ગાંધીજીનો અક્ષર દેહ - ૧/અંજલિ

ગાંધીજીનો અક્ષરદેહ
અંજલિ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
પરિચય →


અંજલિ

જીવનનું કોઈક વિશિષ્ટ દર્શનશાસ્ત્ર ખીલવવાનો અથવા કોઈક ખાસ માન્યતાઓ કે આદર્શો- ની એવી જ પદ્ધતિ રચવાનો આશય રાખી મહાત્મા ગાંધીએ પોતાનું જીવનકાર્ય આરંભ્યું નહોતું. સંભવ છે કે તેમની એવી વૃત્તિ જ નહોતી અને તેમને એટલો વખત પણ નહીં હોય. તેમને જોકે સત્ય અને અહિંસા વિષે દ્દઢ શ્રદ્ધા હતી, અને પોતાના જીવનકાળ દરમિયાન પોતાની સામે જે જે સવાલો ખડા થયા તે બધાના ઉકેલને માટે તેમણે એ બે સિદ્ધાન્તોના વહેવારમાં કરેલા અમલમાં તેમની બધીયે શીખ ને ફિલસૂફી સમાઈ જાય છે.

રાજકીય, સામાજિક, ધાર્મિક, ખેતીવાડી અગર જમીનને લગતો, મજૂરો અગર ઉદ્યોગોને લગતો અથવા બીજો કોઈ એવો સવાલ ભાગ્યે જ હશે કે જે તેમની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સમાયો નહીં હોય અને જે સિદ્ધાન્તોને પોતે પાયાના તેમ જ મૂળભૂત માન્યા હતા તેમના ચોકઠામાં રહીને જેમના ઉકેલનો તેમણે પોતાની રીતે પ્રયત્ન કર્યો નહીં હોય. આહાર, પહેરવેશ, રોજબરોજનાં કામકાજ વગેરે વ્યક્તિગત જીવનની ઝીણી ઝીણી વિગતોથી માંડીને તે છેક જેને છેડવાની કે તોડવાની વાત સરખી ન થઈ શકે એવા જ નહીં પણ ધર્મની દૃષ્ટિથી અત્યંત પવિત્ર મનાતા જ્ઞાતિવ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા સૈકાંઓથી જીવનવ્યવસ્થાના અંગભૂત બનેલા મોટા મોટા સામાજિક સવાલો સુધીનું હિંદના જીવનનું એક પણ પાસું એવું ભાગ્યે જ હશે કે જેના પર તેમણે પોતાના આદર્શ મુજબની અસર પાડી નહીં હોય કે જેને તેમણે ઘાટ આપ્યો નહીં હોય.

તેમના વિચારો તેમ જ ખ્યાલો ચોંકાવી મૂકે તેટલી હદ સુધી નવા લાગતા; પરંપરા અથવા ચાલુ રૂઢિ તેમાં આડે આવતાં નહીં. તેવી જ રીતે નાનામોટા સવાલોનો ઉકેલ કાઢવાની તેમની રીત તદ્દન નવી માલૂમ પડતી, દેખાવમાં તે જરાયે પ્રતીતિકર લાગતી નહીં ને છતાં આખરે સફળ નીવડતી. દેખીતી રીતે સ્વભાવથી જ તેઓ હું કહું તે જ પૂર્વ દિશા એવો જુલમી મમત રાખનારા નહોતા. નવા નવા પ્રયોગોમાંથી મળતા અનુભવના નવા નવા જ્ઞાનથી તેઓ અળગા રહી શકતા જ નહીં. વળી, તે જ કારણસર ઉપરછલ્લી સુસંગતતાનો મમત પણ તેમનામાં નહોતો. હકીકતમાં, ગાંધીજીના વિરોધીઓને અને કેટલીક વાર તો તેમના અનુયાયીઓને પણ તેમનાં કાર્યોમાં વિસંગતતા દેખાતી. સામાની વાત સમજવાને તેઓ એટલા તત્પર રહેતા અને તેમનામાં એવી અસાધારણ મોટી નૈતિક હિંમત હતી કે પોતાનું કોઈ એક કામ ખામીવાળું લાગતાંની ખાતરી થતાંવેંત પોતાની વાતને સુધારી લેતાં તેઓ કદી ખચકાતા નહીં અને પોતાની ભૂલ હતી એવું જાહેર રીતે સ્વીકારવામાં પાછા પડતા નહીં, પોતે કરેલા નિર્ણયો અને ઉપાડેલાં કામોની નિષ્પક્ષ તેમ જ વસ્તુલક્ષી આલોચના કરતા તેમને આપણે ઘણી વાર જોઈએ છીએ. એટલે, તેમનાં કામોથી ઘણી વાર તેમના પ્રશંસકો ગૂંચવણમાં પડી જતા દેખાતા અને તેમના ટીકાકારો મૂંઝાઈ જતા તેમાં નવાઈ પામવા જેવું નથી.

