← લલિતાનું મૃત્યુ ગંગા - એક ગુર્જર વાર્તા
એ શું થયું ?
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
બે પત્રો ! →


પ્રકરણ ૨૭ મું
એ શું થયું?

લિતાબાઈના મરણને ઘણો લાંબો સમય વીતી ગયો છે. કમળી ઘરમાં આવીને રહી છે, પણ તેની તબીયત સારી થવાને બદલે વધારે વધારે બગડતી જાય છે. તેનાં મોંપર તેજ હવે રહ્યું નથી ને તે ખરેખરી તરુણાવસ્થામાં બુઢ્ઢી ડોસી જેવી જણાય છે, ઘરમાં કામકાજ કરે છે, ને પોતાની ભાભીને કશી પાંતીએ ઇજા આવવા દેતી નથી, પણ તેના કામમાં કંઇપણ ઢંગધડો હોતો નથી. મોતીલાલ ઘણો વખત થયાં કિશોરને ત્યાં આવતો બંધ થઇ ગયો છે. કંઇ તેને પોતાને અપમાન થયું હોય તે કારણથી નહિ, પણ એ ઘરમાં જ્યારે જ્યારે આવી રહે છે ત્યારે ત્યારે એને જવું જ ગમતું નથી. તે પોતાના મનમાં હિજરાયા કરે છે. તેની જીભ બંધ થઇ ગઇ છે, ને પોતાના ધંધામાં ચિત્ત લાગતું નથી. કિશોરલાલ કદી કદી તેને મળવા જાય છે, ત્યારે જીભના ટેરવાપર કેટલાક શબ્દો આવે છે, ને કિશોર તે સાંભળવા તત્પર જણાય છે, પરંતુ નીકળેલા શબ્દો હોઠમાં જ સમાઇ જાય છે. જો કે કિશોરલાલ આ સઘળું જાણતો હતો, પણ તેનાથી તે બાબત કંઇ પણ થાય તેવું ન હોવાથી તે મુંગેાજ રહેતો હતો.

કમળીના સુખ માટે કિશેાર તથા ગંગાને ઘણી કાળજી હતી પણ ઇલાજ શો ? કમળી ડાહી ને સમજુ હતી, ભણેલી ને સાથે ગણેલી હતી, ગંભીર ને વિવેકી હતી, પણ જ્યારે હૈયાના ભીતરમાં અગ્નિ સળગે છે ત્યારે તેને છાંટવાની શકિત અલ્પ સામર્થ્યના મનુષ્ય પ્રાણીમાં હોતી નથી, તો એક અબળાનું શું ગજું ? તેણે પોતાનો વખત ગાળવાને માટે એક કન્યાશાળામાં ઉપરીપદ લીધું, પરંતુ ત્યાં પણ ગોઠ્યું નહિ, તેથી માસમાં કંટાળીને નોકરી છોડી દીધી. હાલમાં તે ઘરના એકાદ ખૂણામાં ભરાઇને વખત બેવખત રડવાનાં ડચકીયાં ખાતી જણાય છે, ને ગંગા તેને ઘણું સમજાવે છે, પણ તેના હૃદયમાં કંઇ જ ઉતરતું નથી. તેની શરીરશક્તિ એવી તે નિર્ગત થઇ છે કે સર્વ કોઇના લક્ષમાં આવ્યું કે તે હવે બચવાની નથી.

