ગંગા - એક ગુર્જર વાર્તા/કમળાની મૂર્છા

← જય માતા ભવાની ગંગા - એક ગુર્જર વાર્તા
કમળાની મૂર્છા
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
કમળાના ઉભરા →


પ્રકરણ ૩ જું
કમળાની મૂર્ચ્છા

કમળાના બેભાન થવાથી મોહનચંદ્રને ઘણો ગભરાટ થયો. દેવમંદિરમાં આ પ્રમાણે થવાથી તેને ઘણી શંકા ઉત્પન્ન થઈ કે, જો મંદિરમાં જ કમળી મરણ પામશે તે મંદિરની શુદ્ધિ માટે મોટો ખર્ચ કરવો પડશે. તેની મરજી એવી હતી કે, જેમ બને તેમ જલદી, અહીંથી એને ઉંચકીને ઘેર લઈ જવી. પણ બ્રાહ્મણોની ઇચ્છા એમ નહતી. તેઓને દક્ષિણાનો અતિશય લોભ, તેથી કોઈને પણ જવા દેવાને નારાજ હતા. તેઓએ મોટો કોલાહલ કરી મૂક્યો, કમળાની આસપાસ તેઓ વીંટાઈ વળ્યા. કોઈ તેને પાણી છાંટતા ને કોઈએ કોલનવોટર લાવીને ઠંડક કીધી. ગંગા ને વેણી, કમળાની બાજુએ બેસીને ઘણી આતુરતાથી આસનાવાસના કરતાં હતાં. કમળા તો એવી મૂર્ચ્છિત અવસ્થામાં પડી હતી કે, તેનું તેને જરાએ ભાન નહતું. આશરે પા કલાક પછી કમળાએ શરીર હલાવ્યું, આંખ ઉઘાડી.

“બહેન, બહેન, તમને શું થયું છે ? જરા તો બોલો.” ડચકિયાં ખાતાં ખાતાં ને ધ્રુજતાં ધ્રુજતાં ગંગાએ પૂછયું, “બોલો, છે શું ? તમને જે કંઈ થયું હોય તે મને કહો, તમે ગભરાઓ છે શા વાસ્તે ? જરા તો બોલો, મોટી બહેન ?”

“પાણી ! પાણી ! મને જરા પાણી પાઓ, મારું ગળું સોષાઈ જાય છે. મારાથી જરા પણ બોલાતું નથી. ઓ માતા ! માતા ! પિતાજી તમે છો કે ?”

“શું છે બહેન કમળી ? અરે કોઈ પાણી લાવો.” તુરત પાણી લાવીને પાવામાં આવ્યું. બેઠી થઈને કમળાએ પાણી પીધું. તેના નેત્ર રાતાં હિંગળોક જેવાં થઈ ગયાં હતાં. બ્રાહ્મણો માંહેમાંહે બોલવા લાગ્યા કે, એના શરીરમાં ખચીત માતાએ પ્રવેશ કીધો છે.

“કમળી, તને કંઈ વિચીત્ર દેખાયું હતું ?” એક બ્રાહ્મણે પૂછ્યું.

“ના, મને કંઈ થયું નથી ને કંઈ દેખાયુંએ નથી.” કમળાએ જવાબ દીધો. જો કે જવાબ લગાર તોછડો હતો, તથાપિ તે ગુસ્સાનો ન હતો. “પિતાજી ! મારું શરીર ઘણું સાલે છે, હવે મને જવા દો, નહિ તો અંબામા ઘણી ગુસ્સે થશે !”