આવા પુરુષની સાચી સમજ મેળવવાને માટે તેની એકંદર શીખ અને તેના જીવનની ઘટનાઓને સમગ્રપણે એકત્રિત જોવાનું જરૂરી છે. તેના જીવનની કથાનો બાહ્ય રૂપરેખા પૂરતો અથવા તૂટક અભ્યાસ સરવાળે ગેરરસ્તે દોરનારો બન્યા વગર નહીં રહે. એનાથી તે મહાપુરુષ વિષેની અને વાચકની પોતાની સમજ પણ અધૂરી રહે. આવા મોટા પાયા પર ગાંધીજીનાં

લખાણોના સંગ્રહનું કામ ઉપાડવાનું મૂળ કારણ આ છે. એ સંગ્રહનાં પચાસથીયે વધારે પુસ્તકો થશે એવું મને જણાવવામાં આવ્યું છે. અને એનું પ્રયોજન મહાત્મા ગાંધીની ખુદ આ ખાસિયતમાં રહેલું છે.

આ ગ્રંથશ્રેણી પ્રસિદ્ધ કરવાનું કામ ઉપાડી હિંદ સરકારના માહિતી અને રેડિયો ખાતાએ મહાત્મા ગાંધીના, તેમની શીખના, તેમની માન્યતાઓના અને તેમના જીવનદર્શનના અભ્યાસ માટેનો ખૂબ જ મહત્વનો આધાર પૂરો પાડયો છે. મહાત્મા ગાંધીએ જે કરવાની કોશિશ સરખી નથી કરી તે હવે અભ્યાસકોએ અને વિચારકોએ કરવાનું રહે છે. આ રીતે એકત્ર કરીને મેળવી આપવામાં આવેલી સામગ્રીમાંથી એ બધા જાણે કે વ્યવસ્થિત નિબંધરૂપે તેમની જીવનની ફિલસૂફી, તેમની શીખ, તેમના ખ્યાલો ને કાર્યક્રમો, અને જીવનમાં ઊભા થતા અસંખ્ય સવાલો વિષેના તેમના વિચારો તર્કશુદ્ધ અને તાત્વિક રીતે જુદા જુદા વિષયવાર વર્ગીકરણ કરી રજૂ કરી શકશે. એમની એકંદર વિચારની તેમ જ કાર્યની યોજનામાં નાનીમોટી અનેક બાબતોને, આખી દુનિયાને માટે મહત્વના એવા સવાલોથી માંડીને વ્યક્તિના અંગત જીવનને લગતા મર્યાદિત સવાલોને સ્થાન રહેતું હતું. પોતાના લગભગ આખા જીવન દરમિયાન તેમને વ્યાપક રાજદ્વારી મુદ્દાઓ સાથે કામ પાડવું પડયું હતું, છતાં તેમનાં લખાણોનો ઘણો મોટો ભાગ સામાજિક, ધાર્મિક, કેળવણીના, આર્થિક અને ભાષાઓના સવાલોને લગતો છે.

