← બે પત્રો ! ગંગા - એક ગુર્જર વાર્તા
તારી
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
ગંગા →


પ્રકરણ ૨૯ મું
તારી

સંસારમાં અનેક પ્રકારની દુગ્ધા છે, ને તેમાં પડતા ઉપરાચાપરી મારો સહન થાય તેવો કવચિત્ જ હોય છે. સુખ પછી દુ:ખ ને દુ:ખ પછી સુખ. અસ્તનો ઉદય અને ઉદયનો અસ્ત. દુનિયાની ઘટમાળા ફર્યા જ કરે છે. નાયિકા ગંગા એક અતિ ઉત્તમ સુંદરી છે - તેના સદ્દગુણોનું વર્ણન કોણ કરી શકે તેમ છે ? તે પ્રેમમાં પૂરી છે, નીતિમાં દૃઢ છે, વિવેકમાં ચતુર છે, મર્યાદામાં મહાદેવી છે, ગૃહકાર્યમાં ગુણવતી છે, કિશેારલાલ ને ગંગાનું જોડુ ઘણું સુખી ને લોકોને ઈર્ષા આપે તેવું છે, પણ તેમના પર પડતી વિડંબનાઓ નહિ સહન થવાથી બંને જણ ઘણાં હીજરાઈ ગયાં છે. કોઈપણ તનનું સાથી દિલાસો આપવા જોગ પાસે નથી. ને શોક-ફિકરથી બંને જણાં શરીરે નબળાં થઈ પડ્યા છે તેમાં કર્મધર્મ જોગે સૌથી નાની બહેન મણીપર પણ કમનસીબ દૈવે કેાપ કીધો, તેથી તે હમણાં વિધવાવસ્થામાં કિશોરના ઘરમાં આવી છે. તેના સાસરિયાં ઘણાં કપાતર નીકળ્યાં હતાં, ને તેના ધણીના મરણ પછી તે બાપડીને ઘણી સંતાપવા લાગ્યાં. અનેક પ્રકારનાં મહેણાં ટુંણાં મારતા હતાં. “એ તો કપગલાંની આવી તે રાંડે મારા દીકરાને ખાધો.” “એ તો ચપ્પટ પગલાંની છે તે ચપ્પટ કરશે;” “રાંડો ભણી ગણીને હવે, તાયફાનો ધંધો કરનારીઓ છે તેને ધણીનું મોઢું કેમ ગમે, ને પરમેશ્વર, પણ તેવું જ કરે તો !” એમ ભાતભાતનાં ને વિવિધનાં મહેણાં ઓઠાં ને દામડાં સાસુ ને નણંદ મારતી હતી, તે આ બાપડીથી સહેવાયાં નહિ, ને તે હકીકત કિશેારના જાણવામાં આવતાં પોતા પાસે તેડાવી લીધી. તેણે કોઈપણ રીતે પોતાની નાની બહેનને સુખ આપવામાં કસર રાખી નહિ, ને ગંગાએ તો એવો જ જાણે નિયમ લીધો હોયની કે મણી બહેનને પૂછવા વગર પગલું ભરવું નહિ - તેમ વર્તતી હતી. મણીએ ઘણી સારી રીતે વિદ્યાભ્યાસ કીધો હતો, તેથી તે બારે પહોર ને બત્રીસે ઘડી ભણવા ગણવામાં તથા “ભગવદ્દગીતા”ના પાઠ કરવા તથા સતીગીતાદિ વાંચવામાં પોતાને કાળ ગાળતી હતી.

