ગાંધીજીનો અક્ષર દેહ - ૧/મિ. ચેમ્બરલેનને અરજી-૨

← નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ-૨ ગાંધીજીનો અક્ષરદેહ
મિ. ચેમ્બરલેનને અરજી-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદી મતાધિકાર →


૬૬. મિ. ચેમ્બરલેનને અરજી
જોહાનિસબર્ગ,

દ.આ.પ્ર.,

નવેમ્બર ૨૬, ૧૮૯૫

પરમ માનનીય જોસફ ચેમ્બરલેન,

સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીની સેવામાં, લંડન

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રમાં વસતા નીચે સહી કરનારા હિંદી બ્રિટિશ પ્રજાજનોની અરજી નમ્રપણે દર્શાવીએ છીએ કે :

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રની હિંદી કોમનું પ્રતિનિધિત્વ કરતા આપના અરજદારો આથી સમ્રાજ્ઞીની સરકારને માનપૂર્વક અરજ કરીએ છીએ. બાબત દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રની માનનીય લોકસભાએ ૧૮૯૫ના નવેમ્બરની ૭મી તારીખે પસાર કરેલા એક ઠરાવ સંબંધમાં છે. આ ઠરાવ સમ્રાજ્ઞીની સરકાર અને દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્રની સરકાર વચ્ચે થયેલી, પ્રજાતંત્રમાં વસતાં બધાં બ્રિટિશ પ્રજાજનોને વ્યક્તિગત લશ્કરી સેવામાંથી મુક્ત કરતી સંધિનું સમર્થન કરે છે. શરત એટલી કે એમાં જયાં જયાં "બ્રિટિશ પ્રજાજનો" શબ્દો આવે તેનો અર્થ "ગોરા લોકો" એવું સમજવાનું છે.

આ ઠરાવ વાંચતાંની સાથે આપના અરજદારોએ આપને ૧૮૯૫ના ઓકટોબરની ૨૨મી તારીખે, ગોરા અને રંગીન બ્રિટિશ પ્રજાજનો વચ્ચે કરવામાં આવેલા ભેદભાવ સામે વિરોધ દર્શાવતો તાર મોકલ્યો છે.[]

દેખીતી રીતે જ આ શરતી વાતનું નિશાન દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રમાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોને બનાવવામાં આવ્યું છે.

આપના અરજદારો આપનું ધ્યાન એ હકીકત તરફ ખેંચે છે કે ખુદ સંધિમાં "બ્રિટિશ પ્રજાજનો" શબ્દોનો ખાસ કોઈ અર્થ બિલકુલ કરવામાં નથી આવ્યો અને રજૂ કરે છે કે ઠરાવ, સંધિને જેમની તેમ સ્વીકારવાને બદલે તેમાં સુધારો કરે છે. અને માત્ર એટલા જ કારણસર આપના અરજદારો ખાતરીપૂર્વક માને છે કે સમ્રાજ્ઞીની સરકાર સુધારેલી સંધિને સ્વીકારી લેશે નહીં.

આપના અરજદારો આ ઠરાવ બ્રિટિશ પ્રજાજનો ઉપર જે બિનજરૂરી અપમાન લાદે છે તેને વિષે અહીં કશું કહેશે નહીં.

બ્રિટિશ પ્રજાજનોને લશ્કરી સેવામાંથી મુક્ત રાખવા માટે જે કારણ આગળ કરવામાં આવ્યું હતું તે એ હતું કે બ્રિટિશ પ્રજાજનોને સંપૂર્ણ નાગરિક હકો માટે લાયક ગણવામાં આવ્યા નથી અને પ્રજાતંત્રમાં તેમના ઉપર બીજી ગેરલાયકાતો લાદવામાં આવી છે. એટલે બીજા નાગરિકોને માથે છે એવી ફરજિયાત લશ્કરી સેવા આપવાની ફરજ તેમના ઉપર નંખાવી નહીં જેઈએ. જયારે હુલ્લડબાજી ચાલતી હતી ત્યારે ખુલ્લંખુલ્લા એવું સ્વીકારવામાં આવ્યું હતું કે


પ્રજાતંત્રની વિદેશી (ઍઈટલૅંડર્સ) વસ્તીને જો નાગરિકો તરીકે ગણવામાં આવશે અને મતાધિકારનો હક અપાશે તો તેઓ માલોબોચ[] લડતમાં ખુશીથી પોતાની સેવા આપશે.

એટલે જો ઠરાવમાં કહેવામાં આવ્યું છે તેમ યુરોપિયનો અથવા "ગોરા" બ્રિટિશ પ્રજાજનોને તેમના ઉપર જે રાજદ્રારી ગેરલાયકાતો લાદવામાં આવી છે તેને કારણે મુક્ત રાખવા જોઈએ તો માનપૂર્વક અમને કહેવા દો કે તો પછી હિંદી બ્રિટિશ પ્રજાજનોને તો એથી પણ વિશેષ મુક્ત રાખવા જોઈએ, કારણ કે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્રમાં કોઈ પણ રાજદ્રારી હકો ભોગવતા નથી એટલું જ નહીં પણ તેમના પ્રત્યે સામાન અસબાબ કરતાં વિશેષ ગણવા જેટલો પણ વર્તાવ રાખવામાં આવતો નથી જે હકીકતની આ ઠરાવ એ એક બીજી સાબિતી છે.

છેવટે, આપના અરજદારો ખરા દિલથી પ્રાર્થના કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે સંસ્થાનોમાં અથવા સ્વતંત્ર રાજ્યોમાં, (બુલવાયોના નવા ખૂલેલા પ્રદેશોમાં તેમ જ બીજા ભાગોમાં પણ) દક્ષિણ આફ્રિકામાં એકેએક જગ્યાએ હિંદીઓ ઉપર જે સતત રીતે ત્રાસ ગુજારવામાં આવે છે. એ દૃષ્ટિએ, અને સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ ઉપર મુકાયેલાં આજ પહેલાંનાં ચાલુ નિયંત્રણોનું જે મોટું પ્રમાણ છે તે અને આપના અરજદારોના અને તેમના સાથી બંધુઓના સમ્રાજ્ઞીની સરકારની દરમિયાનગીરીથી એ દૂર કરવાના પ્રયાસો, આ બધું ધ્યાનમાં રાખતાં, દક્ષિણ આફ્રિકાના પ્રજાતંત્ર તરફથી હિંદીઓની સ્વતંત્રતા ઉપર- હજી વધારે નિયંત્રણ મૂકવાનો આ તાજો પ્રયાસ સમ્રાજ્ઞીની સરકાર ચલાવી લેશે નહીં.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજીને સદા પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

એમ. સી. કમરુદ્દીન

અબદુલ ગની

મહમદ ઈસ્માઈલ

વગેરે વગેરે

[ મૂળ અંગ્રેજી ]

દક્ષિણ આફ્રિકા પ્રજાતંત્રના સમ્રાજ્ઞીના હાઈકમિશનરે સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીને ૧૮૯૫ના ડિસેમ્બરની ૧૦ તારીખે મોકલેલા ખરીતા નં. ૬૯૨ સાથે સામેલ કરેલું લખાણ કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્ઝ, નં. ૪૧૭, ગ્રંથ ૧૫૨

  1. ૧. આ તાર મળી શકયો નથી.
  2. ૧. ઉત્તર ટ્રાન્સવાલમાં ૧૮૯૪માં થયેલું ડચોનું માલોબોચ પ્રજા સાથેનું યુદ્ધ.