ગાંધીજીનો અક્ષર દેહ - ૧/શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય
← હિંદીઓના મત | ગાંધીજીનો અક્ષરદેહ શાકાહારના સિદ્ધાંત માટે કાર્ય [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] |
પ્રાણપોષક ખોરાકનો અખતરો → |
પ્રિટોરિયાથી એક અંગત પત્રમાં મિ. એમ. કે. ગાંધી લખે છે :
"એક શાકાહારી બાગબાનને સારુ કાર્ય કરવાને અહીં દક્ષિણ આફ્રિકામાં મજાનો અવકાશ છે. અહીંની જમીન અત્યંત રસાળ હોવા છતાં ખેતીની ઘણી ઉપેક્ષા થઈ છે.
"મને જણાવતાં આનંદ થાય છે કે અમારાં ઘરમાલિક જેઓ એક અંગ્રેજ બાનુ છે તેમને શાકાહારી થવાનું સ્વીકારવાનું અને પોતાનાં બાળકોને શાકાહાર પર ઉછેરવાનું સમજાવવામાં હું સફળ થયો છું, પણ મને બીક રહે છે કે તે પાછાં માંસાહાર પર લપસી જશે. જોઈએ તેવાં શાકભાજી અહીં મળતાં નથી. જે મળે છે તે બહુ મોંઘાં પડે છે. ફળ પણ ઘણાં મોંઘાં છે; દૂધનું પણ એવું જ. તેથી એમને શાકાહારની વાનગીઓની પૂરતી વિવિધતા બતાવવાનું ઘણું કઠણ થાય છે. અને એ જો વધારે ખરચાળ જણાશે તો તો તે તેને ચોક્કસ છોડી દેશે.
"પ્રાણપોષક આહાર[૧] વિષેના મિ. હિલ્સના લેખમાં મને બહુ રસ પડયો. હું તરતમાં જ તેનો બીજો અખતરો કરવા ધારું છું. તમને યાદ હશે કે મુંબઈમાં હું હતો ત્યારે મેં એનો અખતરો કરી જોયો હતો. પણ તેને વિષે અભિપ્રાય આપવાનો દાવો કરી શકાય એટલો લાંબો વખત તે ચાલ્યો નહોતો.
"આપણા બધા મિત્રોને મારું સ્મરણ કરાવવા વિનંતી છે."
[મૂળ અંગ્રેજી]
धि वेजिटेरियन, ૩૦-૯-૧૮૯૩
- ↑ ૧. પ્રાણપોષક આહારના સિદ્ધાંતનું મૂળ પ્રતિપાદન વેજિટેરિયન સોસાયટી(શાકાહારી મંડળી)ના પ્રમુખ મિ. એ. એફ. હિલ્સે ૧૮૮૯ની સાલના ફેબ્રુઆરી માસની ૪થી તારીખે થયેલી મંડળીની પહેલી ત્રિમાસી સભામાં કરેલું, પ્રાણશક્તિ, ફૂર્તિ, સૂર્યનાં કિરણો વગેરેનો કંઈક અંશે ધ્યાન ખેંચે એવો સિદ્ધાંત તેમણે કંઈક વિસ્તારથી રજૂ કરેલે. નીચે જણાવેલા આહારના પદાર્થોમાંથી એ બધાં મળે છે : ફળો, અનાજ, કાછલિયાળાં ફળ અને કઠોળ, જે બધાં કાચાં લેવાનાં હોય. હિલ્સ: धि फर्स्ट डायेट ओफ पेरेडाइझ (સ્વર્ગનો પહેલો આહાર). ગાંધીજીના 'પ્રાણપોષક ખોરાકના અખતરા' ને માટે આ પછીનો લેખ જોવો.