ગુજરાતની ગઝલો/પ્રિયદર્શન
← ખબર લે | ગુજરાતની ગઝલો પ્રિયદર્શન [[સર્જક:|]] ૧૯૪૩ |
બેકદર દુનિયા → |
આજ ઝાંખી થઈ કાંઈ યારની છે હરી હરી;
મતિ આંખડી જાદુગારિયે છે હરી હરી.
નિર્મળ તને પરિમલ બહેકી ઊડે ગગન;
ખુશબો ઇરમ ગુલઝારની છે હરી હરી.
મદિરા થકી મદમસ્ત મ્હાલતી માનની;
કરમાં સુરાહી શરાબની છે ધરી ધરી.
ચંદ્રચાલ પર કુરબાન ચારુ ચકોરવત્;
પ્યારીને પદેપદ મેં ગતિ છે કરી કરી.
અહા ! માન મૂકી ગુમાનીએ મીઠી આંખથી;
દિલમાં કંઈ ફરિયાદ મારી ધરી ધરી.
શતકોટિ ઉજ્જવલ ચંદ્રશે ગેરે હાથથી;
ભરી પ્યાલી મસ્ત કલાલીએ રે ધરી ધરી.
અહાહા ! પડી પરછાંહી ગેરી હથેળીમાં;
કોટિ સ્વર્ગની ઝલકાઈ આંખ ઠરી ઠરી.
કંઈ કરોડ ખાલી કરી દુકાન શરાબીની;
સૂધ પ્યારીની એક પ્યાલીએ છે હરી હરી.
કોણ નિંદશે મદિરા મહારા મસ્તને;
મઝા કાંઈ જેણે લગાર એની કરી કરી.
મુજને કહે છે સજન શિખામણ મસ્તીની;
મુજ પંથમાં ગતિ મસ્તની છે ખરી ખરી.
ચંદ્ર ઊગતે અવધિ કરી મળવા તણી;
કયારે ચંદ્ર તેહ ઉગાડશે રે હરી હરી?
ખુશ અવાજ કરતું શિરે માહરે ઊડે હુમા;
આજની નિશા પ્રિયા સંગ નક્કી ઠરી ઠરી.
આજની નિશા હરિ જે કરે કે ખૂટે નહીં;
ત્રિજગત ચઢાવું એ આંખડી મેં ધરી ધરી.
રહું હું નિરંતર રંગ પ્યારીની સંગમાં;
નીરખું નયનભર મૂર્તિ મોક્ષ ભરી ભરી.
કવિતા કરી કહી બાલે તાનથી પ્યારીએ;
ખુશ થઈ શીતળ ગોરી બાંહ કંઠ ધરી ધરી.