← સર્વદા લેજે ગુજરાતની ગઝલો
પરિશિષ્ટ
[[સર્જક:|]]
૧૯૪૩


'૫રિશિષ્ટ'
ગુજરાતીમાં ' ગઝલ 'નું સાહિત્ય

(સૂફીવાદ યાને ગઝલનું આધ્યાત્મિક સૂચન એ વિષય ઉપર વિખ્યાત 'ગઝલિસ્તાન'માં ગઝલના ઊંડા અને આધ્યાત્મિક અર્થ સમજાવનારો આ નિબંધ રા. રા. જ. દા. ત્રિપાઠી ઉર્ફે 'સાગર'નો લખેલો છે; તે ગુજરાતની ગઝલોના વાચકોના ફાયદાને માટે અત્રે આપવામાં આવ્યો છે–પ્રકાશક)

ॐ प्रेमधर्माय नमः । प्रेमस्वरूपाय नमः ॥

સચ્ચિદાનંદસ્વરૂપ સનમ ! તારું અદભુત પ્રેમખેલન નાનાવિધ પ્રકારે સર્વત્ર અને સર્વ કાળે ચાલ્યા કરે છે. તારી બ્રહ્મલીલા અગમ્ય છે, છતાં તારી કૃપાને પાત્ર થયેલા બ્રહ્મવેત્તા, સિદ્ધ અને ત્વલ્લીન પ્રેમભક્ત દુનિયાને સ્વાનુભવપ્રસાદ આપે છે કે પૃથ્વીના પટ પર કંઈ કંઈ ફેરફાર દ્રશ્ય થવા છતાં, તારા સર્વમય સ્વરૂપનો તેજ:પુંજ-હકના નૂરનો પ્રવાહ તેનો તે જ છે. મનુષ્યનું હૃદય ઐહિક નશ્વરતાને બદલે તારા મિનોઈ શરાબ તરફ જેમ જેમ ઢળતું જાય છે, તેમ તેમ તારી વિરાટ મૂર્તિના ઝળહળતા જ્યોતિની સ્વાનુભવપૂર્ણ ઝાંખી તેને અવશ્ય થવા લાગે છે અને ક્રમે ક્રમે તું પોતે તેને તારારૂપ બનાવી દે છે; તારી જાદૂઈ નશાદાર પ્યાલી પીધેલાં–તારા જ તાનમાં મસ્ત કોઈ સુભાગી હૃદય, અન્તર્મુખી વૃત્તિથી તારા અનાદિ રાસખેલનમાં લીન રહે છે અને એ અનિર્વાચ્ય રસસંગીતની વિલક્ષણ સારીગમના દિવ્ય શ્રવણાલાપમાં આશ્ચર્યવત્ બની ગળી જાય છે. અયિ અદ્વિતીય રાસેશ્વરી ! અયિ સર્વોપરિ સુંદરી સનમ ! - તારા મુબારક કદમની પાક સુરખીથી પોતાના અંતરના આંગણને કાયમનું શણગારવામાં જ તારા ખરા ભક્તનું જીવન સાર્થક છે; તારાં સ્તુતિકીર્તનો વડે પોતાનું પવિત્રીકરણ કરીને તારી અનાદ્યનન્ત લીલા ગાયા કરવામાં જ તારા દીવાનાની જિન્દગીને કુલ ઉપયોગ છે. અયિ અખંડ સૌભાગ્યવંતી ! આબેહયાતની ખુદ મલિકા ! તારા અજાયબ જામમાં 'ફના' થઈ જવામાં જ મનુષ્યના તમામ પ્રયત્નોની સફળતા છે. તારું મધુરું પ્રેમનામ અમને સર્વને તારી ઈચ્છાનુસાર શાસક અને નિયામક હો !

અને ચાલુ સદીમાં તે લગભગ આખી આલમનાં કદમ ૐકારના એ પરમાત્મખેલનના અણછતા પણ ૫ણ આવાઝ તરફ વળેલાં છે. આપણા સંબંધની પાશ્ચાત્ય પ્રજામાં તેમ તેના સંબંધની બીજી પ્રજાઓમાં, આ ભારતવર્ષમાં તેમ ગુજરાતમાં પણ પ્રેમની બલિહારી બહુ બહુ પ્રકારે બોલાવા લાગી છે. ખરે, પ્રેમનાં પૂજારી હ્રદયોને આ હકીકત આશ્વાસન સાથે સંતોષ આપે તેવી તો છે.

પ્રેમધર્મનું શાસન જ માનવજાતિના જીવનનું મૂલતત્ત્વ છે; અને આત્માની એ પૂર્વસ્મૃતિ દરેક રાષ્ટ્રમાં પ્રેરિતોદ્વારા યુગે યુગે તાજી કરાવવામાં આવે છે. अयमात्मा परप्रेमास्पदम । એવું આત્માનું સ્વરૂપ સમજાવનાર અદ્વૈતવેદાન્તના એતદ્દેશીય વિવરણકાર, 'પ્રેમ એ જ પ્રભુ છે' એ સૂત્રને મૂલ શબ્દ તરીકે સ્વીકારનાર પાશ્ચાત્ય દ્રષ્ટા અને 'અનલહક્ક'નો બ્રહ્મમંત્ર પુકારનાર ઇસ્લામી મહાત્મા–એ બધાઓ જગતને પ્રેમધર્મનું જ અનુશાસન આપવાને ચાહે છે. 'દયાધર્મ' શીખવનાર ગૌતમ બુદ્ધ અને નવા જીવનને ગુહ્ય રહસ્યવાદ પ્રબોધનાર સ્વેડનબર્ગ પણ જગતને પ્રેમધર્મ જ આપે છે. ગૌતમની પ્રતિકૃતિ જેવો અને ખ્રિસ્તનો સાચો સેવક લિયો ટૉલ્સટોય પ્રેમનો જ સંદેશો જગત સમક્ષ ધરીને, શાશ્વત પ્રેમવિશ્વમાં ભળવાને આપણી વચ્ચેથી હમણાં જ વિદાય થાય છે. સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ જેવા પ્રેમાત્મા દેશવિદેશમાં પ્રેમધર્મની જ અદ્દભુત મંત્રણાના અહાલ્લેક ગજાવે છે, એ આજની જ વાત છે. બાબા પ્રેમાનંદ ભારતીએ છેક પાતાળમાં સ્થાપેલા શ્રીકૃષ્ણના પ્રેમમંદિરની ભક્તિગર્જના અને પ્રેમની પર્યેષણાના જયઘોષ સ્વદેશી-વિદેશી તમામ ભાંડુઓનાં આકાશમાં ગાજતા આપણે હરરોજ સાંભળીએ છીએ.

પરમાત્મા પ્રેમસ્વરૂપ છે અને તેની પ્રાપ્તિ ભક્તિદ્વારા જેટલી સરળતાથી થઈ શકે તેટલી સરળતાથી કેવળ જ જ્ઞાન કે યોગદ્વારા થઈ શકે નહિ, એ વાત ચોક્કસ ભાર મૂકીને દુનિયાને વારંવાર પ્રેરિત મહાત્માઓ જણાવે છે. નરસિંહ અને મીરાં–પરમપ્રેમભક્ત–ગુજરાતમાં મશહૂર છે. એમના અનુભવોદ્ગારમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ ઓતપ્રોત છે. તેઓ કેટલીક સદી પહેલાં થયાં, પણ જાણીતા પ્રેમભક્ત દયારામભાઈ તે છેક હમણાં જ, એટલે ઈ. સ. ૧૮પર માં જ સ્વર્ગવાસી થયા. 'જૂની ગુજરાતી' માં પ્રેમધર્મનાં લલિત સંગીત ગાનાર તેઓ છેલ્લા છે.

ગુજરાતી સાહિત્યમાં 'નવી કવિતા'નો આરંભ થયો, તે પહેલાં પ્રેમ, પ્રેમભક્તિ અને પ્રેમના દર્દની આર્ત્તચીસ ગુજરાતે દયારામના દર્દી જિગરમાંથી સાંભળેલી. પ્રેમઘેલા દયારામે તે વખતના ગુજરાતને પણ ઘેલું બનાવેલું, એમ એમની કવિતા પરથી લાગ્યા વિના રહેતું નથી. સુપ્રસિદ્ધ કવિ નર્મદ કે જેના હૃદયનો મંત્ર 'પ્રેમશૌર્ય' અને 'પ્રેમભક્તિ' છે, તેણે પ્રેમભક્ત દયારામની વાજબી કદર કરેલી અને ઘણી તકલીફ લઈને એ વિરલ હૃદયના જીવનની હકીકત મેળવેલી–તેની કવિતા પણ સંગ્રહિત અને સંશોધિત કરીને ગુર્જરીને ખેાળે ધરેલી. પ્રેમધર્મના હિમાયતીઓની કવિ નર્મદાશંકરે, ખરેખર, એ અતિ કીમતી સેવા બજાવી છે.

'સારી કવિતા લખે તે બધા કવિ' એવી વ્યાખ્યાનો સ્વીકાર કરીએ તો દયારામ બેશક, ઊંચા વર્ગનો કવિ ગણી શકાય; પણ તેના આન્તરજીવનની સર્વોપરિ પ્રવૃત્તિ અથવા તેના હૃદયાન્તરના મૂળ પ્રવાહની સતતતા પરથી નિર્ણય કરીએ, તો તે કવિ નહિ, પણ આશક છે–ભક્ત છે. આપણા સમકાલીન અને સુપ્રસિદ્ધ સ્વર્ગવાસી કલાપીના સંબંધમાં તે કવિ કે સ્નેહી એ ચર્ચા જુદા જુદા લેખકોએ જુદાં જુદાં દ્રષ્ટિબિંદુથી ઘણીકવાર કરેલી છે; અને છતાં એનો નિર્ણય જાણે ઘણાને માટે હજી અપૂર્ણ રહેલો છે. કવિતા જેની માશૂક છે તે કવિ; કાલિદાસ, શેકસ્પિયર, શેલી, ટેનીસન, પ્રેમાનન્દ અને દલપતરામ સુધ્ધાં, અલબત્ત કવિ છે; કેમકે, કવિતા એ તેમની મનો૨મા–પ્રિયતમા છે. 'કવિતા' એ કલાની દેવી છે અને તેની ખાતર તેઓ લગભગ બધું સમર્પણ કરવાને તૈયાર છે. નરસિંહ, મીરાં, દયારામ, કલાપી કે પ્રેમનું દર્દી કોઈ પણ જિગર એ દેવીની ખાતર પોતે હૃદયથી સ્વીકારેલો પ્રેમજીવનને ધર્મમાર્ગ એક તસુ પણ, કદાપિ છોડી શકે નહિ, અને કાલિદાસાદિ કવિતા વગરના જીવનમાં ક્ષણ પણ જઈ શકે નહિ, આવો મૂળતત્ત્વનો તફાવત બહુ સ્પષ્ટ છે, ત્યારે દયારામ અને કલાપી વગેરેને કવિમાં ગણવાનો આગ્રહ શા માટે ? તેમને કવિ નહિ, પણ આશક જ ગણવા એ સકારણ વાજબી લાગે છે. એમનાં હૃદયને, એમના જીવનને–ખુદ એમને, કવિ કહેવાથી શું આપણે ગેરઇન્સાફ કરતા નથી ? જિગરના લોહીથી લખેલા એમના અસ્ખલિત હૃદયોદગારમાં પાંડિત્યનું પ્રદર્શન નહિ પણ સ્નેહનું સ્વાભાવિક દર્દ અને વિરહનું રુદન ખુલ્લું છે. કલાના પૂજારીની પેઠે તે બહારથી નહિ પણ અંદરથી બોલનાર છે, એ આપણે વિચારી શકીએ. કવિ પ્રકૃતિમાં ખેલતું, પ્રકૃતિથી ખીલતું અને પ્રકૃતિને પોષતું પ્રાણી છે. આશક અથવા ભક્ત પ્રકૃતિને વશ વર્તનાર નહિ, પણ તેને જીતવાને મથનાર–તેની સામે થનાર છે; ઈલ્મ અગર અકલપરસ્તી એ કવિના અંતરંગમાં પ્રધાન છે; ઇશ્કપરસ્તી વગર આશકમાં બીજું તત્ત્વ વહેતું નથી. છતાં કવિતાને આત્મગાનના અર્થમાં જોઈએ તો પ્રેમભક્તિ ગાનાર હરેક આશક, કુદરતના આલંકારિક કલાવિધાયક કરતાં ઊંચા દરજજાનો શાયર અને ઉમદા જિન્દગાનીને આદમી છે ૐ.

