← ૩. છાણાં કે ખાતર ? ગામડાંની વહારે
૪. ગામના રોગ
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. કૂવા અને તળાવ →



૪.
ગામના રોગ

લોકકેળવણીનો વિચાર કરતાં અક્ષરજ્ઞાનની આવશ્યકતાને બહુ જ ગૌણ સ્થાન મળે છે. જીવનનનાં મુખ્ય અંગોને સારુ અક્ષરને સ્થાન જ નથી એમ કહી શકાય. મોક્ષ એ આપણી આત્યંતિક સ્થિતિ છે. કોણ ના પાડશે કે ઐહિક અને પારલૌકિક મોક્ષને સારુ અક્ષરની જરૂર નથી? કરોડોના અક્ષર જ્ઞાનને સારુ, સ્વરાજપ્રપ્તિને સારુ આપણે રોકાવું પડે તો સ્વરાજપ્રાપ્તિ લગભગ અશક્ય જેવી થઈ પડે. અને દુનિયાના મહાન શિક્ષકો જેવા કે ઈશુ ઈત્યાદિને અક્ષરજ્ઞાન હતું એવું કોઈએ કહ્યું નથી.

આ લેખમાળાની કલ્પનામાં અક્ષરજ્ઞાન છેલ્લે આવે છે. તે સાધન છે, સાધ્ય નથી. સાધન તરીકે તેનો ઘણો ઉપયોગ છે એ વાત જગજાહેર છે. પણ કામધંધામાં પડેલા, ઉંમરે પહોંચેલા કરોડો ખેડૂતોને સારુ કયા જ્ઞાનની આવશ્યકતા છે એનો વિચાર કરતાં આપણે જોઈએએ છીએ કે અક્ષરજ્ઞાનના પહેલાં અનેક વસ્તુઓ એવી છે કે જેનું જ્ઞાન તેમને આજે મળી જવું જોઈએ. મિ. બ્રેનના પુસ્તકમાંથી કેટલાક ભાગનો સાર મેં આપ્યો છે તેમાંથી પણ આપણને એ જ વસ્તુ મળે છે.

આ દૃષ્ટિએ આપણે ગામડાંની સ્વચ્છતાનો વિચાર કરી ગયા. આગલાં પ્રકરણોમાં બતાવ્યા તે સુધારાનું જ્ઞાન ખેડૂતો તુરત પામી શકે છે. તે જ્ઞાન મેળવવામાં જે વસ્તુ આડે આવે છે તે ખરા શિક્ષકોનો અભાવ ને ખેડૂતોનું આળસ.

આજે આપણે ગામડાંના સામાન્ય વ્યાધિનો વિચાર કરવો છે. ગામડાંમાં રહેનાર બધા સાથીઓને અનુભવ મળ્યો છે કે સામાન્ય રોગ તાવ, બંધકોશ અને ફોડા હોય છે. બીજા અનેક વ્યાધિ હોય છે, પણ તેનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. જે રોગથી પીડાતાં ખેડૂતોને પોતાના કામમાં ખલેલ આવે છે તે તો ઉપરના ત્રણ રોગ છે. આના ઘરઘરાઉ ઈલાજ તેમણે જાણી લેવાની બહુ જરૂર છે. આ વ્યાધિઓની ઉપેક્ષા કરીને આપણે કરોડો રૂપિયાનું નુકસાન પામીએ છીએ. છતાં આ રોગોનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે. મરહૂમ દાકતર દેવની દેખરેખ નીચે જે કામનો આરંભ ચંપારણમાં થયો હતો તે કામમાં આ રોગોનું નિવારણ હતું જ. સ્વયંસેવકોની પાસે ત્રણ દવાથી ચોથી દવા નહોતી રહેતી. ત્યારબાદનો અનુભવ પણ એ જ સૂચવે છે. પણ આ લેખમાળાની કલ્પનામાં એ ઉપાયો યોજવાની રીત બતાવવાનું નથી રાખ્યું. એ આખો નોખો અને રસિક વિષય છે. અહીં બતાવવાનું તો એ છે કે આ ત્રણ વ્યાધિઓના શાસ્ત્રીય ઉપચાર કરતાં ખેડૂતોને શીખવવું જોઈએ, અને એ શીખવવું સહેલું છે. જો ગામની સ્વચ્ચતા સધાય તો ઘણા રોગો થતા જ અટકે. અને વૈદ્ય માત્ર જાણે છે કે રોગનો સર્વોત્તમ ઇલાજ તેને થતો અટકાવવો એ છે. બદહજમી અટકાવતાં બંધકોષ અટકે; ગામની હવા સ્વચ્છ રાખતાં તાવ અટકે. ગામનું પાણી સ્વચ્છ રાખવાથી અને નિત્ય સ્વચ્છ પાણીથી નહાવાથી ફોડા અટકે. ત્રણે રોગ થઈ આવે તો એનો સરસ ઉપચાર ઉપવાસ છે, અને ઉપવાસ દરમ્યાન કટીસ્નાન અને સૂર્યસ્નાન છે. આ વિષે વિગતવાર વિચાર 'આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન'માં છે. દરેક સ્વયંસેવકને એ જોઈ જવાની મારી ભલામણ છે.

ગામડાંમાં ઇસ્પિતાલ હોવી જોઈએ, અથવા તે નહિ તો એક ડિસ્પેન્સરી તો હોવી જ જોઈએ, એવી માન્યતા હું ચોમેર જોઉં છું. મેં તો એવી આવશ્યકતા મુદ્દલ જોઈ નથી. ઘણા ગામોની આસપાસ એવી સંસ્થા હૉય તો સારું ખરું. પણ આવી વસ્તુ મહત્ત્વ આપવા યોગ્ય નથી. ઇસ્પિતાલ હોય ત્યાં દરદીઓ તો ભરાવાના જ. તે ઉપરથી એવું અનુમાન ન ખેંચાય કે સાત લાખ ગામડાંમાં સાત લાખ ઇસ્પિતાલ હોય તો મહાન ઉપકાર થાય. ગામડાનું દવાખાનું ગામડાની શાળા હોય, અને ગામડાનું વાચનાલય પણ ત્યાં જ હોય. રોગ દરેક ગામમાં હોય, વાચનાલય દરેક ગામને માટે હોય, શાળા તો જોઈએ જ. આ ત્રણ નોખાં મકાનનો વિચાર કરતાં માલૂમ પડશે કે એ રીત બધાં ગામડાંને પહોંચવા સારુ કરોડો રૂપિયા જોઈએ ને ઘણો કાળ વીતે. એટલે લોકશિક્ષણનો ને ગ્રામસુધારણાનો વિચાર કરતાં આપણે દેશની અત્યંત ગરીબાઈને યાદ રાખ્યે જ છૂટકો છે.

આવી બાબતો વિષેના આપણા વિચારો આપણે પરદેશોને લૂંટીને ધનાઢ્ય થયેલી પ્રજા પાસેથી ભાડે ન લીધા હોત તો, અને આપણામાં ખરી જાગૃતિ પેદા થઇ હોત તો, ગામડાંનાં વાન ક્યારનાં બદલાઈ ગયાં હોત.