← દીઠી નહીં ! ગુજરાતની ગઝલો
ખબર લે
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રિયદર્શન →


૩: ખબર લે

ઉતાર ના કંઈ પ્યાર એ, દિલદાર સબર લે;
ગમખ્વાર જીગરખ્વારની, કંઈ યાર ખબર લે.

ગુલિસ્તાનમાં હેરાન છે, મસ્તાન આ બુલબુલ;
ભરપ્યાર નથી યાર, વફાદાર ખબર લે.

સમશાન સમું ભાન, જગત ધ્યાન છૂટિયું;
હુશિયાર છું હુશિયાર, સમજદાર ખબર લે.

તુજ વાન ગોરે ધ્યાન છે, મન માનમાં હવે;
પરકાર છે દિલ યાર, ખબરદાર ખબર લે.

કરું ગાન ગોરું વાન, ઘૂંઘટમાં ન રાખીએ;
પુરવાર કરું પ્યાર, નિગહદાર ખબર લે.

મન માનતું નથી માનતું, નથી ભાનમાં નહીં;
ગુલઝાર અલક તારમાં, સરદાર ખબર લે.

મહેમાન કર્યો માનથી, અહેસાન છે દિલે;
તુજ પ્યારનો છું યાર, કરજદાર ખબર લે.

નિશિમાન અર્ધવાન, તારું ગાન ગાઈને;
વહી ધાર આંસુ સાર, વારવાર ખબર લે.

પટ અંચળે મુખ ચંચળે, સુદગંચલેથી છું;
દિલદાર ગિરફતાર, ગિરફતાર ખબર લે.

રહે સ્વાર્થ ના પરાર્થની, બળજો જુગારી પ્રીત;
સહુ જાર છે સહુ જાર, વખ્ત હજાર ખબર લે.

કરી પ્રેમ કશો નેમ, ઉરે કેમ ધારિયે;
કરનાર સુગમ પ્યાર, બેશુમાર ખબર લે.

પિયુને સુખે સુખને, દુખે દુખને ન જે ગણે;
નથી પ્યાર કુલાચાર સમજનાર ખબર લે.

મુજ ઉરનાં ભરપૂર, આંસુપૂરને હસે;
સરદાર પુર ગમારના, સરદાર ખબર લે.

રસને વિજોગી ભોગી, રોગી પ્રેમપંથનો;
રસ સારના રમનાર, પ્રાણધાર ખબર લે.

ગતિ ન્યારીથી વિહારી રહ્યો હારી હારી બાલ;
લાચાર છું લાચાર, જુલમગાર ખબર લે.