← ૭. જગતનો તાત ગામડાંની વહારે
૮. મંછા ભૂત
મોહનદાસ કરમચંદ ગાંધી
૯. ગ્રામસેવકના પ્રશ્નો →



૮.
મંછા ભૂત

ઘણા કાર્યકર્તાઓ ગામડાના જીવનથી એટલા ડરે છે કે એમને બીક લાગે છે કે જો એમને કોઈ સંસ્થા પગાર નહિ આપે તો - ખાસ કરીને તેઓ પરણેલા હોય અને કુટુંબનું પોષણ કરવાનું હોય તો - તેઓ ગામડામાં મજૂરી કરીને પોતાની આજીવિકા નહિ મેળવી શકે. હું માનું છું કે આ માન્યતા અવનતિ કરાવનારી છે. હા, જો કોઈ માણસ શહેરી માનસ લઈને ગામડામાં જાય અને ગામડામાં શહેરી રહેણીથી રહેવા માગે તો, તે શહેરી લોકોની જેમ ગામડાંના રહીશોને ચૂસે તે સિવાય પૂરતી કમાણી નહિ જ કરી શકે. પણ કોઈ માણસ ગામડાંમાં જઈને વસે અને ગામડાંના લોકોની ઢબે જ રહેવાનો પ્રયત્ન કરે તો એને પરસેવો પાડીને આજીવિકા મેળવતા કશી મુશીબત ન આવવી જોઈએ. તેના મનમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જો ગામડાંના લોકો જેઓ આખું વરસ બુદ્ધિ વાપર્યા વિના જુના જમાનાથી ચાલતી આવેલી રીતે વૈતરું કરવાને તૈયાર છે તેઓ આજીવિકા મેળવી શકે છે, તો તે પોતે પણ ઓછામાં ઓછી સામાન્ય ગ્રામવાસીના જેટલી કમાણી તો કરી જ શકશે. આટલું તે એક પણ ગ્રામવાસીનો રોટલો છીનવી લીધા વિના કરશે, કેમ કે તે ગામડામાં મફતનું ખાનાર તરીકે નહિ પણ કઈક પણ ઉત્પન્ન કરનાર તરીકે જશે.

કાર્યકર્તાનું કુટુંબ જો સામાન્ય કદનું હોય તો તેની સ્ત્રી અને બીજું એક માણસ આખો વખત કામ કરનાર હોવાં જોઈએ. આવા કાર્યકર્તામાં તત્કાળ ગ્રામવાસીના જેટલું શરીરબળ નહિ આવી જાય, પણ જો માત્ર મનમામ્થી સંકોચ અને ભય કાઢી નાંખશે તો શરીરબળના અભાવની ખામીને તે પોતાની બુદ્ધિથી પૂરી કાઢશે. તેનો બધો વખત ગ્રામવાસીઓની સેવામાં રોકાઈ જાય એટલે અંશે તેઓ તેનું કામ વધાવી ન લે તો તે કેવળ તૈયાર માલનો વાપરનાર જ નહિ રહે પણ કઈક નવી નવી વસ્તુઓ પેદા કરતો હશે. તેનો બધો વખત સેવાકાર્યમાં રોકાઈ જશે ત્યારે તેના પ્રયત્નથી ગ્રામવાસીઓ જે વધારાનું ઉત્પાદન કરશે તેના પર કમિશન મેળવવા જેટલી મહેનત તેણે કરી જ હશે. પણ ગ્રામઉદ્યોગ સંઘના આશ્રય તળે જે થોડાક મહિનાથી ગ્રામસેવાનું કામ ચાલે છે તેટલામાં મળેલો અનુભવ બતાવે છે કે લોકોએ કામને બહુ જ ધીમે ધીમે વધાવી લેશે અને ગ્રામસેવકે ગ્રામવાસીઓની આગળ સદ્ગુણ અને પરિશ્રમના નમૂનારૂપ બનીને રહેવું પડશે. એ તેઓને માટે સારામાં સરો પદાર્થપાઠ થઈ પડશે અને જો ગ્રામસેવક દૂરથી પૂજવાનો આશ્રયદાતા બનીને નહિ પણ ગામડાઓ જ માણસ બનીને રહેશે તો એ પદાર્થપાઠની અસર મોડીવહેલી થયા વિના નહિ જ રહે.

