ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદી મતાધિકાર(धि नाताल मर्क्युरीને પત્ર)-૨

← હિંદી મતાધિકાર (धि नाताल मर्क्युरीને પત્ર)-૧ ગાંધીજીનો અક્ષરદેહ
હિંદી મતાધિકાર(धि नाताल मर्क्युरीને પત્ર)-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ઇન્ડિયન કૉંગ્રેસ (धि नाताल एडवर्टाइसरને પત્ર)-૧ →


પ૯. હિંદી મતાધિકાર

[દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને મતાધિકાર આપવાની તરફેણ કરતી ગાંધીજીની દલીલો વિષે ચર્ચા કરતાં અનેક વર્ષો સુધી હિંદુસ્તાનમાં રહી ગયેલા મિ. ટી. માર્સ્ટન ફ્રાંસિસે ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠી તારીખે नाताल मर्क्युरीને લખ્યું હતું. એમાં એમણે જણાવ્યું હતું કે જોકે હિંદુસ્તાનમાં હિંદીઓ મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપી શકતા હતા અને વિધાનપરિષદમાં સભ્ય થઈ શકતા હતા છતાં આ બાબત એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તેઓ યુરોપિયન સભ્યોને લધુમતીમાં મૂકી શકતા નહોતા અથવા પોતે સર્વોચ્ચ અધિકાર ગ્રહણ કરી શકતા નહોતા. એમણે કહ્યું કે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હમેશાં એક સનદી આઈ. સી. એસ. અમલદાર રહેતા અને વિભાગના કમિશનર, ગવર્નર, વાઈસરૉય, ભારતમંત્રી, અને છેવટે બ્રિટિશ લોકસભા હિંદની મ્યુનિસિપાલિટીઓ અને ધારાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ મૂકી શકતાં. આનો ગાંધીજીએ નીચે મુજબ જવાબ આપ્યો :]

ડરબન,

 

સપ્ટેમ્બર ૧૫, ૧૮૯૫

તંત્રીશ્રી,

नाताल मर्क्युरी

સાહેબ,

હિંદી પ્રશ્નન વિષેના મિ. ટી. માર્સ્ટન ફ્રાંસિસના પત્રના જવાબમાં હું થોડા વિચારો જણાવવાની ધૃષ્ટતા કરી રહ્યો છું.

હું માનું છું કે હિંદની મ્યુનિસિપાલિટીઓનું તેમ જ વિધાન પરિષદનું પણ આપના પત્રલેખકે કરેલું વર્ણન તદ્દન સાચું નથી. એક દાખલો આપું તો, હું નથી માનતો કે કોઈ હિંદની મ્યુનિસિપાલિટીનો પ્રમુખ સનદી રેવન્યુ અધિકારી હોવો જ જોઈએ. મુંબઈ કૉર્પોરેશનના હાલના પ્રમુખ એક હિંદી સૉલિસિટર છે.

મેં કદી એવો દાવો કર્યો નથી અને આજે પણ કરતો નથી કે મતાધિકાર અહીં છે એટલો જ વ્યાપક હિંદમાં પણ છે. મારે માટે એમ કહેવું પણ ફોગટ છે કે હિંદમાંની વિધાનપરિષદો અહીંની વિધાનસભાના જેટલી જ પ્રતિનિધિત્વવાળી છે. પરંતુ હું જે કાંઈ આગ્રહપૂર્વક કહેવા માગું છું તે એ છે કે હિંદમાં મતાધિકારની મર્યાદાઓ ગમે એટલી હોય છતાં તે ચામડીના રંગના ભેદભાવ સિવાય સૌ કોઈને અપાયેલો છે એ હકીકતની ના પાડી શકાય એમ નથી કે પ્રતિનિધિત્વ ઉપર રચાયેલી સરકારને સમજવાની હિંદીઓની યોગ્યતાને માન્ય કરવામાં આવી છે. મિ. ફ્રાંસિસનું જે કહેવું છે કે હિંદમાં તેમ જ નાતાલમાં મતાધિકાર માટેની લાયકાતો એકસરખી નથી તેની કદી કોઈએ ના પાડી નથી. આ રીતની કસોટી નીચે તો યુરોપથી સુધ્ધાં આવનારો કોઈ પણ માણસ મતાધિકારનો અધિકારી બની શકશે નહીં, કારણ કે જુદાં જદાં યુરોપનાં રાજ્યોમાંની લાયકાતો ખરેખર અહીંના જેવી જ નથી.

