ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાજરને પત્ર

← 'રામીસામી' ગાંધીજીનો અક્ષરદેહ
નાજરને પત્ર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ધિ એસોટેરિક ક્રિશ્ચિયન યુનિયન →


૩૯. નાજરને પત્ર
ડરબન,

 

નવેમ્બર ૧૨, ૧૮૯૪

વહાલા મિ. નાજર,

ચાલુ માસની ચોથીનો તમારો પત્ર મળ્યો. મારો તાર તમને ગઈ કાલે મળ્યો હોવો જોઈએ. સરકાર અને મારી વચ્ચે જે તારો સામસામા થયા છે તેની નકલો આ સાથે બીડી છે. સરકાર અને તેના એજન્ટ વચ્ચે થયેલા પત્રવહેવારની નકલો મારે જોવી છે.

धि स्टार અખબારમાં આવેલો લેખ ખરાબ છે – ઘણો ખરાબ છે. હિંદીઓને જાહેર . . . .[] અને લવાજમની જરૂર નથી એવી મતલબનું લખાણ તમે તેના તંત્રીને કરો તો સારું. તે લોકો તેમના દાનની બહાર જાહેરાત કરતા નથી. ટ્રાન્સવાલમાંથી ૧૦,૦૦૦ હિંદુસ્તાનીઓ નાતાલમાં જાય તો તે બધા ભૂખે મરવાના નથી અને છતાં તે વિષે ઝાઝી ધાંધલ નહીં થાય. નાતાલના રાજ્ય પર હિંદુસ્તાનીઓ કદી બોજારૂપ થયા નથી. હિંદુસ્તાન દુનિયામાં ગરીબમાં ગરીબ મુલક છે છતાં ત્યાં ગરીબોને લગતા કાનૂન નથી. મૂંગી અને તેથી ઈશુને લાયકની હિંદુસ્તાનની દાનવૃત્તિ સારી પેઠે જાણીતી થયેલી છે. બ્રિટિશ સિદ્ધાંતોની બડાશ હાંકનારા અને નબળા તેમ જ ગરીબ લોકોનો પક્ષ કરવાનો દેખાવ કરનારા धि स्टार જેવા મોભાદાર પત્રને આવી બદગોઈ કરવાનું છાજતું નથી. તમે તેના તંત્રીને એવું પણ જણાવી શકો કે સો – લગભગ સો – જેટલા હિંદુસ્તાનીઓ ગઈ કાલે જોહાનિસબર્ગથી આવ્યા. અને સરકારના અધિકારીઓને ગરીબ ગોરાઓને સારુ ખાસ જોગવાઈ રાખવી પડે છે. પણ એ સોમાંથી એકેને ભૂખે મરવું પડયું નથી કે મદદ શોધવી પડી નથી. અને છેવટમાં તેમને જણાવો કે નાતાલ સરકારે પાછળથી ડહાપણ બતાવ્યું હોઈ મોડું મોડું પણ તેને છાજે એવી રીતે ૧૦ પાઉન્ડની અનામત મુકાવવાનું માંડી વાળ્યું છે. लीडर પત્રને પણ સરકારના નિર્ણયની ખબર આપવાને અને તેનાથી થયેલા સંતોષ ને આભારની લાગણી વ્યક્ત કરવાને લખવું સારું.


અંતરથી તમારો,

 

મો. ક. ગાંધી

लीडर અખબારમાં આવેલી ભૂલો તમે સુધારી હશે એવી આશા છે. 'ડૉ.' લખવાથી ખોટી છાપ ઊભી થઈ છે.

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

ગાંધીજીના પોતાના હસ્તાક્ષરના મૂળ લખાણની છબી પરથી.



  1. અહીંનો શબ્દ વંચાતો નથી