ગંગા - એક ગુર્જર વાર્તા/જય માતા ભવાની

ગંગા - એક ગુર્જર વાર્તા
જય માતા ભવાની
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
કમળાની મૂર્છા →


પ્રકરણ ૨ જું
જય માતા ભવાની

આજે મોહનચંદ્રે અંબાભવાનીના દેવળમાં મોટી પૂજા કરાવી છે, તે તો સવારના જ ત્યાં જઈને બેઠો હતો. સૂર્યપુરમાં માતાને પણ માનનારા કેટલા છે અને અગરજો માતાના ભકત ક્વચિત મદ્ય પણ લે છે, તોપણ મોહનચન્દ્રે પોતાની આખી જીંદગીમાં તેનો સ્પર્શ પણ કીધો નથી. આખા દિવસમાં માતાને કેમ શણગાર સજાવવા ને કેવાં વસ્ત્ર પહેરાવવાં, તે માટેની સઘળી ગોઠવણ તે ત્યાં કરતો હતો. મોહનચન્દ્ર એ દિવસે ઘણો ઉમંગી હતો.

માતાનું મંદિર સાધારણ રીતે ઘણું ઊંચું નથી. તે જમીનથી આસરે ૨૧ ફૂટ ઊંચું બાંધેલું છે. પગથી ચઢી એક ચોગાનમાં થઈને માતાના રંગમંડપમાં જવાય છે. રંગમંડપમાં ભાગ્યે એક સામટાં સો માણસ સમાઈ શકે. માતાની પ્રતિમા પાંચ ફીટથી મોટી નથી અને સલાટે તેને ઘડવામાં પોતાની કારીગરી સારી વાપરી છે. સ્થાનકપર, જ્યારે પૂજારીઓ ઠાઠમાઠથી શણગારે છે ત્યારે તેનું સ્વરૂપ સુંદર અને શાંત જણાય છે.

ગંગાને માતાપર ઝાઝો ભક્તિભાવ નહતો. તે તો માત્ર એક જગત નિયંતાને ભજનારી હતી. પણ વડીલની આજ્ઞાનુસાર વર્તવામાં હંમેશ તે તત્પર રહેતી હતી. સવારના ઘેરથી જતી વેળાએ મોહનચન્દ્રે ઘરનાં સઘળાં છોકરાં છૈયાંને ત્યાં આવવાની આજ્ઞા કીધી હતી. પણ મોહનચન્દ્રની ભાર્યાનો વિચાર સૌથી ન્યારો હતો. જે કહેવામાં આવે તેથી ઉલટું કરવું, ઘરમાં સૌને રંજાડવાં અને સુખે ખાવું નહિ ને ખાવા દેવું નહિ, એવો તેનો સ્થાપિત નિયમ હતો. સપરમે દહાડે તો એ શેઠાણીને મન કંકાસનો સૂર્યોદય હતો. તેથી આવે રુડે દિવસે તે ક્વચિત જ શાંત રહેતી હતી અને રહે ત્યારે એમ જ જાણવું કે, “આફતાબ અગરેબથી મગરેબ' ગયા છે. આ કારણથી સવારથી જ તેણે ક્લેશ માંડ્યો હતો; અને પોતે જવું નહિ, અને કોઈને જવા દેવાં નહિ; એ જ વિચાર તેણે દૃઢ કીધેા હતો. કુટુંબની વ્યવસ્થા સંબંધી વાત અગાડી આવશે, પણ આ સ્થળે એટલું જ કહેવાનું કે માત્ર ગંગા, કમળા, મદન ને વેણુગવરી શિવાય કોઈપણ આ સમારંભમાં દાખલ થયું નહિ.

રાત્રિના આઠ વાગ્યા હતા. માતાના દેહરામાં “જય કાળી,” “જય ભવાની,” “જય દુર્ગા” “અંબે માતકી જે"ના અવાજો થતા હતા. મોહનચન્દ્રે ત્રણ વખત બહાર નીકળી ગંગા અને કમળાની રાહ જોઈ, પણ જ્યારે તે ન દેખાયાં ત્યારે નિરાશ થઈને મંદિરમાં પાછા ફર્યા હતા. પણ ચોથી વેળાએ જેવો તે બહાર નિકળ્યો કે ગંગાને જોઈને તેને અત્યંત હર્ષ થયો, તે એકદમ બેાલ્યોઃ “કેમ તમે સૌ આવ્યાં ? આવો, બહુવાર લાગી હો !”

“હા પિતાજી, લગાર વિલંબ થયો છે, પણ મદને વાર લગાડી, બાકી તો સવેળા આવત.” કમળાએ વિનયથી ઉત્તર આપ્યો. “ચાલો, હવે દેહરામાં જઈને દર્શન કરીએ, માતાજીને ખેાટી કરવાં એ ઠીક નહિ.”

આટલું બોલીને સૌ દેવાલયમાં આવ્યાં. સસરાના પ્રેમથી ગંગાની છાતી હર્ષથી ફૂલાઈ ગઈ અને હાથ ને ખભા ઉંચકાયા, પણ તે હર્ષથી લગાર ધ્રુજી.