આ અઠવાડિયાની ટપાલ મારફતે છેલ્લામાં છેલ્લી એવી સાબિતી મળી છે કે હિંદીઓ પ્રતિનિધિત્વનો સિદ્ધાંત સમજે છે કે નહીં એ વિષેની સાચી અને એકમાત્ર કસોટીમાં તેઓ નિષ્ફળ ગયા નથી. धि टाइम्सમાંના “હિન્દુસ્તાનના મામલા” વિષેના લેખમાંથી એક ઉતારો હું નીચે આપું છું :

પણ જેમને બહુમાન મળ્યું છે એવા દેશી સિપાઈઓની બહાદુરી, જો આપણામાં એક જાતનું એવું ગૌરવ જાગ્રત કરે કે આપણે આવા સાથીપ્રજાજનો મેળવી શકયા . . . તો ખરેખર, જો આપણામાં એક જાતનું એવું ગૌરવ જાગ્રત કરે છે કે....ખરેખર, પેલી ભયાનક ઘાટીમાં તેમના સાથીઓ પ્રત્યેની તેમના ભવ્ય આત્મ-બલિદાનને ટપી જાય એવું બીજ કશું નથી . . . સાચી વાત તો એ છે કે હિંદીઓ અનેક રસ્તે લાયક સાથીપ્રજાજન તરીકે ગણાવાનો પોતાનો હક કમાઈ રહ્યા છે. લડાઈનું મેદાન હમેશાં પ્રજા પ્રજાઓ વચ્ચે ગૌરવભરી સમાનતા લાવવાના ઝડપી ઇલાજરૂપ બન્યું છે પણ હિંદીઓ તો નાગરિક જીવનની વધારે ધીમી અને વધારે મુસીબતભરી કાર્યપદ્ધતિઓ વડે પણ અમારું સન્માન મેળવવાનો તેમનો હક પુરવાર કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલાં હિંદી વિધાનપરિષદને થોડે અંશે ચૂંટણીના ધોરણે વિસ્તૃત કરવાનો પ્રયોગ થયો હતો એનાથી મોટો પ્રયોગ આધીન રાજ્યોના બંધારણીય શાસનમાં કદી થયો નહોતો. જે અનેક ચર્ચાઓ થઈ તે ઘણી મદદરૂપ થઈ છે અને બંગાળ પ્રાંતમાં કે જ્યાં ચૂંટણી પદ્ધતિ સૌથી ભારે મુસીબતોથી ભરેલી લાગતી હતી ત્યાં આ પ્રયોગ ઘણી કડક કસોટી બાદ સફળ પુરવાર થયો છે.

એ વાત સુવિદિત છે કે આ લખાણ એક ઇતિહાસકાર[૧] અને હિંદી અમલદારની કલમે લખાયું છે કે જેમણે ૩૦ વર્ષ હિંદમાં સેવા આપી છે. કેટલાક લોકોને ખુદ મતાધિકાર લઈ લેવાનું પગલું ઘણું નજીવું લાગતું હોય, પણ હિંદી કોમ ઉપર એનાં જે પરિણામો આવશે તે કલ્પના પણ ન થઈ શકે એટલાં ભયંકર હશે. યુરોપિયન સાંસ્થાનિકોને એની સરખામણીમાં જે ફાયદા થશે તે મને ખાતરી છે કે નહીંવત છે, સિવાય કે એક જાતિને અથવા રાષ્ટ્રને અપમાનિત કરવામાં કે તેને અપમાનિત દશામાં રાખવામાં તેમને કોઈક જાતનું સમાધાન કે સંતોષ થતો હોય તો વાત જુદી છે. “ગોરા લોકો રાજ કરે અથવા પીળા લોકો રાજ કરે” એવો કોઈ પ્રશ્ન જ નથી, અને ભવિષ્યના કોઈ પ્રસંગે હું એ વાત બતાવી આપી શકવાની આશા રાખું છું કે એ બાબતમાં જે ભય સેવવામાં આવ્યો છે તે તદ્દન પાયા વિનાનો છે.

મિ. ફ્રાંસિસના પત્રમાં એવા ફકરા છે કે જેનાથી કદાચ એવું માલૂમ પડે છે કે તેમણે ઘણો લાંબો સમય પહેલાં હિંદુસ્તાન છોડયું હોવું જોઈએ. એક રેવન્યુ કમિશનરની જગ્યા કરતાં વધારે મહત્ત્વની જગ્યાઓ ત્યાં બહુ ઓછી છે. છતાં ભારત-મંત્રીએ એ જગ્યા ઉપર માત્ર તાજેતરમાં જ એક હિંદીને નીમવાનું ડહાપણભર્યું માન્યું છે. મિ. ફ્રાંસિસ જાણે છે કે હિંદમાં એક


  1. સર ડબલ્યુ ડબલ્યુ. હંટ૨; જુએા પૃ. ૨૦૦.

વડા ન્યાયાધીશ કેવડા મોટા અધિકાર ક્ષેત્ર ઉપર સત્તા ધરાવે છે, છતાં બંગાળમાં તથા મદ્રાસમાં બંને જગ્યાએ એ પદો હિંદીઓએ ધારણ કર્યાં છે. જેઓ, બ્રિટિશ અને હિંદી બંને જાતિઓને “પ્રેમના રેશમી બંધને” બાંધવા ઇચ્છતા હોય તેમને માટે બંનેને નજીક લાવનારા સંખ્યાબંધ મુદ્દાઓ ઓળખવાનું મુશ્કેલ નહીં થાય. બંનેના ત્રણ ધર્મોમાં પણ દેખીતા વિરોધાભાસ છતાં ઘણી સમાન વાતો રહેલી છે અને ત્રિમૂર્તિ સ્વરૂપે તેમનું ઐકય થાય તે તે બૂરું બનવા નહીં પામે.

હું છું, આપનો વગેરે

 

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, ૨૩-૯-૧૮૯૫