તેથી સવાલ એ છે કે ગ્રામસેવક તેણે પસંદ કરેલા ગામડામાં આજીવિકા અપાવે એવું શું કામ કરી શકે ? ગ્રામવાસીઓ મદદ કરે કે નહિ તોપણ તે અને તેનાં કુટુંબીઓ ગામડાની સફાઈ કરવામાં કેટલોક વખત આપશે, અને જેટલી દવા વગેરેની મદદ આપવાની તેની શક્તિ હશે એટલી તે આપશે. રેચની દવા કે ક્વિનીન આપવું, ગૂમડું કે ઘા ધોવાં, મેલા આંખકાન ધોવાં, અને ઘા પર ચોખ્ખો મલમ લગાડવો, એટલું તો કોઈ પણ માણસથી બની શકે એવું છે. ગામડામાં દરરોજ થતાં સામાન્ય દરદોમાં સાદામાં સાદા કેવા ઉપચાર કરવા એનું વર્ણન આપતી કોઈ ચોપડી ખોળવા હું મથી રહ્યો છું. ગમે તેમ હો પણ આ બે વસ્તુઓ ગ્રામસેવાના અનિવાર્ય અંગરૂપ હોવી જોઈએ. એમાં ગ્રામસેવકનો રોજના બે કલાકથી વધારે વખત ન જવો જોઈએ. ગ્રામસેવકને માટે આઠ કલાકના કામ જેવી વસ્તુ જ નથી. તેને માટે ગ્રામવાસીને માટે મજૂરી કરવી એ તો પ્રેમને ખાતર કરેલું કામ છે. એટલે આજીવિકાને અર્થે તો તે આ બે કલાક ઉપરાંત ઓછામાં ઓછા આઠ કલાક આપશે જ. એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચરખા સંઘ અને ગ્રામઉદ્યોગ સંઘે ઘડેલી નવી યોજના પ્રમાણે સર્વ પ્રકારની મજૂરીની ઓછામાં ઓછી અમુક સરખી કીમત ગણાવાની છે. એટલે એક કલાક પીંજણ ચલાવીને સરેરાશ અમુક પ્રમાણમાં પોલ કાઢનાર પિંજારાને એટલી જ મજૂરી મળશે જેટલી વણકર, કાંતનાર અને કાગદીને તેમના દરેકના કલાક દીઠ ઠરાવેલા પ્રમાણમાં કરેલા કામની મળશે. એટલે ગ્રામસેવક જે કામ સહેલાઈથી કરી શકે તે પસંદ કરીને શીખવાની તેને છૂટ છે. માત્ર તેણે હંમેશાં એવું કામ પસંદ કરવાની કાળજી રાખવી જોઈએ કે જેમાંથી પેદા થયેલો માલ તેના ગામડામાં કે આસપાસના ગાળામાં ખપી જાય એવો હોય કે જેની આ સંઘોને જરૂર હોય. દરેક ગામડામાં એક મોટી જરૂર પ્રમાણિકપણથી ચાલતી એક એવી દુકાનની છે કે જ્યાં મૂળ કિમત અને માફકસરનું કમિશન ચડાવીને ભેગ વિનાની ખોરાકની અને બીજી ચીજો મળી શકે. કોઈ પણ દુકાન ગમે એટલી નાની હોય તોયે તેને મોટે કઈંક મૂડીની જરૂર તો પડે જ છે એ વાત સાચી. પણ જે ગ્રામસેવક તેના કાર્યક્ષેત્રમાં જરા પણ જાણીતો થયો હોય તેણે પોતાની પ્રમાણિકતા વિષે લોકોનો એટલો વિશ્વાસ તો સંપાદન કર્યો જ હોવો જોઈએ કે થોડો થોડો જથાબંધ માલ તેને ઉધાર મળી શકે.

