ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદીઓના મત

← નવા ગવર્નરને આવકાર ગાંધીજીનો અક્ષરદેહ
હિંદીઓના મત
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય →


૧૯. હિંદીઓના મત
પ્રિટોરિયા,

સપ્ટેમ્બર ૨૯, ૧૮૯૩

શ્રી તંત્રી
धि नाताल ऍडवर्टाइसर

સાહેબ,

નીચેનું લખાણ તમારા અખબારમાં લેવાની મહેરબાની કરવા વિનંતી છે.

ચાલુ માસની ૧૯મી તારીખના તમારા પત્રના અંકમાં નવા સ્થપાનારા એશિયાઈ વિરોધી સંઘ [ઍન્ટિએશિયાટિક લીગ]ના તમે આંકેલા કાર્યક્રમનો ઝીણામાં ઝીણી વિગતે જવાબ આપવાનું કામ ભગીરથ હોઈ એક અખબાર પરના પત્રની મર્યાદામાં સમાવવાનું માથે લેવા જેવું નથી. તેમ છતાં તમારી રજાથી તેમાંની બે જ બાબતોની ચર્ચા કરું : એક, “કુલીઓના મતોમાં યુરોપિયનોના મતો ઘસડાઈ જવાના” ડર વિષે અને બીજી, હિંદીઓની મત આપવાને લગતી માની લેવામાં આવેલી બિનલાયકાત વિષે.

શરૂઆતમાં હું તમારી ભલી લાગણી અને બ્રિટિશ રાષ્ટ્રના ચારિત્ર્યનું લક્ષણ મનાતી ન્યાયપ્રિયતાને અપીલ કરું છું. તમે અગર તમારા વાચકો એ સવાલની એક જ બાજુ તરફ જોવાનો નિશ્ચય કરી બેઠા હશો તો ગમે તેટલી હકીકતો અગર દલીલો મારા વિવેચનના વાજબીપણાની પ્રતીતિ તમને અગર તેમને નહીં કરાવી શકે, આખા સવાલને સાચી દૃષ્ટિથી જોવાને શાંત ચિત્તથી નિર્ણય બાંધવાની શક્તિની અને રાગદ્વેષરહિત નિષ્પક્ષ ચકાસણીની અત્યંત આવશ્યકતા છે. હિંદીઓના મત કોઈ કાળેયે યુરોપિયનોના મતોને ઘસડી જઈ શકે એવો ખ્યાલ અત્યંત વધારે પડતો તાણીતૂશીને બાંધેલો નથી લાગતો? છેક ઉપર ઉપરથી પરિસ્થિતિ જોનાર પણ એવું કદી બને નહીં એમ જોઈ શકશે. યુરોપિયનોના મતો પર સરસાઈ મેળવવાને સમર્થ થવાને પૂરતી સંખ્યામાં હિંદીઓ મતાધિકાર મેળવવાને જરૂરી મિલકત ધરાવવાની લાયકાત સુધી કદી પહોંચી શકે એમ નથી.

એ લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે – વેપારીઓ અને મજૂરો. મજૂરો ઘણી મોટી વધુમતીમાં છે અને તેમને સામાન્યપણે મત આપવાનો અધિકાર નથી. ગરીબીના માર્યા માંડ ખાવાનું મળી રહે તેટલી રોજી પર તેઓ નાતાલ આવે છે. મત આપવાના અધિકારને માટે જરૂરી મિલકત મેળવવાની તેઓ કદીયે આશા રાખી શકે ખરા કે? અને કંઈક કાયમનો વસવાટ કરીને રહેવાવાળા હોય તો એ લોકો છે વેપારી પૈકી માત્ર કેટલાકની પાસે મતાધિકાર માટે જરૂરી મિલકતની લાયકાત છે, પણ એ વર્ગના લોકો કાયમ નાતાલમાં વસવાટ કરીને રહેતા નથી, અને કાયદેસર મત આપી શકે એવામાંના ઘણા મત આપવાની ભાગ્યે જ પરવા રાખે છે. સામાન્યપણે ખુદ પોતાના મુલકમાં પણ હિંદીઓ કદી પોતાના બધા રાજકીય અધિકારોનો ઉપયોગ કરતા નથી. પોતાના આત્માનું કલ્યાણ કરવામાં તેઓ એટલા રચ્યાપચ્યા રહે છે કે રાજકારણમાં સક્રિય ભાગ લેવાનો વિચાર સરખો તેમને આવતો નથી. તેમને એવી ભારે રાજકીય મહત્ત્વાકાંક્ષા પણ હોતી નથી, એ લોકો અહીં રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરવાને આવતા નથી પણ પ્રમાણિકપણે રોજી કમાવાને આવે છે અને તેમનામાંના થોડા તદ્દન પ્રમાણિકપણે રોજી નહીં મેળવતા હોય તો તે બીના દિલગીર થવા જેવી છે. એટલે હિંદીઓના મતનું પ્રમાણ નુકસાન કરી નાખવાની હદ સુધી વધી જાય એવી બીક રાખવાની વાત પાયા વગરની છે.