પ્રેમી દયારામ કૃષ્ણના પરમ ભક્ત છે અને તેમનું હૃદય કૃષ્ણને વરી ચૂક્યું છે, તે પોતાને કૃષ્ણની 'ગોપી' માને છે અને પોતાના 'પતિ શ્રીકૃષ્ણ' એ તેમના સર્વોપરિ સ્નેહનું સ્થાન છે–જીવનનું અંતિમ પ્રાપ્તવ્ય છે.

ઉત્તર હિન્દમાં ઘણીકવાર યાત્રા કરેલી હોવાથી, દયારામને ઉર્દૂ અને હિન્દી સાહિત્યને સારો પરિચય થયેલો; તેમના હ્રદયોદગારમાં એ સાહિત્યની ઊંડી અસર સ્પષ્ટ જોવાય છે. કૃષ્ણને તે માશૂક, સનમ, મહેબૂબ અને દિલદાર એવાં સંબોધન કરે છે. એ પ્રેમી હૃદયના ઊભરા ગઝલમાં પણ છે:–

"લગી હૈ યાદ પ્રીતમકી, તલફકે જિયા જાવેગા:
"મુઝે સો કહો સૈયાં મેરી, મેરા જાની કબ આવેગા ?
"લગા મેરે કલેજે મેં ઇશ્ક કા જખ્મ તો ઝૂલ્મ !
"દર્દ મેરા મેહેરમ માલૂમ, આલમ સારા બેમાલૂમ હૈ!"


* * * *

"કહેગી કબ ઝબાં મેરી, દયાકા પ્રીતમ ઘર આયા હૈ?"

અને–

"એક ખૂબસૂરત ગભરુ ગુલઝાર સાંવરા !
"તારીફ કયા કરું ? હૈ સબ ભાતસેં ભલા !


"ઈસ બગરકી ડગરમેં મેરા ચિત્ત ચુરા ચલા !
"કહેતી થી સબ આલમ યે હૈ નન્દ કે લલા !”*


* * * *

"બૂઝતી જો ઐસા દર્દ, બિરહ હૈ બલા—
"તો મૈં ઉસી પલક જાય પકરતી પલા !
"મિલાઓ કોઈ મહબૂબ ! દુસરી ન હૈ સલા !
"દયા કે પ્રીતમ બિન મરૂંગી કાટકે ગલા !”

આ ભૈરવી પણ સાખી સાથે—

"તિહારી ચલી ચશ્મતલ્વાર ! ઘાયલ મોહે કર ડારી !
"લાગે તબ જાને નહીં, અહો રસિક નેનકે બાન !
"અબ તો હિચબિચ ગડી ગયેં, વાકૂં ખેંચત નિકસેં પ્રાન !
"તિહારી ચલી ચશ્મતલ્વાર !


"રૂપનગરકી બિચમેં ચલી ચશ્મતલ્વાર !
મૂરખ હૈ સે બચ ગયે ! ચાતુર ખાયે માર !

* * * *

"રસિક નેનકે બાનકી, અહો ! અજબ અનોખી રીત !
"દુશ્મનો પરસેં નહીં, વે તો મારે અપનો મીત
"તિહારી ચલી ચશ્મતલવાર !


* * * *

"અંગ અંગ પ્રત માધુરી નખશિખ છબિ અતોલ !
દયા કે પ્રીતમ ! તિહારી બાનક પર બીક ગઈ બિન મોલ !
તિહારી ચલી ચશ્મતલ્વાર ! ઘાયલ મોહે કર ડારી !”

દયારામની કવિતામાં પ્રેમભક્તિ અને પ્રેમજીવન ઓતપ્રોત છે, એ એમના હ્રદયોદ્‌ગારના તલસ્પર્શી અભ્યાસીને વિદિત છે. બેશક, પ્રેમના સાહિત્ય માટે ઘણીકવાર થાય છે, તેમ દયારામની કવિતા માટે પણ થયેલું છે. હકીકત એ છે કે, પ્રેમને હૃદયાન્તરને તત્ત્વતઃ અનુભવ સ્વીકારવાને બદલે જ્યારે શરીરનો જ વિષય માનવામાં આવે, ત્યારે પ્રેમને ખુદને ભારે અપમાન અપાય છે; દયારામે પોતાના અનુભવોદ્‌ગારમાં કૃષ્ણ અને ગોપીના પ્રેમના વિગતસર ઉલ્લેખ કરેલા, તેમજ તેઓ જાતે જન્મથી જ સ્વતંત્ર મિજાજના હોવાથી તેમની કવિતા માટે અનેક તર્કવિતર્ક અને અનુમાન કરનારા પંડિતોએ યથેચ્છ અભિપ્રાય ઉચ્ચારેલા છે.

તે જ અરસામાં છોટમે પણ હિન્દીમાં થોડીક ગઝલો લખેલી છે:

દાખલા તરીકે:-

"ગઝલ એક સુન લો મેરી, કુશલતા અપાર સર્જન કેરી !
"કારીગર કૌન હૈ ઐસા, સહિત જીવ દેહ કિયા કૈસા?
"સહસ્ત્ર અષ્ટ માંખી કો અખિયાં ! દેખી કોઇ ગ્રંથમે લખિયાં !


* * * *

"ઐસા અદ્દભુત તમાશા હૈ ! ખાવન્દ કા ખેલ ખાસા હૈ!
"છોટમ ! ભજી લે સોહિ કર્તા ! જગતસેં કાયકો ડરતા ?”

પરન્તુ, 'ગઝલ' શબ્દનો મૂળ અર્થ જોતાં આ ગઝલ સંતોષ આપશે ખરી કે ? 'ગઝલ’ શબ્દનો મૂળ અર્થ ફારસી લેખકો એવો જણાવે છે કે, 'ગઝલ' એટલે પ્રિયતમની પ્રિયતમા સાથેની પ્રેમવાર્તા. 'ગઝલ' શબ્દ સ્ફુટ કરતાં, એક ફારસી લેખક તો એટલે સુધી કહે છે કે:–

"ઈશ્કના રાહમાં નડતી પારાવાર વેદના એ જ 'ગઝલ' ની પંક્તિઓ; ગઝલમાં ખાસ કરીને પ્રિયતમાના વિરહથી થયેલી પ્રેમીની દર્દી દશાનું નિરૂપણ, તેનો વિરહાક્રન્દ, પ્રેમમૂર્તિના સ્વરૂપનું સતત સ્મરણ અને તેનું બયાન, તેના દર્શનની ઉત્કટ આતુરતા, તેના વગરની તેની અસ્વસ્થતા, પ્રેમી જિગરની બળતરાના ઊભરા–દુ:ખભર્યું રુદન વગેરે અવશ્ય હોય છે અને જેમાં એ ન હોય તે ગઝલ 'ગઝલ' નામને પાત્ર નથી.” આ વ્યાખ્યાનુસાર જોઈશું તો ગુજરાતીમાં લખાયેલી અને લખાતી ઘણીક કલાપૂર્ણ, સુરચિત ગઝલોને વસ્તુતાએ ગઝલ કહેતાં આપણે અટકવું પડશે; કેમકે ગઝલનું શરીર તે 'ગઝલ' નથી પણ તેનો પ્રાણ – તેનો આત્મા તે જ ગઝલ છે. 'ગઝલ' તે છંદોબદ્ધ રચનાનું નામ નથી, પણ અમુક રચનાના સૂક્ષ્મ ભાવશરીરનું નામ છે. એ જ ફારસી લેખક ઉમેરે છે કે, 'પ્રિયતમાના વિરહથી થયેલી દુ:ખદ દશા ઉપરાંત પ્રેમી હૃદયના વખતોવખતના નમ્ર કાલાવાલા, પ્રિયતમા તરફથી તેની સુનવણી અને તેનાં જુદાં જુદાં પરિણામોનો અનુભવ પણ ગઝલમાં આલેખાયેલો હોય છે. પ્રેમભક્તિના મધુપાનમાં મત્ત થયેલા હૃદયની મસ્તી અને પ્રેમને અનુકૂળ વસંત ઋતુના બહારનું વર્ણન પણ ગઝલમાં આવે છે.' ફારસી તથા ઉર્દૂમાં લખાયેલી ગઝલો જોતાં આ અભિપ્રાયનું વાસ્તવિકપણું સ્પષ્ટ થાય છે.

દયારામની ગઝલો હિન્દીમાં હોવાથી આ સંગ્રહમાં દાખલ કરેલી નથી, તોપણ એ બળતા હૈયામાંથી આવેલા ગઝલના ઉદગારો ખરેખર જ આબાદ ગઝલો છે. ગઝલમાં પહેલવહેલા ગુજરાતી લખનાર તરીકે આપણે સ્વ. દયારામભાઈને ગણવા જોઈએ. દર્દી દયારામનું ઝખ્મી જિગર ગઝલમાં ઈશ્ક પુકારે છે. જુઓ:–

"મદનમોહન પ્યારે મહેબૂબ મેરા હૈ,
"દિદાર હુવા જબસેં દયા દિલમેં ડેરા હૈ !
"ઇશ્કઝખ્મકી મારી ભયી મેં દીવાની;
"કોઈ બેલી નહીં સાહેલી, શોખી દિલકી યે જાની !
"ઈશ્કમય ઉસી પર વોહી મેરા જીવન.
"હુઈ ખલ્ક સારી ખારી કછૂ લગતા હૈ ન મન !
"એક યાદ મીઠી બતિયાં, છતિયાં ફાટ જાતી હૈ;
"કછૂ કહેને મેં નહીં આતા, નૈનાં ભરભર આતી હૈ !

