← એ શું થયું ? ગંગા - એક ગુર્જર વાર્તા
બે પત્રો !
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
તારી →


પ્રકરણ ૨૮ મું
બે પત્રો !

પત્રોમાં શું હતું ? કિશોરલાલે પહેલે તે પત્ર તપાસ્યો, પણ એ ઉપરથી તે કંઈપણ અનુમાન બાંધી શક્યો નહિ. કમળીનું ને સાથે લાગું મોતીલાલનું મૃત્યુ ઘણું સંશય ભરેલું હતું, અને કંઇ પણ શોધ ખોળ કરતાં પત્તો હાથ લાગે, એવું કિશેાર ધારતો હતો, પણ જ્યારે કશો જ પત્તો હાથ લાગ્યો નહિ, અને કોઈપણ રીતે આ ગુહ્ય મૃત્યુની બાતમી મળે તેવું જણાયું નહિ ત્યારે તે નિરાશ થઇને બેઠો. આ પાકીટમાંથી કંઈપણ ખુલાસો મળશે એવું ધારીને એણે તે ફોડ્યું તેમાંથી બે જુદા જુદા પત્રો મળ્યા, એક કમળીનો લખેલો હતો, અને બીજો મોતીલાલનો લખેલો હતો. મોતીલાલનો પત્ર નીચે પ્રમાણે હતોઃ “કમળા-આ૫ણા મેળાપને તથા આપણો પત્ર વ્યવહાર બંધ થયાને ઘણો કાળ વીતી ગયો છે, તો હવે આ મારો છેલ્લો પત્ર, જે તમારી તરફ મોકલું છું તે, તમે કંઈપણ રોષે ન ભરાતાં સ્વીકારશો -એટલા જ માટે કે જેને તમે ભાઇ પ્રમાણે ગણ્યો છે તે તમારો ભાઇ હવે આ દુનિયાનાં દર્શન ઝાઝો કાળ કરવાને રાજી નથી. -

ખરી પ્રીતિ-સ્નેહ એ મનુષ્ય જિંદગીમાં પૂર્ણ વિશ્રાંતિનું કારણ છે, પણ જે મોટા મોટા દુ:ખદાયક પર્વતો આપણા વચ્ચે પડેલા છે, તે ઉલ્લંઘીને આ સુખાનુભવના આનંદભવનમાં જઇ શકિયે એમ બનવું બહુ વિકટ છે. એક વખત એવો હતો કે, હું તમારી સાથે ને તમે મારી સાથે લગ્ન કરવાને આતુર હતાં. હવે તે વાત નહિ બને તેવી હોવાથી આપણ બંનેએ વેગળી મૂકી દીધી છે. પણ જે સુખની મેં આશા રાખી હતી તે નહિ મળે, અને પછી જીવવું ! એ જીવવું કેવું અળખામણું છે, તે અનુભવીથી અજાણ્યું નથી. આપણે જાણીએ છીએ કે, કોઇ ચિરંજીવ નથી, તો પછી મોત જે સઘળી જંજાળમાંથી છૂટકો લાવનાર છે તેની હજુર ઉભા રહેવું, એના જેવું સુખદાયી બીજું શું હશે ?

જ્યારે આપણે અન્યોન્ય દૃષ્ટિએ પડ્યાં ત્યારે એવી શંકા કદી જ ઉત્પન્ન થઇ હશે કે, હવે પછી શોકાગ્નિમાં નિરંતર જળ્યા કરીશું ! પણ જે પરમાત્માએ સદા જ ઉપકારદૃષ્ટિએ સર્વની સામે જોયું છે, તેની એવી જ ઇચ્છા જણાય છે કે, કંઇ પણ કારણ વગર સદા જ ધુંધવાતા લીલા લાકડામાં આપણને નાખી મૂકવાં !! અગરજો, એ આપણને આ દૃષ્ટિથી માલમ નથી પડતું કે કયા કારણ ને ગુન્હામાટે હશે, તથાપિ તે ન્યાયવંત પિતાએ કશું ખોટું કામ તો માથે લીધું જ નહિ હોય. ઘણા બનાવોમાં એવું બને છે કે, પ્રથમ થોડું દુ:ખ થાય છે તે પૂર્વના મોટા દુઃખના નાશ માટે જ છે. આ બધું તુર્તાતુર્ત આપણને જણાતું નથી, પણ એવાં અદૃશ્ય કારણો માનવાને તે કારણ મળે છે ખરું, એ કારણો જોતાં જે જે વિઘ્ન આપણી વચ્ચે આવે છે - નડે છે - પડે છે - સહેવાય છે - તે સર્વ મોકલવામાં તે ઇશ્વરનો અદૃશ્ય હાથ છે - કે જેનાં ડહાપણ, દીર્ઘદૃષ્ટિ અને જ્ઞાનનો કશેા પાર નથી - ને પોતાના ઉત્પન્ન કરેલા પ્રાણીઓના સુખપર જેની સદા નજર છે.

