ગામડાંની વહારે/૬. ગામડાંના રસ્તા

← ૫. કૂવા અને તળાવ ગામડાંની વહારે
૬. ગામડાંના રસ્તા
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. જગતનો તાત →



૬.
ગામડાંના રસ્તા

ગામડાંનાં ઉકરડા કેમ દૂર કરાય ને તેથી આરોગ્યને થતું નુકસાન મટાડી તેમાંથી સુવર્ણરૂપ ખાતર કેમ પેદા કરી શકાય, છાણનો ઉપયોગ છાણાં બનાવવામાં કરવાને બદલે તેનું ખાતર કરી ગામડાંની ઊપજ સહેજે કેમ વધારી શકાય, તળાવ અને કૂવા સાફ કરી, રાખી આરોગ્યની રક્ષા કેમ કરી શકાય એ આપણે જોયું.

હવે ગામડાંનાં રસ્તા તરફ નજર કરીએ. ગામડાંનાં રસ્તા જોઈએ તો તે વાંકા અને જાણે ધૂળના ઢગલા હમણાં જ સપાટ કરી નાખ્યાં ન હોય એવા જોવામાં આવે છે. તેની ઉપર ચાલતાં મનુષ્યને તેમાં જ ગાડાં ખેંચતા ઢોરને ભારે કષ્ટ પડે છે. આને પરિણામે આપણાં ગાડાં પણ એવાં ભારે ને ભારે પૈડાંવાળાં કરવામાં આવે છે કે બળદને બમણો બોજો નકામો ઊચકવો પડે છે. ધૂળના થર જામેલા રસ્તા કાપવાનું કષ્ટ અને ભારે ગાડાંનું વજન ખેંચવાનું ખર્ચ. જો રસ્તા પાકા હોય તો બળદ બમણો માલ ઊચકે, ગાડાં સસ્તાં થાય ને ગ્રામવાસીઓના આરોગ્યમાં વૃદ્ધિ થાય. આજે તો ‘છાશમાં માખણ જાય ને નાર ફૂવડ કહેવાય.’ એવો ધંધો ચાલે છે. ચોમાસામાં આવા રસ્તામાં એટલો કાદવ થાય છે કે તેમાંથી ગાડું હાંકવું મુશ્કેલ થાય ને માણસોને તરવું પડે અથવા કેડ લગી ભીના થઈને જવું પડે. અનેક પ્રકારના રોગો ફેલાય એ લહાણીમાં મળ્યા ગણાય.

જ્યાં ગામ ઉકરડા જેવું હોય, જ્યાં તળાવકૂવાની કોઈ દરકાર ના કરતું હોય, જ્યાં રસ્તા જેવા ચાચા આદમના સમયમાં હતા તેવા જ આજે હોય ત્યાંનાં બાળકોની શી હાલત હોય? બાળકોનું વર્તન, તેમની સભ્યતા ગામની હાલતનો પડછંદો હોય. તેમને જોઈએ તો તેમની દરકાર પણ ગામડાંનાં રસ્તાની જેવી લેવાતી હોય. આમાં પણ હમણાં પાડીએ તો વિષયાંતર થાય.