"મતલબકે ગરઝી આલમ, જાન કહલાતેં હૈ;
“દયા પ્રીતમ બેપર્વાહી બલિહાર કહલાતેં હૈ ”

આવા ચુનન્દા આશકને કવિ કહેવામાં શું અન્યાય સ્પષ્ટ નથી ? તે 'આશક' છે, બેશક.

ગઝલ શું છે ?

તેના મૂળ ઉત્પાદકો આપણને સૂચવે છે તે પ્રમાણે તે પ્રેમવાર્તા છે; તેના આંતરમાં ઊતરતાં પ્રતીત થાય છે કે, ગઝલ એ ગાણાનું નામ નથી પણ ખરી ગઝલ ગોયા ધર્મસ્તોત્રને સમરૂપ આત્મજ્ઞાન છે.

'મ–ફા–ઈ–લુન્–મ–ફા–ઈ–લુન્' એ માપની રચનાના છન્દને આપણે સામાન્ય રીતે ગઝલ તરીકે જાણીએ છીએ, પરંતુ 'મસ્ત બાલ' આપણને કહે છે કે 'ગઝલ' એ એક ગાણાનું નામ છે એવું સમજવામાં ભૂલ છે. તે ગાણાનું નામ નથી પણ 'કવિતાના વિષય સંબંધી સામાન્ય નામ છે અને છન્દનું નામ 'હઝ્ઝજ મુસમ્મન’ છે એ 'હઝ્ઝજ’ છન્દ જેને આપણે ખોટી રીતે ગઝલ કહીએ છીએ, તેની રચના માટે તે સૂચના કરે છે કે:–

'ફારસી પ્રમાણે ચાર ચાર અક્ષરી ચાર ગણ દરેક ચરણમાં આપવા જોઈએ. ગણપ્રમાણ: – ऽ ऽ ऽ (લ ગુ ગુ ગુ) છે. આપણા શાસ્ત્રની પ્રસ્તારપદ્ધતિ પ્રમાણે આ પ્રમાણેના સમપદ છંદનું પ્રમાણ આવે, પરંતુ છન્દશાસ્ત્રનો પ્રસ્તાર અત્યંત છે, એટલે નામ પડેલું ભાગ્યે હોય. આપણી વ્યક્ષરી રીત લાગુ કરતાં આ છંદનું પ્રમાણ નીચે પ્રમાણે આવશે:

– ऽ ऽ | ऽ – ऽ | ऽ ऽ | – ऽ ऽ | ऽ – ऽ | ऽ ऽ |
ય       | ર       | ગુ  ગુ | ય      | ર        | ગુ ગુ |

પ્રથમ બે પાદ અંત્યાનુપ્રાસવાળાં હોવાં જોઈએ; વળી બે પાદનો એક શ્લોક ગણાય છે તે પ્રમાણે દરેક શ્લોકનું બીજું ચરણ પ્રથમ શ્લોકની સાથે અંત્યાનુપ્રાસવાળું હોવું જોઈએ. આવા પંદર શ્લોક (બયેત્) અગર તેથી ઓછાવત્તા લખવાને રિવાજ છે. ચરણમાં આઠ અક્ષરે યતિ હોય છે, જો કે યતિ વિષે ફારસી છંદશાસ્ત્રમાં વિવેચન મારા જોવામાં આવ્યું નથી. યતિ હોય તો વધારે સારું.'

પરંતુ ગઝલના શરીરની ઘટના અને તેના પોશાક તથા અલંકારનું—છંદની ઇબારત વગેરે ઉપયોગી બાબતોનું અભિજ્ઞાન આપણા સુપ્રસિદ્ધ વિદ્વાન મહાશય રા. રા. રણછોડભાઈ ઉદયરામે ‘ફારસી કાવ્યરચના' એ નામે જે લેખપ્રસાદ આપ્યો છે, તે દ્વારા આપણને થઈ શકશે. (જુઓ 'ગુજરાતી ગઝલિસ્તાન': પૃ. ૪૭)

ઈસ્લામી રિયાસતની સત્તા ભારતવર્ષ પર સ્થાપિત થયાને લીધે દેશના આંતરબાહ્ય સ્વરૂપમાં જે પલટો થયેલો તેમાં તેના વાઙ્મય સાહિત્ય પર પણ પરોક્ષ અને પ્રત્યક્ષ અસર થયેલી અને ગઝલ તેનું પણ પરિણામ છે.

છતાં, આપણે ગઝલનો પ્રાણ–તેનું આંતર શોધવાને પ્રવૃત્ત થઈએ, એ વધારે ગુણકારક છે – આત્મોપકારક છે.

અંતરંગમાં ગઝલનો સંબંધ ખાસ કરીને પ્રેમજીવન અને પ્રેમયોગ એ પ્રેમભક્તિના ધર્મપ્રવાહની સાથે છે, એ અસલ હકીકત જ્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં–વિસ્તાર અને ઊંડાણથી સમજાય નહિ. ત્યાં સુધી ગઝલમાં પ્રસ્ફોટન પામેલા હૃદયોદ્દગાર પણ મૂળ રૂપમાં સમજાય નહિ એ દેખીતું છે.

'પ્રેમ એ જ પરમાત્મા છે' અને 'જાતે પ્રેમી થયા સિવાય પરમાત્મપ્રાપ્તિ સ્વાનુભવસિદ્ધ થતી નથી,’ એ નરસિંહ, મીરાં, દયારામ, કલાપી તેમજ બીજા મહાત્માઓના અનુભદ્ગારોનો ટૂંકામાં સાર છે. સિદ્ધાર્થ થવા ચાહનારે જીવનનો એ ઉદ્દેશ સ્વીકારવો જોઈએ, એવું પ્રેમી હૃદયોનું માનવું છે. પ્રેમભક્તિદ્વારા પ્રભુપ્રાપ્તિના પ્રયાસો ભિન્ન ભિન્ન પ્રકારે જુદી જુદી પ્રજામાં થયેલા જાહેર છે; ખ્રિસ્તી પ્રજા પ્રેમસ્વરૂપ ઈસુને પ્રભુનું સમરૂપ સ્વીકારે છે અને ખરું ખ્રિસ્તી હૃદય પ્રભુ ખ્રિસ્તના શાશ્વત પ્રેમસ્વરૂપમાં, પ્રેમયોગ અને પ્રેમભક્તિદ્વારા લીન–વિલીન થઈ 'બલિ’ બને છે, અને પ્રભુમાં ભળે છે ભારતવર્ષમાં લાંબા કાળથી પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણના ભક્તો તેમને પૂર્ણ पुरुष પુરુષ ગણે છે અને તેમના તરફના વ્રજની ગોપીઓના પ્રેમને પરમાત્મપ્રેમ માને છે.

ખ્રિસ્તનું કે કૃષ્ણનું સ્થૂલ શરીર આજે વિદ્યમાન નથી એ સ્પષ્ટ છે; છતાં, તેમની ભાવનામય મૂર્તિને કાલ્પનિક લક્ષ્ય (આઈડિયલ) તરીકે પરમપૂજય અને અનંત ઐશ્વર્યયુક્ત સ્વીકારી–પરમાત્મા ગણી–ભક્તોનાં કોમળ અને દિવ્ય શ્રદ્ધાથી યુકત હૃદયોએ પ્રમભક્તિ કરેલી છે–કરવામાં આવે છે. વૈષ્ણવસંપ્રદાયમાં તો શ્રીકૃષ્ણની ખુદ પરમેશ્વર તરીકે જ પ્રેમભક્તિ ધર્મ્ય ગણાય છે અને તે એટલે સુધી કે ખરો ભક્ત શ્રીકૃષ્ણ સિવાય ઇતર કોઈને 'પુરુષ'ની ભાવનાથી જોતો જ નથી. તે માને છે કે, બધી જ ગોપીઓ છે અને 'પતિ' તો પરમ पुरुष એક જ શ્રીકૃષ્ણ છે અને તેમને (એટલે સાક્ષાત્ પરમાત્માને) પામવાને દરેકે તેની ‘ગોપી' બનવું જ જોઈએ. કુષ્ણની 'ગોપી' બની જઈને જે એમની પ્રેમભક્તિ પૂર્ણ આસ્થાથી અને 'પોતાનું ભાન ભૂલી જઈને' કરે, તે જ કૃષ્ણમય–કૃષ્ણસ્વરૂપ થાય.

ભક્તિમૂર્તિ મીરાંબાઈની ધર્મભાવના આ પ્રકારની જ છે. તે પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણની 'ગેાપી' છે અને હૃદયથી તેમને વરેલી છે—બીજા કોઈને તે 'પુરુષ' જોતી જ નથી; કૃષ્ણની ભાવનામૂર્તિ માં તેને પરમાત્માની આસ્થા અને ઝાંખી છે અને તેની સાથે તેના હૃદયની લગની લાગે છે–પ્રેમ જાગે છે અને આધિઉપાધિ તમામ તે ત્યાગે છે. પોતાના પ્રભુ ઈષ્ટ પતિ-પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણની જોગણ બની, આંતરબાહ્ય સર્વસ્વ તેમને સમર્પિત કરી તેમને એકને જ તે આરાધે છે. પોતાના પ્રભુનાં પુરાણ-પ્રસિદ્ધ લીલાસ્થાનોનાં દર્શન કરતાં કરતાં શ્રીકૃષ્ણની વહાલી વિહારભૂમિ-વિલક્ષણ વૃંદાવનમાં તે આવે છે અને ત્યાં મહાત્મા જીવા ગોસાંઇનો નિવાસ સાંભળીને, તેમને 'હરિજન જાણીને' તે નિમંત્રણ મોકલે છે. જીવા ગોસાંઈ સ્ત્રીનું મોં નહિ જોવા નિયમ પાળતા હોવાથી નિમંત્રણને અસ્વીકાર કરે છે. ફકત શ્રીકૃષ્ણને જ પુરુષ માનતાં મીરાંબાઈ જીવા ગોસાંઈને કહેવરાવે છે –

'આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક:
-' વૃન્દાવન વસી હજી પુરુષ રહ્યા છો ! તેમાં ધન્ય તમારો વિવેક !
 'મીરાં મન મોહન શું માન્યું.'
 (મીરાંચરિત–દયારામ)

તેનાં પ્રેમયોગી ચક્ષુઓ ફક્ત એકને જ પુરુષની ભાવનાથી પૂજે છે. પ્રેમયોગ એનો આત્માનુભવ છે.