“શાંતિ ! એ જો કદી સર્વ દુઃખને નાશ કરવાવાળી હોય તો તે શાંતિ હવે મારામાંથી જતી રહી છે અને નિરાશ થયા પછી કોઈપણ પ્રકારની શાંતિ રહે ખરી ? ધારતી જ નહિ કે તે રહેશે. જે સુખશાંતિ હવે દુનિયા કદી પણ આપી શકવાની નથી - ને જે તે દુનિયાયે છીનવી પણ લીધી નથી તો તે પુનઃ પ્રાપ્ત કરવા માટે વલખાં મારવાં એ વ્યર્થ જ છે. જ્યારે નસીબનું ચક્ર અવળું ફરે છે, ત્યારે પૃથ્વીમાંથી છીનવી લેવાયલું સુખ પાછું મળતું નથી. હવે તો માત્ર મારે તારું સુખ તપાસવાનું છે - અને જે સદ્ગુણ, આનંદ, જ્ઞાન અને ધર્માસ્થા મારે લીધે તારા હૃદયમાંથી નાશ પામી છે, ને તારા હૃદયમાં કોઈ બીજાની - કહેવા દે કે - તારા બંધુની મૂર્તિ કોતરાઇ રહી છે, તે જતી રહે ને તારા સદ્ગુણો - એનો જો પરચો તેને આપનાર થઇ પડું તો કેવું રૂડું ! – તારા હૃદયમાં પૂર્વ જેવી ધર્માસ્થા દૃઢ થાય તે માટે મારી આશા મોટી છે. પણ રે હૃદય; હવે તું શા માટે રડે છે ? હવે તો બેશક તારી પ્રીતિને માટે મરવું જ પડશે.

“તારો મોતી હજી મુવો નથી, તેથી આશ્ચર્ય પામતી નહિ ! પણ કદાચિત્ પ્રભુની એવી જ ઇચ્છા હશે કે આપણ બન્નેનો અંત એક જ ક્ષણે આણવા, બંનેનો સાથે અગ્નિદાહ દેવો, ને તેથી હું મૃત્યુને પામી દુ:ખી નહિ હોઉં ! ! તારો પત્ર વાંચું છું ને હાથ ધ્રૂજે છે, હૃદય કંપે છે પણ મારી સ્નેહાળ ! હવે આપણે એક બીજાનાં સ્નેહી હાલ નથી એવી આશાથી જ સઘળા પૂર્વના વિચારોનો નાશ કરીને સ્વસ્થ થઇ બેસું છું - જો કે એ વિચાર કરતાં મારાં નેત્રોનો ધેાધવો બંધ પડતો નથી. બેશક, તું જે મમતા બતાવે છે તે ક્રૂર સિંહ કરતાં વધારે ઘાતકી છે. અંતઃકરણ ક્રૂરતા સામાં ધસશે, પણ મમતા સામાં બચાવ કરવાને તે કોઇ પણ બચાવની ઢાલ રાખતું નથી. હવે કદી હું હૈયાત રહું તો બળીશ - જળીશ - રોઇશ - મરીશ - ગવાઇશ - હીણાઈશ - વીણાઇશ - ચુંથાઇશ -વજ્ર જેવું કાળજું ફાટશે તો સહીશ - પણ તને દુઃખ નહિ થવા દઉં ! હે સાક્ષાત્ કમળે, તારા મોતીચંદ્રને માટે તને કંઇ છે ? તને શું ? ના ના પણ તું તેવા ક્રૂર હૃદયની નથી. તું હૃદયશુન્ય થઇ પડી છે - હૈયાસૂની થઇ છે !

