ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઇન્ડિયન કૉંગ્રેસ (धि नाताल एडवर्टाइसरને પત્ર)-૧
તંત્રીશ્રી,
धि नाताल एडवर्टाइझर
સાહેબ,
આપના શનિવારના અંકમાં “ઇન્ડિયન કૉંગ્રેસ” અથવા વધારે સારી રીતે કહીએ તો “ધિ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ” ઉપરની તમારી ટીકા એ જોતાં કસમયની છે કે જે કેસમાં[૧] કૉંગ્રેસના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો હજી નિકાલ આવ્યો નથી. જો કોર્ટનો તિરસ્કાર કરવાનું જોખમ ખેડવાનો મને ભય ન હોત તો આ કેસ સાથે કૉંગ્રેસ કયા સંજોગોમાં સંકળાયેલી છે તે વિષે મેં કાંઈક કહ્યું હોત. એટલે કેસ પૂરો થાય ત્યાં સુધી આ બાબત ઉપર કાંઈ પણ કહેવાનું મુલતવી રાખવાની મને ફરજ પડે છે.
દરમિયાનમાં, આપની ટીકાને કારણે ઉત્પન્ન થતી કોઈ પણ ખોટી છાપ દૂર કરવા માટે આપની રજાથી હું કૉંગ્રેસના ઉદ્દેશોની સ્પષ્ટતા કરીશ. એ ઉદ્દેશો આ પ્રમાણે છે:
- “(૧) સંસ્થાનમાં વસતા યુરોપિયનો અને હિંદીઓ વચ્ચે વધારે સારી સમજણ પેદા કરવી તથા ભ્રાતૃભાવ કેળવવો.
- ↑ નાતાલ હિંદી કૉંગ્રેસના આગેવાને ઉપર એવા આરેાપ મૂકવામાં આવ્યા હતા કે હુમલો કરવાના એક મુકદ્દમામાં એક હિંદી સાક્ષીને જુબાની આપતા અટકાવવામાં તેમને હાથ હતા, વાસ્તવિક રીતે આરોપ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસના એક સભ્ય પાદાયાચી સામે હતો, પણ કહેવામાં એવું આવ્યું કે એણે કૉંગ્રેસના આગેવાનોની ઉશ્કેરણીને કારણે એ પ્રમાણે કર્યું. વધારામાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યો કે ગાંધીજીની દોરવણી નીચે સરકાર સામે લડાઈ કરવાને કૉંગ્રેસ કાવતરું કરી રહી હતી, એણે હિંદી મજૂરોને તેમની ફરિયાદો અંગે ચળવળ કરવાને ઉશ્કેર્યા છે, ગાંધીજી એમની પાસેથી અને હિંદી વેપારીઓ પાસેથી, રાહત મેળવવામાં મદદ કરવાનું વચન આપીને પૈસા કઢાવતા હતા, અને એ નાણાં પોતાના ઉપયોગ માટે વાપરતા હતા. ગાંધીજીએ સંસ્થાન મંત્રીને લખેલે એકટોબર, ૨૧, ૧૮૯૫ ને પત્ર પણ જુએા પા. ૧૯૩-૯૫.
- “(૨) હિંદ અને હિંદીઓ વિષે છાપાંઓને લખીને, પુસ્તિકાઓ પ્રગટ કરીને, ભાષણો ગોઠવીને માહિતીનો ફેલાવો કરવો.
- “(૩) હિંદીઓને, ખાસ કરીને સંસ્થાનમાં જન્મેલા હિંદીઓને હિંદના ઇતિહાસ વિષે શિક્ષણ આપવું, અને હિંદ સંબંધના વિષયોનો અભ્યાસ કરવા પ્રેરણા આપવી.
- “(૪) હિંદીઓ જેનાથી કષ્ટ ભોગવતા હોય એવી જુદી જુદી ફરિયાદોની તપાસ કરવી અને તે દૂર કરવા માટે બધી બંધારણીય રીતોનો આશરો લઈને ચળવળ ચલાવવી.
- “(પ) ગિરમીટ નીચેના હિંદીઓની હાલત વિષે તપાસ કરવી અને તેમને ખાસ મુસીબતોમાંથી છૂટવા મદદ કરવી.
- “(૬) ગરીબો અને કંગાલોને બધા યોગ્ય ઉપાયે મદદ કરવી.
- “(૭) અને એકંદરે જેનાથી હિંદીઓ નૈતિક, સામાજિક, બૌદ્ધિક અને રાજદ્વારી દૃષ્ટિએ વધારે સારી પાયરીએ પહોંચે એવાં બધાં કામો કરવાં.”
કૉંગ્રેસનું ખુદ બંધારણ એને ખાનગી ફરિયાદો હાથ પર લેતાં અટકાવે છે, સિવાય કે એવી ફરિયાદોમાં કાંઈક જાહેર મહત્ત્વ હોય.
એમ કહેવું કે “હિંદી કૉંગ્રેસનું અસ્તિત્વ તદ્દન અકસ્માતથી જ શોધી કાઢવામાં આવ્યું હતું” એ વાતનો ભાગ્યે જ જાણીતી હકીકતો સાથે મેળ બેસે છે. હજી તો કૉંગ્રેસની રચના કરવાની શરૂઆત જ થઈ હતી એટલે धि नाताल विटनेस છાપાએ એ હકીકતની જાહેરાત કરી, અને જો હું ભૂલતો નહીં હોઉં તો એ જાહેરાત કરતો ફકરો આપે આ૫ના છાપામાં ઉતાર્યો હતો. એ વાત સાચી છે કે આ પહેલાં એની રીતસરની જાહેરાત થઈ નહોતી. એવું નહોતું કરવામાં આવ્યું એનું કારણ એ હતું કે એના વ્યવસ્થાપકોને એના કાયમી અસ્તિત્વની ખાતરી નહોતી અને હજી પણ નથી. તેમણે એ વાત ડહાપણભરેલી, માની કે માત્ર વખત જ એને જાહેર જનતાના ધ્યાન પર લાવે એ ઠીક હતું. એને છૂપી રાખવાનો કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો. ઊલટું, એના સંચાલકોએ જે યુરોપિયનો સહાનુભૂતિવાળા ગણાતા હતા તેમને એમાં જોડાવાને અથવા એની પખવાડિક સભાઓમાં હાજરી આપવાને આમંત્રણ પણ આપ્યાં. ખાનગી વાતચીતમાં એ સંસ્થા વિષે ગેરસમજ ઊભી કરવાની શરૂઆત થઈ છે અને હવે એ આપનાથી જાહેર રીતે વગોવાઈ રહી છે (બેશક અજાણતાં) માત્ર એટલા જ ખાતર ઉપરની ચોખવટ જરૂરી માનવામાં આવી છે.
તા. ક. આપની માહિતી માટે આ સાથે હું એના નિયમો, એના પહેલા વર્ષના સભ્યોની યાદી અને પ્રથમ વાર્ષિક હેવાલની નકલો મોકલું છું.
[ મૂળ અંગ્રેજી ]
धि नाताल एडवर्टाइझर, ૨૫-૯-૧૮૯૫