“બેટા ! જરા પણ તું ડર ના. અંબા સદા રક્ષણ કરશે.” મોહનચન્દ્રે કહ્યું, “અંબાને ગુસ્સે થવા જેવું તેં શું કીધું છે ? તને શું અંબાનાં દર્શન થયાં ? તેની મૂર્તિ કેવી મનમોહક હતી ?” “હા, મને તેનાં ગુસ્સાભરેલાં દર્શન થયાં, પણ પછી તે હસીને ચાલ્યાં ગયાં.” કમળા એટલું બોલીને અંબા તરફ નમ્ર વિનતિ કરવાને પાછી ફરી. તેના પગ થરથર ધ્રુજતા હતા, તેનામાં બોલવાની શક્તિ ઘણી થોડી હતી. છતાં તે બોલીઃ “ઓ પૂજ્ય પવિત્ર શક્તિ ! તારા ચરણમાં મારું મસ્તક છે અને માત્ર તું જ એક સર્વ સિદ્ધિદાતા છે. તારી ઇચ્છામાં આવે તેમ કર, આ રંક કિંકરીને સતાવ ના, પણ તારો આશીર્વાદ આપ. તારી ઇચ્છા પ્રમાણે વર્તવાને હું બંધાઈ છું !” ધુંટણ૫ર પડી, એ પ્રમાણે પ્રાર્થના કરીને તે જોર ભેર ઉઠી ઉભી થઈ અને મોહનચંદ્રને કહ્યું, “પિતાજી, ચાલો; સ્વસ્થ રહો. હું શાંત છું.”

દેવાલયના પૂજારીએ કહ્યું: “એને કંઈ પૂછવાની જરૂર નથી. માતાની આજ્ઞા પ્રમાણે એ વર્તશે. બહેન, તારી ઇચ્છામાં આવે તેમ કરજે !” તુરત માતાના શરીરપરથી ફૂલના હાર કહાડી તેના ગળામાં નાંખ્યા; અને નાળિયેર વધેરી તેનું પાણી માતા આગળ ધરીને પાયું, તે વખતે સઘળા બ્રાહ્મણ અને ભક્તોએ “અંબે માતકી જે !” “જય મહાકાળી !” “જયદેવી ભવાની”નો ઘેાષ કીધો.

“મને લઈ જાઓ ! મને ઉઠાવો ! મને જવા દો ! પિતાજી જલદી મને લઈ જાઓ, હું મોઈ !” આમ બોલી તે પાછી જમીન પર તૂટી પડી.

“હવે જલદી એને ઘેર લઈ ચાલો. ગંગા, તું એની જોડે રહેજે ને એને સમાલજે. કોઈ જલદી પાલખીવાળાને બોલાવો તો. જલદી કરો, કોઈ દોડો. અરે ! કોણ જાણે એને શું થયું છે !!”

ગંગા આ બધું શું થાય છે તે સમજી શકી નહિ; પણ તેણે કમળાનું મન ભ્રમિત થયેલું ધાર્યું. તેણે માત્ર એટલું જ ઇચ્છ્યું કે, હવે જેમ જલદી ઘેર જવાય તેમ સારું. તે પાછી કમળાની પાસે બેઠી. એટલામાં પાલખી આવી ને તેમાં કમળાને સૂવાડી. સૌ ધીમે ધીમે એક સરઘસના આકારમાં મૌન ધારણ કરી પાલખી સાથે ચાલતાં થયાં. બ્રાહ્મણો, પોતાને દક્ષણા ન મળી, તેથી ઘણા ઉદાસ થઈ ગયા. ગંગા, કમળાની સાથે જ પાલખીની જોડે ચાલતી હતી. વેણી પણ પછાડી ધીમે ધીમે ચાલતી હતી. મદન ઉંઘી ગયો હતો ને તે અહમદના હાથમાં હતો.

