ગાંધીજીનો અક્ષર દેહ - ૧/પોતે ઈંગ્લંડ શા સારુ ગયા

← હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ ગાંધીજીનો અક્ષરદેહ
પોતે ઈંગ્લંડ શા સારુ ગયા
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
ઍડવોકેટ તરીકે નેાંધાવા માટે અરજી →


કેટલાક ઉંમરમાં વૃદ્ધ મિત્રો અથવા કહો કે શુભેચ્છકો હતા. તે બધાયે ખરેખર માનતા હતા કે આ છોકરો પાયમાલ થવાનો છે અને ઇંગ્લંડ જઈ તે તેના કુટુંબનું નામ બોળવાનો છે. બીજા કેટલાકે જોકે કેવળ અદેખાઈના માર્યા મારી સામે વિરોધ ઊભો કર્યો. નવાઈ પમાડે એવી ભારે કમાણી કરનારા થોડા બેરિસ્ટરો તેમના જોવામાં આવેલા અને મારે પણ એવી જ કમાણી થવાની એવો તેમને ડર લાગતો હતો. બીજા વળી કેટલાક એવા હતા જેમને લાગતું કે મારી ઉંમર બહુ નાની ગણાય અથવા ઇંગ્લંડની ખૂબ ઠંડી આબોહવા મારાથી સહન નહીં થાય. ટૂંકમાં અહીં આવવાની વાતમાં મને ટેકો આપનારા અથવા મારો વિરોધ કરનારામાંના કોઈ બેનાં કારણો એક નહોતાં.

તમારો ઈરાદો પાર પાડવાને તમે શી પ્રવૃત્તિ કરી ? તમને વાંધો ન હોય તો તમને મુશ્કેલી શી પડી અને તેને તમે કેવી રીતે પહોંચી વળ્યા તે મને કહો.

મારી મુશ્કેલીઓની આખી વાતનો માત્ર પ્રયત્ન કરવા બેસું તો તમારા મૂલ્યવાન સામયિકનો આખો અંક ભરાઈ જાય. એ આખી દુઃખ ને શોકની કથની છે. એ મુશ્કેલીઓ રાવણનાં માથાં જેવી હતી. રાવણ તમે જાણો છો કે હિંદુઓના બીજા[] મહાકાવ્ય रामायणનો રાક્ષસ છે. રામ તે મહાકાવ્યનો નાયક. રામે રાવણને લડીને આખરે માત કરેલો. એ રાવણનાં ઘણાં માથાં હતાં. કાપો કે પાછાં આવીને ગોઠવાઈ જાય! એ મુશ્કેલીઓને એકંદરે ચારે ભાગમાં વહેંચી શકાય: પૈસાની, મારા વડીલોની મંજૂરી મેળવવાની, સગાંવહાલાંથી છૂટા પડવાની અને ન્યાતનાં બંધનોની.

પહેલી વાત પૈસાની મુશ્કેલીની કરું. મારા પિતા એક કરતાં વધારે દેશી રાજ્યમાં દીવાન હતા ખરા પણ તેમણે પૈસો કદી સંઘર્યો નહોતો. જે કંઈ કમાયેલા તે બધું તેમણે દાનમાં અને પોતાનાં બાળકોના ભણતરમાં અને લગ્નોમાં ખરચી નાખ્યું હતું. તેથી અમારી પાસે રોકડ નાણાં ઝાઝાં રહ્યાં નહોતાં. તેઓ થોડી મિલકત મૂકી ગયેલા. અમારી પાસે જે હતું તે એટલું જ. કોઈએ તેમને પૂછેલું કે તમે છોકરાઓને સારુ પૈસો બચાવી અલગ કેમ રાખ્યો નથી? તેમણે કહેલું કે મારાં બાળકો એ જ મારી સંપત્તિ છે અને હું ઝાઝો પૈસો સંઘરીને મૂકી જાઉં તો તેમને બગાડું એટલે, મારી સામે પૈસાની મુશ્કેલી નાની નહોતી. રાજ પાસેથી સ્કોલરશિપ મેળવવાનો પ્રયાસ મેં કરી જોયો પણ તેમાં ફાવ્યો નહીં. એક જગ્યાએથી મને કહેવામાં આવેલું કે પહેલાં ગ્રેજયુએટ થઈ તમારી લાયકાત સાબિત કરી આપો ને પછી સ્કોલરશિપની આશા રાખો. અનુભવે હું જોઉં છું કે એ ગૃહસ્થનું કહેવું બરાબર હતું. આમ છતાં જરાયે હિંમત હાર્યા વગર મારા મોટા ભાઈને મેં વિનંતી કરી કે આપણી પાસે જે નાણું રહ્યું છે તે બધું મારા ઇંગ્લંડના ભણતરમાં વાપરો.

