ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નવા ગવર્નરને આવકાર

← હિંદી વેપારી ગાંધીજીનો અક્ષરદેહ
નવા ગવર્નરને આવકાર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદીઓના મત →


૧૭. હિંદી વેપારી
પ્રિટોરિયા,


સપ્ટેમ્બર ૧૯, ૧૮૯૩

શ્રી તંત્રી ,
धि नाताल ऍड्वर्टाझर

સાહેબ,

નીચેના લખાણને માટે તમારા અખબારમાં જગ્યા કરશો તો હું તમારો ઘણો આભારી થઈશ.

धि नाताल ऍड्वर्टाझर પર મોકલેલા પોતાના લખાણને કારણે 'ઘૃણાસ્પદ' ઠરેલા મિ. પિલ્લેના અહીંના કેટલાક ગૃહસ્થોએ અને ત્યાંનાં અખબારોએ ટુકડે ટુકડા કરી નાખ્યા છે. 'શિયાળ જેવા ખંધા એશિયાઈ વેપારીઓ', 'કોમનાં ખુદ મર્મરૂપ અંગોને કોતરી ખાનારી બીમારી', 'અર્ધજંગલી ઢબે જીવન જીવનારા પરોપજીવીઓ' વિષેનો તમારો અગ્રલેખ સખત શબ્દોની હરીફાઈમાં મિ. પિલ્લેના પત્રની સામે મેદાન મારી જાય કે શું એવું મને લાગે છે. પણ શૈલીની બાબતમાં રુચિ ભિન્ન ભિન્ન હોય છે અને કોઈનીયે લખાણની શૈલી વિષે તુલના કરવાનો મને અધિકાર નથી.

પણ બિચારા એશિયાઈ વેપારીઓ પર આ બધો રોષ શા સારુ ઠલવાય છે? કૉલોનીનું અક્ષરશ: સત્યાનાશ વળી જવાનું જોખમ કેવી રીતે ઊભું થયું છે તે સમજવું મુશ્કેલ છે. ચાલુ માસની પંદરમી તારીખના તમારા અગ્રલેખ પરથી મને જે કારણો સમજાયાં છે તેનો સાર નીચેના શબ્દોમાં દર્શાવી શકાય: "એક એશિયાઈ વેપારીએ દેવાળું કાઢયું છે અને એક પાઉંડની પાંચ પેની ચૂકવી છે. એશિયાઈ વેપારીનો આ સારો નમૂનો છે. તેણે બજારમાંથી નાના યુરોપિયન વેપારીને હાંકી કાઢયો છે."

હવે, માની લો કે મોટા ભાગના એશિયાઈ વેપારી દેવાળું કાઢે છે અને પોતાના દેણદારોને દેવા પેટે ઝાઝું ચૂકવતા નથી (જે વાત બિલકુલ સાચી નથી) તો એ શું તેમને કૉલોનીમાંથી અને દક્ષિણ આફ્રિકામાંથી હાંકી કાઢવાને વાજબી કારણ છે કે? ઊલટું, એ બીના માણસ પોતાના લેણદારોને પાયમાલ કરી શકે તે રીતે તેને પોતાનું દેવું ચૂકવવાને અશક્ત એટલે કે દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારા કાયદામાં કંઈક ખામી હોવી જોઈએ એવું બતાવતી નથી કે? એવો વહેવાર કરવાને માટે કાયદાથી કંઈક છૂટ મળી જતી હોય તો લોકો તેનો લાભ લીધા વગર રહે નહીં. અને યુરોપિયનો શું માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારી અદાલતનું રક્ષણ નથી શોધતા કે? અલબત્ત, તમે પણ ક્યાં સીધા છો એવી દલીલ કરીને હું હિંદી વેપારીઓનો બચાવ કરવા માગતો નથી. હિંદીઓ આવા વહેવારનો આશ્રય લે છે તેથી મને ખરેખર દિલગીરી થાય છે. એક જમાનામાં જયાં માનઆબરૂનો ખ્યાલ એટલો ઊંચો હતો કે વેપારમાં અપ્રામાણિક વહેવારમાં કોઈ પોતાનું નામ પણ આવવા ન દે, તેમના દેશને એથી નીચું જોવાનું થાય છે. હિંદી વેપારીઓ માણસને દેવાળાની સ્થિતિમાં હોવાનું જાહેર કરનારા કાયદાનો લાભ લે છે એટલી જ હકીકતના જોર પર તેમને હાંકી કાઢવાની દલીલ ઊભી થતી નથી એવું જોકે મને ચોક્કસ લાગે છે. કાયદો એકલો જ નહીં, જથ્થાબંધ માલનો ધંધો કરનારા વેપારીઓ પણ જરા વધારે સાવધ રહે તો આવા દાખલાઓ વારંવાર બનતા અટકાવી શકે. અને બીજું, ખુદ યુરોપિયન વેપારીઓ અા વેપારીઓને શાખ પર માલ ધીરે છે તે જ હકીકત પણ શું એવું નથી બતાવતી કે તે બધા સરવાળે તમે ચીતર્યા છે તેવા ભૂંડા તો નથી?

