ગંગા - એક ગુર્જર વાર્તા/લલિતાનું મૃત્યુ

← સાસુસેવા ગંગા - એક ગુર્જર વાર્તા
લલિતાનું મૃત્યુ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
એ શું થયું ? →


પ્રકરણ ૨૬ મું
લલિતાનું મૃત્યુ

લિતાબાઈનો મંદવાડ ધીમે ધીમે વધવા માંડ્યો, ને જ્યારે કિશોરલાલ ભરૂચથી પાછો ફર્યો, ત્યારે તેની તબીયત તદન હાલબેહાલ હતી. કિશોર આવતાને વાર પોતાની માતાના સૂવાના ઓરડામાં ગયો ને તેનો ચહેરો જોતાં જ તેની ખાત્રી થઈ કે હવે માજી ઘણા દિવસનાં પરોણાં નથી. કિશેારના ઘેર આવવાથી ગંગા ઘણો હર્ષ પામી, તથાપિ તે કંઈ તેના પ્રાણનાથની પછાડી દોડીને બીજાં કામમાં ખલેલ પડે એવી ગાંડી ઘેલી થઈ નહિ. પોતાનું સઘળું કામ તે યથાસ્થિત ચલાવતી હતી; એટલું જ નહિ પણ કિશોરના ઘેર આવ્યા પછી પોતાનાં પૂજ્ય સાસુની સેવામાં વધારે તન દેવા લાગી. આપરથી એવું માનવાનું કારણ નથી કે તે પહેલાં એાછા મનથી સેવા કરતી હતી.

વૈદ્યોએ લલિતાબાઈની તદન આશા મૂકી ને ઔષધ આપવું પણ બંધ પાડ્યું. કેશવલાલ પોતાના સાહેબ જોડે અમદાવાદ ગયો ખરો, પરંતુ તેનું મન ત્યાં ટક્યું નહિ. સુરતમાં ગયો ત્યારે સહજ ધાંધલધુંધલ કીધી, પણ એવા તેના તોફાનથી ડરી જાય તેવી તુળજાગવરી નહોતી. તે જો કે હસમુખી હતી, તો પણ સાસુના દુ:ખે સ્હોરાયલી ને સુકાયલી જેવી દિસતી હતી, કદીમદી બહુ તીક્ષ્ણ કટાક્ષ મારવામાં નિપુણ હતી. કેશવલાલે ઘણું કહ્યું ત્યારે ટપ દેતી કે બોલી જે “માને માટે એટલું બધું લાગતું હતું તે તમે જ કાં આવ્યા ?” આ શબ્દો વજ્ર- બાણ પેઠે કેશવલાલના મનમાં વાગ્યા, ને અમદાવાદ જઈને બે માસની રજા લઈ તે પાછો મુંબઈ આવ્યો.

એક દિવસે સંધ્યાકાળે લલિતાએ પોતાનાં પુત્ર પુત્રી તથા વહુ વારુ સર્વને પોતાની પાસે બોલાવ્યાં, ને જણાવ્યું કે “હું જલદી મરણ પામવાની છું, માટે મને પાછી સુરત લઈ જાઓ કે અશ્વિનીકુમારનો કાંઠો પામું." તે બહુ દયા ઉપજે તેવે હલકે સ્વરે બેલી, ને તેનું તે વેળાનું બોલવું એવું તે કરુણામય હતું કે સૌની અાંખેામાંથી અશ્રુ ધારાઓ વહેવા લાગી. ઘણાં ઘરડાંનાં મનમાં એવો વહેમ હોય છે કે તીર્થને કાંઠે મરણ થાય, ને ત્યાં અગ્નિદાહ કરવામાં આવે તો તેથી તેના આત્માનું શ્રેય થાય છે. સુરતને ગુપ્તેશ્વરનો કાંઠો ઘણો પવિત્ર ગણાય છે, ને તાપી નદી તે સૂર્યની પુત્રી છે. તેના સમક્ષ બળવું તે કંઈક મોટા ભાગ્યની વાત ગણવામાં આવે છે. એ કાંઠાના પવિત્રપણા માટે એવું કહેવામાં આવે છે કે ત્યાં જે પ્રાણીને આગ્નિસંસ્કાર કરવામાં આવે છે તેનું એક હાડકું બળ્યા વગર રહેતું નથી. બાળ્યા પછી જે કૂલ પડે છે, તેવાં કૂલ પણ કવચિત્ ત્યાં રહે છે. તાપી નદીનો કાંઠો ગંગા-યમુના જેવો પવિત્ર ગણાય છે, ને તેથી સુરતમાં મરવાનું લલિતાએ વધારે પસંદ કીધું.