અહીં થોડું વિષયાન્તર કરીને હિંદુસ્તાનમાં ચાલતી કુટુંબપદ્ધતિની સમજ આપ્યા વગર હું રહી શકતો નથી. અહીં ઇંગ્લંડમાં છે તેવું ત્યાં નથી; ત્યાં પુરુષ સંતતિ હમેશાં અને સ્ત્રી સંતતિ લગ્ન સુધી પોતાનાં માબાપ સાથે રહે છે. તે જે કંઈ કમાય તે બાપને મળે છે અને તેવી જ રીતે કંઈ ગુમાવે તેની ખોટ પણ બાપને જાય છે. અલબત્ત, પુરુષ સંતતિ પણ અસાધારણ સંજોગોમાં, જેવા કે મોટી તકરાર પડે તો, છૂટી થાય છે. પણ એ અપવાદ ગણાય. મેઈને યોજેલી કાયદાની ભાષામાં “વ્યક્તિગત મિલકત એ પશ્વિમનો સિદ્ધાંત છે, સહિયારી


  1. પહેલું મહાકાવ્ય महाभारत છે.
મિલકત એ પૂર્વનો સિદ્ધાંત છે.” એટલે મારી પોતાની કંઈ મિલકત છે નહીં ને હતી નહીં.

બધું મારા ભાઈના તાબામાં હતું અને અમે બધાં ભેગાં રહેતાં હતાં.

પૈસાની વાત પર પાછા વળીએ. મારા પિતા જે થોડી રકમ મારે માટે બચાવી મૂકી ગયા હતા તે મારા ભાઈના હાથમાં હતી. તેમની મંજૂરી મળે તો જ તે છૂટી થાય ને મને મળે. વળી, એટલી રકમ પૂરતી નહોતી તેથી મેં દરખાસ્ત મૂકી કે આપણી જે મૂડી છે તે બધી મારા ભણતરને માટે વાપરીએ. હવે હું તમને પૂછું છું, અહીં કોઈ ભાઈ એવું કરે ખરો કે? હિંદમાં પણ એવા ભાઈઓ ઘણા ઓછા છે. તેમને કહેવામાં આવેલું કે પશ્ચિમના ખ્યાલો પચાવીને એ ભાઈ તરીકે નાલાયક બની જશે અને વિલાયતથી જીવતો હિંદ પાછો આવશે તો જ તમારા પૈસા પાછા મળશે. અને એના પાછા આવવાનો ભરોસો શો? પણ મારા ભાઈએ ડહાપણભરેલી અને સદ્‍બુદ્ધિથી આ૫વામાં આવેલી આ બધી ચેતવણી કાને ધરી નહીં. મારી દરખાસ્તને મંજૂરી આપવામાં તેમણે એક, માત્ર એક શરત મૂકી કે મારે મારી મા અને મારા કાકાની પરવાનગી મેળવવી. બીજા ઘણા લોકોને મારા ભાઈ જેવો ભાઈ મળો ! પછી મને સોંપવામાં આવેલા પરવાનગી મેળવવાના કામમાં હું મંડ્યો અને તમને જણાવું કે કામ કઠણ, ડુંગર ચડવા જેટલું કઠણ હતું. સારે નસીબે હું મારી માનો લાડકો દીકરો હતો. તેને મારા પર ઘણી શ્રદ્ધા એટલે તેના મનમાં જે કંઈ વહેમ હતો તે મેં કાઢયો. પણ ત્રણ વરસ છૂટા પડવાની વાતમાં તેની પાસે મારે હા કેવી રીતે પડાવવી ? છતાં ઇંગ્લંડ જવાના ફાયદાની અતિશયોક્તિ કરી મારી વિનંતીની બાબતમાં કમનની કેમ ન હોય પણ તેની મંજૂરી મેં મેળવી. હવે રહ્યા કાકા તે કાશી અને બીજાં પવિત્ર સ્થાનોની યાત્રાએ જવાને નીકળવાની તૈયારીમાં હતા. ત્રણ દિવસની એકધારી સમજાવટથી અને તેટલો જ વખત તેમની સાથે દલીલો કરી કરીને મેં તેમની પાસેથી નીચે મુજબનો જવાબ કઢાવ્યો.