એક દિવસ પ્રભાતના ગંગા ને કિશોરલાલ બંને વાતે વળગ્યાં છે ને કમળાની સ્થિતિ સંબંધી વાતચીત કરે છે. ગંગાએ જણાવ્યું કે “મોટી બેહેન ઘણું ગળી ગયાં છે, ને તેમના શરીરમાં માત્ર હાડકાં ચામડી જ રહ્યાં છે. પતિવ્રત પાળવું એ દુર્ધટ છે. પણ દેશાચાલનો ઉચ્છેદ શી રીતે થાય ! ગઈ કાલે મેં મોતીલાલને આપણી વાડી તરફ જતા જોયો'તો, તે પણ સરડાઈ ગયો છે, ને મને લાગ્યું કે જો એ બંનેનાં લગ્ન નહિ થાય તે બેશક એકનું તો શું પણ બંનેનાં મરણ નીપજશે તેનો ઇલાજ થવો જોઈએ.” “પણ શું ઇલાજ કરીએ ?” કિશોરલાલે સમા અને કહ્યું કે, “મેં આઠેક દિવસપર મોતીલાલને કહ્યું કે, તમારાં શરીરનું જતન નહિ રાખો, તો થોડા દિવસમાં મરણ પામશો, તમારી શી મરજી છે તે જણાવો. તમારે ખાતર કંઇ૫ણ સંકટ લેવાને હું તૈયાર છું.” આનો કંઇપણ જવાબ તેણે દીધો નહિ. પુનર્લગ્નની વાત કાઢી, ત્યારે તો તે વાત તેને ગમી નહિ. મને વાતમાં ને વાતમાં જણાવ્યું કે 'જેટલું વૈધવ્ય પાળવું ને એક્ પતિવ્રત પાળવું આપણા આર્યશાસ્ત્રમાં ઉત્તમ છે તેટલું પુનર્લગ્ન કરવું ઉત્તમ નથી. પુનર્લગ્ન એ સદ્દગતિનો ને સ્ત્રીના સતીપણાનો ઉત્તમ માર્ગ તો નથી જ ! પતિવ્રતમાં જેટલું પારલૌકિક સુખ સમાયેલું છે તેટલું તે તજવામાં નથી. જેમનાથી શિયળ નહિ સચવાય તે ભલે પુનર્લગ્ન કરે, પણ તે સારું તો નહિ જ.' પુનર્લગ્ન કેટલે દરજ્જે સારાં છે તે માટે કહેતાં તે બોલ્યો, લૂટ એ જાતે ખરાબ છે, પણ એક માણસ ખૂન કરે ને પછી લૂટ કરે તેના કરતાં એકલી લૂટ કરે તો તે ભલી, પણ તે પરથી લૂટ સારી ઠરતી નથી. પુનર્લગ્ન એ ઉત્તમ તો નહિ જ. પણ વ્યભિચાર, ગર્ભપાતાદિક હડહડતાં પાપ કરે તેના કરતાં પુનર્લગ્ન સારાં, તેટલો જ મારો મત છે.” આવા તેના વિચારપરથી હવે કંઇ તેની મરજી જણાતી નથી. પણ મેં ગઇ રાત્રિના નિશ્ચય કીધો છે કે મોતીલાલને હું સમજાવીશ, ને કમળી બેહેનને તું સમજાવ, અને એ સુખી થતાં હોય તે આપણા૫ર જે જે સંકટ પડે તે સહન કરીશું.”

આટલી વાત થાય છે કે તરત રામા ઘાટીએ આવીને કહ્યું કે "હજી આજે કમળી બેહેન કેમ ઉઠ્યાં નથી ?" દંપતી એકદમ ઉઠીને તેના એરડા તરફ ગયાં. બારણાં ઠોક્યાં, પણ કોઇએ ઉત્તર દીધો નહિ, તેથી ગંગા ઘણી ગભરાઇ, ને તરત બારણાંનાં સ્ક્રુ કઢાવીને અંદર જાય છે, તેવામાં એક ભયંકર દેખાવ નજરે પડ્યો, કમળી બેફામ અવસ્થામાં પડેલી હતી, ને તેનો આત્મા તેનો ત્યાગ કરી ગયો હતો. આ દેખાવ જોતાં જ ગંગાને એકદમ મૂર્છા આવી ગઈ ને તે કમળીની પડોસમાં ધબ દેતી કે પડી, પણ તે પડે છે તેટલામાં જ એક બીજા માણસે આવીને કહ્યું કે, “ગઈ રાત્રિએ મોતીલાલે આત્મહત્યા કીધી છે, ને સવારમાં તેનું શબ કાઢ્યું છે.”