નાનો યુરોપિયન વેપારી બજારમાંથી ધકેલાઈ ગયો હોય તો તે માટેનો વાંકનો ટોપલો શું હિંદી વેપારીને માથે ઢોળવાનો છે? એથી તો ઊલટું એવું લાગે છે કે હિંદી વેપારી પોતાના ધંધામાં વધારે કાબેલ છે અને તેની કુશળતા એ જ તેને અહીંથી હાંકી કાઢવાનું કારણ છે ! હવે હું તમને પૂછું છું સાહેબ, કે આ ન્યાય છે? એક તંત્રી પોતાના છાપાનું સંપાદન પોતાના હરીફના કરતાં વધારે આવડતથી કરે અને પરિણામે હરીફને એ ક્ષેત્ર છોડી દેવું પડે તો તમે શું તે સફળ તંત્રીને કહેવા જશો ખરા કે તમે વધારે આવડતવાળા છો માટે તમારે તમારા માત થયેલા હરીફને તમારી જગ્યા આપી દેવી જોઈએ? ઊલટું, બીજા લોકો પણ પોતાની આવડત કેળવી ઊંચા આવવાની કોશિશ કરતા થાય તેટલા ખાતર વધારે આવડત પ્રોત્સાહન આપવાનું ખાસ કારણ નથી શું? નરવી હરીફાઈને ગૂંગળાવી મારવી એ સાચી નીતિ છે કે? ઓછે ખરચે કેમ વેપાર ખેડવો, સાદાઈથી કેમ જીવવું એ બધું હિંદી વેપારી પાસેથી પોતાના મોભાને અણછાજતું ન લાગતું હોય તો યુરોપિયન વેપારીએ શીખવા જેવું નથી શું? "બીજા તમારી સાથે જેમ વર્તે એમ તમે ઇચ્છતા હો તેવું વર્તન તમારે તેમની સાથે રાખવું."