“હું તો આ જાત્રાએ ચાલ્યો, તું કહે છે તે વાત ખરી હશે પણ તારી અધર્મી દરખાસ્તની હું રાજીખુશીથી કેવી રીતે હા પાડું? હું તો એટલું કહું કે તું જાય તેમાં તારી માને વાંધો ન હોય તો મને તમારી વાતમાં માથું મારવાનો અધિકાર નથી.”

આનો અર્થ સહેજે 'હા' પાડી એવો કરવામાં આવ્યો. પણ મારે એટલાં બે જ જણને થોડાં રાજી રાખવાનાં હતાં? હિંદુસ્તાનમાં ગમે તેટલું દૂરનું સગું હોય પણ તેને તમારા કામમાં માથું મારવાનો પોતાનો હક છે એવું લાગે છે. પણ આ બે જણની પાસેથી મેં મંજૂરી કઢાવી (કેમ કે એમાં કઢાવવાપણું જ હતું, બીજું કશું નહોતું) એટલે પૈસાને અંગેની મુશ્કેલી લગભગ ટળી ગઈ.

બીજી બાબતને અંગેની મુશ્કેલીની થોડી વાત ઉપર આવી ગઈ છે. તમને સાંભળીને કદાચ નવાઈ થશે કે હું પરણેલો છું (મારું લગ્ન મારી બાર વરસની ઉંમરે થયેલું), એટલે મારી પત્નીનાં માબાપને, મારાં સાસુસસરાને લાગે કે કંઈ નહીં તો અમારી દીકરીને ખાતર આ વાતમાં માથું મારવાનો અમારો હક છે તો તેમાં તેમનો ઝાઝો વાંક કાઢી ન શકાય. તેની સંભાળ કોણ રાખશે? અલબત્ત, તેની સંભાળ રાખવાનું કામ મારા ભાઈનું હતું. બિચારા ભાઈ! તે વખતના મારા ખ્યાલો મુજબ તેમને લાગતા વાજબી ડરની વાત પર અને તેમની તેવી જ ફરિયાદોની વાત પર મેં ઝાઝું ધ્યાન આપ્યું ન હોત, પણ તે લોકોની ઈતરાજીનાં ફળ ભોગવવાનાં મારી માને અને ભાઈને આવત. રાત પછી રાત મારા સસરા પાસે બેસી તેમના વાંધાવચકા સાંભળી તે બધાનો તેમને સંતોષ થાય એવો જવાબ આપવાનું કામ સહેલું નહોતું. હું પેલી જૂની કહેવત બરાબર શીખ્યો હતો કે “ધીરજ અને ચીવટથી માણસ ડુંગરો પણ પાર કરી જાય” એટલે હું કંઈ હારી ન બેઠો.

