ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ-૨

← હિંદીઓનો પ્રશ્ન (धि नाताल एडवर्टाइसरને પત્ર) ગાંધીજીનો અક્ષરદેહ
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
મિ. ચેમ્બરલેનને અરજી-૨ →


૬૫. નાતાલ ઈન્ડિયન કૅાંગ્રેસ

ડરબન, ઓક્ટોબર ૨૧, ૧૮૯૫

માનનીય સંસ્થાન મંત્રીની સેવામાં, પિટરમૅરિત્સબર્ગ

સાહેબ,

છાપાંઓમાં આવેલી કેટલીક ટીકાઓ અને ડરબનના રેસિડંટ મૅજિસ્ટ્રેટ સામે તાજેતરમાં ચાલેલા રેજીના વિ. રંગાસામી પાદાયાચી કેસનો ચુકાદો, મને કૉંગ્રેસના માનદ મંત્રી તરીકે આ ટીકા અને ઉપર દર્શાવેલા ચુકાદા બાબતમાં આપને લખવાની ફરજ પાડે છે.

ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે કૉંગ્રેસે ઑગસ્ટ માસની અમુક તારીખે અસગારા નામના એક હિંદીને પોતાની સમક્ષ બોલાવીને એક કેસમાં સાક્ષી આપતાં રોકવાનો પ્રયાસ કર્યો, અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એ સંસ્થા કાવતરાખોરોની છે વગેરે.

મારે જણાવવાનું એ છે કે કૉંગ્રેસે ઉપર દર્શાવેલ નામવાળી વ્યક્તિને કે બીજી કોઈ પણ વ્યક્તિને સાક્ષી આપતાં રોકવાને પોતાની સામે કદી બોલાવી નથી એટલું જ નહીં પણ ન્યાયાસને બેઠેલા મૅજિસ્ટ્રેટ પાસે આવી ટીકા કરવાને બિલકુલ કારણો નહોતાં.

જે ચુકાદામાં આ ટીકા કરવામાં આવી છે તેના ઉપર અપીલ થયેલી છે. એને લઈને એ બાબતની છાપાંમાં લંબાણથી ચર્ચા કરતાં મારે રોકાઈ જવું પડયું છે. કમનસીબે આ ટીકા માત્ર મૅજિસ્ટ્રેટના અંગત અભિપ્રાયરૂપે હોઈને એવું બને કે ન્યાયાધીશો એના ઉપર પૂરું ધ્યાન


નહીં આપે, સાક્ષી અસગારાની તપાસ, ઊલટતપાસ અને ફેરતપાસ દરમિયાન કૉંગ્રેસનું તો નામ સિક્કે દેવામાં આવ્યું નહોતું ફેરતપાસ પૂરી થઈ ગયા બાદ મૅજિસ્ટ્રેટે એ સાક્ષીને કૉંગ્રેસ બાબતમાં સવાલો પૂછયા. આ સવાલજવાબો ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે જે અઠવાડિયા દરમિયાન ધાકધમકી અપાયાનું અનુમાન કરવામાં આવ્યું હતું તે અઠવાડિયા દરમિયાન કૉંગ્રેસની એકે સભા ભરાઈ નહોતી. મુકદ્દમામાં બે છાપેલા પરિપત્રો રજૂ કરવામાં આવ્યા હતા, તેમાંનો એક ૧૪મી ઓગસ્ટનો હતો અને બીજો ૧૨મી સપ્ટેમ્બરનો હતો. સભ્યોને આ સૂચવાયેલી તારીખો પછીના મંગળવારોએ એટલે ૨૦મી ઓગસ્ટ અને ૧૭મી સપ્ટેમ્બરને દિવસે સભામાં હાજર રહેવા આમંત્રણ અપાયું હતું.

