ગામડાંની વહારે/૫. કૂવા અને તળાવ
← ૪. ગામના રોગ | ગામડાંની વહારે ૫. કૂવા અને તળાવ મોહનદાસ કરમચંદ ગાંધી |
૬. ગામડાંના રસ્તા → |
૫.
કૂવા અને તળાવ
પૂર્વે તેમ જ હાલ ગામડાં વસાવનાર પહેલી ખબર પાણીની લેશે; અને જો પાણીની સગવડ સારી ન હોય અથવા ન થઈ શકે એવું હોય તો ત્યાં ગામડું વસાવવાનો વિચાર સરખોયે નહિ કરે. દક્ષિણ તરફ એવા બીજી બધી રીતે સુંદર પણ સૂકા પ્રદેશો જોવામાં આવે છે કે જ્યાં પાણીને અભાવે ગામડાં વસાવી શકાતાં નથી. હવા એ મનુષ્યની પહેલી આવશ્યકતા છે. તેથી એને ક્યાંયે શોધવા જવી પડતી નથી. બીજી હાજત પાણી છે. અને એ જોકે હવા જેટલી સહેલાઈથી નથી મળી શકતું તોયે અનાજ ઉત્પન્ન કરવા જેટલું પેદા કરવામાં કષ્ટ નથી આવતું. પણ જેમ હવા અથવા અનાજ ચોખ્ખાં હોવાં જોઈએ તેમ પાણી પણ ચોખ્ખું હોવું જોઈએ. આ વસ્તુ ગામડિયા નથી જાણતા અથવા જાણાતા છતાં તેને વિષે બેદરકાર રહે છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેથી ગ્રામસેવકે ગામડિયાઓને આપવાની કેળવણીના કાર્યક્રમમાં પાણી વિષેની કેળવણી પણ બહુ મહત્ત્વનો વિષય છે, અને તે આપતાં સેવકની ધીરજની કસોટી થઈ રહે તેમ છે. ગ્રામવાસી પોતે મહેનત કરીને પાણી સાફ રાખવાના ઉપચારો શોધે કે યોજે એવી આશા સરખીએ ન કરી શકાય. ધીમે ધીમે ગ્રામવાસીઓને પાણી સ્વચ્છ રાખવાના ફાયદા અને નિયમનો બતાવવા રહ્યા અને તે કામ કરવામાં તેમની મદદ લેવી રહી. ઘણી જગ્યાએ તો એવું બને છે કે પોતાના ફાયદાની વસ્તુ હોવા છતાં ગ્રામવાસી મદદ કરવા તૈયાર જ નથી હોતા. ત્યારે સેવકે પોતે એકલા મજૂરી કરી, બની શકે એટલું એકલે હાથે કામ કરી ગ્રામવાસીને શરમાવવા રહ્યાં.
હવે શું કરવું એ જરા તપાસી લઈએ. ઘણાં ગામડાંમાં એક જ તળાવ હોય છે. તેમાં ઢોર પાણી પીએ છે, માનુષ્ય નહાયધુએ છે, વાસણા ઊટકે છે, કપડાં ધુએ છે, અને તે જ પાણી પીવામાં લે છે. આરોગ્યશાસ્ત્ર જાણનારાઓએ અનેક અખતરા કરીને સિદ્ધ કરી આપ્યું છે કે આવા પાણીની અંદર ઝેરી જંતુઓ પેદા થાય છે ને એ પાણી પીવાથી સહેજે કોલેરા ઈત્યાદિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. થોડી સંભાળથી આવાં તળાવ સાફ રહી શકે છે. ગામના તળાવને બાંધી લેવું જોઈએ જેથી તેમાં ઢોર જઈ શકે નહિ. પણ તેમને પાણી પીવાની સગવડ તો હોવી જ જોઈએ. આને સારુ તળાવની નજદીક, જેમ ઘણા કૂવાની નજદીક હોય છે તેવું નવાણ બાંધવું જોઈએ. અને એમાં ગામનાં બધાં માણસો એકેક ઘડો ભરી જાય તો જોઈએ તેટલું પાણી રોજ ભરાયા કરે.
પાણી પીવાના તળાવમાં વાસણ કે કપડાં કદી ધોવાય જ નહિ. એના બે ઉપાય છે. એક તો એ કે સૌ પોતાના ઘરને સારું પાણી ભરી ગયાં હોય તેથી ઘેર જ ધોઈ લે. અથવા બીજો ઉપાય એ છે કે તળાવની પાસે જ એક ટાંકી રખાય. તેમાં પણ સૌ પોતાના ભાગનું પાણી ભરે અને એ પાણીનો ઉપયોગ ગ્રામવાસીઓ કરે. ગ્રામવાસીઓની વચ્ચે આવો સહકાર હોય અને પરોપકાર વૃત્તિ હોય તો જ આ થઈ શકે. આમ હાથોહાથ કામ ના થાય તો થોડા ખર્ચથી ટાંકી અને નવાણ ભરાવી શકાય. કપડાં ધોવાની જગાએ પાણી તો ઢોળાય જ; તેથી એટલો ભાગ પાકો બાંધી લેવો જોઈએ કે જેથી ત્યાં કીચડ ન થાય. પીવાનું પાણી ભરવાના વાસણો બહાર સાફ કરીને જ તળાવમાં બોળાય. અને એમાં સગવડ એવી રાખેલી હોવી જોઈએ કે જેથી પાણી ભરનારના પગ પાણીમાં ન પડે. આ એકા સ્થિતિને લાગતી વાત થઈ. કેટલાંક ગામડામાં એક થી વધારે તળાવ હોય છે અથવા કરી શકાય એવી ગોઠવણ હોય છે. ત્યાં પાણી પીવાનું તળાવ નોખું જ હોવું જોઈએ.
ત્રીજી જાતના ગામમાં કૂવા હોય છે. આ કૂવાનું પાણી સાફ રહેવું જોઈએ. તેથી તેની આસપાસ બંધ હોવો જોઈએ ને કીચડ ન હોવો જોઈએ. આ બધું સેવકે જાતે કરી ગ્રામવાસી પાસે કરાવવું રહ્યું. આ કેળવણી સસ્તી, ખરી અને આવશ્યક છે.