ભકત પોતે 'ગોપી’ બની જઈને, હૃદયની પૂર્ણ આસ્થાથી પ્રભુને જ પોતાને પ્રેમસ્વરૂપ સ્વામી સ્વીકારે છે અને તેની સાથે હૃદયની લગની લાગતાં પ્રેમયોગ–ભક્તિયોગ જામી જાય છે અને પરિણામે તે તેને પામે છે.

વૈષ્ણવસંપ્રદાયને અનુરૂપ, ભક્તિના આ વિધિને સમરૂપ, પણ બાહ્યમાં તેનાથી ભિન્ન પ્રકાર, ઈરાન, અરબસ્તાન વગેરે ઇસ્લામી મુલ્કોમાં ભારતવર્ષની પેઠે જ પ્રચલિત છે. મીરાં, નરસિંહ તથા કૃષ્ણને ઈષ્ટ અને પ્રભુ માનનારા બીજા ભક્તો જેમ પોતે પોતાને 'સખી’ અને પ્રભુને 'પ્રિયતમ' માને છે, તેમ ઈરાન વગેરે દેશોના ભક્તો પ્રભુને પ્રેમસ્વરૂપ પ્રિયતમા–માશુક માને છે. કૃષ્ણના ભક્તોની પેઠે જ તેઓ પ્રભુનાં દર્શન માટે હૃદયની લગની લગાડીને પૂર્ણ પ્રેમથી તેની ભક્તિ કરે છે. આવા ભક્તો 'સૂફી' ઉપનામથી મશહૂર છે. એવી જ 'સૂફીવાદ'ની કંઈક અસર દયારામભાઈની ઉર્દૂ–હિન્દી ગઝલમાં થયેલી લાગે છે. તેમણે જેમ સખીભાવે કૃષ્ણને પતિ, પ્રીતમ વગેરે સંબોધન કર્યા છે, તેમ સૂફી આશકોની પેઠે તેમણે મહબૂબ, માશૂક, દિલદાર વગેરે સંબોધનો પણ કૃષ્ણને કરેલાં છે. સૂફીવાદમાં ભક્ત તે આશક છે અને પ્રભુ તે માશૂક છે. આશક અને માશૂક એટલે ભક્ત અને પ્રભુ.

પરંતુ, દરેક ગઝલમાં ભક્ત અને પ્રભુ વચ્ચેના પ્રવાહનો જ ઉલ્લેખ હોય એવું નથી હોતું. કેટલીએક ગઝલો એવા પ્રકારની પણ હોય છે કે જેમાં સ્ત્રીપુરુષના સામાન્ય માનવસંબંધની જ વાત હોય છે. માનવપ્રેમને 'ઇશ્કે મિઝાજી' કહેવામાં આવે છે અને કેવળ ભાવનામય અમૂર્ત પ્રભુને મૂર્ત છે કલ્પીને—અથવા વેદાન્ત પ્રમાણે સ્વરૂપને લક્ષીને સનમ–પ્રિયતમાનું સંબોધન કરેલું હોય છે, તેવી પ્રીતિને 'ઇશ્કે હકીકી' યાને ઇશ્કે ઇલાહી (ઈશ્વરી પ્રેમ) કહે છે.

અલબત્ત, સૂફીઓએ લખેલી આરબી, ફારસી અને ઉર્દૂ ગઝલમાંથી પણ પ્રભુપ્રેમની અને માનવપ્રેમની ગઝલો પિછાનીને જુદી પાડવાનું કામ બહુ મુશ્કેલ છે; કેમકે શબ્દ–સંદર્ભ, ભાવનાની વ્યંજના—હૃદયના ઉદ્‌ગારોનું સામાન્ય સ્વરૂપ બન્ને પ્રકારની ગઝલોમાં લગભગ સમાન જ હોય છે. સાહિત્યના વિદ્વાન વિવેચકોથી પણ પ્રભુપ્રેમની અને માનવપ્રેમની ગઝલ જુદી પાડીને તેમની પરીક્ષા કરવાનું બની શકે તેમ નથી, એ કાર્ય તો આન્તરદ્રષ્ટિના માહાત્મ્યનું છે, કે જે ભક્તિયોગને માર્ગે બ્રહ્મકૃપાને પરિણામ તરીકે સ્વયં ઉદ્દભવે છે.

સૂફીવાદની સાથે 'ગઝલ'ને ખાસ સંબંધ છે. સૂફીના સિદ્ધાંતો આરંભમાં વૈષ્ણવસંપ્રદાયની પ્રેમભક્તિને, તેના પ્રેમ-કીર્તનને સમરૂપ હોઈ, છેવટે કેવલાદ્વૈત વેદાન્તમાં પરિસમાપ્તે છે. સૂફીવાદની હકીકત વિસ્તારથી જાણ્યા વિના, ઇશ્કની ગઝલોને ઇન્સાફ આપવાની પૂરી પાત્રતા આપણે પામી શકીએ નહિ અને તેથી તેનો સાર અહીં વિચારી જવો જોઇએ.

'સૂફી' એ શબ્દનો અર્થ (સૂફ-ઊન, એ ઉપરથી) ઊનનો જામો પહેરીને ફરનાર એવો થાય છે અને એ ઉપરથી રૂઢ અર્થ, સૂફી એટલે પવિત્ર મનુષ્ય એવો કરવામાં આવે છે. આર્યધર્મનાં જુદાંજુદાં શાસ્ત્રોમાં કર્મકાંડ, ઉપાસના, જ્ઞાનકાંડ, યોગદર્શન ઇત્યાદિ માર્ગોદ્વારા બ્રહ્મનો વિચાર કરવામાં આવે છે, છતાં વિશુદ્ધ હૃદયે માત્ર પ્રેમની જ લગની લગાડીને સતત ભજનકીર્તનમાં રત રહેતાં ભકતહૃદયો શાસ્ત્રોને ગણકાર્યા સિવાય પોતાનું પ્રેમવિશ્વ જુદું જ રચે છે; અને આવાં ભક્ત હૃદયનાં ઘણાં દ્રષ્ટાંતો ભારતવર્ષની ભિન્નભિન્ન ભાષાઓના સાહિત્યમાં મોજૂદ છે. સૂફીવાદનો અનુયાયી આશક પણ તે જ મિસાલે સનમની લગની અને પ્રેમભક્તિમાં લીન રહે છે. આપણા સાહિત્યમાં જાણીતાં થયેલાં ભક્ત હૃદયોની માફક લોકૈષણા, વિત્તૈષણા, શાસ્ત્રૈષણા, પુત્રૈષણા વગેરે બધી વાસનાઓને સૂફી આશક પ્રેમનાં ભજનકીર્તન અને પ્રેમયોગની લીનતાદ્વારા ક્રમાનુક્રમે ઓગાળી દે છે અને પ્રભુના એક જ વિચારમાં જિંદગીનું તે સર્વસ્વાર્પણ કરે છે.

વૈષ્ણવસંપ્રદાયનો સાચો અનુયાયી–ગોપી બનેલો ભક્ત જેમ પ્રભુપ્રેમનાં ભજનમાં—તેનાં ગાનતાન અને નૃત્યમાં જ મશગૂલ રહે છે, તેમ સૂફી આશકો પણ 'નાચનારા' કહેવાય છે. આવા ભક્તો દુનિયાદારી પતાવીને સનમના ચિન્તવનમાં ઝુકાવે છે–નાચે છે–ઊનને જામો (એટલે ફકીરની કફની જેવું લાંબું પહેરણ) પહેરે છે અને બંસી બજાવે છે તથા ગઝલકવ્વાલીની બેતો લલકારતા અથવા ચિન્તવનમાં હાલમસ્ત જિંદગી ગુજારે છે. સૂફી આશક સનમનું ચિન્તવન કરે છે તે સ્થિતિને 'તસવ્વર' અથવા 'તફક્કર' કહે છે. શાસ્ત્રમાં મન્દાધિકારીઓ માટે સ્થૂલ નિયમનાં જે બંધનો છે તેને જેમ પ્રેમમાં ડૂબેલાં ભક્તિનિમગ્ન હૃદયો ગણકારતાં નથી, પણ પ્રેમયોગમાં જ મત્ત રહે છે, તેમ સૂફી આશકો પણ શાસ્ત્રની પુરાણી વાતો કરતાં આત્માનુભવને વધારે મહત્ત્વ આપે છે. શાસ્ત્રાજ્ઞાને શબ્દશઃ સ્થૂળ અર્થમાં જ સમજીને તેને અનુસરવાની કર્મકાંડની પૂજનવિધિ વગેરેને 'શરિયત’ કહે છે. સૂફીઓ કર્મકાંડના એ પગથિયાને ઉલ્લંઘી જઈને એથી આગલા પ્રદેશની મુસાફરી કરનાર હોય છે. એ પ્રદેશ તે તત્ત્વવિચારની સાથે પ્રેમભક્તિનો છે અને તેને 'તરિકત’ કહે છે.

'સૂફીવાદ' એ ઇસ્લામનો ગુહ્યવાદ (મિસ્ટીસીઝમ) મનાય છે. તેના સ્થાપનાર હઝરત મહંમદ પયગમ્બર સાહેબના જમાઈ અને પહેલા ખલિફ હઝરત અલી સાહેબ ગણાય છે. હઝરત અલી સાહેબના ૪૫ શિષ્યો સૂફીવાદની આન્તર દીક્ષા લઈને આર્ય સંન્યાસીઓની પેઠે ધ્યાનપરાયણ નિવૃત્ત જીવન ગાળતાં. સંન્યાસીઓ જેમ પોતાને માટે તીર્થયાત્રા ઈત્યાદિ આવશ્યક માન્યા વિના, આત્મા–પરમાત્માની એકતાનું જ ચિંતન કર્યા કરે છે, તેમ 'સૂફી' પણ ઇસ્લામી પયગમ્બરો કે કાબા કરબલા ને મક્કામદીનાની કશી પરવા કરતો નથી. સૂફી આશકોમાં બસરાનાં રખિયા નામનાં એક પાક ખાન હિઝરી સનની બીજી સદીમાં થયેલાં છે. તેમનું જીવન કેટલેક અંશે મીરાંબાઈને મળતું છે. કાબાનું મન્દિર–જેને ઇસ્લામીઓ બહુ પવિત્ર ગણીને માન આપે છે, તે જોઈને તેમણે કહેલું કે –

"હું માત્ર ઇંટો અને પથ્થરનું મકાન જ જોઉં છું. એનાથી મને શો લાભ છે? ઓ માલેક ! મારે તો માત્ર તારી જ ગરજ છે.”

બાહ્ય કૃતિઓને તેમજ બાહ્ય વિધાનોના આડંબરને ઇશ્કના ચુસ્ત આશકો લેખામાં ગણતા નથી, પણ અંદરના મુલ્ક તરફ તેમના હૃદયનો ઝોક હંમેશનો હોય છે.

