ગાંધીજીનો અક્ષર દેહ - ૧/શાકાહારનો સિદ્ધાંત

← નાતાલમાં શાકાહાર ગાંધીજીનો અક્ષરદેહ
શાકાહારનો સિદ્ધાંત
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલના ગવર્નરને અરજી →


૬૯. શાકાહારને સિદ્ધાંત


ડરબન,

ફેબ્રુઆરી ૩, ૧૮૯૬

તંત્રીશ્રી,

नाताल मर्क्युरी

સાહેબ,

ખોરાકની સુધારણામાં રસ લેનારા તરીકે હું આપને આપના "રોગ મટાડવાનું નવું શાસ્ત્ર" નામના શનિવારના અંકમાંના અગ્રલેખ બદલ અભિનંદન આપવા ઇચ્છું છું. એમાં આપે કુદ૨તી આહાર અપનાવવા ઉપર એટલે શાકાહારનો સિદ્ધાંત અપનાવવા ઉપર ઘણો ભાર મૂકયો છે. આ સ્વૈરવિહારમાં માનતા જમાનામાં "કોઈ પણ માણસ બુદ્ધિથી એક સિદ્ધાંતને ઉત્સાહપૂર્વક ટેકો આપતો હોય છે પણ તેને પોતાના જીવનમાં અમલ કરવાનો તેનો ઈરાદો નથી હોતો એ વાત એટલી સામાન્ય બની ગઈ છે કે આ કમનસીબ ખાસિયત જો ન હોત તો આપણે બધા શાકાહારી બની ગયા હોત. કારણ કે, જયારે સર હેનરી થૉમસન માંસાહારને આપણા જીવનધારણ માટે અનિવાર્ય માનવાની વાતને એક ક્ષુદ્ર ભૂલ તરીકે ગણાવે છે, અને જ્યારે સૌથી આગળ પડતા શરીરશાસ્ત્રવેત્તાઓ ખુલ્લંખુલ્લા કહે છે કે ફળફળાદિ જ માણસનો કુદરતી આહાર છે અને જ્યારે આપણી પાસે બુદ્ધ, પાઈથાગોરાસ, પ્લેટો, પોરફીરી, રૉય, ડેનિયલ, વેઝલી, હાવર્ડ, શેલી, સર આઈઝેક પિટમેન, એડિસન, સર ડબ્લયુ. બી. રિચર્ડસન અને બીજા સંખ્યાબંધ આગળ પડતા માણસો શાકાહારી હોવાના દાખલા છે તો પછી પરિસ્થિતિ ઊલટી શા માટે હોવી જોઈએ? ખ્રિસ્તી શાકાહારીઓનો દાવો એવો છે કે જિસસ પણ શાકાહારી હતા. અને આ મતને પડકારે એવી કોઈ વાત જાણવામાં હોય એવું લાગતું નથી, સિવાય કે એટલો નિર્દેશ થયેલો છે કે પુનરુત્થાન બાદ એમણે ભૂંજેલી મચ્છી ખાધી હતી. દક્ષિણ આફ્રિકામાંના સૌથી સફળ મિશનરીઓ (ટ્રેપિસ્ટ્સ) શાકાહારીઓ છે. દરેક દૃષ્ટિબિદુથી જોતાં શાકાહાર માંસાહાર કરતાં ઘણો જ ચડિયાતો પુરવાર થઈ ચૂકયો છે. અધ્યાત્મવાદીઓ માને છે, અને કદાચ પ્રૉટેસ્ટંટ ધર્માચાર્યોના મોટા વર્ગ સિવાય બધા જ ધર્મોના આચાર્યોના જીવનવ્યવહાર બતાવે છે કે માંસના વિવેકહીન ભક્ષણ કરતાં માણસની આધ્યાત્મિક શક્તિને વધારે બાધારૂપ થાય એવું બીજું કશું નથી. ખૂબ જ નિષ્ઠાવાળા અન્નાહારીઓ આધુનિક યુગની નાસ્તિકતા, ભૌતિકવાદ અને ધાર્મિક ઉદાસીનતાના કારણ તરીકે વધારે પડતા માંસાહાર તથા મઘપાનને અને તેને પરિણામે માણસમાં જે આધ્યાત્મિક શક્તિનો થોડે અંશે કે સંપૂર્ણપણે અભાવ ઊભો થાય છે તેને ગણાવે છે. પ્રખર બુદ્ધિશક્તિ ધરાવતા માણસોના અન્નાહારી પ્રશંસકો, જગતના સૌથી તેજસ્વી બુદ્ધિવાળા માણસોનો જે મોટો સમૂહ અચૂકપણે પોતાની ટેવોમાં સંયમી હતો, ખાસ કરીને તેમનાં ઉત્તમ પુસ્તકો લખતી વખતે સંયમી હતો, તેમનો નિર્દેશ કરીને એ વસ્તુ બતાવે છે કે બૌદ્ધિક જીવનના દૃષ્ટિબિંદુથી માંસાહાર કરતાં અન્નાહાર ચડિયાતો ભલે નહીં હોય તોપણ તે ચાલે એવો છે. અન્નાહારીઓના સામયિક પત્રો અને પત્રિકાઓના લેખો ખાતરીપૂર્વકની સાબિતી પૂરી પાડે છે કે જે દાખલાઓમાં અસંખ્ય દવાઓ સાથેનું ગાયનું માંસ અને તેની મેળવણીઓ બહુ ખરાબ રીતે નિષ્ફળ નીવડયાં છે ત્યાં