“મારી કમળા, તું શું હવે એમ ધારે છે કે તે સર્વ શક્તિમાન, આપણને ખરા સુખથી રહેવા દેવા રાજી છે ? નથી જ. પણ આપણી રક્ષા ને ઘટસ્ફોટ થયા પછી, જે અલૌકિક ધામ પ્રાપ્ત થવાનું છે ને જે માટે આપણે સર્વે અજાણ્યાં છીએ, પરંતુ આટલું સાચું છે કે ત્યાં કંઇ છે, ને જે મેળવવા માટે સર્વ મંથન કરે છે, તે ત્યાં વિશેષ દિવ્ય સ્થાન મળશે; ને ત્યાં પાછાં આપણે સાથે મળીશું નહિ ? હું તારો વખત ફોકટમાં ગુમાવતો નથી. તે પરમ કૃપાળુ પ્રભુના ચરણ સમીપ જવાને હવે હું તત્પર થયો છું ને જે સુખ મને અહિયાં મળ્યું નથી તે ત્યાં મેળવવા મથીશ. બેશક તે મને મળશે જ. મારા જ્ઞાનતંતુઓની સમીપમાં તેણે દેખાવ આપ્યો છે, ને તે હવે ઘણાં ઉતાવળાં પગલાં ભરીને મારું આદરાતિથ્ય કરવા તત્પર છે. હવે માત્ર તું સુખી રહે, એ જ આશીર્વાદ માટે ખોટી છું. હે પ્રભુ, સચરાચર નિવાસી પ્રભુ, મારી કમળાપર કૃપાદૃષ્ટિ રાખજે, ને મૃત્યુ ટાણે તેને પૂર્ણ વિશ્રાંતિ આપી તેના અમર નિષ્કલંક આત્માને તારી સમક્ષ રાખજે.

“અને હશે -ઓ- ઓ - હવે - રામ રામ, મારી કમળી! મારી બહેન! મારી સ્નેહી ! તે પરમાત્માને નામે, તારા પાતિવ્રત્યને પ્રભાવે ને સઘળી પવિત્ર વસ્તુના પ્રસાદે તને રામ રામ ! છેલ્લી ક્ષણ સુધી હું તને ભૂલતો નથી ને તું પણ મને ભૂલતી નહિ ! આ ક્ષણ જાય છે તે બસ - હવે આપણે મળવાનાં નથી - પણ મળીશું - બીજી દુનિયામાં ફરીથી મળીશું - રામ રામ !”

મોતીલાલના મૃત્યુ પહેલાં થોડા કલાક આગમ જ આ પત્ર તેણે કમળા પ્રત્યે લખ્યો હતો. એક ચાકરને તુર્તાતુર્ત આપવાને તાકીદ કરવાથી તે કિશોરલાલને ઘેર આવ્યો. સારે નસીબે કમળી બારણામાં ઉભી હતી, તેને તે પત્ર આપીને ચાકર ચાલ્યો ગયો. ધ્રૂજતે હાથે ને કંપતે હૃદયે કમળીએ તે પત્ર હાથમાં લઇ પોતાના ઓરડામાં જઇ વાંચ્યો. તે ઘણું રડી ને શું કરવું તે સૂઝે નહિ. ધ્રૂજતાં ધ્રૂજતાં તે ઉઠી ને નીચેનો પત્ર મોતીલાલને મોકલાવાને માટે લખી કાઢ્યો, ને પાકીટમાં તેનો પોતાનો પત્ર પણ સાથે બીડ્યો :-

“અહો મોતી ! મારા રક્ષક ! નેત્ર ! અફસોસ ! તું હવે ગયો ! પત્ર વાંચતાં નેત્રોમાંથી જે ઊના ઊના પાણીનો ધોધવો વહેવા માંડ્યો છે, તે હવે ભાગ્યે ખળશે. મારું હૃદય ચૂર્ણ થયું છે, તે છે કે નહિ માટે જ મને શંકા છે; ને મારા હાથ થરથર ધ્રૂજે છે કે હું એમ લખું કે, મારું જેનાપર જીવન હતું તે સદાને માટે – આ ક્ષણભંગુર માયિક સુખ તજીને ગયો ને જેને માટે હવે હું કંઇ જ સાંભળવાની નથી, તેમને સદાની સુવાડીને ગયો !