પ્રેમભક્તિ અને પ્રેમયોગની લીનતાને રસ્તે આગળ વધતાં, સૂફીવાદ સિદ્ધાંતની બાબતમાં જીવ અને બ્રહ્મની એકતાના તત્ત્વવિચારને પ્રાધાન્ય આપે છે અને એ એકતાનો સ્વાભાનુભવ પામવાને આશક પોતામાં રહેલી દેહાત્મભાવનાઓને પરાસ્ત કરવાને હંમેશ જ મથતો હોય છે. વેદાન્તમાં જેને અભેદસાક્ષાત્કાર કહે છે, તેવો સ્વાનુભવ એ દરેક સૂફીનું અંતિમ પ્રાપ્તવ્ય હોય છે અને તેને માટે હૃદયની પાત્રતા પરત્વે દરેક પ્રવાસીને જુદા જુદા અનુભવો તેના આંતરમાં ક્રમાનુક્રમે થતા રહે છે. વેદાન્તની પરિભાષામાં બોલીએ, તો સર્વાતીતભાવ, સર્વરૂપભાવ અને નિષ્કઇંચનભાવ એ પ્રવાસી હૃદયના આ આત્માનુભવને ક્રમ છે. મુમુક્ષતા એટલે આર્ત જિજ્ઞાસાને હૃદયાન્તરમાં ઉદ્દભવ થયા વિના વસ્તુપ્રાપ્તિ માટે સાધકની પાત્રતા સ્વીકારાતી નથી, તેમ સૂફીવાદના ઇશ્કમાં પણ હૃદયની તમામ લાગણીઓનું એક જ કેન્દ્રમાં વહન વૃદ્ધિગત થયા વિના આશકનું જિગર કદાપિ લાયક થતું નથી. સૂફીવાદ પ્રેમને જ જગતનું ઉત્પત્તિકારણ અને નિર્વાહક તત્ત્વ માને છે અને છેવટે જ્ઞાનને પ્રેમથી અભિન્ન અનુભવે છે. આશક જાતે પ્રેમી બની જઈને પોતાનું તમામ વ્યક્તિત્વ (દેહાત્મભાવ) પ્રેમમાં (બ્રહ્મમાં) ગુમાવી દે છે. શબ્દાન્તરે કહીએ, તો તે પોતે પોતાને ભૂલી જવા માંડે છે અને જાતે પ્રેમ બનવા માંડે છે. પ્રેમની આ છેલ્લી સ્થિતિના જ્ઞાનને (હક-સત્ય ઉપરથી) 'હકીકત' કહે છે.

આશકના જિગરને માશૂકની જુદાઈનો સખ્ત 'ઝખ્મ' થયેલો હોય છે અને એવા 'ઝખ્મ'ની વેદના આપણને ભક્તિમૂર્તિ મીરાંબાઈએ પણ કહેલી છે. સ્વાભાવિક છે કે 'ઝખ્મ'ના 'દર્દી'નું ચિત્ત અનેક આકર્ષક વસ્તુઓ તરફ વાળવામાં આવે, તો પણ 'જખ્મ' જો કારી અને આત્મા પરનો હોય તો તે 'જખ્મ'નું 'દર્દ' તે કદાપિ વીસરી શકે નહિ. મુમુક્ષુ જેવો સંસ્કારી તેવી આત્મોન્નતિમાં તેની ગતિ અને પ્રાપ્તિ. પ્રેમના પ્રવાસીને હૃદયાન્તરમાં ઊંડો 'જખ્મ' થયેલ હોવો જોઈએ— ખરા મુમુક્ષુને જ્ઞાનની તૃષા–પ્રભુપ્રાપ્તિની તીવ્ર વાંછના એટલી બધી આર્ત હોવી જોઈએ કે તે બધા અનિત્ય પદાર્થોની અસત્યતા પૂરેપૂરી સમજીને તેનાથી નિવૃત્ત થયેલો હોવો જોઈએ અને એવો માત્ર પ્રેમનો જ પિપાસુ–ઈશ્કનો આશક–પ્રેમબ્રહ્મના ચિંતવન સિવાય બીજી બધી જ બાબતોમાં સ્વાભાવિક રીતે જ બેદરકાર હોય છે. પ્રેમ જેને સૂફીઓની પરિભાષામાં 'શરાબ' કહેવામાં આવે છે, તેનું ઉમેદવાર દિલ દુનિયાની ચલિત ચીજોની કિંમત ફૂટલી કોડી જેટલી પણ ગણતું નથી; તે તો ફક્ત હૃદય અને હૃદયાન્તરની પ્રેમોર્મિ, આત્મભાવના અને આત્માનુભવને અધીન રહી પ્રેમબ્રહ્મની આન્તર બંસીના સૂર પર નૃત્ય કરતું ઊંડાણમાં ને ઊંડાણમાં આગળ વધતું જ હોય છે.

*[] 'તઝ્કિરાત-ઉલ-ઔલિયા' માં જણાવ્યા પ્રમાણે એક જ્ઞાની મહાત્માએ એક સૂફી મઠની મુલાકાત લેતાં જણાવેલું કે, 'આખી દુનિયાનું ઈશ્વરવિષયક જ્ઞાન એકત્ર કરીએ તો પણ મારા જ્ઞાનની બરાબર થઈ શકે નહિ. તે છતાં, મારું પોતાનું જ્ઞાન પણ સૂફીઓ સાથે સરખાવતાં ઓછું છે.' મહાત્મા ઇમામ અહમદના શિષ્યોએ સૂફીઓ તરફ આક્ષેપ કરતાં તેમને માટે કહેલું કે, 'તેઓ માત્ર અંધશ્રદ્ધાને અનુસરે છે અને તેમનામાં પ્રકાશની ન્યૂનતા છે.' મહાત્મા ઈમામે જવાબ દીધો કે, 'નહિ; તેઓનામાં


  1. *'તઝ્કિરાત્–ઉલ—ઔલિયા' ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે 'મુસ્લિમ મહાત્માઓ' એ નામે પ્રકટ કર્યો છે. એમાં મહાતપસ્વિની રબિયા, મહાતપરવી જલાલુદ્દીન વગેરે ૯૬ સૂફી સંતનાં જીવનચરિત્રો ને બોધવચન આપેલાં છે–પ્રકાશક)
જ્ઞાનનાં ઊંડાં મૂળ છે.' શિષ્યોએ ફરી કહ્યું: 'એક ભાગેલા ફળની છાલ સિવાય બીજા કશાની તેઓ ઈચ્છા કરતા નથી.' મહાત્માએ કહ્યું કે, 'આખી પૃથ્વીમાં સૂફી જેવી ભવ્ય વાંછનાવાળા મેં બીજા કોઈને જોયા નથી. એક ભાગેલા ફળના છોતરા વિના આ દુનિયાની બીજી કોઈ પણ વસ્તુની તેમને કશી જ અપેક્ષા નથી. બેશક, તેઓ નિ:સ્પૃહી છે.' પ્રેમ અને આસ્થા એ સૂફીવાદનું આવશ્યક લક્ષણ છે અને આત્મજ્યોતિનો સાક્ષાત્કાર એ તેનું પરિણામ છે.

આપણા પ્રાચીન કાળના ભક્તોનાં હૃદયગાનનો મુખ્ય વિષય જ જેમ પ્રભુભક્તિ છે, તેમ સૂફીઓની ગઝલો પણ જીવાત્મા અને પરમાત્માનો સંબંધ જ ગાય છે. સુફી તત્ત્વજ્ઞાન એટલે 'તરિકત' અથવા 'મારિફત'માં રાજયોગ સુધ્ધાંનો સમાવેશ થાય છે. સૂફીઓ માને છે કે આમાથી પરમાત્મા અભિન્ન છે. જીવાત્મા ઈશ્વરમાંથી બનેલો નહિ, પણ ખુદ 'ઈશ્વરનો બનેલો' છે અને અગ્નિની ચિનગારીઓ મૂળ અગ્નિથી જેમ જુદી નથી–સમુદ્રના તરંગો જેમ સમુદ્રથી જુદા નથી–તેમ જીવાત્મા પરમાત્માથી જુદો નથી, એવો સૂફીનો તત્ત્વસિદ્ધાંત છે. સૂફીવાદના સિદ્ધાંતોમાં સગુણ અને નિર્ગુણ ભક્તિનું ક્રમિક નિરૂપણ અને અનુસરણ છે.

ઈશ્વરી અવાજે જીવોને પૂછ્યું કે, 'શું તમે પરમાત્મા સાથે સંબદ્ધ અને અદ્વૈતમાં નથી ?' જીવોએ કહ્યું: 'બલી' એટલે 'હા.' આવી એક વાર્તા પરથી સૂફીઓનાં લખાણમાં 'બલી' અને 'નેસ્તી' (એટલે 'શું તું તે નથી ?') એવા શબ્દો જે વેદાન્તના तत्त्वमसि મહાવાકયના વ્યંજક છે, તે વારંવાર આવે છે. 'અનલહક' એ सोऽहम् વ્યંજક છે. તેઓ માને છે કે: –

પરમાત્મા અનાદ્યન્ત, સૌન્દર્ય અને પ્રેમસ્વરૂપ અને સચરાચર વ્યાપ્ત છે અને તેના સિવાયનો સ્નેહ એ માયા માત્ર છે. અહીં જણાતી સૌન્દર્યની અને સ્નેહની મૂર્તિઓ પ્રભુનાં પ્રતિબિમ્બો છે, તેના સૌન્દર્યના આદર્શો છે. આખું જગત કરોળિયાની જાળ જેવું છે. સ્વરૂપાનુભવ માટે બહુલક્ષક ચિત્તને એક સ્થાને સ્થિત કરવાની જરૂર છે અને એવી ઘનીભૂત થયેલી હૃદયભાવનાના પ્રબળ પ્રવાહથી પ્રેમયોગ સિદ્ધ થઈ શકે છે. પ્રેમયોગ એ સૂફીનું મહત્વનું સાધન છે.

