ગામડાંની વહારે/૯. ગ્રામસેવકના પ્રશ્નો

← ૮.મંછા ભૂત ગામડાંની વહારે
૯. ગ્રામસેવકના પ્રશ્નો
મોહનદાસ કરમચંદ ગાંધી



૯.
ગ્રામસેવકના પ્રશ્નો

એક ગ્રામસેવક લખે છે:

"૧. હું સો ઘરના નાના ગામમાં કામ કરું છું. આપે કહ્યું છ કે સેવકોએ દવા આપતા પહેલાં સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. પણ તાવે પીડાતો ગામડાનો માણસ સેવકની પાસે મદદ માગવા આવે ત્યારે તેણે શું કરવુ ? અત્યાર સુધી હું એમને ગામડાના બજારમાં મળતી દેશી ઔષધિઓ વાપરવાની સલાહ આપતો આવ્યો છું.

૨. વરસાદમાં મળની શી વ્યવસ્થા કરવી ?

૩. મળનો ઉપયોગ બધી જાતના પાક માટે થઇ શકે ?

૪. ખાંડને બદલે ગોળ ખાવાથી શો ફાયદો થાય ?"

૧. જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામસેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિષે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સહુથી સસ્તી ને સારી છે એ વિષે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો એરંડીયું, ક્વિનીન અને ઉકળતું પાણી એ સારામાં સારી દવાઓ છે. એરંડિયું તો ગામડામાં મળી શકે. સોનામુખીનાં પાંદડા પણ ચાલી શકે. કિવનીનનો ઉપયોગ હું આછો કરું. દરેક તાવ પર ક્વિનીનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનીનથી જતો પણ નથી. ઘણાખરા તાવ ઉપવાસ કે અર્ધા ઉપવાસથી મટી જશે. અનાજ અને દૂધ છોડવાં અને ફળના રસ કે દ્રાક્ષનું ઊકળતું પાણી, અથવા તાજા લિંબુના રસ કે આમલીની સાથે ગોળનું ઊકળતું પાણી લેવું, એ અર્ધો ઉપવાસ છે. ઊકળતું પાણી એ બહુ જ જલદ ઓસડ છે, એનાથી ઘણું કરીને દસ્ત ઉતરશે. એનાથી પરસેવો થશે ને તેથી તાવ ઓછો થશે. એ સૌથી સુરક્ષિત અને સોઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઉકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં એને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઈએ. ઉકાળવું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઊકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે છે ને વરાળ નીકળવા લાગે છે.

જ્યાં સેવકોને શુ કરવુ તેની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઈએ. જ્યાં વૈદ ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય અને સેવકો નજીકના કોઈ પરગજુ ડાકતરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માગે.

પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઈલાજ સફાઈ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે કુદરત એ સારામાં સારો વૈદ છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જયારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યાં કરે ત્યારે તે નિરુપાય થઈ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે - કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટનો ને શીઘ્રવેગી દૂત છે અને મનુષ્યને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે. તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય, પણ સફાઈનું કામ કરનાર સેવકો એ તેના સારામાં સારા વૈદના સારામાં સારા મદદગાર છે.

૨. વરસાદના દિવસોમાં પણ જ્યાં માણસનો અવરજવર ન હોય એવી જગાએ ગ્રામવાસીઓએ શૌચક્રિયા કરવી જોઈએ. મળને જમીનમાં દાટવા જોઈએ. ગામડાના લોકોને જે ખોટી તાલીમ મળેલી છે તેને લીધે મળ દાટવનો પ્રશ્ન અતિશય વસમો થઇ પડેલો છે. સિંદી ગામમાં અમે ગ્રામવાસીઓને સમજાવાને મથી રહ્યા છીએ કે તેમણે રસ્તાનો ઉપયોગ શૌચક્રિયા માટે ન કરવો, પાસેના ખેતરમાં જવું, અને શૌચક્રિયા કર્યા પછી મળ પર સૂકી સ્વચ્છ માટી નાખવી. બે મહિનાના સતત પરિશ્રમ પછી અને મ્યુનિસિપાલિટીના સભ્યો અને બીજાઓના સહકાર પછી એ લોકોએ સામાન્ય રીતે રસ્તા બગાડવાનું ગંધ કરવા જેટલી ભલાઈ બતાવી છે. જે ખેતરના માલિકોએ આને માટે પોતાનાં ખેતર વાપરવાની છૂટ આપી છે તે ખેતરોમાં આ લોકો જાય છે. પણ લોકો હજુ પોતાના જ મળ પર માટી નાખવાની હઠપૂર્વક ના પાડે છે. તેઓ કહે છે, 'એ તો ભંગીનું કામ રહ્યું. મળ સામે જોવું એ જ પાપ, તો પછી એના પર માટી તો કેમ જ નંખાય ?' એમને આ જાતનું શિક્ષણ આપવામાં આવ્યું છે તેથી તેઓ આમ માને છે. એટલે ગ્રામસેવકોને કોરી પાટી પર અક્ષર લખવાના નથી. પાટી પર પોલાદના ટાંકણાથી જે લેખ લખેલા છે તે તેમણે ભૂંસી કાઢવાના છે. પણ હું જાણું છું કે જો આપણને આપણા કાર્યક્રમ વિષે શ્રદ્ધા હશે, જો આપણામાં સફાઈના પ્રાત:કાર્યમાં માંડ્યા રહેવા જેટલી ધીરજ હશે; અને એથીએ વધારે તો, જો આપણે ગ્રામવાસીઓ સામે ચિડાઈશું નહિ, તો તેમના વહેમ સૂર્યકિરણ આગળ ધૂમસ ઓસરી જાય એમ ઓસરી જશે. જમાનાઓથી જામેલું અજ્ઞાન થોડાક મહિનાના પદાર્થપાઠથી ન નીકળી જાય.

