગાએ તો પોતાનાં દાસ દાસીઓ સાથે એવો તો દડપ ને રૂઆબ રાખ્યો હતો કે તેઓ એક શબ્દમાં હાજર થતાં હતાં, તેમ તેઓ પ્રત્યે એવી તો પ્રીતિ રાખતી હતી કે જરા પણ તેમને અગવડ પડવા દેતી નહિ. આજ કારણસર ગંગાના ઘરમાં સઘળું વ્યવસ્થિત હતું.
મુંબઇમાં રહેવા પછી સ્ત્રીકેળવણીમાં ગંગાએ ને કિશોરે ઘ્ણો સારો ભાગ લીધો અને ઘણીક કન્યાશાળાઓને પોતાની મુલાકાતનો લાભ આપીને તેમને ઉત્તેજન આપ્યું. એટલું જ નહિ પણ ઘણીક સ્ત્રીઓ તેમના સમાગમથી કેળવાઇને હોશિયાર થઇ.
પરંતુ આ પ્રમાણે ઘણો કાળ નિભ્યું નહિ, ઈશ્વરને આ સુખી જોડાને જોઇને ઈર્ષા પેદા થઇ, ને તેથી જ તેણે એક પછી એક વિડંબનાઓ મોકલવા માંડી. સૂરતમાં કમળીને નહિ પરવડવાથી અત્યાગ્રહથી માને સમજાવી કિશોરે બેહેનને મુંબઇ બોલાવી લીધી.
કમળીને મુંબઇમાં આવ્યા પછી મોતીલાલનો ઘણો સમાગમ થયો, ઘણા પરિચયથી તેઓ દૃઢ મનનાં થયાં કે ગમે તેમ પણ પુનર્લગ્ન કરવાં. આ વાત ઘણી ચર્ચાઇ તેવામાં કિશેારની નાની બેહેનનાં લગ્ન આવ્યાં. પુરી ન્યાતમાં આ વાત ચર્ચાતાં આ લગ્ન ટાંકણે તેમણે એક નવું રમખાણ ઉભું કરીને કિશેારને સતાવવાનો યત્ન કીધો. તેમાં વળી કિશોર તથા ગંગા સુધરેલા વિચારનાં છે એમ ન્યાતમાં જણાવાથી કેટલાક ઠોલિયાઓ તેમની ઇર્ષા કરવા લાગ્યા, અને તેમાં બે ચાર સારા માણસો પણ સામેલ થઇ ગયા. ન્યાતમાં જથા જોરવાળાનું ઘણું ફાવે આત્મારામ ભૂખણના ઘરના છતાં પૈસેથી ઘસાઇ જવાને લીધે ઘણા તેમના શત્રુ થયા હતા. કંઇ નહિ તો કંઇ પણ કારણસર ન્યાતમાં સગાઓ સારા માણસને સતાવવાને ચૂકે તેવા નહિ હોવાથી તેવા લોકોએ આ વેળાએ પંચાત ભેગી મેળવવાને વિચાર કીધો. જોગાનુજોગથી “ટાઇમ્સ ઓફ ઇંડિયા”માં પોતાને ખરે નામે કિશેારે મહારાજોનાં બુરાં આચરણોપર ઘણો સખત હુમલો કરીને તેમનો કોપ ખેંચી લીધો. સૂરતના મહારાજોમાંના એકે, ન્યાતના બેચાર આગેવાનોને બોલાવી કિશેાર પોતાની બેહેન કમળીનાં પુનર્લગ્ન કરાવે છે, તે માટે ઘટતો બંદોબસ્ત કરવાને ઉશ્કેર્યા. ન્યાતને તો આવું કારણ જોઇતું હતું એટલે ભેગા થયા ને આ બાબતનો ખુલાસો કરવાને પંચે ઠરાવ કીધો. ન્યાતના ઘણા સંભાવિત માણસો તો તેમાં સામેલ પણ થયા નહિ, પણ જેમને ચપાટવાનું જોઇએ તેવા લુચ્ચાના સરદારોએ ધાંધલ મચાવી મૂકી. કિશેારપર એક પત્ર લખ્યો, ને તે મુંબઇ ગયો એમ જણાતાં જ લલિતાબાઇએ પેાકળશ્રાદ્ધ કરવા માંડ્યું, ને દીકરાના નામનાં છાજીયાં લીધાં. તાબડતોબ સૂરતમાં આવીને કિશોર ન્યાતના જે ચારેક સારા માણસો હતા તેમને મળ્યો, ને જણાવ્યું કે આવાં પગલાં ભરવાં ઘણાં કઢંગાં ને કાયદા વિરદ્ધ છે. પણ બીજા લડવૈયાઓ તો એકના બે થયા નહિ. ન્યાતમાં હા ને મારા મારીનું જોર ફાવે છે, પણ વાજબી દલીલો કદી પણ ફાવતી નથી. પંચાત ભેગી કરવામાં આવી. ત્યાં કિશોરે આવીને ઘણા ડહાપણથી જવાબ દીધો, કે ન્યાતથી કોઇ પણ માણસના ખાનગી કામો, વચ્ચે અવાય તેમ નથી. ન્યાતનું કામ એટલું જ છે કે કે ખોટે રસ્તે વરતે તો તેને શિક્ષા કરવી, પણ માત્ર જે સાંભળેલી વાત છે, ને ગામગપાટા છે તેપર અનુમાન બાંધીને કોઇપણ ગૃહસ્થને પીડવું એ સારા ગૃહસ્થને શોભતું નથી. આટલું બોલતાં તો લુચ્ચા માણસોએ મોટો પોકાર કરી મૂક્યો, ને તેઓ એમ જ લઇ બેઠા કે અમોને નાલાયક માણસ કહીને ગાળો ભાંડી. એ તો એણે સઘળી ન્યાતનું જ અ૫માન કર્યું, તેથી જ્યાંસુધી એને શિક્ષા કરવામાં આવે નહિ ત્યાં સૂધી અમે તો હાટકેશ્વર મહાદેવના દેવાલયમાં લાંઘણાં ઘાલીશું. એ વકીલ છે શું ડરાવશે કે ? આમ જોરપર આવેલા લુચ્ચાઓએ તેને ઘણો પજવ્યો ને પછી જ્યારે કાંઇ નહિ ફાવ્યું ત્યારે મારામારી કરવા ઉઠ્યા. કિશોર આવો મામલો જોઇને ત્યાં ઉભું રહેવું યોગ્ય નથી એમ ધારીને પંચાત માંથી ચાલ્યો ગયો.