છતાં, સૂફી સન્તમહાત્માઓ જે જગતને નિયમનમાં મૂકવાને તેની સાથે સંબંધ રાખે છે, તેઓ જગતના હિતની ખાતર અધિકારભેદને પણ સ્થાન આપે છે; બધાં હૃદયોની એકસરખી પાત્રતા હોતી નથી અને તેથી જેઓ સૂફીવાદની દીક્ષા સ્વીકારે છે તેમને માટે કેટલાક સંતમહાત્માઓએ અમુક ક્રમ ઠરાવેલો છે. 'ફના–ફી–શય; ફના–ફી–શેખ; ફના–ફી રસૂલ અને ફના–ફીલ્લાહ:' એ ચાર પગથિયાં સૂફી ઇશ્કનાં ક્રમિક આરોહણો છે. 'ફના–ફી—શય' એટલે કોઈ પણ ચીજમાં ગુમ થઈ જવું અને એ ન્યાયે જોતાં ખરા હૃદયની 'મૂર્તિપૂજા' સાથે સૂફીવાદને કશો વિરોધ નથી. અલબત્ત, મૂર્તિપૂજાને નામે હાલ ભારતવર્ષમાં જે બાહ્યાડમ્બર પ્રચલિત છે, તેને તો સૂફીઓ વ્યર્થ અને અર્થહીન જ ગણે છે. મૂર્તિ પૂજા જો पोर्ण प्रेमથી કરવામાં આવે, મીરાંબાઈની પેઠે એવી ભાવભક્તિથી કરવામાં આવે કે તે કર્યા સિવાય હૃદય જીવી શકે જ નહિ, તો જ તે સાર્થક છે-બાકી આપણા દેશમાં મંદિરો અને મૂર્તિપૂજાનો જે રિવાજ ગતાનુગતિક ચાલ્યો આવે છે એવા કૃત્રિમ અને ફરજિયાત દંભમાં તો સૂફી આશકને કશી આત્મોન્નતિ લાગતી નથી. એવી સ્થૂલ શૃંખલાઓથી તેનું હૃદય દૂર રહે છે. અલબત, સૂફીઓ કદાપિ ધર્મના ઝગડામાં પડતા નથી, પણ કેવળ ઉદાસીન રહે છે. તેમને જગતની સાથે કશી લેવાદેવા નથી, પણ લીનતા અને ચિન્તવન એ જ એમનું સ્વાભાવિક કાર્ય છે અને તેથી હૃદયને–આત્માને જે ઝાંખી હલાવે તેની ભક્તિ અને ઉપાસના બીજી સર્વ બાબતોને ભોગે તેમને મંજૂર છે. 'ફના-ફી–શેખ' એટલે ગુરુ, જેને તેઓની પરિભાષામાં 'સાકી' (એટલે પ્રેમનો મદિરા પાનાર) કહે છે, તેની સેવામાં સ્વાર્પણ કરવું.

બેશક હકીકતના અનુભવ સુધી આગળ વધેલા સૂફી મહાત્માઓનો સિદ્ધાંત એ જ છે કે, બધાઓ ગુરુઓ છે અને બધાઓ શિષ્યા છે. પરંતુ એવી આન્તરદશાનો સ્વાનુભવ થાય નહિ, ત્યાં સુધી તો પ્રેમનું જ્ઞાનામૃત પાનાર મહાત્માની લીનતા અને આસ્થાથી ભક્તિ કરવાનું સૂફી સન્તો આવશ્યક માને છે. એ ગુરૂભક્તિ તે માર્ટિન લ્યુથરના દંડને પાત્ર નહિ, પણ ધનંજયના કૃષ્ણ તરફના આદરનું સમરૂપ છે. 'ફના–ફી -રસૂલ' એટલે પયગમ્બરમાં પોતાપણું ગુમ કરી દેવું. ઉપરની બે સ્થિતિમાંથી પસાર થનાર આશક પયગંબરનાં વચનોને તેના સામાન્ય અર્થમાં સાધારણ જનસમાજની પેઠે નહિ, પણ મૂળ અર્થમાં સાંકેતિક રહસ્ય ઉકેલીને પોતામાં સ્પષ્ટ ઉકેલવાને પાત્ર થાય છે અને છેવટે તે 'ફના–ફીલ્લાહ' એટલે પ્રભુમાં સર્વસ્વસમર્પણ કરવાને પાત્ર થાય છે. તે આત્મામાં જીવે છે.

આ છેલ્લા 'હાલ'નો આત્માનુભવ થતાં સૂફી આશક જીવન્મુક્ત થાય છે. 'ब्रह्मविघ्नह्मैव भवति । એ તે અનુભવે છે. એવા મુક્તાત્મા તરીકે બાયઝિદ્દ, જુનૈદ, મનસૂર, અબુલ ખયૂર. જલાલુદ્દીન રૂમી વગેરે સૂફીઓ મશહૂર છે.

તે 'નવું–જીવન–બ્રહ્મજીવન' પામે છે. 'ફના' પછીની એ દશાને સૂફીની પરિભાષામાં 'બકા–બાદ-ઉલ્–ફના' કહે છે.

સૂફીવાદ એ સામાન્ય બાબત નથી, પણ ગંભીર સિદ્ધાંતોની ગૂઢ રહસ્યયુક્ત ધર્મભાવના છે, અને તેથી તેમનું હૃદયગાન ઉકેલવામાં સાહિત્યના જ્ઞાન કરતાં સ્વાત્માનુભવ વધારે ઉપયોગી છે એ સ્પષ્ટ છે. પ્રભુને કાલ્પનિક આદર્શ મૂર્તિ (સનમ) કલ્પીને લખાયેલી પ્રેમધર્મની ગઝલોમાં તે પ્રત્યક્ષ ન છતાં, તેના ગાલની લાલી, તેના અધરની સુરખી, તેના કદમની મેંદી, ચુંબનવ્યવહાર, તેનું શરાબી જામ, તેને મેળાપ કરાવી આપનાર સાકીનું શરાબખાનું વગેરે વખતોવખત આવે છે. સૂફીઓ જણાવે છે કે આ સઘળા શબ્દો અમુક પરિભાષાના છે. અને તેનો અર્થ અતિશય ગૂઢ છે– કેટલાકોએ તો આવા ગૂઢ શબ્દોને એક જુદો જ શબ્દકોષ તૈયાર કરેલો છે. એમાં જણાવ્યા મુજબ 'નિદ્રા' શબ્દનો અર્થ ધ્યાનલીનતા-સમાધિ છે; 'ખુશબો' એટલે 'સનમની મીઠી નજર' છે, શરાબનો અર્થ 'પ્રેમની ઉન્મત્તતા' છે; 'ચુંબન'નો અર્થ ‘સનમની નિકટતાનો છે; 'સાકી' એટલે ગુરુ; 'અધરરસ’ એટલે અપરોક્ષાનુભવની ઝાંખી; 'ગાલની લાલી' એટલે 'પ્રભુના સૌન્દર્યનું–તેની પ્રેમકૃપાનું અનુભવ-દર્શન' અને 'વાયુલહરી' એટલે 'પ્રભુની પ્રેમકૃપાનો સુંદર પ્રવાહ' એ પ્રમાણે સમજવામાં આવે છે; છતાં, બધા સૂફીઓ આ પારિભાષિક શબ્દો અમુક એકસરખા અર્થમાં જ વાપરે, એવો કશો નિયમ નથી. ઉદાહરણ તરીકે 'શરાબી જામ' નો અર્થ કેટલેક પ્રસંગે 'આખું વિશ્વ' એવો કરવામાં આવ્યો છે. કેટલેક પ્રસંગે 'આશકનું દિલ' એવો કરવામાં આવ્યા છે અને કેટલેક પ્રસંગે 'પ્રભુની કૃપા' એવો પણ કરવામાં આવ્યો છે. ધ્યેય સ્વરૂપબ્રહ્મની કાલ્પનિક મૂર્તિ હોવાથી તેના સૌન્દર્યના, તેના પ્રેમના અને પ્રવાસીને તેના માર્ગમાં અનુકૂળતા અને ઉત્તેજન આપનારા હરકોઈ પ્રેમભંજક શબ્દો, ગમે તે ભાવાર્થમાં વાપરવામાં આવે તો પણ તેથી અર્થવિપર્યય થવાનો ઓછો જ સંભવ છે.

સૂફીવાદની ઉત્પત્તિ કુરાને શરીફમાંથી થયેલી મનાય છે, છતાં સામાન્યદ્રષ્ટિથી જોતાં તેમાંના સિદ્ધાંતોથી સૂફીવાદ ભિન્ન તત્ત્વ સ્વીકારનારો છે, એ નિ:સંશય છે. જીવાત્મા અને પરમાત્માનો ભેદ ઇસ્લામી મઝહબમાં ખુલ્લો છે અને સૂફીવાદ તો અદ્વૈતવાદી છે. કેટલાક વિવેચકો એવું પણ માને છે કે સૂફીવાદનું મૂળ આર્યોનાં ઉપનિષદો ઉપરથી લેવામાં આવ્યું છે અને એ માનવું કંઈક કઠિન છતાં બેલાશક સંભવિત છે.

સૂફીવાદ જે ધર્મતત્ત્વો માને છે, તેનું પ્રાપાતિક અવલોકન કરતાં, દરેક પ્રજામાં જુદે જુદે વખતે સૂફીવાદના સિદ્ધાંતો પ્રકારાન્તરે દાખલ થયેલા છે, તે જોઈ શકાશે. ગ્રીક પ્રજામાં સૂફીવાદના સિદ્ધાંતોને મળતા જ વિચારો પ્લૅટાના કાળમાં પ્રચલિત થયેલા. રોમન પ્રજામાં પણ એ સિદ્ધાંતો બહુ પરિચિત થયેલા; સૂફીવાદનું રહસ્ય સમજાવનાર ભક્ત મહાત્મા મૌલાના જલાલુદ્દીન મહમ્મદ સાહેબ ઘણો કાળ રોમમાં રહેલા અને 'રૂમી' ના ઉપનામથી જ પ્રસિદ્ધ છે. સૂફીવાદનો પૂર્વભાગ ભારતવર્ષમાં વિષ્ણુવસંપ્રદાયની પ્રેમભક્તિદ્વારા, બંગભૂમિમાં થયેલા ભક્ત મહાત્મા ગૌરાંગપ્રભુની ઉપાસનાદ્વારા અને એમ અનેક રીતે પ્રવર્તેલો છે અને પ્રવર્તમાન છે અને તેનો ઉત્તર ભાગ વેદાન્તના ગૂઢ સિદ્ધાંતોના અનુસરણમાં સ્પષ્ટ છે. આપણું ગુજરાતી ભાષામાં પણ નરસિંહ મહેતા, ધીરો, અખો, છોટમ, પ્રીતમ વગેરેનાં ભજનનું તેમજ નાનક, કબીર વગેરે મહાત્માઓની (હિન્દી), વાણીનું મનન કરતાં સૂફીવાદના ઉત્તર ભાગનો સારો ખ્યાલ આવી શકે એમ છે. સ્વામી રામતીર્થ જગત સમક્ષ સૂફીવાદની પૂર્ણતાના આદર્શ જ રજૂ કરે છે, એ તેમના લીન અભ્યાસીઓને વિદિત છે.