અન્નાહારનો જવલંત વિજય થયો છે. સ્નાયુબદ્ધ કહેતાં કદાવર અન્નાહારીઓ પોતાના આહારનું ચડિયાતાપણું એ દર્શાવીને પુરવાર કરે છે કે જગતનો ખેડૂતવર્ગ લગભગ અન્નાહારી છે, અને સૌથી તાકાતવાન અને સૌથી ઉપયોગી પ્રાણી ઘોડો શાકાહારી છે જ્યારે સૌથી હિંસક અને લગભગ નિરુપયોગી પ્રાણી સિંહ એ માંસભક્ષક છે. અન્નાહારી નીતિવાદીઓને એ વાતનું દુ:ખ થાય છે કે પોતાની વિકારી અને રોગિષ્ટ ઇચ્છાઓને તૃપ્ત કરવાને માટે સ્વાર્થી માણસો ખાટકીનો ધંધો માણસના અમુક વર્ગને માથે ઓઢાડે છે જ્યારે તેઓ પોતે આવો ધંધો કરતાં એની ભયાનકતાથી બેબાકળા બની જાય છે. એ ઉપરાંત આ અન્નાહારી નીતિવાદીઓ આપણને એ વસ્તુ ખ્યાલમાં રાખવાને પ્રેમપૂર્વક વિનંતી કરે છે કે માંસવાળા ખોરાક અને દારૂની ઉત્તેજના વિના પણ આપણા કામવિકારોને સંયમમાં રાખવાનું અને સેતાનના પંજામાંથી બચી જવાનું આપણે માટે પૂરતું કઠણ છે એટલે આપણે માંસ અને દારૂ જે સાથોસાથ જનારી વસ્તુઓ છે તેનો આશ્રય લઈને એ મુસીબતોમાં વધારો નહીં કરીએ. કારણ કે એવો દાવો કરવામાં આવ્યો છે કે અન્નાહાર કે જેમાં રસાળ ફળોને સૌથી પહેલું સ્થાન છે, તે શરાબખોરીનો સૌથી સહીસલામત અને ખાતરીપૂર્વકનો ઈલાજ છે જ્યારે માંસાહાર એ ટેવને ઉત્તેજે છે અથવા તેમાં વધારો કરે છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે માંસાહાર શરીરને માટે બિનજરૂરી જ નહીં પણ હાનિકર પણ છે એ કારણે તથા એમાં નિર્દોષ પ્રાણીઓને બિનજરૂરી દુ:ખ આપવાનું તથા તેમના પ્રત્યે ક્રૂરતા બતાવવાનું સમાયેલું છે એટલે એની ટેવ અનૈતિક તથા પાપમય છે. છેવટે અન્નાહારી અર્થશાસ્ત્રી વિરોધ થવાના ભય વિના ભારપૂર્વક કહે છે કે અન્નાહારની વસ્તુઓ સૌથી સસ્તો ખોરાક છે અને જો સામાન્યપણે એનો ઉપયોગ કરવામાં આવે તો તે ભૌતિકવાદી સંસ્કૃતિની ઝડપી કૂચને અને થોડા લોકોના હાથમાં એકઠી થતી અઢળક સંપત્તિની સાથે સાથે ઝડપથી વધતી જતી કંગાલિયતને એકદમ દૂર નહીં કરી શકે તોપણ તેને ઓછી કરવામાં મદદરૂપ થશે. મને યાદ છે ત્યાં સુધી ડૉ. લુઈ કુન્હે અન્નાહારની જરૂરિયાતનો આગ્રહ માત્ર શારીરિક કારણોસર રાખે છે અને તેઓ નવશિખાઉ લોકોને કોઈ સૂચના આપતા નથી. એટલે તેમને માટે જદી જુદી જાતની અન્નાહારની ચીજોમાંથી યોગ્ય ચીજો પસંદ કરવાનું અને તેને સારી રીતે રાંધવાનું મુશ્કેલ બની જાય છે. મારી પાસે ૧ પેન્સથી માંડીને ૧ શિલિંગ સુધીની કિંમતની અન્નાહારની ચીજો રાંધવા અંગેની પસંદ કરેલી ચોપડીઓ છે, તેમ જ એનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતાં એ વિષય ઉપરનાં પુસ્તકો પણ છે. સૌથી સસ્તાં પુસ્તકો મફત વહેંચવામાં આવે છે. જો તમારા કોઈ વાચકો આ રોગ મટાડવાના નવા શાસ્ત્રને માત્ર દૂરથી વખાણવાને નહીં પણ એના નિયમોને વ્યવહારમાં ઉતારવાને ઉત્સુક હોય તો હું એમને તે બધાં પૂરાં પાડીશ. શાકાહારને સંબંધ છે ત્યાં સુધી એ વિષય ઉપર મારી પાસે બીજી જેટલી પુસ્તિકાઓ હશે તે પણ હું એની સાથે ઘણી ખુશીથી મોકલીશ. જે લોકો બાઈબલમાં શ્રદ્ધા ધરાવે છે તેમની વિચારણા માટે હું નીચેનો ઉતારો ટાંકું છું. “પતન” પહેલાં આપણે શાકાહારી હતા :