પણ તમે કહો છો કે આ ભૂંડા એશિયાઈઓ અર્ધજંગલી ઢબે જીવે છે. અર્ધજંગલી જીવન વિષેના તમારા ખ્યાલો જાણવા મળે તો તેમાં ખરેખર રસ પડે. એ લોકો કેવી ઢબે જીવે છે તેનો મને થોડો ખ્યાલ છે મજાની કીમતી શેતરંજી અને શણગાર માટેના પડદા વગરનો ભોજનખંડ, જેના પર શોભા વધારવાને ફુલ ગોઠવેલાં નથી, જેના પર ભાતભાતના દારૂ અને ડુક્કરના ને ગાયના માંસની જેટલી જોઈએ તેટલી વાનીઓ પીરસવામાં આવેલી નથી એવું ઉપર પાથરવાના મોંઘા કાપડ વગરનું (અને સંભવ છે કે વાર્નિશ કર્યા વગરનું) જમવા માટેનું ટેબલ એ અર્ધજંગલી રહેણી હોય; મારા સાંભળવા પ્રમાણે ઉનાળાની અકળાવનારી ગરમીમાં જેને સારુ ઘણા યુરોપિયનો તેમની અદેખાઈ કરે છે એવો ગરમ આબોહવાને ખાસ માફક આવતો સફેદ, સગવડવાળો પહેરવેશ અર્ધજંગલી રહેણી હોય; બીર ન પીવો, તમાકુ ન વાપરવો, હાથમાં છટાદાર લાકડી લઈને ન ફરવું, સોનાનો ઘડિયાળનો છેડો ન લટકાવવો, રાચરચીલાંથી સજાવેલું દીવાનખાનું ન હોવું એ બધાં અર્ધજંગલી રહેણીનાં લક્ષણ હોય; ટૂંકમાં સામાન્યપણે જેને સાદી, કરકસરભરી જિંદગી સમજવામાં આવે છે તે અર્ધજંગલી જીવનપદ્ધતિ હોય તો હિંદી વેપારીએ તે આક્ષેપ સ્વીકારી લેવો જોઈએ અને સંસ્થાનની સર્વોચ્ચ સંસ્કૃતિમાંથી તે અર્ધજંગલી રહેણીને જેટલી વહેલી નાબૂદ કરવામાં આવે તેટલું બેશક સારું થાય.

સુધરેલાં રાજયોમાંથી એ કોમને બહાર હાંકી મૂકવાના કારણમાં જે તત્વોને સામાન્યપણે સમાવવામાં આવે છે તે બધાંયનો આ લોકોના દાખલામાં તદ્દન અભાવ છે. એ લોકો તરફથી સરકારને રાજકીય દૃષ્ટિથી જોખમ નથી એવું હું કહું તો તમારે તે વાતની સાથે સંમત થવું જોઈએ કેમ કે એ લોકો રાજકારણમાં માથું મારતા હશે તોયે નહીં જેવું જ મારે છે. એ લોકો નામીચા લૂંટારુ નથી. હું માનું છું કે ચોરી, લૂંટ, અથવા એવા જ બીજા નીચ ગુનાઓ કર્યાનો, અરે, હિંદી વેપારી પર તેવો આરોપ મુકાયાનો એક પણ દાખલો જાણવામાં નથી. (આ વાતમાં ભૂલ હોય તો હું સુધારવા તૈયાર છું.) તેમની દારૂ જેવાં કેફી પીણાં મુદ્દલ ન વાપરવાની આદતને લીધે તે બધા અસાધારણ શાંત નાગરિકો હોય છે.

પણ જેની ચર્ચા ચાલે છે તે અગ્રલેખમાં કહ્યું છે કે એ લોકોને કશો ખર્ચ હોતો નથી, એ લોકો પૈસો વાપરતા જ નથી. નથી વાપરતા? મને લાગે છે કે એ લોકો હવા ને લાગણીઓ પર ગુજારો કરતા હોવા જોઈએ. वेनिटी फेर નવલકથાનું પાત્ર બેકી બિલકુલ વગર ખરચે આખું વરસ ગુજારો કરતી. અને અહીં આખો ને આખો પ્રજાનો એક વર્ગ તેવું કરતો જડી આવ્યો છે. દુકાનભાડામાં, કરવેરામાં, ખાટકીને, કરિયાણાવાળાને, અનાજના વેપારીને, ગુમાસ્તાના પગારમાં, અને એવી બીજી બાબતોમાં તેમને કશું ચૂકવવાનું હોતું નથી એમ જ માનીને ચાલવું જોઈએ. આખી દુનિયામાં વેપારધંધાની સ્થિતિ જે કટોકટીએ પહોંચી છે તે જોતાં ખાસ કરીને આવા ઈશ્વરના આશીર્વાદ, પામેલા વેપારીઓના વર્ગમાં જ આપણે પણ હોઈએ તો કેવું સારું!