ત્યારે આ રસ્તાનું શું કરવું ? લોકોમાં સહકાર હોય તો વગર મૂલ્યે અથવા કાંકરા વગેરેનો થોડા જ ખર્ચથી પાકા રસ્તા ગ્રામવાસીઓ બનાવી પોતાના ગામની કિંમત વધારી શકે, ને આ સહકારી કાર્ય વાટે મોટાંનાનાં બધાં ખરી કેળવણી મફત પામે. ગ્રામવાસીઓ મજૂર મારફતે કંઈ કામ બનતાં લગી ન લે. ગ્રામવાસી બધા ખેડૂત હોય એટલે બધા સ્વતંત્ર રીતે પોતાના મજૂર જ હોય. જરૂર જણાય ત્યારે પડોશી મજૂરની મદદ લે. રોજ થોડો સમય ગ્રામવાસીઓ રસ્તાઓને આપે તો થોડા સમયમાં રસ્તા સુધારી લે. આમ કરવાને સારુ ગામડાંની શેરીઓનો ને આસપાસના ગામે જવાના માર્ગનો નક્શો તૈયાર કરી પોતાની શક્તિ અનુસાર કાર્યક્રમ ગોઠવે, અને તેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, બધાં ઓછોવત્તો ભાગ ભરી શકે. અત્યારની આપણી સ્થિતિ કેવળ કૌટુંબિક જીવનની છે. ગ્રામસુધારણાનો આધાર કૌટુંબિક ભાવનાને ગામ લગી પહોંચાડવા ઉપર રહ્યો છે. ગામડાંનાં દેખાવ ઉપરથી આપણી સભ્યતાનો આંક મુકાય. પ્રત્યેક કુટુંબનું પ્રત્યેક જણ જેમ કુટુંબનું ઘર સાફ રાખશે તેમ પ્રત્યેક કુટુંબે પોતાના ગામને વિષે કરવા તૈયાર થવું જોઈએ. આમ થાય તો જ ગ્રામવાસી સુખે રહી શકે અને સ્વાશ્રયી થાય. આજ તો દરેક બાબતમાં સરકાર તરફ દૃષ્ટિ રહે છે. સરકાર ઉકરડા સાફ કરે, સરકાર રસ્તા બનાવે, સમારે, સરકાર કૂવાતળાવ સાફ રાખે, સરકાર બાળકોને ભણાવે, સરકાર વાઘવારુથી બચાવે, સરકાર આપણી માલમિલકતની રક્ષા કરે. આ વૃત્તિને કેળવી આપણે અપંગ બન્યા છીએ ને તે સ્થિતિમાં વધારો થતો જાય છે તથા કરનો બોજો વધતો જાય છે. જો ગ્રામવાસી બધા ગામડાની સ્વચ્છતા, શોભા ને રક્ષાને સારુ પોતાને જવાબદાર ગણે તો ઘણો સુધારો તુરત અને લગભગ વગર પૈસે થાય. એટલું જ નહિ પણ આવજાની સાગવડોની અને આરોગ્યની વૃદ્ધિને લીધે ગામની આર્થિક સ્થિતિ ઘણી સારી થાય.

રસ્તા સાફ કરવામાં થોડા બુદ્ધિપ્રયોગ ની જરૂર પડે છે. નકશાની વાત તો હું કરી ગયો. બધાં ગામેન રસ્તા સારાને પાકા બનાવવાની એક જ જાતની સગવડો નથી હોતી. કોઈની પાસે પથ્થરો હોય, બિહારના કેટલાક પ્રદેશોમાં ગોતતાં પણ પથ્થર ન મળે. રસ્તા પાકા કરવાને સારુ કયા ઉપાયો કરવા એ શોધવાનું કામ આ લેખમાળાને અંગે કાલ્પાયેલા સ્વયંસેવકોનું છે. ગ્રામસેવક આસપાસ ફરીવળે, આ બાબતમાં સરકારી પ્રથામાંથી કંઈક શીખવાનું મળે તો શીખે. સરકાર રસ્તા પાકા કરવાને સારુ જે ઉપાયો યોજાતી હોય તેમાંથી જે ગ્રાહ્ય હોય તે લેવાય. કેટલીક વેળા ગામના બુઢ્ઢા લોકોને આવી બાબતનું વ્યવહારુ જ્ઞાન ખૂબ હોય છે. તે શોધતાં ને તેનો ઉપયોગ કરતાં ગ્રામસેવક સંકોચ ન જ કરે. અને જેમ બીજી બાબતોમાં તેમ આમાં પોતાની જાતમહેનતનો દાખલો બેસાડી ગ્રામસેવક રસ્તા પાકા બનાવવાનો આરંભ કરે.