અને પરમાત્મા બોલ્યાઃ સાંભળો, આખી પૃથ્વીની સપાટી ઉપર બીજ ઉત્પન્ન કરનારી બધી વનસ્પતિ અને બીજ આપે એવાં ફળોવાળાં ઝાડો મેં તમને આપ્યાં છે, એ તમારા ભોજનને માટે છે, અને પૃથ્વી ઉપરનાં જેટલાં પશુ છે અને હવામાં જેટલાં પક્ષીઓ છે અને જે કાંઈ જીવજંતુ પૃથ્વી ઉપર પેટે ચાલે છે એ બધાંને ભોજન માટે મેં નાના નાના લીલા છોડ આપ્યા છે અને બધું એ પ્રમાણે થયું. જેમને ખ્રિસ્તીધર્મની દીક્ષા અપાઈ નહીં હોય તેમને માટે માંસ ખાવાનું કાંઈક બહાનું હોઈ

શકે; પણ જેઓ કહે છે કે તેમનો “પુનર્જન્મ” થયો છે તેમને માટે શાકાહારી ખ્રિસ્તીઓનો દાવો એવો છે કે કોઈ બહાનું હોઈ નહીં શકે. તેનું કારણ એ છે કે તેમની સ્થિતિ બેશક “પતન” પહેલાંના લોકોથી ચડિયાતી નહીં તો તેમના જેવી તો રહેવી જ જોઈએ. વળી પુનરુદ્ધાર સમયે :

વરુ ઘેટાના બચ્ચા સાથે રહેશે, અને ચિત્તો બકરીના બચ્ચા સાથે સૂશે. અને વાછરડું અને સિંહનું બચ્ચું, અને કતલનું પશુ બધાં સાથે ફરશે અને એક નાનું બાળક એ બધાંને દોરશે. . . અને સિંહ એક બળદની માફક ઘાસ ખાશે. . . મારા આખા પવિત્ર પહાડ ઉપર કોઈ પણ હિંસા કે મારફાડ કરશે નહીં, કારણ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો રહે છે તેમ જમીન પરમાત્માના જ્ઞાનથી ભરપૂર રહેશે.

એવું બને કે હજુ આ સમય આખા જગત માટે દૂર હોય. પણ જેઓ જાણે છે અને અમલ કરી શકે તેમ છે એવા ખ્રિસ્તી લોકો શા માટે કાંઈ નહીં તો એનો પોતાના જીવનમાં અમલ કરતા નથી? એવા સમયની આગાહી કરવામાં કાંઈ પણ નુકસાન ન હોઈ શકે, અને એમ કરવાથી એવો સંભવ રહે છે કે તેને પહેાંચવાનું અત્યંત ઝડપી બને.

હું છું

 

મો. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી]

धि नाताल मर्क्युरी, ૪-૨-૧૮૯૬