પત્રવહેવારમાં તેઓ બહુ નિયમિત હતા. વિચાર કરી જવાબ આપવાને લાયક એક પણ પત્ર એવો ભાગ્યે જ હશે જેનો તેમણે જાતે જવાબ આપ્યો નહીં હોય. પોતાના અંગત અને ખાનગી સવાલોને લગતા કાગળો અનેક માણસો તેમને લખતા;તેમના પત્રવહેવારનો ધણો મોટો ભાગ આવા પત્રોનો રહેતો અને તે બધાના તેમણે આપેલા જવાબોમાંથી એવી જ જાતના સવાલોથી મૂંઝાતા લોકોને કીમતી દોરવણી મળે છે. પોતાના જીવનના મોટા ગાળા દરમિયાન તેમણે શૉર્ટહેન્ડ લખનાર અથવા ટાઈપિસ્ટની મદદ લીધી નથી, પોતાને જે કંઈ લખવાની જરૂર પડતી તે તેઓ પોતાને હાથે જ લખતા અને એવી જાતની મદદ લીધા વગર ચાલે નહીં એવી સ્થિતિમાં પણ તેમણે ઘણું લખાણ પોતાને હાથે લખવાનું ચાલુ રાખ્યું. એવા પ્રસંગો પણ આવ્યા હતા જયારે આંગળાં અને હાથ અકડાઈ જવાથી તેમનાથી જમણે હાથે લખવાનું બનતું નહીં અને જીવનમાં કંઈક મોડેથી તેમણે ડાબે હાથે લખવાની આવડત કેળવી હતી. કાંતવાના કામમાં પણ તેમણે એવું જ કર્યું હતું. તેમની આ રીતે લખવાની પ્રવૃત્તિ મોટે ભાગે ખાનગી પત્ર- વહેવારને અંગે થતી અને સામાન્ય માણસના રોજિંદા જીવનના ખાસ સવાલોને લગતી તેમની એ જાતના પત્રવહેવારમાં અપાયેલી સલાહ તેમની એકંદર શીખનો મહત્વનો ભાગ છે.

જીવનને સમગ્રપણે જોનાર અને માનવજાતની સેવા કાજે પોતાનું જીવન સમર્પણ કરનાર કોઈ પુરુષ થઈ ગયો હોય તો અવશ્ય તે ગાંધીજી હતા. તેમના વિચારના એકંદર ઘાટને શ્રદ્ધા તેમ જ સેવાના ઊંચા આદર્શોમાંથી પોષણ મળતું હતું તો તેમનાં કાર્યો તેમ જ તેમની પ્રત્યક્ષ શીખ પર હંમેશ નીતિ તેમ જ મુખ્યપણે વહેવારુપણાની વિચારણાની અસર રહેતી હતી. જાહેર સેવા કરનાર આગેવાન તરીકેની લગભગ સાઠ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તાત્કાલિક ગમે તેમ કામ પાર પાડવાની વાતની પોતાના વિચારો પર તેમણે અસર થવા દીધી નથી. બીજી રીતે કહીએ તો સારા હેતુઓ પાર પાડવાને તેમણે ખોટાં સાધનો વાપરવાની છૂટ કદી લીધી નથી. સાધનોની પસંદગીની બાબતમાં તેમની કાળજી તેમ જ ચીવટ એવાં હતાં કે ધ્યેયની સિદ્ધિની વાતને પણ વાપરવાનાં સાધનોના પ્રકારની વિચારણામાં ગૌણ લેખવામાં આવતી, કેમ કે તેઓ દૃઢપણે માનતા હતા કે ખોટાં સાધનો વડે કદી સારું ધ્યેય પાર પાડી શકાય નહીં અને ખોટાં સાધનો વડે જે કંઈ સિદ્ધિ મળેલી દેખાય તે સારા ધ્યેયની વિકૃતિ સિવાય બીજું કંઈ હોય નહીં.

તેમનાં લખાણો અને ભાષણોના આ સંગ્રહનું નિ:શંક તેમ જ કાયમ ટકી રહેનારું મૂલ્ય દેખીતું છે. કંઈ નહીં તો છ દાયકા પર ફેલાયેલા, અસાધારણ માનવભાવથી અને ઉગ્ર કર્મથી ભરેલા સાર્વજનિક જીવનને આવરી લેતા ગુરુના શબ્દો અહીં સંઘરાયા છે, એ શબ્દોએ એક અનન્ય પ્રવૃત્તિને ઘડી અને પોષી અને સફળતાને આરે પહોંચાડી; અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી અને પ્રકાશ આપ્યો; નવજીવનનો રસ્તો ખેડ્યો અને દર્શાવ્યો; આધ્યાત્મિક અને શાશ્વત, સ્થળ અને કાળથી પર અને સમગ્ર માનવજાતિનાં તેમ જ સર્વ યુગોનાં લેખાય એવાં સંસ્કારનાં મૂલ્યો વિષે આગ્રહ કેળવ્યો. તેથી તે શબ્દોને સંઘરીને સાચવવાનો પ્રયાસ થાય છે તે તદ્દન યોગ્ય છે.