અને હિંદીઓમાંના થોડા પાસે મત છે તે પણ કોઈ રીતે નાતાલના રાજકાજ પર અસર કરે એટલા નથી. હિંદીઓને માટે પ્રતિનિધિત્વ મેળવવાનું બુમરાણ મચાવનારા હિંદી પક્ષની બધી વાતો કાલ્પનિક હોઈ મિથ્યા છે કેમ કે પસંદગી આખરે બે ગોરાઓમાંથી એકની કરવાની રહે છે. એટલે થોડા હિંદીઓ પાસે મતનો અધિકાર છે તે વાતનું મહત્ત્વ ઝાઝું ખરું કે ? એ થોડા મતથી વધારેમાં વધારે એટલું થાય કે હિંદીઓને પૂરેપૂરો ગોરો પ્રતિનિધિ મળે અને તે પોતાના વચનને વફાદારીથી પાળે તો ઍસેમ્બલી [ધારાસભા]માં તેમને સારું કામ આપે. અને આવા એક કે બે સભ્ય મળીને હિંદી પક્ષની રચના કરે એ વાતની કલ્પના કરી જુઓ ! અને, તેઓ અથવા ખરું પૂછો તો તે એક જણ પણ અરણ્યરુદન કરવાવાળો કોઈક જૉન [૧] હૃદયપરિવર્તન કરવાની વીજળિક અથવા મારે કહેવું જોઈએ કે દિવ્ય શક્તિ વગરનો હશે. જુદાં જુદાં લધુમતી હિતોનું પ્રતિનિધિત્વ ધરાવનારા મજબૂત નાના નાના પક્ષોનું પણ સામ્રાજ્યની પાર્લમેન્ટમાં ઝાઝું કંઈ વળતું નથી. કોઈક પ્રધાનને એ પક્ષો બહુ તો થોડા આડાઅવળા સવાલો પૂછી મૂંઝવી કે હેરાન કરી શકે અને બીજા દિવસનાં સવારનાં છાપાંમાં પોતાનાં નામ છપાયેલાં જોવાનું સમાધાન લઈ શકે.

બીજું, તમે એવું માનો છો કે તેઓ (હિંદીઓ) મત આપવાને લાયક ગણાય તેટલા સુધરેલા નથી; અને સુધારાના દરજજામાં યુરોપિયનોની સાથે બેસી શકે એવા તો હરગિજ નથી. નહીં હોય, સંભવ છે. પણ એ વાતનો બધો આધાર તમે “સુધારો” શબ્દનો અર્થ શો કરો તેના પર છે. આ બાબતની ચકાસણી કરવાની વાતમાંથી ઊભા થતા બધા સવાલોની પૂરી ચર્ચામાં ઊતરવાનું બની શકે એવું નથી. પણ એટલો નિર્દેશ કરવાની હું રજા લઉં કે હિંદુસ્તાનમાં તેઓ આ અધિકારો ભોગવે છે. ૧૮૫૮ની સાલનો રાણીનો ઢંઢેરો જેને યોગ્ય અને સાચી રીતે હિંદીઓનો મેગ્ના કાર્ટા [વડું હકનામું] કહેવામાં આવે છે તે આ પ્રમાણે છે :

અમારાં બીજાં બધાં પ્રજાજનોની સાથે ફરજનાં જે બંધનોથી અમે બંધાયેલાં છીએ તેવી ફરજનાં બંધનોથી અમારા હિંદુસ્તાનના પ્રદેશના વતનીઓ સાથે અમારી જાતને અમે બંધાયેલી માનીએ છીએ અને સર્વસમર્થ ઈશ્વરની રહેમથી અમે એ ફરજો ધર્મબુદ્ધિથી અને વફાદારીથી અદા કરીશું. અને બની શકે ત્યાં સુધી ગમે તે જાતિનાં અગર ગમે તે ધર્મનાં અમારાં પ્રજાજનોને પોતાની કેળવણી, આવડત અને પ્રમાણિકતાથી જેની ફરજો બજાવવાની લાયકાત હોય તેવી અમારી નોકરીઓમાંની જગ્યાઓ પર છૂટથી તેમ જ નિષ્પક્ષપણે લેવાની અમારી વધારાની ઈચ્છા છે.

હિંદીઓને વિષેના આવા બીજા ઉતારા પણ હું ટાંકી શકું પણ તમારા સૌજન્યનો અત્યાર સુધીમાં મેં , વધારે પડતો ઉપયોગ કરી લીધાનો મને ડર છે. એટલું જોકે ઉમેરી લઉં કે એક હિંદીએ કલકત્તાની વડી અદાલતના હંગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું છે, સામાન્યપણે અહીંના હિંદી વેપારીઓ જેમના ધર્મબંધુઓ છે તેવા એક હિંદી અલ્લાહાબાદની વડી અદાલતના ન્યાયાધીશ છે; અને એક હિંદી બ્રિટનની પાર્લમેન્ટમાં સભ્ય તરીકે બેસે છે. વળી, સોળમી

  1. ૧. ઈશુના પુરોગામી બેપ્ટિસ્ટ જૉનને ઉલ્લેખ છે,

સદીમાં થઈ ગયેલા અને હિંદમાં હકૂમત ચલાવી ગયેલા જે મહાન અકબરને પગલે હિંદુસ્તાનની બ્રિટિશ સરકાર ઘણી બાબતોમાં ચાલે છે તે હિંદી હતો. અત્યારે હિંદુસ્તાનમાં જમીન ધારણ કરવાની અને જમાબંધીની જે પદ્ધતિ અમલમાં છે તે એક મોટા નાણાશાસ્ત્રી અને હિંદી ટોડરમલે ચલાવેલી પદ્ધતિની જૂજ સુધારાવધારાવાળી નકલ છે. આ બધું સુધારાનું નહીં પણ અર્ધજંગલી દશાનું રૂડું ફળ હોય તો સુધારાનો અર્થ હજી મારે શીખવાનો બાકી છે.

ઉપર જણાવેલી બધી હકીકતો તમારી સામે પડેલી હોવા છતાં અંદર અંદર વિખવાદ જગાડી કોમના યુરોપિયન વિભાગને હિંદી વિભાગની સામે કાર્ય કરવાને તમે ઊભો કરી શકો તો તમે ખરેખર મહાન છો.

હું છું, વ.

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍड्वर्टाझर, ૩–૧૦–૧૮૯૩