પૈસા હાથમાં આવ્યા અને જરૂરી પરવાનગી મળી ગઈ એટલે મેં મનમાં ને મનમાં વિચાર્યું, “મને જે બધું વહાલું છે અને જે બધું આટલું મારી નજીક છે તેનો વિયોગ કેમ વેઠાશે?” હિંદમાં અમે લોકો એકબીજાથી છૂટા પડવાની વાતથી બહુ ભડકીએ છીએ. મારે થોડા દિવસને સારુ ઘરથી બહાર જવાનું થાય તોયે મારી મા રોવા બેસે. તો પછી આ વખતનું દિલ ચીરી નાખનારું દૃશ્ય જોઈ મારા મન પર થનારી અસરને હું કેવી રીતે રોકી શકીશ? મારા મનમાં ને મનમાં મેં જે કષ્ટ વેઠયું તેનું વર્ણન કરવાનું મારાથી બને એવું નથી. વિદાય લેવાનો દિવસ નજીક આવ્યો એટલે હું લગભગ દુ:ખનો માર્યો બેબાકળો થઈ ગયો. પરંતુ આ વાત મારા ઘાડામાં ઘાડા મિત્રને પણ ન કરવા જેટલું ડહાપણ મારામાં હતું, મારી તબિયત કથળતી જતી હતી તે હું જાણતો હતો. સૂતાં, જાગતાં, ખાતાંપીતાં, ચાલતાં, દોડતાં ને વાંચતાં મને ઇંગ્લંડનાં અને વિદાયને અણીને દિવસે હું શું કરીશ તેનાં સ્વપ્નાં આવતાં, વિચારો પણ તેના જ આવતા. આખરે તે દિવસ આવી પહોંચ્યો. એક બાજુ પર મારી મા પોતાની આંસુભરી આંખો આડા હાથ રાખી ઢાંકતી હતી પણ તેનાં ડૂસકાં ચોખ્ખાં સંભળાતાં હતાં. બીજી બાજુ હું પચાસેક મિત્રોના કૂંડાળાની વચ્ચે ઘેરાયો હતો. મેં મારા મનમાં ને મનમાં કહ્યું, “હું રડીશ તો આ લોકો મને પોચો કહેશે; કદાચ તે બધા મને વિલાયત જતો રોકશે.” તેથી મારું દિલ તૂટીને કટકા થઈ જતું હતું છતાં હું રોયો નહીં. મારી પત્નીની વિદાય લેવાનું છેલ્લું આવ્યું પણ છેલ્લું હતું તેથી તેનું મહત્ત્વ ઓછું નહોતું. મિત્રોના દેખતાં તેમની હાજરીમાં હું તેને મળું અગર તેની સાથે વાત કરું તો રિવાજનો ભંગ થાય. તેથી તેને મળવાને મારે અલાયદા ઓરડામાં જવું પડયું, તેણે તો બેશક ક્યારનોયે ડૂસકાં લેવા માંડયાં હતાં. હું તેની પાસે પહોંચ્યો ને ક્ષણભર મૂંગા પૂતળાની જેમ ઊભો. મેં તેને ચુંબન કર્યું ને તેણે કહ્યું, “જશો નહીં.” પછી શું થયું તેનું વર્ણન કરવાની જરૂર નથી. આ પત્યું તેથી મારી ચિંતાનો ભાર ઘટયો નહોતો. આ તો માત્ર અંતની શરૂઆત હતી. વિદાય લેવાનું પણ અર્ધું જ પત્યું હતું કેમ કે મારી મા અને પત્નીથી હું રાજકોટ કે જ્યાં હું ભણ્યો હતો ત્યાંથી છૂટો પડયો પણ મારા ભાઈ અને મિત્રો મને વિદાય આપવાને મુંબઈ સુધી આવ્યા. ત્યાં જે દૃશ્ય થયું તે કંઈ દિલ પર ઓછી અસર કરનારું નહોતું.

મુંબઈમાં મારા ન્યાતીલાઓ સાથે જે અથડામણો થઈ તેનું વર્ણન થઈ શકે એવું નથી “કેમ કે મુંબઈમાં તે લોકો મોટે ભાગે રહે છે. રાજકોટમાં મારી સામે વિરોધ ગણી શકાય તેવું કશું બન્યું નહોતું, તે લોકોની વસ્તી જયાં વધારેમાં વધારે છે તેવા મુંબઈની વચ્ચોવચ આવેલા લત્તામાં કમનસીબે મારે રહેવાનું થયું હતું અને તેથી હું ચારે કોરથી ઘેરાઈ ગયો હતો. હું બહાર નીકળું કે કોઈ ને કોઈ મારી સામે તાકીને જોતું જ હોય કે મારી સામે આંગળી કરતું જ હોય. એક વખતે હું ટાઉન હોલની પાસે થઈને જતો હતો ત્યારે તે લોકો મને ઘેરી વળ્યા ને તેમણે મારો હુરિયો બોલાવ્યો અને મારા ભાઈને બિચારાને તે બધું ચૂપચાપ જોઈ રહેવું પડયું, ન્યાતના મુખ્ય પ્રતિનિધિઓએ મારા ન્યાતીલાઓને બોલાવીને એક મોટી સભામાં એકઠા કર્યા ત્યારે વાત છેવટની અણીએ પહોંચી. ન્યાતના એકેએક સભ્યને હાજર ન રહે તો પાંચ આના દંડ ભરવો પડશે એવી સજાની ધમકી બતાવીને સભામાં તેડાવી મંગાવ્યો હતો. અહીં જણાવી લઉં કે આ પગલું લેવાનો નિર્ણય થયો તે પહેલાં મને તેમનાં ઘણાં પ્રતિનિધિમંડળો મળવા આવી રંજાડી ગયાં હતાં પણ તેમાં તેમનું કશું વળ્યું નહોતું, આ જંગી સભામાં મને શ્રોતાઓની વચ્ચોવચ બેસાડવામાં આવ્યો હતો. ન્યાતના પ્રતિનિધિઓ, જેમને પટેલિયા કહીને ઓળખાવવામાં આવે છે તેમણે મારી સાથે સખત દલીલો કરી અને મારા પિતાની સાથે પોતાનો કેવો સંબંધ હતો તે મને યાદ દેવડાવ્યું. અહીં જણાવું કે મારે સારુ આ અનુભવ તદ્દન નવો ને અસાધારણ હતો. તે લોકો મને એકાંતમાંથી ખરેખર ઘસડીને લઈ આવ્યા હતા કેમ કે હું આવી વાતોથી ટેવાયેલો નહોતો. વળી, મારા અત્યંત શરમાળ સ્વભાવને લીધે મારી હાલત વધારે કફોડી થઈ પડી. તેમની સખત દલીલોની મારા પર કશી અસર નથી થતી એવું જોઈ ન્યાતના સૌથી આગેવાન પટેલે મને (નીચેની મતલબના) આ શબ્દો કહી સંભળાવ્યા : “અમે તારા બાપના મિત્રો થઈએ તેથી અમને તારે સારુ લાગે છે. ન્યાતના આગેવાનો તરીકે અમારી કેટલી સત્તા છે તે તું જાણે છે. અમને પાકે પાયે ખબર મળી છે કે વિલાયતમાં તારે માંસ ખાવું પડશે ને દારૂ પીવો પડશે; વળી, તારે દરિયો ઓળંગવો પડશે; આ બધું આપણી ન્યાતના રિવાજ અને નિયમથી વિરુદ્ધ છે તે તું જાણે છે. તેથી તારા નિર્ણયનો ફરી વિચાર કરવાની અમારી તને આજ્ઞા છે અને નહીં તો ભારેમાં ભારે સજા તારે ભોગવવી પડશે. આ બાબતમાં તારે શું કહેવું છે?”