સિંદીમાં અમે ચોમાસાને માટે તૈયારી કરી રહ્યા છીએ. ખેતરના માલિકોએ પોતાના પાકને તો સાચવવા જ રહ્યા. તેથી અત્યારે જેમ ઘણા માલિકો લોકોને છૂટથી ખેતરમાં જવા દે છે તેમ ચોમાસે નહિ જવા દઈ શકે. અમે એમણે સૂચના કરી છે કે તેઓ ખેતરની હદથી થોડાક ફૂટ અંદર વાડ બાધે, ને હદના નિશાન જેમનાં તેમ રહેવા દે. તેઓ જે થોડાક ફૂટ છોડી દેશે તે ચોમાસાની આખર સુધીમાં ખેતરની સુદર ખાતરથી ભરેલી પટીઓ બની જશે. એવો વખત આવતો જાય છે જયારે ખેતરના માલિકો લોકોને શૌચક્રિયા માટે ખેતર વાપરવાને નોતરશે. જો ડો. ફાઉલરની ગણતરી સાચી માનીએ તો કોઈ પણ ખેતરનો શૌચક્રિયા માટે ઉપયોગ કરનાર દરેક માણસ વરસમાં બે રૂપિયાની કિમંતનું ખાતર ખેતરમાં મૂકી જાય છે. આ આંકડાની ચોકસાઈ વિષે કદાચ કોઈ શંકા ઉઠાવે. ખેતરમાં મળ દટાવાથી જમીનને લાભ થાય છે એ વાત તો નિર્વિવાદ છે. ૩.કોઈએ એમ તો કહ્યું જ નથી કે પાકમાં મળને સીધાજ ખાતર તરીકે નાખવો. કહેવાનો આશય એ છે કે જમીનમાં મળનો ઉમેરો થવાથી અમુક સમય પછી તેમાં અમુક સમયપછી જમીન સમૃદ્ધ બને છે. મળ જમીનમાં દટાય તે પછી તેમાં અમુક ફેરફાર થવા જોઈએ. તે પછી જમીન ખેડવા ને વાવવા માટે યોગ્ય બને. આને માટેની કસોટી અચૂક છે. જે જગાએ મળ દાટ્યો હોય ત્યાં અમુક મુદત પછી જમીનને ખોદી જોવી. જો જમીન સુગંધીદાર થઇ ગઈ હોય ને બદબો ન છૂટતી હોય, ને મળની જરાયે નિશાની ન રહી હોય તો જમીન વાવણી માટે તૈયાર થઇ ગણાય. મેં ગયા ત્રીસ વરસથી આ રીતે સર્વ પ્રકારના પાક માટે મળનો ઉપયોગ કરીને ઘણો જ લાભ મેળવ્યો છે.

૪. નિષ્ણાતો એકે અવાજે કહે છે કે ખાંડ કરતા ગોળ વધારે પોષણ આપે છે, કેમ કે તેમાં જે ક્ષાર અને વિટામીન છે તે ખાંડમાં નથી. જેમ મેદા આગળ આખા ઘઉંનો લોટ, કે છડેલા ચોખા આગળ અણછડ ચોખા, તેમ જ લગભગ ખાંડ આગળ ગોળ છે.