ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદીઓનો પ્રશ્ન (धि नाताल एडवर्टाइसरને પત્ર)

← નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ ગાંધીજીનો અક્ષરદેહ
હિંદીઓનો પ્રશ્ન (धि नाताल एडवर्टाइसरને પત્ર)
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ-૨ →


૬૪. હિંદીઓનો પ્રશ્ન
ડરબન,

ઓક્ટોબર ૯, ૧૮૯૫

તંત્રીશ્રી,

धि नाताल एडवर्टाइझर

સાહેબ,

આપના ગઈ કાલના અંકમાં જે અગ્રલેખ લખ્યો છે તેના સામાન્ય આશય વિષે કોઈ પણ હિંદી વાંધો ઉઠાવી શકે એમ નથી.

જો કૉંગ્રેસે આડકતરી રીતે પણ કોઈ સાક્ષીને ફોડવાનો પ્રયાસ કર્યો હોય તો નક્કી તે દાબી દેવાને પાત્ર ઠરી શકત. હાલ પૂરતો હું ફરીથી એટલું જ કહીશ કે એણે એવો કોઈ પ્રયાસ કર્યો નથી. જે ચુકાદામાં કૉંગ્રેસને ઠપકો આપવામાં આવ્યો છે તેના પર અપીલ કરવામાં આવી છે એટલે મને પુરાવાઓની લંબાણથી ચર્ચા કરવાની મોકળાશ લાગતી નથી. જે એકમાત્ર સાક્ષીને કૉંગ્રેસ બાબતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેણે એ સંસ્થાને આ બાબત સાથે કાંઈ પણ લેવાદેવા હોવાની ના પાડી હતી. જે માણસોના પોતાના ખાનગી વ્યક્તિ તરીકેનાં કાર્યોની જવાબદારી તેઓ જે સંસ્થા સાથે સંકળાયેલા હોય તેને માથે મારવામાં આવે તો પછી મારી સમજ પ્રમાણે કોઈ પણ સંસ્થા સામે લગભગ કોઈ પણ આરોપ પુરવાર કરી શકાય.

હિંદીઓનો દાવો "એક હિંદીને એક મત" મેળવવાનો નથી તેમ જ તેમણે જેઓ શુદ્ધ 'કુલી' મજૂરો છે તેમને માટે પણ મતનો દાવો કર્યો નથી. પણ અહીં તો શુદ્ધ કુલીને તે જ્યાં સુધી કુલી રહે છે ત્યાં સુધી હાલના કાનૂનો હેઠળ પણ તે અધિકાર મળી શકે એમ નથી. વિરોધ છે માત્ર રંગ કે જાતિ બાબતના ભેદભાવ સામે. જો આખા પ્રશ્નનો શાંતિથી અભ્યાસ કરવામાં આવે તો કોઈના તરફથી પણ બૂરી ભાવના અથવા ગરમાગરમીના કોઈ પણ દેખાવને સ્થાન રહેશે નહીં.

હિંદીઓએ દુનિયાના કોઈ પણ ભાગમાં રાજદ્રારી સત્તા હાથ કરવાનો પ્રયાસ કર્યો નથી. એવું કહેવાય છે કે મોરિશિયસમાં કે જ્યાં એઓ ઘણી મોટી સંખ્યામાં છે ત્યાં તેમણે રાજદ્રારી બાબતમાં કશી પણ ઉમેદ બતાવી નથી. અને નાતાલમાં એમની સંખ્યા જે ૪૦,૦૦૦ છે તે ૪,૦૦,૦૦૦ સુધી ધારો કે પહોંચી જાય તોપણ તેઓ એવું કરે એવો સંભવ નથી.

હું છું, વગેરે

મેા. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી] धि नाताल एड्वर्टाइझर, ૧૦-૧૦-૧૮૯૫