“રે હવે હું શું કરું? જે દેવે મને ત્રાસદાયક દુઃખ દીધું છે - તે દુઃખમાં મારા એક ડાહ્યા, વિદ્વાન અને સદ્દગુણસંપન્ન સાથીને તેડીને વધારો કીધો છે ! આ જગતમાં તેની તુલનાએ કોણ છે ? રે ! રે ! મારા જેવું દુ:ખી પ્રાણી આ ભૂમિમાં કોણ હશે ? મારો આનંદ તો સદાને જ ગયો છે, મારું અંત:કરણ તો બહેર મારી ગયું છે, મારી જ્ઞાનેંદ્રિયો જતી રહી છે, તેમાં જે મેં વાંચ્યું તે શું છે તે સમજાય તેવું નથી. હવે એ બધી વાતો - પત્રો - મને કંઈ સુખ આપવાના નથી, ને કંઈ સંપત્તિવાન્ કરવાનાં નથી; તેમ જ જે પત્રો મને દિલાસો આપતા હતા, તે પત્ર હવે કદી પણ મને મળવાના નથી કે નજરે જોવાની પણ નથી.

પણ હવે મારે શા માટે રડણાં રડવાં જોઇએ ? ધર્મ ને મારા પાતિવ્રત્યના પ્રભાવથી હું અટકી રહી છું - વિશુદ્ધિ મારો પળવાર ત્યાગ કરતી નથી; ને તમે જાણો છો કે, મારા મનમાં મહાઘોર યુદ્ધ ચાલ્યું હતું, પણ સંસારનાં અનેક કુટુંબ બંધનોએ મને ને તમને અટકાવ્યાં, ને તેમ કરવાની જ્યારે પ્રભુની ઇચ્છા છે ત્યારે પછી તેની સામા આપણે યુદ્ધ કરવું, તે શું વિના કારણનું નથી!

કંઈપણ અનર્થ ન થયો હોય તો હવે કંઈપણ પ્રભુ કરાવે નહિ. પણ જ્યારે મારો ઉત્તમોત્તમ અને વધારે અમૂલ્ય હીરો પ્રયાણ કરે છે ત્યારે હું પણ છેલ્લા રામ રામ કરવામાં પાછી હટીશ નહિ. જે સદા જ હૃદયમાં ચોંટી બેસનારો છે, જે સદા જ શોકસાગરમાં નાંખનારો છે, તેના ૫છી જીવીને શું કરવું છે ? જીવવામાં સુખ નથી તો મરવું શું ભુંડું છે ? જેણે મારા પ્રત્યે પ્રેમ અને મમતા બતાવી છે તેનો બદલો હું તો શો આપી શકીશ ? તેવી કશી શક્તિ મારામાં નથી.

અને ત્યારે મારા પણ છેલ્લા રામ રામ. પૂજ્ય પવિત્ર અને મનુષ્યોમાં અતિ શ્રેષ્ઠ ભાઇ, રામ રામ ! હવે શું આપણે પરમાત્મા હજુર પાછાં ભેગાં થઇશું? મને પૂર્ણ વિશ્વાસ છે કે થઇશું ! પરંતુ તે સમય નહિ આવે ત્યાંસુધી એક ઘણી નમ્ર વિનંતિ ધ્યાનમાં લઇ તારી કમળીના રામ રામ સ્વીકારજે ! હે પ્રેમી જીવ, ધર્માસ્થાને લીધે પ્રેમનો બદલો ન વાળી શકનાર અભાગી અબળાના છેલ્લા રામ રામ ! કમળી."

આ પત્ર લખ્યા પછી કમળીએ પોતા પાસે પડેલું આર્સેનિક લીધું, પણ તે લેવાનો સમય આવે તેટલામાં જ તેનું હૃદય સ્તબ્ધ થઈ બંધ પડતાથી તેનો પવિત્ર આત્મા નિરાશાના દુઃખથી નીકળી ગયો, જે પળે મોતીાલાલના આત્માએ પણ પ્રયાણ કીધું. આ પત્ર વાંચી ખરેખરું કારણ, આ બંનેના મૃત્યુમાં કયું હતું તે જોવામાં આવ્યું, કિશેાર ઘણો દિલગીર થયો, કેમકે કમળી ને મોતીલાલ બને એને પ્રાણથી અધિક હતાં. તેણે ડોકું નીચે નાખી દીધું, પણ તેટલામાં ગંગા આવી, તેને સાવધ કરી હાથમાંના પત્રો વાંચ્યા. તે ઘણી દિલગીર થઈ અને પોતાની મોટી બહેનને માટે ઘણો જ વિલાપ કર્યો.