કિશોરે કહ્યું, “મા, અહિયાંથી તને પાછી સુરત લઈ જવી એ ઘણું મુશ્કેલ છે, માટે અહીંઆ જ રહે તો ઘણું સારું, આપણે હોંશિયાર ડાક્ટરની દવા કરીશું.”

“ભાઈ, અમથાં વેવલાં મૂકી દે,” ડોસીએ પાંચ કકડે એક વાક્ય પુરું કીધું. તેટલામાં તો શ્વાસ બહુ ચઢી આવ્યો ને બે મીનીટ બોલી શકી નહિ. પછી પાછી શુદ્ધિપર આવી ને તે બોલીઃ “હવે મારું આવરદા આવી ચૂકયું છે. મને ખાત્રી થઈ છે કે હું ભાગ્યે અઠવાડિયું કહાડીશ, તો પછી વૈદ ને ડાકટરને પૈસા ખવડાવવા શા કામના ? આવરદાએ ઉપાય છે, તો હવે આવરદાની દોરી તૂટવા પર આવી છે તો ફોકટનાં ફાંફાં શા માટે ભાઈ, મારવાં જોઈયે ? હવે તો શ્રીજીબાવાનું ભજન કરી લેવાનું રહ્યું છે. હવે કંઈ પણ વિચાર વગર મને મારે સૂરત લઈ જાઓ.” તુરત ડોસીને પુષ્કળ હાંફ ચઢી આવી ને બોલતી અટકી પડી; પણ પળ પછી પાછું બેાલવું શરુ કીધું, “ભાઈ, મારા સૌભાગ્યનો પાર નથી, ને મને મરવાનું જરા પણ દુ:ખ નથી. ત્રણ ત્રણ દીકરાની ખાંધે ચઢીને જવું, દીકરાના દીકરા જોવા, સકુળની વહુઓ મારી ચાકરી કરે એ કંઈ જેવું તેવું નસીબ છે કે ? દીકરી ગંગા ! મારી પાસે આવ. મને માફ કર, મારાથી જે જે કંઈ બોલાયું ચલાયું હોય તે માફ કરજે. તારા જેવી સકુળની સદ્દગુણી વહુ મને મળી છે, મારું ધન્યભાગ્ય છે. ભાઈઓ, જેવી મારી ચાકરી એણે કીધી છે તેવી કોઈએ કીધી નથી. મેં ગમે તેટલા તરફોડા કીધા હશે, ગમે તેટલી ગાળો ભાંડી હશે, ગમે તેટલો ગુસ્સો કીધો હશે પણ એ એક શબ્દ સરખો પણ બોલી નથી. રડ નહિ, ગંગા, હું તને મારી કમળી જેવી જોઉં છું, તેની બરદાસ્ત, તેની તપાસ તારે રાખવાની છે. એને જરા પણ વીલી મૂકતી નહિ, હમણાં હમણાં એની હાલત બગડી ગઈ છે, પણ તારી બેહેન માફક ગણીને તેની બરદાસ્ત કરજે.”

લલિતાએ આટલું બોલીને આંખ મીંચી દીધી ને સૌને તેના શબ્દો કાળજામાં લાગ્યા. તરત જ સૌએ સુરત જવાની તૈયારી કીધી. સુરત ગયા પછી પડશાળમાં જ ડોસીનો ખાટલો ઢાળ્યો. ત્યાં આવતાં તો વધારે શરીર બગડ્યું ને ઘરેડો ચાલ્યો. કેશવલાલે આવીને કિશોરને કહ્યું, “હવે માજી ઘડી પળનાં છે, બહુ ભાગ્યશાળી કે, સઘળાં આવી પહોંચ્યાં છે, પુણ્યદાન કરાવવું હોય તે કરાવી લો.” સૌની મરજી સાચવવાને કિશોરે તે માન્ય કીધું. આસપાસનાં સગાં સંબંધી પણ આવી પહોંચ્યાં હતાં. ગંગાપાન, જમનાપાન, રમણ રેતી ને ચરણામૃત વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ લલિતાના મુખમાં મૂકીને પોતાની શક્તિ પ્રમાણે પુણ્યદાન કરાવ્યું. કમળી 'ઓ મા, ઓ મા?' એવા કોમળ સ્વરે લલિતાની નજીક આવીને આક્રંદ કરવા લાગી, ને તે બોલી, “હાય હાય, હવે મારો તો કોઇ વાલી વારસ જ નથી, મારું શું થશે ? ઓ મા, તારા પહેલાં હું કાં ન મુઇ, મારા દહાડા હવે કેમ જશે ?” આમ આક્રંદ કરતી જોઇ ગંગા તેને દૂર લઈ જઈને દિલાસો આપવા લાગી. સઘળાં જ રડતાં હતાં. કિશોરલાલ રાત ને દિવસ તેની આસપાસ બેસી રહેતો હતો. કેશવલાલે ડોસીને પૂછ્યું કે “તારી કંઇ પણ ઇચ્છા છે ? હોય તો તે કહેજે.” તેણે ગૌદાન કરાવવાનું કહ્યું ને તરત એક સવત્સા ગાયનું દાન કરાવ્યું. સઘળાંએ આસપાસ બેસીને તેમની તબીયત સાચવતાં હતાં. ડોસીથી કંઇ પણ ખવાતું નહોતું ને સાબુ ચોખાની કાંજી પાવામાં આવતી તે પણ પચતી નહિ.