તુળજાગવરી ને કેશવલાલ અમદાવાદમાં હતાં. વેણીલાલ સૂરતમાં નોકરી કરતો હતો. કુટુંબનું કામ યથાયોગ્ય વ્યવસ્થામાં ચાલતું હતું ને સઘળે સુખશાંતિ હતી. ત્રણે ભાઈઓને અન્યોન્ય સારો બનાવ હતો ને હવે ત્રણે વહુવારુને પણ સારી રીતે બનતું હતું. લલિતાબાઈના મુવા પછી વેણીગવરી ને વેણીલાલ સુધરી ગયાં હતાં. તેઓ ગંગા તથા કિશેારલાલની ઘણી આમન્યા રાખતાં, એટલું જ નહિ પણ કેશવલાલ તથા તુળજાગવરી પણ તેમના તરફ ઘણું મમતાથી વર્તતાં હતાં. કવચિત્ ગંગા-કિશેાર ને કવચિત્ વેણીલાલ, કેશવલાલ પરસ્પર મળવા આવતાં જતાં હતાં. કિશોરલાલનો વખત ધીમે ધીમે સારી રીતે જવા લાગ્યો. વખત વીતતો ગયો, તેમ તેમ શોક-દુઃખ ઓછાં થવા માંડ્યા. કમળાના મરણથી ગંગા-કિશેારને બીજા કરતાં ઘણું લાગ્યું, પણ તે ધીમે ધીમે ઓછું થયું. પાછો કોરટનો ધંધો અચ્છી રીતે ચલાવવા લાગ્યો, ને હાઈકોર્ટમાં ઉપરાચાપરી કેસો કિશોરને મળવા લાગ્યા, ને તે સઘળામાં એની પ્રતિષ્ઠા ઘણી વધી. પાંચ પૈસા તેણે પેદા કરી લીધા, ને જે ઘરમાં એ રહેતો હતો, તે ઘર પોતાની મિલકત થાત, પણ ગંગાએ તેમ કરવાને ના પાડવાથી તેણે સારી રીતે પૈસા એકઠા કીધા. સર્વ વાતે કુટુંબ પાછું સુખી અવસ્થામાં હતું. તારાગવરી હમણાં પાંચ વરસની છે, તે ઘરમાં દોડાદોડ કરી મૂકે છે, ને વાડામાં, આગલા બગીચામાં કે ફુવારા નજીક પોતાની મેળે એકલી આવજાવ કરવાને શક્તિમતી છે. તેનું કાલું કાલું બોલવું તથા નાની નાની કવિતાઓનું મોઢે કરવું, ને ગાવું ને રમવું એ સઘળાથી ગંગા-કિશેાર ઘણા આનંદમાં દિવસ નિર્ગમન કરતાં હતાં. તારી ઘણી ચાલાક હતી. તે ચંચળ તેમ જ સઘળું ધ્યાનમાં રાખી શકે તેવી હતી, તે સાથે ઉછાંછળી નહિ પણ ઠંડી હતી. પોતાની પ્યારી મેના સાથે તે ઘણી ગમ્મત કરતી હતી, ને જે તારી બહાર હવા ખાવા ગઈ હોય તો મેના ઘરમાં બૂમાબૂમ પાડી મૂકતી હતી. આ રીતે કિશોરલાલનું ઘર પાછું આનંદભવન થઈ રહ્યું હતું.

પણ એટલામાં એક ઘણો ભયંકર બનાવ પાછો કુટુંબમાં બન્યો. ગંગા કદીપણ આળસુ નહેાતી અથવા તે કદીપણ દિવસની નિદ્રા લેતી નહોતી. સદા જ તે ઉદ્યોગી હતી. તે પોતાનું સઘળું ઘરકામ ચોક્કસ રાખતી હતી. વૈશાખ માસમાં એક દિવસે ઘણો ઉકળાટ થવાથી તે સહજ ઉંધમાં પડી હતી. ચાકરો કામકાજમાં ગુંથાયા હતા; ને તારી બગીચામાં રમતી હતી.