સાદાઈ, કેફી પીણાં ને ચીજોના વપરાશનો સદંતર ત્યાગ, સુલેહશાંતિભરી રહેણી, અને સૌથી વધારે તો વ્યવસ્થિત કામકાજ કરવાની અને કરકસરની કેળવણી, એ બધું બિચારા હિંદી વેપારીઓને વખાણને લાયક ઠરાવવામાં કામ આવવું જોઈએ તેને બદલે ખરેખર તેમના તરફના આ બધા તુચ્છકાર અને વેરના મૂળમાં હોય એમ એકંદરે લાગે છે અને વળી એ બધાયે બ્રિટિશ રાજ્યની પ્રજા છે. તો આ શું ઈશુના અનુયાયીઓને છાજે છે? આ શું વાજબી વહેવાર છે? આ શું ન્યાય છે? આ શું સુધારો છે? આ સવાલોના જવાબને સારુ હું થોભી જાઉં છું.

આને તમારા અખબારમાં સમાવશો તે માટે આગળથી તમારો અાભાર માની લઈ,

હું છું, વ.

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍदवर्टाइझर, ૨૩-૯-૧૮૯૩


૧૮. નવા ગવર્નરને આવકાર
ટાઉન હૉલ,

ડરબન,

સપ્ટેમ્બર ૨૮, ૧૮૯૩

નેક નામદાર

સર વૉલ્ટર હેલી-હચિન્સન, કે.સી.એમ.જી., વ.

આપ નેક નામદારની સેવામાં –

નેક નામદાર રાણી, હિંદનાં શહેનશાહબાનુના પ્રતિનિધિ તરીકે આપ નામદાર આવી પહેાંચો છો તે પ્રસંગે અમે, નીચે સહી કરનારા નાતાલ સંસ્થાનની મુસલમાન અને હિંદી કોમના સભ્યો અત્યંત આદરપૂર્વક આપ નામદારને આવકારવાની રજા લઈએ છીએ.

અમને વિશ્વાસ છે કે આ સંસ્થાન અને તેની સાથેના સંબંધો આપ નામદારને અનુકૂળ થશે અને નાતાલમાં રાજવહીવટની નવી પદ્ધતિ દાખલ કરવાનું કાર્ય આપ નામદારને સારુ જેટલું રસભર્યું તેટલું મુશ્કેલી વગરનું નીવડશે.

નાતાલમાંની હિંદી કોમનાં ખાસ કામકાજ અહીં વિસ્તરતી જતી હિંદી અસરને કારણે આપ નામદારનું હંમેશ ધ્યાન રોકશે; આપ નામદારની રજાથી અમારી કોમને વિષે ઘટતો વિચાર કરવાની અમે વિનંતી કરીએ છીએ અને નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ આપ નામદાર તે મંજૂર રાખશો એવો અમને વિશ્વાસ છે.

અા મુલકમાં આપનું રોકાવાનું થાય તે દરમિયાન આપ નામદારને અને લેડી હેલી- હચિન્સનને બધી જાતની આબાદી ઇચ્છવાની અમે રજા લઈએ છીએ, અને અમે છીએ આપ નામદારના અત્યંત આજ્ઞાંકિત સેવકો,

દાઉદ મહમદ
દાદા અબદુલ્લા
આમદ જીવા
એમ. સી. કમરુદ્દીન
પારસી રુસ્તમજી
આમદ તિલ્લી
એ. સી. પિલ્લે

[મૂળ અંગ્રેજી]
धि नाताल मर्क्युरी, ૩૦-૯-૧૮૯૩