મેં નીચેના શબ્દોમાં જવાબ આપ્યો : “તમારી ચેતવણી માટે તમારો આભાર માનું છું. મારો નિર્ણય હું ફેરવી શકું એમ નથી તે સારુ દિલગીર છું. ઇંગ્લંડ વિષે મેં જે સાંભળ્યું છે તે તમે કહો છો તેનાથી તદ્દન જુદું છે, ત્યાં માંસ ને દારૂ લેવાની જરૂર પડતી નથી. દરિયો ઓળંગવાની બાબતમાં જણાવવાનું કે આપણા ન્યાતીલાઓ એડન સુધી જઈ શકે તો હું વિલાયત કેમ ન જઈ શકું? મને પાકી ખાતરી થઈ છે કે આ બધા વાંધાઓના મૂળમાં દ્વેષ રહેલો છે.”

એટલે પટેલે ગુસ્સે થઈને કહ્યું, “બહુ સારું ત્યારે; તું તારા બાપનો દીકરો નથી.” પછી સભા તરફ વળીને તેમણે આગળ ચલાવ્યું, “આ છોકરાની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને અમારી હરેકને આજ્ઞા છે કે કોઈએ એની સાથે કશો સંબંધ રાખવો નહીં, જે કોઈ તેને કોઈ પણ રીતનો ટેકો આપશે અગર તેને વિદાય આપવાને જશે તેને ન્યાતબહાર ગણવામાં આવશે, અને અલ્યા તું, તું ગમે ત્યારે પાછો આવશે તોપણ તને કદી ન્યાતમાં પાછો લેવામાં આવશે નહીં.”