આ અટપટા સંસારની વિચિત્ર જાળમાં રહેનાર મનુષ્યને તેમાંથી નિવૃત્ત થવું અને સ્વાભાવિક પ્રેમભાવના વડે, એકીકૃત હૃદયવૃત્તિથી પ્રભુ તરફ અરે ! કોઈના તરફ પણ સ્નેહની અચલ લગની લાગવી એ બહુ વિરલ છે. કશા પણ હેતુ વગર કોઈ કોઈને ચાહે—હૃદયાર્પણ કરી દે એ ઐહિક જગતની વ્યાવહારિક નિયત્રંણામાં તો બનવું બહુ મુશ્કેલ છે. અલબત્ત, અહેતુક સ્નેહનાં ભવ્ય અને જ્વલંત દ્રષ્ટાંત થોડાંક તો હરકોઈ પ્રજાના વાઙ્‌મય સાહિત્યમાં કાયમની સુરખીથી લખાયેલાં પ્રકાશિત છે. યુસૂફ-સુલેખા, શીરીં–ફરહાદ, લયલા-મજનૂ અને વામક-ઉઝરાના દાખલા ફારસી તથા ઉર્દૂ સાહિત્યમાં જાણીતા છે. અલબત્ત તેઓ બધાં પૂર્ણતાના અનુભવી નથી, પણ પરમપ્રેમયોગી છે-માનવપ્રેમ (ઇક મિઝાજી) મારફત ઈશ્વરી પ્રેમ (ઇશ્ક હકીકી) પામનારાં છે અને આ તુફાની ભવસાગરમાં આપણી ડગમગતી કિસ્તીઓને દીવાદાંડી મિસાલે દિલાસા સાથે દિશા બતાવનારાં છે, પરંતુ તેમના જેવું હૃદયાકર્ષણ થવું એ હરેકને સુસાધ્ય નથી. જે હૃદયને અલોકિક પ્રેમનું દર્શન થયેલું છે, તેની આન્તરદશા ખરેખર અદ્‌ભુત જ હોય છે. તે બીજા કશાથી કદાપિ પણ લેપાતું નથી જ. એવા દિવ્ય દર્શન સિવાયનો વ્યક્તિ તરફના પ્રેમનો તરફડાટ તે પ્રેમ નહિ પણ માયા જ છે, અને સ્વાભાવિક રીતે થવું જોઈએ તે પ્રમાણે તે ચિરસ્થાયી ટકતો નથી અને હૃદયવૃત્તિ છેવટે તે પ્રભુ તરફ વળે છે.

સૂફીવાદ માને છે કે, પ્રેમબ્રહ્મ સચરાચર વ્યાપ્ત છે અને તેનું વિરાટ સ્વરૂપ જોવું, પૂજવું અને છેવટે તેમાં લીન થઈને ગુમ થઈ જવું, એ જ આ શરીરધારણનો મહાન હેતુ છે. 'ઈશ્ક હકીકી' અને 'ઇક મિઝાજી' એવા બે ભેદ યદ્યપિ હૃદયના પ્રેમપ્રવાસની ગતિ પિછાનવાને પાડવામાં આવ્યા છે, તથાપિ વસ્તુતાએ તો એનો પ્રવાહ એક જ છે. શાહજાદો મજનૂ–જે પ્રેમમૂર્તિ લયલામાં પ્રભુદર્શન પામે છે અને તેના સ્મરણ અને તપમાં ઝાડ સાથે ઝાડ બની જાય છે, તે મજનૂ જોગીના ઇશ્કને વિવેચકો 'ઇશ્ક મિઝાજી'ના વર્ગમાં મૂકે, તોપણ સ્પષ્ટ છે કે, તમામ દુનિયાદારી અને સઘળા મનોવિકારો સુધ્ધાં એકદમ છોડી દઈને તેણે પોતાના સર્વસ્વાર્પણનું બલિ પ્રેમયજ્ઞમાં હોમ્યું હતું. અને તે હોમવા માટે નહિ પણ એવી રીતે જાતે હોમાયા વિના —તપ અને ચિન્તવન સિવાય–બીજી કોઈ હાલતમાં એ ઇશ્કના દીવાનાથી રહી શકાયું નહિ, માટે હોમ્યું હતું. ખરે, એ મહાત્માની આન્તરદશા તત્ત્વયોગીની હોઈ પ્રજ્ઞાચક્ષુનો તે સાચો ઉમેદવાર હતો, એ નિર્વિવાદ છે. ઈશ્વરી પ્રેમ પીધેલી તે જોગીની આંખો દુનિયાની સામાન્ય નજર જોઈ શકે છે તેવી લયલાંને જોતી ન હતી અને ન જુએ એ સ્નેહને સ્વાભાવિક છે. રાધા અથવા મીરાં જે દર્શન કૃષ્ણમાં કરી શકે, તુલસીદાસ જે દર્શન રામચંદ્રમાં કરી શકે, જે દર્શન હરકોઈ ભક્ત પોતાના ઇષ્ટ પ્રભુમાં કરી શકે, તે જ પરમાત્મદર્શનની ઝાંખી એ જોગીને થયેલી અને તે તેમાં જ લીનવિલીન રહ્યો. તેનું 'દર્દ' તે સામાન્ય નહિ પણ જીવાત્માનું દર્દ છે અને તેથી તે તપ સિવાય બીજી કોઈ દશામાં જીવી શકે નહિ, એ દેખીતું છે. બાહ્યમાં તો 'ચખ ડાલ માર ધનકો, કૌડી ન રખ કફનકો!' એવો તે ફકીર થયેલો જ, પણ એથી અતિ વિકટ તેણે એ કરેલું કે તેના અન્તરની તમામ ભૂમિકાનો કબજોગવટો તેને પોતાને નહિ પણ તેની ધ્યેયમૂર્તિનો હતો–અને હરકોઈ આશકને એ જ કરવાનું છે અને એવું સર્વસ્વાર્પણ થયા પછી આશકમાં શું રહે છે ? 'હું' નહિ પણ 'તું', અને આપણે વિચારી શકીએ કે એ 'તું' તે બીજો પુરુષ સર્વનામ નહિ, પણ પ્રત્યક્ષ પુરુષ નામ જાતે જ. પ્રેમ, પ્રેમ અને પ્રેમનો પ્રબળ પુકાર કરતો આશકનો આત્મા પ્રેમયોગના પ્રભાવે પ્રકૃતિથી પર કંઈક અનુભવતો આગળ માર્ગ કાપતો જ વધ્યો જાય છે અને નવા જીવનનો પોતાનો અસલ વતનનો મુકામ શોધી કાઢી ત્યાં કાયમનો ઠેરે છે. કુરાને શરીફમાં લખેલું છે કે:

'

હું એક ઢંકાયેલા જવાહિરની પેઠે છૂપેલો હતો;
'મને મારા બળતા તણખાએ ખુલ્લો કર્યો.'

એ મુજબ આત્મદર્શનનો અનુભવ તે પામે છે. ઉપનિષદ પ્રમાણે બોલીએ તો:–

'<poem>

'पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते' । बृ. उ.

તદનુસાર ‘પૂર્ણમાંથી પૂર્ણ જાય છે, ત્યારે જે અવશિષ્ટ રહે, તે પૂર્ણ' સ્વરૂપનો અનુભવ આશકને થાય છે. જીવની સ્થૂળ દ્રષ્ટિએ આપેલું જગતપણું પૂરેપૂરું બાદ કરતાં પૂર્ણ બ્રહ્મનું વિરાટ રૂપ જ રહે છે, દેહાત્મભાવનું 'હું' લય પામે છે - अहं ब्रह्मास्मि નું સર્વસામાન્ય 'હું' જાગે છે જે પૂર્ણ છે. તપ અને યોગદ્વારા સૂફી સ્થૂલેચ્છાઓને ક્રમે ક્રમે જીતવા માંડે છે અને માટીનું શરીર તે માટીનું જ છે, જે પદાર્થોમાં સુખ માનવામાં આવે છે, તે પણ માટીના શરીરની પેઠે માટીના છે અને હકીકતમાં માટીની કશી જ ગણના નથી, એ વાત તેના હૈયામાં કાયમને માટે લખાઈ જાય છે. દુનિયાને સૂફી આશકો સાથેનો વિરોધ, અલબત્ત, કાયમનો તો નહિ જ પણ લાંબા કાળનો તો છે જ. સૂફી આશક નવી દ્રષ્ટિ 'ફના-ફિલ્લાહ' પછી 'બકા'ના કે 'હાલ'માં આવે ત્યાં સુધી એવો વિરોધ રહે એ સહજ છે, બલકે ત્યાં સુધી એવું વૈમનસ્ય એ જ પરસ્પરનું લક્ષણ છે. વ્યક્તિમાં સમષ્ટિને અને તેના નિયામકને જોવાની અદ્દભુત આંખ આશકને પ્રેમે પોતે જ નજર કરેલી હોય છે અને આશક જાતે જ્યાં સુધી 'બકા’ના હાલમાં આવે ત્યાં સુધી આખી દુનિયાને પોતાની આંખ લગાડવાને અસમર્થ હોય છે; તેની એ લાચારી તો ઘણીકવાર ગઝલોમાં રડે છે એ આપણે જોઈએ છીએ. આપણા દેશના ભક્તોને અને દુનિયાનો એખલાસ કેટલો છે. તે પણ આપણને વિદિત છે. ભગવદ્ગીતા કહે છે કે:

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥ ९-२२
“અનન્ય પ્રેમમાં નિત્યે જે હૈયાં અભિયુક્ત છે,
“પોતે પ્રેમપ્રભુ ત્યાં તો યોગક્ષેમ વહ્યા કરે.”

એવું અનન્ય ચિન્તવન અને એવી પર્યુંપાસના સૂફી કરે છે; અને પતંજલિ ભગવાન યોગદર્શનમાં योगश्चित्त्वृत्तिनिरोध: | એવું યોગનું જે મૂલસૂત્ર પ્રબોધે છે તે આશકને 'ઝખ્મ' અને 'દર્દ' ની વેદનાને પરિણામે સ્વત:સિદ્ધ થાય છે, તેથી તે સનમના પ્રેમકીર્તન સિવાય બીજું કશું ચાહી શકતો નથી. તેના મનને નિગૃહીત કરવાને કે નિયમનમાં રાખવાને શાસ્ત્રાજ્ઞાઓની જરૂર પડતી નથી, કેમકે ખુદ આત્માની સાથે તેને સીધી આડત બંધાયેલી હોય છે અને એનું આંતરજીવન ગોયા એક પરમહંસ વા સંન્યાસીના જીવનને અનુરૂપ બની રહેલું હોય છે. પોતાપણું ફના કરવું એ સૂફીવાદનું તારતમ્ય છે અને તે સિવાય પ્રેમનો કે ચાહવાનો કશો જ હેતુ નથી; કેમકે પોતામાં રહેલાં વાસનાઓ અને વિકારો કાયમ રાખીને તો પ્રેમને પાત્ર કોઈ જ થયું નથી અને થઈ શકે નહિ એ સિદ્ધાંત છે.

