ગાંધીજીનો અક્ષર દેહ - ૧/પરિચય

← અંજલિ ગાંધીજીનો અક્ષરદેહ
પરિચય
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
સામાન્ય પ્રસ્તાવના →


પરિચય

ગાંધીજીના દેહાન્તને એક મહિના પછી દસ વરસ થશે. તેમની ઉંમર પાકટ થઈ હોવા છતાં તેમની જીવનશક્તિ જેવી ને તેવી અને તેમની કામ કરવાની શક્તિ અપાર હતી. ખૂનીને હાથે તેમના જીવનનો એકાએક અંત આવ્યો. હિંદને તેથી ભારે આઘાત લાગ્યો, દુનિયા આખી શોકમાં ગરકાવ થઈ ગઈ અને આપણામાંથી જેમને તેમની સાથે વધારે નિકટનો સંબંધ બંધાયો હતો તેમને લાગેલો આઘાત અને થયેલું દુ:ખ સહન ન થાય તેવાં હતાં. અને છતાં એમ લાગે છે કે એક ભવ્ય રીતે સમૃદ્ધ કારકિર્દી એ રીતે સમાપ્ત થઈ તે તદ્દન ઉચિત ગણાવું જોઈએ, કેમ કે જે રીતે જીવનમાં તે જ રીતે મરણથી પણ તેમણે પોતાની જાતને જે કાર્યને સમર્પિત કરી હતી તેને આગળ વધાર્યું હતું. વધતી જતી ઉંમરની સાથે તેમનાં શરીર ને મનની શક્તિ આસ્તે આસ્તે ક્ષીણ થતી જતી જોઈ રહેવાનું આપણને કોઈને સારું લાગે એવું નહોતું. અને તેથી એમ જ કહેવું જોઈએ કે આશા ને સિદ્ધિના એક તેજસ્વી સૂર્ય અને એક આખી અર્ધી સદી સુધી જે રાષ્ટ્રને તેમણે ઘડયું ને કેળવ્યું તેના જનક તરીકે તેઓ જેમ જીવ્યા તેમ જ મરણ પામ્યા.

તેમની અનેકમાંની થોડી પ્રવૃત્તિમાં તેમની સાથે જોડાઈને કાર્ય કરવાનો અણમોલ લહાવો જેમને જેમને મળ્યો હતો તે સૌને માટે તેઓ હંમેશ યુવાનીના જોમની પ્રત્યક્ષ મૂર્તિરૂપે રહેવાના છે. આપણે તેમને એક વૃદ્ધ તરીકે નહીં પણ નૂતન ભારતના જન્મને વસંતની નવજીવનની શક્તિથી પ્રત્યક્ષ કરનાર તરીકે યાદ રાખીશું. તેમની સાથે જેને અંગત સંપર્ક થયો નથી તેવી તેમની પાછળની પેઢીને માટે તેઓ પરંપરાથી ઊતરી આવેલી દંતકથાની વાર્તારૂપે હોઈ તેમના નામની અને તેમની પ્રવૃત્તિઓની આજુબાજુ અનેક કથાઓ રચાઈને ગૂંથાઈ ગઈ છે.

તેમનાં લખાણો અને ભાષણોના સંપૂર્ણ સંગ્રહની સંપાદિત આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું હિંદી સરકારે માથે લીધું છે તેથી હું રાજી થયો છું. તેમણે જે કંઈ લખ્યું છે અને કહ્યું છે તેનો સંપૂર્ણ પ્રમાણભૂત સંગ્રહ તૈયાર થાય તે ઘણું જરૂરી છે. તેમની પ્રવૃત્તિઓ અગણિત હતી અને તેમનાં લખાણોનો કંઈ પાર નથી તેથી તેમનો સંગ્રહ કરવાનું એક ભગીરથ કાર્ય હોઈ તે પૂરું થતાં ઘણાં વરસ સહેજે લાગશે. પણ આપણે પોતાને કાજે અને આપણી ભાવિ પેઢીઓને કાજે આ ધર્મઋણ અદા કરવું જોઈએ.

આવા પ્રકારના સંગ્રહમાં જેને મહત્ત્વના કહી શકાય અને જેને મહત્ત્વ વગરનાં એટલે કે પ્રસંગોપાત્ત કે સહજ કહી શકાય એવાં વચનો કે લખાણોનું મિશ્રણ થયા વગર રહે નહીં. અને છતાં કેટલીક વાર વધારે વિચારપૂર્વક કરવામાં આવેલા લખાણના કરતાં અથવા તેવા જ ભાષણના કરતાં પ્રસંગોપાત સહજભાવે ઉચ્ચારાયેલો શબ્દ માણસના વિચારને વધારે સારી રીતે પ્રગટ કરે છે. એ બધી વાત ગમે તે હો, તેમનાં વચનોમાંથી આ મહત્ત્વનું ને આ નહીં એવી પસંદગી કરનારા આપણે કોણ? તેમને જે કંઈ કહેવાનું છે તે તેમને પોતાને જ આપણે કહેવા દઈએ તે વધારે ઉચિત થાય. તેમને માટે જીવન એક પરિપૂર્ણ અખંડ વસ્તુ હતી, ઘટ્ટ વણાટના પોતવાળું વિવિધરંગી વસ્ત્ર હતું. એક બાળકને કહેલો એકાદ શબ્દ, વ્યાધિથી પીડાતા કોઈક દર્દીને સાજો કરવાને કરેલો સ્પર્શ એ બધું બ્રિટિશ સરકારને પડકાર આપવાને ઘડેલા ઠરાવના જેટલું જ મહત્ત્વનું હતું.

પોતાના જ્ઞાનના પ્રકાશથી આપણી પેઢીની સમજને અજવાળનારા અને આપણને રાષ્ટ્રીય સ્વતંત્રતા અપાવનાર જ નહીં, માણસને વધારે ઉદાત્ત કરનારા તેની પ્રકૃતિના ઊંડાણમાં રહેલા ગુણોની આપણને વધારે ઊંડી સમજ પણ આપનારા આપણા આ વહાલા આગેવાનને વિષે હવે પછીની આપણી પેઢીઓને ઓછીવત્તી ઝાંખી થતી રહે તેટલા સારુ આ કાર્ય આપણે પૂર્ણ પૂજયભાવથી ઉપાડીએ. આવો એક પુરુષ આપણી ભારતીય ભૂમિ પર દેહ ધરીને વિચરતો હતો અને આપણા લોકો પર જ નહીં, સમગ્ર માનવજાત પર પોતાના પ્રેમની અને સેવાભાવની વર્ષા વરસાવતો હતો તે જાણીને હવે પછીના જમાનાઓમાં લોકો આશ્ચર્ય પામતા રહેશે.

આ હું દાર્જિલિંગમાં બેઠો બેઠો લખું છું. ત્યાં ભવ્ય ને સમર્થ કાંચનજંઘાનું શિખર આપણા પર નજર રાખે છે. આજે સવારે મને એવરેસ્ટનું દર્શન થયું. મને એવું લાગ્યું કે એવરેસ્ટ અને કાંચનજંઘાના નિર્વિકાર શાંત સામર્થ્ય અને શાશ્વતપણાની છટા ગાંધીજીમાં પણ આપણે અનુભવી હતી.


જવાહરલાલ નેહરુ
દાર્જિલિંગ,

ડિસેમ્બર ૨૭, ૧૯૫૭