આ શબ્દો બધાના પર બૉમ્બગોળાની માફક અથડાયા. જે કેટલાક આંગળીને વેઢે ગણાય એટલાએ અત્યાર સુધી લીલીમાં ને સૂકીમાં મને આધાર આપ્યો હતો તે પણ મને છોડી એકલો મૂકી ગયા. એ લોકોના નાદાનીભર્યા ટોણાનો જવાબ વાળવાનું મને ઘણું મન હતું પણ મારા ભાઈએ મને વાર્યો. આમ જોકે આ આકરી કસોટીમાંથી હું હેમખેમ બહાર આવ્યો તોયે મારી દશા પહેલાંનાં કરતાંયે ભૂંડી થઈ, મારા ભાઈ સુધ્ધાં થોડા ડગી ગયા પણ તે એક ક્ષણ પૂરતા. તેમને કોઈએ પેલી ધમકી સંભારી આપી કે તમે જે પૈસાની મદદ કરશો તેથી તમને પૈસાની ખોટ તો જશે જ અને વધારામાં તમારે ન્યાતબહાર પણ થવું પડશે. એટલે તેમણે જાતે મને કંઈ ન કહ્યું પણ પોતાના કેટલાક મિત્રોને મારો નિર્ણય ફેરવવાને અથવા આ વાવાઝોડું બેસી જાય ત્યાં સુધી તેનો અમલ મોકૂફ રાખવાનું સમજાવવાને વિનંતી કરી. મારી પાસેથી તો એક જ જવાબ મળવાનો હતો અને તે મળ્યો પછી તે જરાયે ડગ્યા નથી, અને હકીકતમાં તો તેમને ન્યાતબહાર પણ મૂકવામાં આવ્યા નથી, પણ વાતનો છેડો હજી આવ્યો નહોતો, ન્યાતીલાઓની ખટપટો ચાલ્યા જ કરતી હતી. આ વખતે તો તેઓ લગભગ ફાવ્યા પણ ખરા કેમ કે મારું નીકળવાનું એક પખવાડિયા પૂરતું મોકૂફ રખાવી શકયા. તેમણે તેમનો હેતુ આ રીતે અમલમાં મૂકેલો. અમે આગબોટ ચલાવનારી એક કંપનીના કેપ્ટનને મળવા ગયા અને તેની પાસે તે લોકોએ મને કહેવડાવ્યું કે દરિયો તોફાની હોવાથી ઑગસ્ટ માસની એ મોસમ દરમિયાન નીકળવામાં ડહાપણ નથી. મારા ભાઈ બધી વાતે કબૂલ થાય પણ આવા જોખમની વાતમાં શેના કબૂલ થાય? કમનસીબે મારી પણ આ પહેલી જ મુસાફરી હતી અને દરિયો મને માફક આવશે કે નહીં તે કોઈ કહી શકે એમ નહોતું એટલે હું પણ લાચાર થયો. મારી મરજીની તદ્દન વિરુદ્ધ મારે મારું ઊપડવાનું મુલતવી રાખવું પડયું. મને થયું કે આ તો બધી જ વાત ભાંગી પડી, મારા ભાઈ એક મિત્રને વખત આવે ત્યારે મુસાફરીના ભાડાના પૈસા મને આપવાની વિનંતીની ચિઠ્ઠી લખીને વિદાય થયા. છેવટની વિદાયનું દૃશ્ય ઉપર વર્ણન કર્યું છે તેના જેવું જ હતું. હવે મુસાફરીના ભાડાના પૈસા હાથમાં આવ્યા નહોતા ને મુંબઈમાં હું એકલો રહી ગયો, જે એક એક દિવસ મારે કાઢવો પડયો તે મને વરસ વરસ જેટલો લાંબો લાગવા માંડયો. દરમિયાન મારા સાંભળવામાં આવ્યું કે બીજા એક હિંદી ગૃહસ્થ[] ઇંગ્લંડ જવાને નીકળવાની તૈયારીમાં છે, આ સમાચાર જાણે ઈશ્વરે અણધારેલું વરદાન મોકલ્યું ન હોય ! ચોવીસ કલાકમાં મારે બધી તૈયારી કરવાની હતી; કંઈ સૂઝે નહીં એટલો હું બેબાકળો બન્યો. પૈસા વગર જાણે હું પાંખ વગરના પંખી જેવો હતો. એક મિત્ર જેમનો હું કાયમનો ઋણી છું તે મારી વહારે આવ્યા અને મુસાફરીના ભાડાના પૈસા તેમણે મને ધીર્યા. મેં મારી ટિકિટ ખરીદ કરી, મારા ભાઈને તાર કરી દીધો અને હું ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની ૪થી તારીખે ઇંગ્લંડ આવવાને વહાણમાં બેસી ગયો. મારી મુખ્ય મુશ્કેલીઓ આવી હતી અને પાંચ મહિના પહેાંચી. ભયંકર ચિંતા અને સંતાપમાં એ ગાળો ગયો. ઘડીમાં આશા અને ઘડીમાં નિરાશા વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં પણ હમેશ મારાથી થાય તેવી બધી કોશિશ કરતાં કરતાં અને પછી મારા મનમાં સેવેલા લક્ષ્યને ઈશ્વર પહેાંચાડયા વગર રહેવાનો નથી એવો ભરોસો રાખી મેં એ બધા દિવસો ખેંચી કાઢયા હતા.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૩-૬-૧૮૯૧

તમે ઇંગ્લંડ આવી પહોંચ્યા એટલે અલબત્ત, તમારી સામે માંસાહારનો સવાલ આવીને ઊભો રહ્યો; તેનો નિકાલ તમે કેવી રીતે કર્યો?