આ પ્રમાણે ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ વીતી ગયાં. ચોથા દિવસની પ્રભાતમાં સહજ કિશોરની આંખ મળી છે, તેવામાં કેશવલાલે બૂમ મારી, “ભાઇ, ભાઇ ઉઠોની, આપણાં માતુશ્રીની તબીયત જુઓ. તરત હાંફળો ફાંફળો કિશેાર ઉઠ્યો ને જેવો જોવા જાય છે તો માત્ર છેલ્લાં ડચકીયાં ખાતી પોતાની માતાને જોઇ. બૈરાંએાએ આસપાસ કોલાહોલ જેવું કરી મૂક્યું, અને એક પળમાં લલિતાબાઈ આ દુનિયામાંથી પોતાનો આત્મા ઉઠાવી ચાલતાં થયાં. હાથ, પગ ને આખું શરીર ઠંડાગાર થઇ ગયાં. થોડીવારે દેહના પંચતત્ત્વના બંધારણમાંથી ચાર તત્ત્વ ઉડી ગયાં ને માત્ર પૃથ્વીનો ભાગ પડ્યો રહ્યો.

ઘરમાં રડારોળ થઇ રહી. તેમાં કમળીનો આક્રંદ ખમાય તેવો નહોતો. તે સર્વથી વધારે તીક્ષ્ણ લાગણીથી રડતી હતી. તેણે પોતાના કેસ તોડી નાખ્યા, માથું કૂટી નાખ્યું, ને છાતીમાંથી રક્ત કાઢ્યું. “હવે હું કોને આશરે રહીશ ? રે માજી! તેં કંઈ મારો વિચાર કીધો ? હાય હાય ! મારે માથે પરપેશ્વરે વૈધવ્ય દુ:ખ આપ્યું તે હું ખમી શકી પણ હું હવે કોને આસરે જઇશ ? રે માવડી, મને તારી સાથે કેમ નહિ તેડી લીધી ? મને એકલવાઇ મૂકતાં તને વિચાર નહિ થયો ? રે મારું શું થશે ?” એવા તેના શબ્દોએ તેના ભાઇઓની ધીરજ મૂકાવી છે તેટલામાં વેણીલાલ પણ આવી પહોંચ્યો હતો ને તે પોતાની માના આ સમાચાર જાણતાં જ દિગ્મૂઢ જેવો બની રહ્યો હતો. કેશવલાલ ફિકરમાંજ ગુંથાઇ ગયો, કેમકે અત્યાર સુધી તેને ઘરની ફિકર નહોતી, ને કિશેારને માથે સઘળું હતું, તે પણ હવે કેમ થશે, સહુ સંપ રાખીને રહેશે નહિ, તેની ફિકર તેને પડી. વેણીલાલને કેદખાનામાં પણ નહોતું તેવું દુ:ખ આ વખતે ઉત્પન્ન થયું.

ચૈતન્ય રહિત શબને છાણ માટીથી જમીનપર ચોકો કરીને સૂવાડ્યા પછી પ્રાણપોક મૂકીને સર્વે ઘરમાંથી બહાર નીકળ્યાં. ન્યાતીલાં ને સગાંવહાલાંઓ આવી પહોંચ્યાં. પછી કરકટી બાંધી શમશાન લઇ ગયા. અબોલ કેશવલાલે આગ મૂકીને પોતાનું પુત્ર તરીકેનું ઋણ અદા કીધું. સ્નાન કરી પાછા ઘેર આવ્યા, તો પણ કમળીનું કકલાણ શમ્યું નહોતું. કિશેાર ને કેશવલાલે ઘણું સમજાવી તેને શાંત પાડી. દશા, અગિયારમું, બારમું વગેરે ક્રિયા કરીને કેશવલાલ તુળજાને તેડીને પોતાની નોકરી પર ગયો. વેણીલાલને સુરતની અદાલતમાં નોકરી અપાવી તેથી તે સુરત રહ્યો, ને ગંગા, કમળી ને કિશોરલાલ પાછાં મુંબઇ આવ્યાં, બધાથી નાની દીકરી પોતાને સાસરે ગઇ.