કિશોરલાલ ગમે તેટલો ધીર મનનો હતો. પણ આ બે સમાચાર અકસ્માત બનતાં તેનું મન સ્વાધીન રહ્યું નહિ. એકદમ રડી પડ્યો, ને તેના તેવા આક્રંદથી આસપાસનાં દક્ષિણી ને ગુજરાતી પડોસીઓ આવી પહોંચ્યાં. સઘળાં આ બનાવ જોઈને ઘણાં ગમગીન થયાં, ને, કમળી બહેનની લાયકીનાં વખાણ થવા લાગ્યાં. ગંગા જ્યારે શુદ્ધિપર આવી ત્યારે તેના રડવાનો તો કશો પણ પાર ન રહ્યો, “ઓ બેહેન, અરે મારાપર આટલો બધો કેાપ ? હજી સાસુજીને મુઆને વર્ષ દહાડો તો હમણાં થયો છે, તેટલામાં તમે મને બદનામ કીધી ! હાય ! હાય! હું લોકોને શું મોઢું બતાવીશ ? લોકો મને શું કહેશે ? ન્યાતજાતમાં શું કહેવાશે ! ભાઈજી શું ધારશે ? અરે મેં શું તમને એાછું પાડ્યું કે મને અામ છેહ દીધો ! ! લોકો કહેશે કે મેં કંઈપણ કહ્યું હશે, પણ ઓ બેહેન, તમે આમ મને કાં ટવળાવી વારુ ! ઉઠો, રે જરા તો બોલો ! ગંગા ભાભી કહીને હવે મને કોમળ સ્વરે કોણ બોલાવશે ? મારી દીનમુદ્રા જોઈને હવે મને કોણ પૂછશે કે તમને શું થયું છે? મારી માની જણી બેહેનની કોણ ગરજ સારશે? હાય હાય, હવે હું એકલવાઈ થઈ રહી !” વગેરે વિધ વિધ ભાતે વિલાપ કરીને અશ્રુની નદી વહેતી કીધી. તેનું રડવાનું કેમે કર્યું સમાય નહિ. તે કમળીના ગુણનું રુદનરાગમાં ગાન જ કરવા મંડી પડી. તેની સભ્યતા ને હેત પ્રીતની પ્રશંસા કરતાં તે વધારે વધારે રડવા લાગી. પડોસીએાએ ઘણુંએ સમજાવી; ને એમાં ઈલાજ નથી ઇશ્વર આગળ કોઇનું ચાલતું નથી, મૃત્યુની બૂટી નથી વગેરે ઘણીક રીતે દલીલોથી છાની રહેવા માટે તેને કહેવા છતાં તેનું હૈઠુ સમાયું નહિ, પોતાની વહાલી દીકરી તરફ પણ તેણે કંઈ નજર કીધી નહિ. કિશોરલાલ તો એવો સ્તબ્ધ થયો હતો કે પહેલાં જે રડ્યો તે જ રડ્યો, પછી તેનાથી નહિ બોલાય ને નહિ રડાય, ગળે કાચલી બંધાઈ ગઇ ત્યાં સુધી તેના શરીરમાં શોષ પડ્યો. આ વખતે કોઈ પણ તેને દિલાસો આપનાર નહોતું - ને જે હતો તે માત્ર રતનલાલ હતો. પણ તેનાં ગાત્ર તો આ વર્તમાન સાંભળતાં પૂરાં જ ગળી ગયાં હતાં. ઘરનાં ચાકરનફર સર્વે રડવા લાગ્યાં, કેમકે કમળીએ કોઈ દિવસે કોઈ પણ ચાકરને તુંકારો કીધો નહોતો, કોઈને અપમાન આપ્યું નહોતું, તેમ સઘળા પ્રત્યે પુષ્કળ વહાલ બતાવ્યું હતું, સૌ તેને ચહાતા હતા ને સૌને તે ચહાતી હતી.