મને પાર વગરની વણમાગી ફોકટની સલાહ મળી હતી. સદ્દભાવવાળા પણ અજ્ઞાન મિત્રોએ પોતાના અભિપ્રાયો સાંભળવાનું મન ન છતાં મને પરાણે સંભળાવવા માંડયા હતા. તેમાંના મોટા ભાગનાએ મને કહેલું કે ઠંડી આબોહવામાં તને માંસ વગર નહીં ચાલે, તને ક્ષય થશે. ફલાણા ભાઈ ઇંગ્લંડ ગયેલા અને પોતાની મૂર્ખાઈભરી મમતને લીધે-ક્ષયની બીમારીમાં સ૫ડાયેલા બીજા કેટલાકે વળી સલાહ આપેલી કે માંસ ખાધા વગર તને ચાલશે પણ દારૂ પીધા વગર નું હાલીચાલી પણ નહીં શકે. ટાઢનો માર્યો ઠરી જશે. એક જણે તો ઍડન


  1. ૧. મજમુદા૨; જુઓ પાછળ પા. ૯,
છોડયા પછી મારે જોઈશે જ જોઈશે માટે વ્હિસ્કીની આઠ બાટલી સાથે લેવાની મને સલાહ

આપેલી. બીજાએ વળી તમાકુ પીવાની સલાહ આપી કહેલું કે ઇંગ્લંડમાં તેના એક મિત્રને તેમ કરવું જ પડેલું દાક્તરીનો ધંધો કરનારા ઇંગ્લંડ જઈ આવેલા મિત્રો પણ એ જ વાત સંભળાવ્યા કરતા હતા, પણ મારે તો કોઈ પણ ભોગે અહીં આવવું હતું તેથી સૌને મેં કહેલું કે આ બધી વસ્તુઓથી આઘા રહેવાની મારાથી થાય તેટલી બધી કોશિશ કર્યા પછી મને લાગશે કે એ બધી બિલકુલ જરૂરી છે તો હું શું કરીશ તે કહી શકતો નથી. અહીં મારે કહેવું જોઈએ કે અત્યારે મને માંસની જેવી જબરી સૂગ છે તેવી ત્યારે નહોતી. જે દિવસોમાં જાતે વિચાર કરી કામ કરવાને બદલે મિત્રોને વિચાર કરવાનું સોંપી તેમને વાએ હું ચાલતો ત્યારે માંસ ખાવાની વાતમાં હું છસાત વાર ફસાયેલો પણ ખરો. પણ સ્ટીમર પર મારા વિચાર બદલાવા લાગ્યા, મને લાગ્યું કે કોઈ પણ હિસાબે મારે માંસ ન જ ખાવું હું અહીં આવવા નીકળ્યો તે પહેલાં મારી પાસે મારી માએ માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી, તેથી કંઈ નહીં તો તે પ્રતિજ્ઞાને ખાતર પણ માંસ ન ખાવાને હું બંધાયેલો હતો, અમારી સાથે મુસાફરી કરનારાઓ અમને (મારી જોડે હતા તે મિત્રને અને મને) માંસ ખાઈ જવાની સલાહ આપવા લાગ્યા.

તે બધા કહેતા કે એડન છોડયા બાદ તારે તેની જરૂર પડશે જ. એ વાત સાચી ન પડી ત્યારે રાતો સમુદ્ર પાર કર્યા પછી તો તે જોઈશે જ એવી વાત ચાલી. અને તે વાત પણ ખોટી પડી ત્યારે સાથે મુસાફરી કરનાર એક જણે કહ્યું, “આ વખતે ઠંડી સખત નથી પણ બિસ્કેના અખાતમાં પહોંચશે એટલે તારે મરણ અગર માંસ ને દારૂ વચ્ચે પસંદગી કરવાની આવશે એટલું ચોક્કસ જાણજે.” એ કટોકટી પણ હેમખેમ પાર કરી લંડનમાં પણ મારે એવા જ બધા વાંધા ને દલીલો સાંભળવી પડી. મહિનાના મહિના સુધી કોઈ શાકાહારી મારા જોવામાં ન આવ્યો, શાકાહાર તંદુરસ્તીને માટે પૂરતો છે એવી એક મિત્ર સાથે દલીલ કરી કરીને મેં કેટલાયે દિવસ ફિકરમાં ને ફિકરમાં કાઢયા; પણ શાકાહારની તરફેણમાં જીવદયા સિવાયની બીજી કોઈ દલીલનું મને ઝાઝું જ્ઞાન નહોતું તેથી હું તેની સાથે દલીલમાં હારી ગયો કેમ કે આવી ચર્ચામાં જીવદયાનો વિચાર વચ્ચે લાવવાની વાતને તેણે તુચ્છકારી કાઢી. આખરે મારી માને આપેલા વચનનો ભંગ કરવાને બદલે હું મરણને બહેતર લખીશ એવું જણાવી મેં તેનું મોઢું બંધ કર્યું એટલે તેણે મને કહ્યું, “ઊંહ, નાદાની, સાવ વહેમ; છતાં અહીં આવ્યા પછી પણ તું આવી અક્કલ વગરની વાતને વળગી રહેવા જેટલો વહેમી છે એટલે હવે મારાથી તને કશી મદદ થઈ શકે એવી નથી; તું અહીં ઇંગ્લંડ ન આવ્યો હોત તો સારું !”