એવો આક્ષેપ છે કે ધાકધમકી અપાઈ હોવાનો બનાવ ૧૨મી ઓગસ્ટે બન્યો હતો. તે દિવસે સાક્ષીને મહમદ કમરુદ્દીને, મૂસાની ઓફિસે બોલાવી મંગાવ્યો હોવાનું કહેવાય છે, જે જગ્યાએ એમ. સી. કમરુદ્દીન, દાદા અબદુલ્લા, દાઉદ મહમદ અને બે કે ત્રણ અજાણ્યા માણસો હાજર હતા. અહીં તેને મુકદ્દમા વિષે અમુક પ્રશ્નનો પૂછવામાં આવ્યા એવું મનાય છે. અને સાક્ષીએ એવી મતલબની જુબાની આપી કે કૉંગ્રેસની સભાઓ મૂસાની ઓફિસમાં નથી ભરવામાં આવતી, મૂસાની ઑફિસે મળવા માટે એને આમંત્રણ આપતો કોઈ પરિપત્ર કાઢવામાં આવ્યો નહોતો, પરિપત્રો પ્રમાણે બોલાવાયેલી સભાઓમાં તેણે હાજરી નથી આપી, કૉંગ્રેસની સભાઓ કૉંગ્રેસ હોલમાં ભરવામાં આવે છે, પરિપત્રોને આ મુકદ્દમા સાથે કશી લેવાદેવા નથી અને કૉંગ્રેસની ખરી સભાઓમાં તે હાજર રહ્યો નહોતો, છતાં મેજિસ્ટ્રેટે આ વાતને કૉંગ્રેસની સાથે જોડી દીધી છે.

મૅજિસ્ટ્રેટનાં અનુમાનોનું સમર્થન કરવામાં જે માત્ર એક મુદ્દાનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાયો હતો તેની હકીકત એવી હતી કે મૂસાની ઓફિસે હાજર રહ્યા હોવાનું કહેવાય છે તે છ કે સાત માણસોમાંથી ત્રણ માણસો કૉંગ્રેસના સભ્યો હતા.

આ બાબત સાથે સંબંધ ધરાવતી જુબાનીમાંથી આ સાથે હું કેટલાક ઉતારા સામેલ કરું છું.

હું એટલું જણાવવાની હિંમત કરું છું કે એક યા બીજી રીતે મૅજિસ્ટ્રેટનું મન પૂર્વગ્રહથી ભરેલું હતું. પુનુસ્વામી પાથેર અને બીજા ત્રણ જણના મુકદ્દમામાં સહેજ પણ સાબિતી સિવાય, ચુકાદો આપવાનાં કારણોમાં એમણે ટીકા કરી છે કે પ્રતિવાદીઓ કૉંગ્રેસના સભ્યો છે અને તેનો તેમને ટેકો છે. સાચી હકીકત એ છે કે તેમનામાંના બધા કૉંગ્રેસના સભ્યો નથી અને એ બાબત સાથે કૉંગ્રેસને કશી લેવાદેવા નથી. રંગાસામીના મુકદ્દમામાં મિ. મિલરને મારા તરફથી સલાહ આપવા બાબતમાં કાગનો વાઘ કરવામાં આવ્યો છે, એટલે હું એટલું કહું કે પુનુસ્વામી અને બીજાઓના મુકદ્દમા સાથે મારે કશો પણ સંબંધ નહોતો તેમ જ મુકદ્દમો છેવટને તબક્કે ખૂબ આગળ વધી ગયો ત્યાં સુધી હું જાણતો નહોતો કે આવો કોઈ મુકદ્દમો અસ્તિત્વમાં પણ છે. જ્યારે રંગાસામી ઉપર તેના તે ગુના માટે બીજી વારનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે મારી દરમિયાનગીરીની માગણી કરવામાં આવી અને તે પણ કૉંગ્રેસના માનદ મંત્રીની હેસિયતથી નહીં પણ એક વકીલ તરીકે હતી.