ગંગા અર્ધો કલાક ઉંઘી નહિ ઉઘી, તેવામાં જાગ્રત થઈને તારીને નહિ જોવાથી ગાભરી ગાભરી બૂમ પાડવા લાગી. 'તારી, તારી' ઘણી બૂમ પાડી, પણ તારીએ કશો પણ જવાબ દીધો નહિ. તરત તેણે બહાર આવીને ચાકરોને પૂછયું કે, “તારી ક્યાં છે ?” તેમણે કહ્યું કે ઘરમાં જ છે, પણ ઘરમાં ઘણીએ શેાધી છતાં તારી દેખાઈ નહિ, તારી ગઈ ક્યાં, એ સવાલ થતાં જ સઘળા ચાકરો કામકાજ પડતું મુકી દોડ્યા, પણ આસપાસનાં ઘરોમાં કે રસ્તાપર અથવા કોઈપણ ખૂણા-ખાંચામાં તારી નહોતી. ગંગા ઘણી અધીરી બની ગઈ, એટલું જ નહિ પણ ઘણી ગભરાઈ ને ઘરના સઘળા ઓરડાઓમાં તે ફરી વળી ને તારી તારી ઘણી પોકારી, પણ કોઈપણ સ્થળથી તારીનો જવાબ મળ્યો નહિ. એટલામાં તરત જ મેનાનું પાંજરું જે બગીચાના ઓટલાપર હતું તે ખુલ્લું રહી ગયાથી મેના પાંજરામાંથી બહાર નીકળી ને વાડીમાંના ફુવારા પાસે જઈને ઘણી બૂમો મારવા લાગી, તે ઉડે, દોડે, પાંજરાપર બેસે, હોજ તરફ જાય, એમ કળાહોળ કરી મૂક્યું. પહેલે તો ગભરાટમાં કોઇની નજર તેના તરફ પડી નહિ. ગંગાને કશું સૂઝે જ નહિ. ઘરમાં ચાકરો શિવાય બીજો કોઈ પુરુષ નહોતો. ઘણો વખત થયો એટલે ગંગાથી ધીરજ રખાઇ નહિ તેથી તે રડી પડી. ઘરમાં ગભરાટ થવાથી ને ગંગાને રડતી સાંભળી પડોસમાંનાં બૈરાં છોકરાંઓ દોડી આવ્યાં. તેવામાં મેનાના આક્રંદ તરફ સર્વની નજર ગઇ, ને હોજ તરફ દોડ્યાં, તો તારી તેમાં શબવત્ પડેલી જણાઈ. ઘરનો ભટ હોજમાં કૂદી પડ્યો, ને હાથમાં એક રમકડુ-એક મૂર્તિ-એક કુદરતે ઘડેલી પૂતળી લઈને ભટ પાણીમાંથી બહાર આવ્યો. તારીના ગુલાબી ગાલ, હસ્તેા ચહેરો, હરણી જેવી નિર્મળ આંખ, દાડમબીજ જેવા દાંત, ને પાકા ટીંડોરા જેવા હોઠ જોઈને સર્વે પહેલે તો ખુશી થયાં, પણ જેવાં પાસે જઇને જોય છે તેવું એક કાષ્ઠનું પૂતળું જોવામાં આવ્યું ! ગંગાએ કારમી ચીસ નાંખી, ને તરત મૂર્છા ખાઇને પડી.

મળેલા લોકો ને ચાકરોએ હવે તારી તરફ કશી પણ કાળજી બતાવી નહિ, કેમકે તેમાં હવે કંઈજ હતું જ નહિ-પણ ગંગાને મૂર્છામાંથી સાવધ કરવાને મંડ્યા, તેના મોંપર પાણી છાંટ્યું ને વાયુ ઢોળવા માંડ્યા. થોડાક ઉપચાર પછી તે શુદ્ધિમાં આવી. પોતાના ખેાળામાં તારીને લઈને તે અત્યંત વિલાપ કરવા લાગી. તે તારીને ચુંબન લેવા લાગી રડવાને મંડી પડી. “મારી બાપુડી,” “મારી લાડકી,” “મારી હરણી” એ રીતે ઘણો વિલાપ કીધો, ને પોતાના ખોળામાં જ પોતાની વહાલી દીકરીને લઇને તે અડગ બેસી રહી, તરત ડોકટરને બોલાવવામાં આવ્યો, પણ જ્યાં ખાલી પૂતળું પડેલું છે - જ્યાં કાષ્ઠવત્ શરીર થઇ પડેલું છે ત્યાં તે શો ઉપાય કરે? ગંગાનો આ વેળાનો વિલાપ, આક્રંદ અને અશ્રુનું પડવું એવું તો કારી હતું કે, કોઇનું પણ હૃદય ભેદાઇ ગયા વિના રહે નહિ. ગંગા પોતાના ખેાળામાંથી તારીને કેમે કરી મૂકે નહિ, પણ અંતે રસોઇયાએ તેના ખોળામાંથી ખેંચી લીધી ને ઘરમાં લઇ ગયો. પછી રીત પ્રમાણે એ મનોમોહક રમકડાંને જમીનપર લાંબું છટ સૂવાડ્યું. અહા ! શી કુદરતે ઘડેલી આરસની પૂતળી ! નાજુક રમકડું ! જાણે તેના ગાલ હસતા જ રહી ગયા છે ! તે ગૌરી ! સુંદર પૂતળી ! જાણે હમણાં બેાલશે એમ આંખ મીચીને પડેલી છે !