કિશેાર ન્યાતના જુંગાઓથી ડરીને પંચાતમાંથી ચાલ્યો ગયો, પરંતુ આ લાગવગે ફાવી ગયેલા લુચ્ચાના સરદારોએ તેને છોડ્યો નહિ. બીજે દિવસે એકદમ તેનાપર માજીસ્ટ્રેટને ત્યાંથી સમન્સ લીધા ને કંઇ પણ ડર્યા વગર કિશેાર સામો થયો. તેનાપર કામ ચાલવા માંડ્યું અને બે ચાર તે લુચ્ચાના સાથીએાએ આવીને કસમપર, હાડોહાડ જુઠ્ઠી જુબાની આપી. બ્રિટિશ રાજ્ય ગમે તેવું ન્યાયી છે, છતાં તેમાં જે ગુંચવણો સમાયલી છે તેવી બીજે સ્થળે નથી, તેને ન્યાય પવિત્ર ને સીધો હશે ખરો, પરંતુ જો ચાર લાગતા વળગતાએ સંપ કરીને આબાદ જુઠ્ઠી સાક્ષી પૂરી તો પછી જોઇ લો તમાશો ! ખરેખરો નિરપરાધી એકદમ સપાટામાં આવી જાય. આ જ પ્રમાણેનો મામલો કિશોરનામાં બન્યો. કંઈ પણ 'પ્રાઈમાફેસી' નહિ છતાં માજીસ્ટ્રેટે પડેલી જુબાની પરથી તોહોમત ઘડીને એકદમ એ કેસ સેશન કમીટ કીધો. માજીસ્ટ્રેટ પણ અક્કલના ખાં પડેલા એટલે તેમણે એમ બતાવ્યું કે અમે મુંબઈના વકીલડાઓથી ડરીએ તેવા નથી.
ગંગા અને કિશોર ગમે તેટલાં ડાહ્યાં ને સમજુ હતાં, છતાં આવો મામલો જોઇ ઘણાં ગભરાયાં. કેસ તો સાધારણ મારામારીનો હતો, છતાં તેઓ બીધાં. “કોરટ, સોરત ને ઓરત, એ ત્રણેનો વિશ્વાસ નહિ.” તેથી પોતાની તરફથી સેશનમાં એક બારીસ્ટર કિશેારે બેાલાવ્યો, ને તેણે કેસનો પ્રારંભ કરતાં તેના ભાષણથી જ જજ્જે કેસ કાઢી નાખ્યો. આટલું છતાં પણ જે ખર્ચ થયો તે માથે જ પડ્યો. ન્યાતના સગાઓ હાર્યા પછી પાછી પંચાત બોલાવી, પણ એકાદ બે સારા આસામીઓ વચ્ચે પડ્યા ને એકદમ તે લુચ્ચાઓનો દંડ લીધો. કિશેાર સાથે વાતચીત થતાં તેણે જણાવ્યું કે શાસ્ત્ર આજ્ઞાની બહાર તે એક પગલું પણ ભરે તેમ નથી ને ભરશે પણ નહિ. આ તેનો દૃઢ ઠરાવ જોઇ ન્યાતના ધર્માંધ મનુષ્યો પણ તેનાપર ખુશ ખુશ થઈ ગયા.
આટલું થયા પછી પોતાની નાની બહેન મણિનાં લગ્ન કીધાં. આ વેળાએ વરવાળાએ મહારાજને વરકન્યાનો હાથેવાળો મળતો હતો તે વેળાએ બોલાવવાનો આગ્રહ ધર્યો, પણ તે એકનો બે થયો નહિ. સર્વ રીતે સાંગોપાંગ વિવાહ સમારંભ પાર પડ્યો. આ લગ્ન પ્રસંગે ગંગાએ ઘણીક રીતની કઢંગી રીતો પોતાને ત્યાંથી કાઢી નાખી ને એક નવી જ પદ્ધતિથી લગ્નની રચના કીધી હતી.