ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલમાં શાકાહાર

← હિંદી મતાધિકાર ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલમાં શાકાહાર
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
શાકાહારનો સિદ્ધાંત →


હેવાલ મુજબ આ માનનીય સજજને[] એ પણ કહ્યું છે:
નાતાલમાં અમને (સાંસ્થાનિકોને) ચોકસ સંજોગોમાં જવાબદાર રાજતંત્ર સોંપવામાં આવ્યું હતું. અમારાં વિધેયકને મંજૂરી આપવાની આપે ના પાડી તેને લઈને આ સંજોગો બિલકુલ બદલાઈ ગયા છે. આપે એક એવી ખતરનાક પરિસ્થિતિ પેદા કરી દીધી છે કે આપે અમને જે અધિકાર સોંપ્યો હતો તે આપને પરત કરી દેવાની અમારી સ્પષ્ટ ફરજ થઈ પડી છે.

આ બધું સત્ય બીનાથી કેટલું વિરુદ્ધ છે ! એમાં એવું માની લેવાયું છે કે હવે બ્રિટિશ સરકાર હિંદી મતાધિકારને સંસ્થાનને માથે મારવાનો પ્રયાસ કરે છે, જયારે સાચી બીના એ છે કે જવાબદાર સરકાર એને સત્તા સોંપતી વખતે જે પરિસ્થિતિ હતી તેમાં મહત્ત્વનો ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તો પછી ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠેલી સરકાર જો એવું કહે તો તેને યોગ્ય નહીં ઠરાવી શકાય કે "અમુક નિશ્ચિત સંજોગોમાં અમે તમને જવાબદાર રાજતંત્ર સોંપ્યું. ગયા વર્ષનાં તમારાં વિધેયકથી પેદા થયેલી પરિસ્થિતિને કારણે એ સંજોગો હવે તદ્દન ફરી ગયા છે. તમે આખા બ્રિટિશ બંધારણ અને ન્યાયના બ્રિટિશ ખ્યાલને એવા તો ભયજનક થાય એવા સંજોગો ઊભા કર્યા છે કે અમારી એ ચોખ્ખી ફરજ થઈ પડે છે કે તમને જેના પર બ્રિટિશ બંધારણ આધાર રાખે છે એવા પાયાના સિદ્ધાંતો સાથે રમત કરવા નહીં દેવી."

મારું કહેવું એ છે કે જે સમયે જવાબદાર રાજતંત્ર સ્વીકારવામાં આવ્યું તે સમયે મિ. મેડનનો વાંધો યોગ્ય માની શકાયો હોત. યુરોપિયન સાંસ્થાનિકોએ હિંદીઓનો મતાધિકાર છીનવી લેવાની વાતનો આગ્રહ રાખ્યો હોત તો તેમને કદી જવાબદાર રાજતંત્ર અપાયું હોત કે કેમ એ વળી બીજો જ પ્રશ્ન છે.

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી]

ટી. એલ. કલિંગવર્થ, મુદ્રક, ૪૦ ફિલ્ડસ્ટ્રીટ ડરબન, ૧૮૯૫ એમણે છાપેલી પુસ્તિકા ઉપરથી.


  1. ૧. આ નિર્દેશ મિ. મેડન વિષે છે. જુઓ પા. ૨૨૦.



૬૮. નાતાલમાં શાકાહાર

નાતાલમાં અને ખરેખર દક્ષિણ આફ્રિકાભરમાં આ કામ નેવનાં પાણી મોભે ચડાવવા જેટલું મુશ્કેલ છે. છતાં પણ એવાં નહીં જેવાં જ સ્થાનો છે જ્યાં શાકાહાર અહીંના કરતાં વધારે આરોગ્યદાયક, અથવા વધારે સસ્તો અથવા વ્યવહારુ બને. અલબત્ત હાલમાં, શાકાહારી રહેવાનું ભાગ્યે જ સસ્તુ છે અને નક્કી તેમાં ભારે આત્મસંયમની જરૂર પડે છે. નવા શાકાહારી બનવાનું તો લગભગ અશકય લાગે છે. આ બાબતની કૂડીબંધ માણસો જોડેની વાતચીત દરમિયાન મારી તપાસમાં સૌએ જે એકનો એક સવાલ કર્યો તે છે "લંડનમાં, જ્યાં કૂડીબંધ શાકાહારી રેસ્ટોરાં છે ત્યાં એ બધું ઠીક છે. પણ દક્ષિણ આફ્રિકામાં જ્યાં નહીં જેવો શાકાહારી પૌષ્ટિક ખોરાક મળી આવે છે ત્યાં તમે કેવી રીતે શાકાહારી રહી શકો અથવા બની શકો?" દક્ષિણ આફ્રિકામાં હવામાન સમશીતોષ્ણ છે અને એનું શાક ફળ આદિ લીલોતરીનું ઉત્પાદન અઢળક છે એ જોતાં કોઈએ એવું માન્યું કે અહીં આવો જવાબ મળવાનું અશકય છે. આમ છતાં આ જવાબ પૂરેપૂરો વાજબી છે. સારામાં સારી હોટલોમાં પણ બપોરના ભોજન વખતે નિયમ તરીકે એકમાત્ર બટાટાનું શાક મળે છે અને તે પણ કાચુંપાકું. સાંજના વાળુમાં કદાચ તમને બે શાક મળે અને તે શાકોમાં ભાગ્યે જ કદી ફેરફાર કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના આ બગીચાઓના સંસ્થાનમાં જયાં મોસમ વખતે નજીવી કિંમતે તમને ફળો મળી શકે છે ત્યાં હોટલોમાં નહીં જેવાં ફળો જોવામાં આવે છે એ લગભગ નાલેશીની જ વાત કહેવાય. કઠોળની દાળો તો તેના અભાવને લઈને ધ્યાન પર ચડે છે. ડરબનમાં કઠોળ વેચાતું મળે છે કે કેમ એવું મને એક સજજને લખીને પુછાવ્યું: તેમને એ ચાર્લ્સટાઉન અને આજુબાજુના કસબાઓમાંથી મળી ન શકયું. કોચલાંવાળાં ફળો અથવા મેવો તો માત્ર ક્રિસ્ટમસના દિવસોમાં જ વેચાતો મળે છે.