મંદિરમાં શક્તિને રીઝવવાને સંગીત થતું હતું. તેમાં સૌ તુરત સામેલ થઈ ગયાં. મોહનચંદ્રની આસપાસ ભિક્ષુક બ્રાહ્મણો વીંટલાઈ વળ્યા હતા; તેમ જ ગંગા અને કમળાની આસપાસ પણ બ્રાહ્મણો ફરી વળેલા હતા. અહમદના હાથમાંથી મદનને લઈને ગંગા દેહરામાં આવી, ત્યારે મદન તો એવા ખુશખુશ થઈ ગયો કે, જ્યારે સૌ જણાં ગાયન કરતાં, ત્યારે તે હાથથી જાણે તાલ આપતો હોય તેમ, હાથ સાથ હાથને અફાળતેા હતેા.

પણ આ દેખાવ જોઈને કમળા જડ જેવી, વિભ્રાંતિ જેવી બની ગઈ. જ્યારે સૌ માતાની પૂજાની ધૂનમાં ચઢ્યાં હતાં, ત્યારે તે એકદમ વેણીગવરીની બાજુમાંથી ખસી બેભાન થઈને મૂર્છા ખાઈ ધબ દઈને ભોંયપર પડી ગઈ; પણ ઘેાંઘાટમાં કોઈએ તેના પડવાનો અવાજ સાંભળ્યો નહિ, તો પણ પડતાં પડતાં તેણીએ “જય માતા ! જય માતા !”નો પોકાર કીધો.

આ પોકાર જેવો ગંગાએ સાંભળ્યો, તેવી જ તે હાંફળી ફાંફળી થઈ ગઈ અને મદનને ભોંયપર એકદમ મૂકી દઈ કમળા ભણી દોડી.

“બહેન ! બહેન !” તેણે એકદમ કમળાને હાથમાં લઈ લીધી ને પછી બોલી. “તમને શું થયું ? અરે આ શું થયું છે તે કોઈ જુઓ, જુઓ ! ! કમળા બહેન ! ઉઠો, ઉઠો, કેમ કંઈ બોલતાં નથી ? અરે આ શું થઈ ગયું ?” નિશ્વાસ મૂકીને, જો કે ધીરી છતાં ગંગા દિલગીર થતાં આટલું બોલી શકી.

“ચૂપ ! ચૂપ ! આ શી ગડબડ !” મંદિરના પૂજારીએ બૂમ મારી ગુસ્સાથી કહ્યું: કેમકે જો કંઈ વિશેષ ગડબડ થાય અને લોકો વેરણખેરણ થઈ જાય તો તેની દક્ષણા તે ચૂકી જાય “એ શું છે ? એને કોઈ છેડે નહિ, એ સૌ પોતાની મેળે ઉઠશે.” “શાંતિ! શાંતિ” પિતાએ કહ્યું-કંઈ ઉતાવળ ને ગભરાટથી “એને, ગંગા બા, તું હાલ કંઈ વધારે કરશે તો ભયની મારી એ મરણ પામશે. કંઈ ઘણી મજબૂત નથી, જગદંબા એનું રક્ષણ કરશે ! આપણે તો અશક્ત છીએ ! ઓ કમળી, કમળી, બેટા, તને શું થયું ?”

“અરે પિતાજી, તમે શું અહિયાં છો?” કમળા એટલું બોલી ક્ષણભર ચૂપ રહ્યા પછી પાછી બોલી; “માતા, મારી રક્ષા કરો. માતાએ મને ભયમાં નાંખી છે, પવિત્ર મા ! હું હવે તારું સ્મરણ કરીશ, ને તને સદા સ્મરીશ.” વહેમથી તેણીને એમ લાગ્યું કે, માતા જ મારા શરીરમાં છે અને તુરત જ બ્રાહ્મણોએ, “જય જય કાળીમા !” “જય જય, તુલજાભવાની..."ની બૂમ પાડી દેવાલયને ગજાવી મૂક્યું.

ત્યારે એ શું છે ? શું દુર્ગાદેવી તેના શરીરમાં આવી છે ? નહિ દુર્ગા અને કાલકા જો આવી રીતે બીજાના શરીરમાં પ્રવેશ કરી અપવિત્ર બનતી હોય તો તે પૂજ્ય પવિત્ર ગણાય નહિ અને એમ જ ગંગા પણ માનતી હતી, પણ ત્યારે એ શું થયું હતું ?

વેણીગવરી આ જોઈને રડવા લાગી; મદન પણ કોલાહલ કરી રહ્યો. સઘળા બ્રાહ્મણો તો “જય જય ભવાની” કરવા મંડી પડ્યા. ગંગા જોકે ઘણી ગભરાઈ ગઈ હતી, તો પણ ધીરજ ધરી કમળાની પાસે બેઠી અને તેના મ્હોપર પાણી છાંટી સાવધ કરવાના યત્ન કરવા લાગી.