સંભવ છે કે ત્યાર બાદ એકાદ વખત મને આ વિષે તેણે દબાણ કર્યું હશે તે સિવાય ફરી એ વાત કાઢી નહીં, જોકે એ પછી તેણે મને લગભગ મૂરખમાં ગણી કાઢયો હોવો જોઈએ. દરમિયાન એક શાકાહારી રેસ્ટોરાં ('પોરિજ બાઉલ') પાસેથી એક વાર નીકળ્યાનું મને યાદ આવ્યું. એક ગૃહસ્થને તેનો રસ્તો બતાવવાને મેં વિનંતી કરી પણ તેને બદલે “સેંટ્રલ” રેસ્ટોરાં મારી નજરે પડ્યું “એટલે હું ત્યાં પહોંચ્યો. પહેલી વાર જવના લોટની ઘેંશ મને ખાવાની મળી. પહેલાં તે મને ભાવી નહીં પણ બીજી વાનગી તરીકે પીરસવામાં આવેલી કચોરી મને ગમી. અહીંથી જ પહેલવહેલું મેં શાકાહાર વિષેનું થોડું સાહિત્ય ખરીદ્યું. તેમાં એચ. એસ. સૉલ્ટની લખેલી , ए प्ली फोर वेजिटेरियनिसम [શાકાહારની હિમાયત] નામની ચોપડી હતી અને તે વાંચી 'મેં સિદ્ધાંત તરીકે શાકાહારનો અંગીકાર કર્યો. આ પહેલાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી હું માંસને ચડિયાતો આહાર માનતો હતો. વળી, ત્યાં જ માન્ચેસ્ટર વેજિટેરિયન સોસાયટી[માન્ચેસ્ટરની શાકાહારી મંડળી]ના અસ્તિત્વની મને જાણ થઈ. પણ તેમાં મેં કશો ખાસ સક્રિય રસ નહોતો લીધો, વચ્ચે વચ્ચે હું धि वेजिटेरियन मेसेन्जर વાંચતો એટલું જ. धि वेजिटेरियनની મને જાણ થયાને તો આજે દોઢ જ વરસ થયું. એલ. વી. એસ.નો[] પરિચય મને ઇન્ટર નેશનલ વેજિટેરિયન કૉગ્રેસ [આંતરરરાષ્ટ્રીય શાકાહારી કૉગ્રેસ]ના અધિવેશન વખતે થયો કહેવાય. મિ. જોશિયા ઑલ્ડફીલ્ડે એક મિત્ર પાસેથી મારે વિષે સાંભળેલું એટલે તેમણે મને તેમાં હાજર રહેવાને કહેવડાવેલું અને તેમના માયાળુ સૌજન્યથી મને તે વિષેની ખબર મળેલી. અંતમાં મારે એટલું કહેવું જોઈએ કે ઇંગ્લંડના મારા લગભગ ત્રણ વરસના વસવાટ દરમિયાન મેં કેટલુંયે કરવા જેવું નહીં કર્યું હોય અને કદાચ ન કરવા જેવું ગણાય એવું કેટલુંયે કર્યું હશે પણ મારા દિલમાં એક ભારે સમાધાન લઈને જાઉં છું કે માંસ અગર દારૂને અડક્યા વગર હું વતન પાછો ફરું છું અને વિલાયતમાં કેટલાયે શાકાહારી છે તે વૃતિનો મને અંગત અનુભવ થયો છે.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૦–૬–૧૮૯૧

  1. લંડન વેજિટેરિયન સોસાયટી - લંડનની શાકાહારી મંડળી