રાત્રીના દશ વાગ્યા હતા. સુરત જેવા શહેરમાં એ વખતે તદ્દન સૂનકાર જેવું હોય છે, તોપણ આ પ્રમાણેનો દેખાવ જોઈને ઘણા જણ બારીએ જોવાને આવ્યા ને આશ્ચર્ય પામતા, “શું છે ? શું છે? એમ પૂછવા લાગ્યા. ઘેર આગળ આવતા સુધીમાં “એ શું છે ?” એ ત્રણ અક્ષર ત્રણસેં તરફથી પૂછાયા હતા. ઘેર આવી પહોંચ્યા તો સઘળાં જાગતાં હોવાથી ને શેઠાણી પણ જાગતાં હોવાથી, “આ વળી શું છે ?” એમ જાણી બારી આગળ આવી જોવા ઉભાં, પણ જ્યારે સૌ આવીને તેના જ બારણા આગળ ઉભાં, ત્યારે તો તે બહુ ગભરાઈ. તે નીચે ઉતરીને જોવા આવી.

“સાસુજી ! કમળા બહેનને કંઈ અણચિંતવ્યું દેવાલયમાં જ થઈ આવ્યું છે અને તેઓ બોલતાં નથી;” ગંગાએ બારણા આગળ એકદમ જઈને ટુંકામાં જણાવ્યું.

“હાય હાય રે મારી દીકરીને શું થયું ? અરે બહેન ! તને શું થયું ? તું કેમ બોલતી નથી ?” એમ બોલતાં કમળાની પાલખી પાસે શેઠાણી આવ્યાં અને અંદર જોવાને માથું ખેંચ્યું; પણ ભાગચોઘડીએ પાલખીના બારણા સાથે માથું અફળાયું, કે તે તો રાતી પીળી થઈ ગઈ.

“તમને કોણે કહ્યું હતું કે, તમે સૌને તેડી જાઓ ?” ઘરધણિયાણી ગુસ્સાના આવેશમાં તોછડાઈથી મોહનચન્દ્ર સામું જોઈ બોલી. "મારું તો કોઈ માને જ નહિ. ભોગ છે મારા કે મારે નસીબે દુ:ખ જ સરજેલું છે. કોણ જાણે આ દિકરીનું હવે શું થશે, એને શું થયું છે, તે કોઈ કહી મરશે ?”

કોઈએ જવાબ દીધો નહિ, ગંગા તો સાસુજીનો ગુસ્સો જોઈને ખુણામાં ભરાઈને ઉભી; અને વેણીગવરી ઘરમાં ભરાઈ ગઈ. ક્ષણ પછી ગંગાએ આવીને પાલખીમાંથી કમળાને ઉઠાવી ને પોતાની જેઠાણી તુલજા તુરત નીચે આવી હતી, તેની સાથે ઉચકીને માળપર લઈ જવા યત્ન કીધો. પણ સૌંદર્ય સકુમાર એવી ગંગાથી તે કેટલો બોજો ઉચકાય. પણ તેટલામાં મોહનચન્દ્રે આવીને કમળાને ઉંચકી લીધી. તે અને માણસો સાથે મળી તેને માળપર લઈ ગયા. શેઠાણી તો બડબડતી જ રહી ને તે પાછળ આવે, તેટલામાં તો ગંગાના શયનગૃહમાં કમળાને લઈ જઈને એક કોચ ઉપર સૂવાડી. ગંગાના ઓરડામાં માત્ર તે અને કમળા શિવાય બીજું કોઈ હતું નહિ. દિવાનખાનામાં મોહનચન્દ્ર હતા. તેમનાં ધણિયાણી આવ્યાં કે, તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રમાણે પોતાને થતા અપમાનથી શેઠાણી તો ઘણા ક્રોધમાં આવી ગયાં.

આ ખરું છે કે, જ્યાં સૂધી ગુસ્સે થયેલા માણસ સામા કોઇ હોય નહિ ત્યાં સુધી તેનો ગુસ્સો પ્રકટ થતો નથી. પણ જેમ વધારે વખત તે ગુસ્સો રહે છે, તેમ તે વધારે ધુંધવાય છે, ને અંતે બહાર નીકળીને ઘણો શોરબકોર કરે છે. વડી શેઠાણીના સંબંધમાં પણ એમ જ બન્યું.