આ કામ વિશેની સૂચનાઓને હું બહુ વધારે નહિ લંબાવું. અવલોકન કરવાની ટેવવાળો સેવક હંમેશાં અગત્યની શોધખોળ કર્યા કરશે, અને થોડા જ વખતમાં જાણી લેશે કે આજીવિકા મેળવવા માટે પોતાનાથી થઇ શકે એવી કઈ મજૂરી છે જે સાથે સાથે જ્ ગ્રામવાસીઓની તેને સેવા કરવાની છે તેમને પદાર્થપાઠરૂપ પણ થઈ પડે. તેથી તેણે એવી જાતની મજૂરી પસંદ કરવી પડશે જેનાથી ગામડાંના લોકોનું શોષણ ન થાય, તેમનાં આરોગ્ય કે નીતિ બગડે નહિ, પણ જેનાથી ગ્રામવાસીઓને એવું શિક્ષણ મળે કે તેઓ ફુરસદના વખતનો સદુપયોગ થાય એવા ઉદ્યોગો ઉપાડી લે અને એમની નાનકડી આવકમાં વધારો કરે. અવલોકન કરતાં કરતાં તેનું ધ્યાન ગામડામાં નકામી પડી રહેલી ચીજો - ઘાસપાલો અને ગામડામાં જમીન પર પડી રહેલી કુદરતી ચોજો - સુધ્ધાં તરફ ગયા વિના નહિ રહે. તે તરત જ જોશે કે એમાંથી ઘણી ચીજોનો સારો ઉપયોગ થઇ શકે એમ છે, તે જો ખાઈ શકાય એવો પાલો ઉપાડી લે તો એ તેના ખોરાકનો અમુક ભાગ કમાઈ લીધા બરાબર ગણાશે. મીરાંબહેને મને સુંદર આરસના જેવા કાંકરાનું એક સંગ્રહાલય આપ્યું છે. એ કાંકરા જેવા છે એવા પણ અનેક કામમાં આવે છે, અને જો મારી પાસે ફુરસદ હોય અને એના વિવિધ આકારો ઘડવાને સાદા ઓજારો ખરીદવામાં હું થોડાક પૈસા રોકું તો તેને થોડા વખતમાં બજારમાં વેચાઈ શકે એવા બનાવી દઉં. કાકાસાહેબને વાંસનો નકામો પડેલો છોલ આપવામાં આવેલો હતો. એનો ઈધણ તરીકે જ ઉપયોગ થવાનો હતો. પણ કાકાસાહેબે તો સાદા ચપ્પુથી ઘડી ઘડીને કેટલાકની કાગળ કાપવાની છરી બનાવી અને કેટલાકના ચમચા બનાવ્યા.આ બન્ને વસ્તુઓ માર્યાદિત પ્રમાણમાં બજારમાં વેચાઈ શકે એવી છે. મગનવાડીમાં કેટલાક સેવકો ફુરસદનો વખત નકામાં પણ એક બાજુ કોરા કાગળમાંથી પરબીડિયા બનાવવામાં ગાળે છે.

ખરી વાત એ છે કે ગામડાના લોકો છેક જ હતાશ થઇ ગયેલા છે. તેમને શંકા આવે છે કે દરેક અજાણ્યો માણસ તેમના ગળાં રહેંસવા માગે છે ને તેમને ચૂસવા સારું જ તેમની પાસે જાય છે. બુદ્ધિ અને શરીરશ્રમનો સંબધ ટૂટી જવાને લીધે એમની વિચાર કરવાની શક્તિ બહેર મારી ગઈ છે. એમના કામના કલાકોનો તેઓ સારામાં સારો ઉપયોગ કરતા નથી. એવા ગામડામાં ગ્રામસેવકે પ્રેમ અને આશા લઈને પ્રવેશ કરવો જોઈએ અને મનમાં દ્રઢ પ્રતીતિ રાખવી જોઈએ કે જ્યાં સ્ત્રીપુરુષો બુદ્ધિ વાપર્યા વિના વૈતરું કરે છે અને અડધું વરસ બેકાર બેસી રહે છે ત્યાં પોતે આખું વરસ કામ કરતા અને બુદ્ધિની સાથે શ્રમનો સંયોગ કરતા ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કર્યા વિના અને તેમની વચ્ચે રહીને મજૂરી કરતાં પ્રમાણિકપણે ને સારી રીતે આજીવિકા મેળવ્યા વિના નહિ રહે.

પણ ગ્રામસેવાનો ઉમેદવાર કહે છે, `મારાં છોકરાં અને તેમની કેળવણીનું શુ ? ' જો એ છોકરાંને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું હોય તો મારાથી કંઈ રસ્તો બતાવાય એમ નથી. એમણે નીરોગી, કદાવર, પ્રમાણિક, બુદ્ધિશાળી અને તેમના માતાપિતાએ સ્વીકારેલા નિવાસસ્થાનમાં ગમે ત્યારે આજીવિકા મેળવવાને શક્તિમાન એવા ગ્રામવાસીઓ બનાવવા હોય, તો તેમને માતાપિતાના ઘરમાં જ સર્વાંગીણ કેળવણી મળશે. વધારામાં તેઓ સમજણા થાય અને પધ્ધતિસર હાથપંગ વાપરતાં થાય ત્યારથી કુટુંબની કમાણીમાં કંઈક ઉમેરો કરવા લાગશે. સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રમાણિક સદ્ગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી. આજની હાઇસ્કૂલનું શિક્ષણ ગ્રામવાસીઓ પર મોટા બોજારૂપ છે. એમનાં બાળકોને એ કદી મળી શકવાનું નથી, અને ઈશ્વરકૃપાએ જો એમને સુઘડ ઘરની તાલીમ મળી હશે તો એ શિક્ષણની ખોટ તેમને કદી સાલવાની નથી. ગ્રામસેવક કે સેવિકામાં સુઘડતા ન હોય, સુઘડ ઘર ચલવવાની શક્તિ ન હોય તો તે ગ્રામસેવાનું સદ્ભાગ્ય કે માન મેળવવાનો લોભ ન રાખે એ જ સારું છે.