ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલના ગવર્નરને અરજી

← શાકાહારનો સિદ્ધાંત ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલના ગવર્નરને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદીઓ અને પરવાના →


૭૦. નાતાલના ગવર્નરને અરજી
ડરબન,

 

ફેબ્રુઆરી ૨૬, ૧૮૯૬

 

નેક નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાંસિસ હેલી હચિન્સન, સેઈન્ટ માઈકલ અને સેઈન્ટ જ્યૉર્જના પરમ પ્રતિષ્ઠિત દરજજાના નાઈટ કમાન્ડર, નાતાલ સંસ્થાનમાં અને તેની ઉપર ગવર્નર અને પ્રધાન સેનાપતિ તથા તેના ઉપનૌકા-સેનાપતિ અને દેશી પ્રજાના સૌથી મોટા મુખી, ઝૂલુલૅન્ડના ગવર્નર વગેરે વગેરેની સેવામાં પિટરમેરિત્સબર્ગ, નાતાલ

નીચે સહી કરનારા નાતાલમાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજ

નમ્રપણે દર્શાવવાનું કે :

૧૮૯૬ની સાલના ફેબ્રુઆરીની ૨૫મી તારીખના नाताल गवर्नमेन्ट गॅझेटમાં નેાંદવેની, ઝૂલુલૅન્ડના જમીનવેચાણ સંબંધી નિયમોના જે થોડા અંશો પ્રગટ થયા છે, તે અંગે નાતાલમાં રહેતા હિંદીઓના પ્રતિનિધિઓ તરીકે અરજદારો આથી આપ મહાનુભાવને અરજ કરીએ છીએ. એ અંશો છે:

કલમ ૪નો અંશ : યુરોપિયન જન્મ અથવા વંશની જે વ્યક્તિઓ આવા કોઈ પણ લિલાઉંમાં ઊભી રહેવા માગતી હોય તેમણે લિલાઉંની તારીખથી ઓછામાં ઓછા વીસ

દિવસ પહેલાં પિટરમેરિત્સબર્ગમાં ઝૂલુલૅન્ડના સેક્રેટરીને અથવા સરકારના સેક્રેટરી એશોવે, ઝૂલુલૅન્ડને લેખિત નોટિસ આપવી. અરજીમાં તેઓ જે જમીન ખરીદવા માગતા હોય તેના નંબર અથવા બીજી માહિતી તેમણે બને ત્યાં સુધી આપવી.
કલમ ૧૮નો અંશ : માત્ર યુરોપિયન જન્મ કે વંશના લોકોને ઘરો બાંધવાની જમીનના માલિક તરીકે માન્ય રાખવામાં આવશે. આ શરત પાળવામાં નિષ્ફળ જતાં આવી કોઈ જમીન આ પહેલાંની કલમમાં જણાવ્યા મુજબ ફરીથી સરકારી કબજામાં મૂકી દેવાશે.
કલમ ર૦ : આ જમીનો અમુક ચોખ્ખી શરતે વેચવામાં આવે છે અને એ શરત આ નિયમોની કલમ ૧૦, ૧૧ અને ૧૩ મુજબ માગવામાં આવેલા અને અપાયેલા જાગીરના દરેક અધિકાર-પત્રમાં દાખલ કરવામાં આવશે. એ શરત એવી છે કે નોંદવેની કસબામાં આથી ખરીદવામાં આવેલી જમીનનો કોઈ પણ માલિક એ જમીનને કે એના કોઈ હિસ્સાને જન્મ કે વંશથી યુરોપિયન હોય તે સિવાયના કોઈ પણ માણસને વેચાતી કે ભાડે આપી શકશે નહીં તેમ જ વગર ભાડે કબજે કરવા દેશે નહીં, અને જો કોઈ સંજોગોમાં આવા અધિકાર-પત્ર ધરાવનાર માણસો જ આવી શરતો અને બાંયધરીઓનો ભંગ કરશે તો આ નિયમોની કલમ ૧૭માં જણાવ્યા મુજબની શરતોથી અને પદ્ધતિથી આવી જમીનો

સરકાર હસ્તક લઈ લેવામાં આવશે.

તમારા અરજદારો આ નિયમોનો એવો અર્થ કરે છે કે સમ્રાજ્ઞીના હિંદી પ્રજાજનોને નેાંદવેની કસબામાં જમીન ધારણ કરવામાંથી કે ખરીદવામાંથી બાદ રાખવામાં આવ્યા છે.

તમારા અરજદારો આ રીતે યુરોપિયન અને હિંદી બ્રિટિશ પ્રજાજનો વચ્ચે જે દ્વેષપૂર્ણ ભેદભાવ કરવામાં આવ્યો છે તેની સામે વિવેકપૂર્વક પરંતુ આગ્રહપૂર્વક વાંધો લે છે.

તેમ જ આપના અરજદારોને આવો અપવાદ કરવાને કોઈ કારણ દેખાતું નથી, સિવાય કે દક્ષિણ આફ્રિકામાં જે અનેક મુદ્દાઓમાં રંગદ્રેષને તાબે થવાનું બન્યું છે તેમાંનો આ એક વધુ મુદ્દો હોય.

તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે સમ્રાજ્ઞીના પ્રજાજનોના એક વિભાગને બીજા વિભાગ ઉપર આ રીતનો ઊંચો દરજજો આપવો એ માત્ર બ્રિટિશનીતિ અને ન્યાયનું વિરોધી છે એટલું જ નહીં પણ હિંદી કોમની બાબતમાં એ, બ્રિટિશ હિંદીઓને યુરોપિયનો જોડે સમાન વર્તાવનો હક આપતા ૧૮૫૮ના રાણીના ઢંઢેરાની શરતોનો ભંગ કરે છે.

તમારા અરજદારો આગળ ચાલતાં જણાવે છે કે ટ્રાન્સવાલમાં વસતા હિંદીઓની તરફેણમાં સમ્રાજ્ઞીની સરકારે જે પ્રયાસો કર્યા છે તે ધ્યાન પર લેતાં મિલકત ધારણ કરવાના હકો અંગેના ચર્ચા નીચેના નિયમોથી જે ભેદભાવ દર્શાવાયો છે એ કાંઈક આશ્ચર્યકારક અને મેળ વિનાનો છે.

તમારા અરજદારો એ જણાવવાની પરવાનગી ઈચ્છે છે કે ઘણા હિંદીઓ ઝૂલુલૅન્ડના બીજા ભાગોમાં વતનદારી જમીન ધરાવે છે.

એટલા ખાતર તમારા અરજદારો નમ્રપણે વિનંતી કરે છે કે આ નિયમોની કલમ ૨૩ વડે સુરક્ષિત રખાયેલા અધિકારની રૂએ આપ નામદાર એમાં એવા ફેરફાર કે સુધારા કરવાનો હુકમ કરવાની મહેરબાની કરશે જેથી ઉપર દર્શાવેલો ભેદભાવ દૂર થઈ જાય. અને ન્યાય અને દયાના આ કાર્ય બદલ તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી) અબદુલ કરીમ હાજી

 

અને બીજા ૩૯

 

[ મૂળ અંગ્રેજી ]

હસ્તલિખિત નકલની છબી પરથી