હાલની પરિસ્થિતિ આ જાતની છે. એટલે લગભગ નવ માસના જાહેરખબરો આપવાના અને શાંત સમજાવટના પરિણામે જો હું ધ્યાન પર ચડે એવી બહુ ઓછી પ્રગતિ રજૂ કરી શકું તો શાકાહારી મિત્રોએ આશ્ચર્ય પામવું નહીં જોઈએ. એવું પણ નથી કે શાકાહારના પ્રચારમાં માત્ર ઉપર દર્શાવી છે એટલી જ મુસીબતો છે. અહીંના લોકો સોના ઉપરાંત ભાગ્યે જ બીજા કાંઈનો વિચાર કરે છે. આ પ્રદેશોમાં સુવર્ણનો જ્વર એવો તો ચેપી છે કે તેણે ધર્મના આચાર્યો સુધ્ધાં મોટામાં મોટા અને નાનામાં નાના સૌને એનો ભોગ બનાવી દીધા છે. જીવનનાં વધારે ઉમદા કાર્યો માટે એમની પાસે સમય નથી; બીજી ઉપરની એટલે આધ્યાત્મિક દુનિયાનો વિચાર, કરવાનો તેમને સમય મળતો નથી.

वेजिटेरियनની નકલો દર અઠવાડિયે નિયમિત રીતે મોટા ભાગની લાઈબ્રેરીઓને પહોંચાડવામાં આવે છે. કોઈ કોઈ વાર અખબારોમાં જાહેરખબરો આપવામાં આવે છે શાકાહારના વિષયનો પરિચય કરાવવા માટેની દરેક તક ઝડપી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આને લઈને થોડા સહાનુભૂતિભર્યા પત્રવ્યવહારો અને પૂછતાછને પ્રેરણા મળી છે. થોડાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. બીજાં ઘણાં પુસ્તકો મફત વહેંચવામાં આવ્યાં છે. પત્રવ્યવહાર અને વાર્તાલાપ રમૂજભર્યા રહ્યા છે. એક સન્નારીએ મારી સાથે ખ્રિસ્તી ધર્મના દીક્ષાપંથ વિષે પત્રવ્યવહાર કર્યો, તેને જયારે એવું માલૂમ પડયું કે ખ્રિસ્તી ધર્મના આ દીક્ષાપંથને શાકાહાર જોડે કાંઈક સંબંધ છે ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તે એટલી બધી ચિડાઈ ગઈ કે તેને વાંચવા માટે આપેલાં પુસ્તકો તેણે વગર વાંચે જ પરત કરી દીધાં. માણસને માટે કોઈ પ્રાણીને ગોળીથી ઠાર કરવાનું કે કતલ કરવાનું હીણપતભર્યું છે એવું એક ગૃહસ્થ માનતા હતા. તે "પોતાનો જાન. બચાવવા માટે પણ એવું કામ નહીં કરે." પણ પોતાને માટે રાંધીને તૈયાર કરેલું માંસ ખાવામાં તેમને કશી પણ દયા આવતી નહોતી.