સરકારને હું ખાતરી આપવા માગું છું કે કૉંગ્રેસના વ્યવસ્થાપકોનો હેતુ એ સંસ્થાને સંસ્થાનમાંની બન્ને કોમોને ઉપયોગી સંસ્થા બનાવવાનો છે અને તેને હિંદીઓ ઉપર અસર કરનારા પ્રશ્નનો વિષેની તેમની લાગણીઓને ઓળખવાનું અને સમજવાનું વાહન બનાવવાનો છે, અને એ રીતે હાલની સરકારને મદદ કરવાનો છે, અને ધારો કે એ કદી એને મુસીબતમાં મૂકી પણ શકે તોપણ મુસીબતમાં મૂકવાનો નથી.

આવા વિચારો ધરાવતા હોવાને કારણે સ્વાભાવિક રીતે જ તેઓ કૉંગ્રેસને વિષે એની ઉપયોગિતામાં કાપ મુકાય એવી કોઈ પણ ટીકા કરવામાં આવે તેની સામે મજબૂત વિરોધ દર્શાવે છે. એટલે જો સરકાર મૅજિસ્ટ્રેટની ટીકાને કાંઈ પણ વજન આપવાનું વલણ ધરાવતી હોય તો કૉંગ્રેસના સભ્યોને માટે સંસ્થાનું બંધારણ અને કામકાજ વિષે ચોકસાઈભરી તપાસ કરાવવામાં આવે એના કરતાં બીજું વધારે આવકારદાયક કશું જ ન હોઈ શકે.

હું એ પણ કહી દઉં કે હિંદી હિંદી વચ્ચેની આપસની કોર્ટની બાબતોમાં કૉંગ્રેસે હજી કદી દરમ્યાનગીરી કરી નથી અને જાહેર મહત્ત્વની હોય તે સિવાયની વ્યક્તિગત ફરિયાદો હાથ પર લેવાની તેણે ના જ પાડી છે. કોઈ પણ વ્યક્તિગત સભ્ય કે સભ્યો એના નિયમો મુજબ બોલાવવામાં આવેલી સભામાં એકઠા થયેલા બહુમતી સભ્યોની મંજૂરી સિવાય કૉંગ્રેસ તરફથી અથવા કૉંગ્રેસને નામે કાંઈ પણ કરી નહીં શકે. અને આવી સભા માત્ર માનદ મંત્રીની લેખિત નોટિસથી જ ભરી શકાય છે.

જો સરકારને એવો સંતોષ થયો હોય કે કૉંગ્રેસને પ્રસ્તુત મુકદ્દમા સાથે કશી લેવાદેવા નથી તો કૉંગ્રેસ તરફથી હું નમ્રપણે એટલી વિનંતી કરું છું કે એ હકીકત વિષે કાંઈક જાહેર નિવેદન બહાર પાડવામાં આવે; બીજી બાજુથી એ બાબત વિષે કાંઈ પણ શંકા રહી હોય તો તેની તપાસ કરાવવા માટે હું માગણી કરું છું.

આ સાથે હું કૉંગ્રેસના નિયમો, ૧૮૯૫ના ઑગસ્ટની ૨૨મી તારીખે પૂરા થતા વર્ષના સભ્યોની યાદી અને પ્રથમ વાર્ષિક હેવાલ એ દરેકની એકેક નકલ સામેલ કરું છું.

જો કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો તે મોકલતાં મને ઘણો આનંદ થશે.

આપનો આજ્ઞાંકિત સેવક

મો. ક. ગાંધી

માનદ મંત્રી, ના. ઈં. કૉં.

[|મૂળ અંગ્રેજી ]

સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીને નાતાલના ગવર્નર તરફથી ૧૮૯૫ના નવેમ્બરની ૩૦મી તારીખે મોકલેલા ખરીતા ન. ૧૨૮નું બિડાણ નં. ૧ કૉલોનિયલ ઑફિસ રેકર્ડ નં. ૧૭૯, ગ્રંથ ૧૯૨.