આમ રડારોળ ચાલે છે તેવામાં કિશેાર આવી પહોંચ્યો. ગંગાને અત્યંત અશ્રુપાત કરતી જોઇ તે સ્તબ્ધ થઈ ગયો. તેનાથી બોલાય નહિ, ચલાય નહિ, ને શું થયું ને શું છે તેટલું પૂછવાની પણ શક્તિ ન રહી. તે કેટલોક વખત તો બારણામાં સ્તંભ માફક ઉભો રહ્યો, પણ જ્યારે તેની નજર તારીના ભોંય પર પડેલા શબ તરફ પડી, ત્યારે “શું મારી તારી ગઇ, હાય !” એવો ઘણો ઉંડો નિઃશ્વાસ મૂકતા તે પાસેના બાંક ઉપર પડ્યો, પહેલે ગંગા ઘણું રડી, પણ પછી તેનાથી નહિ બોલાયું કે રડાયું. કિશેાર ઘણો સમજુ, જ્ઞાની ને વિવેકી છતાં એટલું તો રડ્યો કે તેના કોર્ટના બીજા વકીલ મિત્રો તેને ધીરજ આપી શકવે અશક્ત બન્યા. તારીપર કિશેારને અત્યંત પ્રેમ હતો, ને તે એવું તે હાલતું ચાલતું રમકડું હતું કે, કોઈને પણ મોહ ઉપજાવ્યા વિના રહે નહિ.

તારી કે જેને જરાપણ ઈજા થતી તો કિશેાર ટળવળતો હતો, જેનો મોહક શબ્દ સાંભળી કિશેારને આનંદ થતો તે ત્રિભુવનમાં સમાય નહિ તેવો હતો, તે જ તારીને તેના પિતાએ ધ્રૂજતે હાથે-'અરે હજી જીવ તો નહિ રહ્યો હોય, બેાલશે તો નહિ' એવો સંશય છતાં જમીન ભેળી કીધી, તે કહેવાની હવે કંઇ જરૂર છે ખરી ?

* * * * *

ઘરમાં એક કોચપર કિશેાર પડેલો છે, ને બીજી તરફ ગંગા બેઠી છે. આજે કોઇ એમ કહેનાર નથી, કે “બાપુજી તમે શું લાવ્યા" “મને ચલ્લી અપાવોની,” “મેના, મેનાં હવે તું સૂઇ જા,” એવો શો શબ્દ સંભળાતો નથી. કોઇ આવીને એવી ફરીયાદ કરતું નથી કે “મને રામો ખાવાનું નથી આપતો.” કે નથી એવો ગીતનો નાદ સંભળાતો કે “રૂપાળી પોળીઓ મને શીખવો.” માત્ર ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો, ને એકેક ખૂણે આ શોકગ્રસ્ત દંપતી દુઃખસાગરમાં ડૂબતાં અશ્રુપાત કરતાં હતાં. તારીને માટે મણીએ વાળ પીંખી નાખ્યા, ને રામાએ ઘણો કલ્પાંત કીધો, પણ આ બન્નેએ તેવું કંઇ જ કીધું નહિ. તેમના અંતરના ઉંડામાં ઉંડા ભાગમાં જે કારી ઘા વાગ્યા, તે કદી રુઝાવા પામ્યો જ નહિ. મેનાએ આ વેળાએ જે કલાબકોર કરી મૂક્યો, તેનું તો કહેવું જ શું ! તે ઘરના ખૂણે ખૂણામાં ઉડે ને બૂમો મારે ને તેના આક્રંદ સાથે માથું ભોંય સાથે અફાળે ! એવો તે પક્ષીનો પોકાર જોઇને તથા “ઓ તારી, ઓ તારી;” એ સાંભળીને કોઇનું પણ હૃદય ભેદાયા વગર રહે તેમ નહોતું.

તારી કેમ હોજમાં પડી ગઇ ? તે બગીચામાં ફરતી ફરતી પોતાના હાથમાંની સ્ટીમર પાણીમાં તરાવાને ગઇ. થોડીવાર આમ તેમ ફેરવ્યા પછી સ્ટીમરમાં પાણી ભરાયું ને તે હોજને તળીયે બેઠી. તારી તે લેવાને હોજની પાળપર ટીંગાઈ ને ઉથલી પડી. હોજ ઉંડો હતો એટલે એ બાળકનું શું ગજું ? તે બૂડતાં બૂડતાં રડી, પણ અગાડી ઓટલાપર કોઇ હતું નહિ, એટલે સાંભળે પણ કોણ ?