શાકાહારની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા અને ખાસ કરીને નાતાલની શકયતાઓ કહેતાં પાર ન આવે એટલી બધી છે. માત્ર શાકાહાર માટે કામ કરનારાઓનો અભાવ છે. અહીંની જમીન એટલી બધી ફળદ્રુપ છે કે એમાં લગભગ બધી જ વસ્તુઓ પકવી શકાય. જમીનના વિશાળ વિભાગો માત્ર કોઈ કુશળ હાથની રાહ જોઈ રહ્યા છે જે તેનું સોનાની સાચી ખાણોમાં રૂપાંતર કરી દે. જો થોડા જ માણસોને જોહાનિસબર્ગના સોના તરફથી તેમનું ધ્યાન ખસેડીને તેને ખેતીમાંથી પૈસા કમાવાની શાંત રીત તરફ વાળવા માટે અને રંગદ્વેષમાંથી છૂટી જવા માટે સમજાવી શકાય તો નાતાલમાં હરેક પ્રકારનાં શાકભાજી અને ફળો કોઈ પણ શંકા વિના ઉપજાવી શકાય. દક્ષિણ આફ્રિકાની આબોહવા એવી છે કે એકલા યુરોપિયનો ત્યાંની જમીનમાં રહેલી શકયતાનો વિચાર કરતાં તેનો પૂરો ઉપયોગ કદી કરી શકશે નહીં. મદદ કરવા માટે તેમની પાસે હિંદીઓ હાજર છે પણ રંગદ્વેષને કારણે યુરોપિયનો તેમનો લાભ ઉઠાવવા ઇચ્છતા નથી. અને આ રંગદ્વેષ દક્ષિણ આફ્રિકામાં ઘણો જ તીવ્ર છે. નાતાલમાં કે જ્યાં સંસ્થાનની સમૃદ્ધિ હિંદી મજૂરો ઉપર આધાર રાખે છે એવું સ્વીકારવામાં આવ્યું છે ત્યાં પણ રંગદ્વેષ ઘણો જ તીવ્ર છે. મારા ઉપર એક બગીચા માલિકનો પત્ર આવ્યો છે. હિંદી મજૂરોને રોકવાની એની ગમે એટલી ઇચ્છા હોવા છતાં આ રંગદ્વેષને કારણે એ લાચાર બન્યો છે. એટલે અહીં શાકાહારીઓ માટે દેશસેવાના કાર્ય માટે અવકાશ છે. દક્ષિણ આફ્રિકામાં ગોરાં બ્રિટિશ પ્રજાજનો તથા હિંદીઓ વચ્ચેનો સંબંધ દિવસે દિવસે ઘાડો થતો જાય છે. ઉચ્ચ કોટિના અંગ્રેજ અને હિંદી રાજદ્વારી પુરુષો એવો અભિપ્રાય ધરાવે છે કે બ્રિટન અને હિંદને પ્રેમની સાંકળ વડે તેઓ કદી છૂટા નહીં પડે એ રીતે બાંધી શકાય એમ છે. અધ્યાત્મવાદીઓ આવાં જોડાણમાંથી સારાં પરિણામોની આશા સેવે છે. પણ, દક્ષિણ આફ્રિકના ગોરાં બ્રિટિશ પ્રજાજનો આવા જોડાણમાં હરકત નાખવા અને તેને અટકાવવા માટે એમનાથી થઈ શકે એટલો બધો પ્રયાસ કરી રહ્યાં છે. આ સંજોગોમાં એવો સંભવ છે કે આવા મહાન સંકટને રોકવાને કોઈ શાકાહારી આગળ આવે.

એક સૂચન કરીને હું નાતાલમાંના કામકાજનો આ ઝટપટ લખી કાઢેલો ટૂંકો હેવાલ પૂરો કરીશ. જે થોડા શાકાહારી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય એવા, સાધનસંપન્ન માણસો દુનિયાના જુદા જુદા ભાગોની મુસાફરીએ નીકળે, જુદા જુદા દેશોની સાધનસામગ્રીનો કયાસ કાઢે. શાકાહારના દૃષ્ટિબિંદુથી તેમની શકયતાઓનો હેવાલ રજૂ કરે અને જે દેશોને શાકાહારના પ્રચાર માટે તથા આર્થિક દૃષ્ટિએ વસવાટ કરવા માટે તેઓ યોગ્ય સમજે, તેમાં જઈને રહેવા માટે શાકાહારીઓને આમંત્રણ આપે તો શાકાહારના પ્રચારનું ઘણું કાર્ય થઈ શકે. આમ થાય તો ગરીબ શાકાહારીઓ માટે વસવાટ કરવાનાં નવાં દ્વારો ખૂલી શકે અને દુનિયાના જુદા જુદા ભાગોમાં શાકાહારના પ્રચારનાં સાચાં કેન્દ્રો સ્થાપી શકાય.

પરંતુ આ બધું કરવાને માટે શાકાહારવાદ માત્ર એક આરોગ્ય માટેની સવલત બનવાને બદલે ઘર્મ બનવો જોઈએ. એના ધ્યેયને ઘણી વધારે ઊંચી કક્ષાએ મૂકવું જોઈએ.

[ મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૧-૧૨-૧૮૯૫