લગભગ આ રડારોળમાં બે કલાક વીતી ગયા, સ્ત્રીમાં માત્ર ગંગા હતી, એટલે બીજાં દૂરનાં સગાંને તેડાવી મંગાવ્યાં, ત્યાં સુધી તે જ માત્ર રડતી હતી - એક આંખમાંથી શ્રાવણ ને બીજીમાંથી ભાદરવો વેહે તેમ રડતી - વહેતી આંખે તે રડતી હતી. મોતીલાલના ઘરમાં તો અત્યંત કલ્પાંત થઇ રહ્યો હતો, તેની પ્રકૃતિ બગડતી જાણી, તેનાં માબાપ મુંબઇ આવ્યાં હતાં, તેથી આ બનાવ જોયો એટલે તેમના કલ્પાંતનું તો પૂછવું જ શું ? મોતીલાલ સૌથી વધારે લાડવાયો હતો, ને તેની માતાએ તેની તબીયત માટે અનેક બાધા આખડીઓ લીધી હતી. તેની મરજી નહિ જોઇ, પાછળથી કોઇએ પણ તેને પરણવા માટે આગ્રહ તો શું, પણ કહેવું સરખુંએ મૂકી દીધું. તેમાં આ અકસ્માત્ બનાવથી તેમનાં કાળજડાં વિંધાઇ ગયા. તે વૄદ્ધ ડોસા ડોસીના આક્રંદ, અશ્રુપાત ને વિલાપ જોઇને દરેક જણનાં હૃદય ફાટી જતાં હતાં.

કિશોરલાલને ઘેર તેનાં સગાંવાહાલાં આવ્યાં ને કમળીને ઉંચકી લાવી કરકટીપર સુવાડીને શ્મશાન લઇ ગયાં. મોતીલાલના શબને પણ ત્યાંજ લાવવામાં આવ્યું હતું. સ્મશાનિયા સર્વેને આ અકસ્માત્ બનાવથી, કિશેાર ને મોતીલાલના પિતાપર પડેલા દુઃખથી ઘણું લાગી આવ્યું હતું. સમય કેવો બન્યો ! એક જ દિવસે, એક બાજુએ એકજ વખતે, એક જ સ્થળે, બે જુદી જુદી જ્ઞાતિનાં છતાં એક બીજાને એક બીજા માટે બાળવામાં આવ્યાં. સધળા શોક કરતા ઘેર આવ્યા. કિશોરના મિત્રોએ તેને ઘણો દિલાસો આપ્યો, પણ તેની પોતાની બહેન પ્રત્યે અગાધ પ્રીતિને લીધે તે કેટલાક દિવસ સુધી શાંત થયો નહિ. દશ દહાડામાં તો ગંગાનું મુખડું કરમાઇ ગયું ને તેની કાંતિ ઘણી ક્ષીણ થઈ ગઈ. આવી તેની સ્થિતિ જાણીને તેનો બાપ તેને મળવાને આવ્યો; ને બંને જણને પોતા સાથે પૂને લઈ જવાનો આગ્રહ કીધો, પણ તે કોઈએ માન્ય કીધું નહિ. તે ચાર પાંચ દિવસ રહ્યો ને પછી ઘણો દિલાસો દઇ પાછો ગયો.

કમળીના મૃત્યુ પછી એકાદ માસે સવારના તે જ રામા ધાટીએ કિશેારના હાથમાં એક પાકીટ લાવીને મૂક્યું, ને જણાવ્યું કે તે કમળી બહેનના ટેબલપર બીડેલું પડેલું હતું, એ પાકીટમાંથી બે પત્રો બીડેલા મળ્યા, તેમાં શું હતું ?