માનવના માનવ વિષેના શાશ્વત વિશ્વાસના દિલને પણ હલાવી મૂકનારા વિધાનમાં અને માનવમાત્રની આધ્યાત્મિક સંપત્તિમાં નીતિની ભાવના સ્વભાવગત રહેલી છે એ શ્રદ્ધામાં તેમની કાર્યપદ્ધતિ સમાયેલી છે. એમના આ વિચારમાં રહેલી સ્વતંત્રતા કેવળ કાયદાકાનૂનથી કે સત્તાધારીઓની આજ્ઞાથી સિદ્ધ થઈ શકે એવી નથી; કે કેવળ વિજ્ઞાનની અથવા યંત્રવિદ્યાની પ્રગતિથી મળી શકે એવી નથી. કોઈ પણ સમાજે ખરેખર સ્વતંત્ર રહેવાને માટે પોતાની વ્યવસ્થા સ્વતંત્રતાને કાજે યોજવી જોઈએ અને તે વ્યવસ્થાની યોજનાની શરૂઆત ખુદ વ્યક્તિએ પોતે કરવી જોઈએ, ભારતીય રાષ્ટ્રજીવન જેટલા પ્રમાણમાં તેમના વિચારોમાંથી પ્રેરણા લેતું રહેશે અને તેમના વિચારોને આધારે ઘડાશે તેટલા પ્રમાણમાં તે માનવસમાજની મુક્તિની પ્રેરણાનું સાધન બનશે. જેટલા પ્રમાણમાં સ્વતંત્ર હિંદ તેમના વિચારો ને આદર્શોનો અમલ કરી વધારે ને વધારે પૂર્ણ જીવન સિદ્ધ કરતું જશે તેટલા પ્રમાણમાં તે સંસ્કૃતિની સીમા વિસ્તારવામાં અને નવો રસ્તો ઉજાળવામાં સફળ થતું જશે.

તેમના ઘણા વિચારો જોકે હજી પૂરા પચાવવાના બાકી છે કોઈ પણ સમાજવ્યવસ્થા સ્વતંત્રતા સ્થાપવામાં કેટલો ફાળો આપે છે તે વાતની તુલના તે પોતાનાં અંગભૂત ઘટકોને પ્રત્યક્ષ કેટલી સ્વતંત્રતા આપે છે તેના પ્રમાણ પરથી કરવી જોઈએ એ બાબતમાં સૌ કોઈ સંમત છે છતાં અૌદ્યોગિક, સામાજિક કે રાજદ્રારી સ્વરૂપના કેન્દ્રિત સંગઠનમાં તેના કેન્દ્રિતપણાના પ્રમાણમાં વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ પડયા વગર રહેતો નથી એ હકીકત હજી પૂરતા પ્રમાણમાં સમજાઈ નથી. એ બાબતમાં સોનેરી મધ્યમ માર્ગ હજી શોધાવો ને સ્વીકારાવો બાકી છે. ગાંધીજીના અર્થવ્યવસ્થાના ખ્યાલને તંગીના નહીં તોયે સખત કરકસરના ખ્યાલની સાથે ઘણી વાર ભેળી દેવામાં આવે છે. તેમના સંયમના આદર્શનો વિવિધતા કે સૌંદર્ય વગરના કડક નીતિના પાલનના લૂખા આદર્શ સાથે ગોટાળો કરવામાં આવે છે, તેમની જરૂરિયાતો થોડી અને મર્યાદિત હોવા છતાં તેમનું જીવન પરિપૂર્ણ અને સમૃદ્ધ હતું અને આજની ઘસાઈને પાતળી પડી ગયેલી શ્રદ્ધાની ભૂમિકામાં સાચું ન લાગે એટલા એ ઉદાત્ત જીવનમાં તેમણે પોતાની માન્યતા, આદર્શો અને શ્રદ્ધાની સચ્ચાઈની પ્રત્યક્ષ સાબિતી પૂરી પાડી હતી. તેમના આશ્રમના વાસીઓ સવારની તેમ જ સાંજની પ્રાર્થનામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શરીરશ્રમ, આસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ, અસ્પૃશ્યતાનિવારણ અને સ્વદેશી એ બધાં પોતાનાં જે વ્રતોનો નિત્યપાઠ કરતા તેમને આપણે આ રીતે સમજવાં જોઈશે. ગાંધીજી અને તેમના શબ્દોને અંજલિરૂપ આ બે બોલ પૂરા કરતાં હું ખાતરી આપું છું કે આ ગ્રંથશ્રેણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લઈ શકશે.

રાજેન્દ્ર પ્રસાદ
રાષ્ટ્રપતિ ભવન
નવી દિલ્હી

જાન્યુઆરી ૧૬, ૧૯૫૮