ઉપરાંત, ચુસ્ત સૂફીનાં આવશ્યક લક્ષણ અને પ્રાપ્તવ્ય વિચારીએ, તો વિશુદ્ધ હૃદય, અસીમ ઔદાર્ય, આત્મનિગ્રહ, બ્રહ્મચર્ય, સતત ચિંતવન, વાસનાક્ષય, આત્માર્પણ અને પ્રેમલક્ષણા ભક્તિ એ એનું આન્તર જીવન છે. ભકિતમાર્ગના આચાર્ય નારદમુનિ પ્રેમભક્તિ સમજાવતાં કહે છે કે –

ॐ ॥ सा न कामयमाना निरोधरूपात् ।
ॐ ॥ परमप्रेमरुपवात् ||
ॐ ॥ निरोधस्तु लोकवेदव्यापार संन्यासः ।
ॐ ॥ तस्मै अनन्यता तद्विरोधिघूदासीनता च ।
ॐ ।। अन्याश्रयाणां त्यागो अनन्यता ।
ॐ ।। लोके वेदेषु तदनुकूलाचरणं तद्विरोधिषूदासीनता च ।
ॐ ॥ भवतु निश्चयदाढ्यदूर्ध्वं शास्त्ररक्षणम् ।
ॐ ॥ अन्यथा पातित्या शंकया ।
ॐ ॥ नारदस्तु तदर्पिताखिलाचाग्ता । तद्विस्मरणे व्याकुलतेति ।
ॐ ॥ असत्यवमेवम् !
ॐ ॥ यथा व्रजगोपिकानाम् ।:

ભાવાર્થ કે:-

'ભક્તિ કામના સિવાયની હોવી જોઈએ, (નિરુદ્ધ ચિત્તે કરેલી તેથી) નિરોધરૂપા હોવી જોઈએ. ભક્તિ પરમ પ્રેમરૂપા એટલે પોતાનું ભાન ભૂલી જઈને લીન અને ઉન્મત્ત ભાવનાથી થયેલી હોવી જોઈએ. લોક, વેદ અને વ્યવહારનો ત્યાગ અને ઈષ્ટ પ્રેમમૂર્તિમાં અનન્યતા અને તદ્વિરોધી બાબતોમાં ઉદાસીનતા એ પ્રેમીનો નિરોધ છે. ઈષ્ટ સિવાયના અન્યાશ્રયનો ત્યાગ કરીને ભક્તિ અનન્ય થવી જોઈએ. લોક અને વેદમાં જે ઈષ્ટપ્રેમને અનુકૂળ હોય તે જ કરવું, તેનાથી વિરોધી બાબતો તરફ ઉદાસીનતા રાખવી; પરન્તુ ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા થયા પહેલાં શાસ્ત્રનું રક્ષણ (પાલન) કરવું જોઈએ, અન્યથા પતિત થવાની શંકા છે. નારદનું કહેવું એવું છે કે કર્મ માત્ર તદર્પિત કરવા અને તેના વિસ્મરણથી પરમ વ્યાકુળ થવું (એ ભક્તિ છે). એ એવું જ છે-વ્રજ–ગોપિકાઓના પ્રેમ જેવો પ્રેમ–તે ભક્તિ.'

સૂફીવાદના અનુયાયીઓની પ્રેમભક્તિનું અભિજ્ઞાન ભક્તિમાર્ગના પ્રણેતા નારદમુનિ ઉપર પ્રમાણે કરાવે છે અને આશકોની ગઝલોમાં આપણે એ લક્ષણો આબાદ રીતે જોઈએ છીએ.

આશક કોને ચાહે છે, તે શેને પૂજે છે અને શા માટે પૂજે છે એ વગેરે પ્રશ્નો સિદ્ધાંત સમજવામાં સહાયક નથી– મહત્વના નથી, બલકે અભ્યાસીને જરૂરના પણ નથી; જોવાનું એ છે કે આશકની આંખ તેના ઉપાસ્યમાં શું જુએ છે અને તેનું પોતાનું વ્યક્તિત્વ તે પ્રેમયજ્ઞમાં કેવી રીતે ફના (આત્મવિલોપન) કરે છે. આર્યાવર્તના પ્રાચીન અને અર્વાચીન ભક્તોની કોમળવૃત્તિથી થયેલી અને થતી દ્રઢ હૃદયની 'મૂર્તિ પૂજા'ને પણ હંસનીય અને નારકી દશાના જ લક્ષણ જેવી જે માની શકે તેને તો પ્રેમીની મૂર્તિપૂજાનો સિદ્ધાંત ભાગ્યે જ ગમ્ય થઈ શકે; કેમકે 'ઉપાસક' અને 'ઉપાસ્ય' વચ્ચેનો સૂક્ષ્મ પ્રવાહ જગતની સ્થૂળ દ્રષ્ટિનો કે બુદ્ધિનો નહિ; પણ પ્રેમી આત્માના પ્રત્યક્ષાનુભવનો જ માત્ર વિષય છે. તે પ્રવાહ યોગી હૃદયનો તેના હૃદય તરફ વહેતો બ્રાહ્ય પ્રવાહ છે અને વિશુદ્ધ પ્રેમભક્તિ વડે તે નિરંતરનો પવિત્ર છે. જો તેમાં કામ, મોહ કે વિકારની સ્વસ્નેહમય જરા પણ છાંટ રહેલી હોય છે, તો તે પ્રવાહ આગળ ચાલી શકતો જ નથી અને આશકને કશો આરામ મળતો નથી, ફક્ત કડવાં આંસુ સિવાય બીજી કશી બરકત તેને થતી નથી, એ ખુલ્લી વાત છે.

વ્રજની ગોપબાલાઓ, મીરાંબાઈ, બિલ્વમંગળ, દયારામ, અને બીજાં ઘણાં ભક્તહૃદયો કૃષ્ણને સર્વસ્વ માનીને આત્માર્પણનો પ્રવાસ કરે છે. મહાત્મા તુલસીદાસ કૃષ્ણને નહિ પણ રામચંદ્રને હૃદયથી પ્રભુ માને છે અને ગોકુળવૃંદાવનમાં કૃષ્ણની મૂતિને નમવાની પણ ચોખ્ખી ના કહે છે. મજનૂ દીવાનો લયલાંમાં પરમાત્મદર્શન કરે છે અને ખુદ ખુદાની પણ પરવા કરતો નથી. પરમહંસ રામકૃષ્ણનું હૃદય મહાકાલિની મૂર્તિનું ઉપાસક છે અને તેમાં લીનતાદ્વારા તે સ્વાત્માર્પણનું બલિ પ્રેમયજ્ઞમાં હોમીને આત્માનુભવ પામે છે. તેમના જ શિષ્ય સ્વામી વિવેકાનંદ મહાકાલિની મૂર્તિને નહિ પણ પોતાના ગુરુ રામકૃષ્ણદેવને જ અદ્વિતીય ઉપાસ્ય માને છે. કેટલાક આશકો અજમેરના પીર ખ્વાજા સાહેબને જ સર્વસ્વ માને છે અને ઉપાસે છે. કેટલાક હઝરત મહમ્મદ પૈગંબર સાહેબને અને કેટલાકો સૂફીવાદના મૂળ સ્થાપક હજરત અલી સાહેબને ધ્યેય માને છે. કેટલાક પરમાત્માની મન:કલ્પિત મૂર્તિને લક્ષ્ય કરીને પ્રેમયોગ વડે ભક્તિ અને ચિન્તવન કરે છે અને ઉષ્માદ્વારા માર્ગ પામીને પ્રકાશમાં ભળે છે. એક પયગમ્બરની કથા એવી પણ કહેવામાં આવે છે કે જે સાંભળીને હાલની બુદ્ધિમાન પ્રજાને કદાપિ હસવું પણ આવે. કહે છે કે તેમણે એક મુમુક્ષુને પાડા તરફના દ્રઢ પ્રેમ પરથી ઈશ્ક હકીકીની તાલીમ આપી હતી અને તેમાં તે પ્રેરિત પુરુષ સફળ થયા હતા. બાબા પ્રેમાનંદભારતી તો એટલે સુધી કહે છે અને બેશક તે સાચું છે કે હૃદયને જે વધારેમાં વધારે પ્રિય લાગે તેને ચાહવું અને જો કોઈ વ્યક્તિને ચાહવાનું ન બની શકતું હોય, તો प्रेम એ શબ્દની મૂર્તિ કલ્પીને લક્ષ્ય સ્થાને તેને રાખીને યોગી થવું અને એ તલ્લીનતાથી પણ પરમાત્માના પુણ્યપ્રકાશનો આત્માનુભવ અવશ્ય થશે. ઉપરાંત, આપણી ભાષામાં પ્રભુને માતા તરીકે પરમપ્રેમથી ઉપાસના કરનારાં કેટલાંક કાવ્યો લખાયેલાં છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને બીજા અવતારો એ દેવીના જ છે, એમ ભક્તોએ સ્તુતિ કરતાં ગાયેલું છે. (જુઓ વલ્લભનો ગરબો, બૃ. કા.)

મિઝાજી અને હકીકી ઈશ્કના સંબંધ વિશે મૌલાના જામી 'યુસૂફ-ઝુલેખા' વિશે લખતાં એક પ્રસંગે કહે છે:–

"શુનીદમ શુદ મુરીદે પેશ પીરે,
"કે બાશમ દર સલુકશ દસ્તગીરે;
"બી ગુફ્ત અર પા નશુદ દર ઈશ્કત અઝ જાયે,
“બી રવ આશક શવ વાંગેહ પેશે મન આયે;
“મ તાબ અઝ ઇક રૂ ગરચે મિજાઝેસ્ત,
“કે આં બહેરે હકીકત કાર સાઝેસ્ત;
"બ લોહ અવ્વલ અલેફ્બેતે ન ખ્વાની,
"ઝે કુરાં દરસ ખ્વાન્દન કય તવાની ?”

ભાવાર્થ કે :—

“મેં સાંભળેલું છે કે કોઈ શિષ્ય મહાત્માની પાસે દીક્ષા લેવા ગયો. ગુરુએ કહ્યું કે, 'તું કોઈને ચાહતો નથી, માટે શિષ્ય થઈ શકશે નહિ. કોઈના પર પણ આશક થઈને તું આવે તો તને દીક્ષા આપું. ઈશ્ક મિજાઝીની તો તને ખબર નથી, તો હું તને હકીકતની તાલીમ શી રીતે આપું ? પાટી પર 'અલેફ્બેતે’ નહિ ઘૂંટે તો તને કુરાન વાંચતાં શી રીતે આવડશે ?”

અહીંયાં અપરા પ્રીતિના સાધનને પરા ભક્તિ માટે આવશ્યક ગણવામાં આવ્યું છે.

હદ્દીસ શરીફ જેમાં ઈસ્લામી પેગંબરની સવિસ્તર તવારીખ છે, તેમાં ઉલ્લેખ છે કે –

'અલ મિજાઝો કન્‌તર-તુલ્-હકીકતે; અલ્ ઈન્સાનો મીર અતુલ્ ઇન્સાન,'

'ઇશ્ક મિજાઝી એ ઈશ્ક હકીકીની સીડી છે; ઈન્સાન એ ઈન્સાનને જોવાનો આયનો છે.'

આ ઉપરથી જોવાનું છે કે, વ્યક્તિ તરફનો પ્રેમ પણ જો સામાન્ય નહિ પણ અનન્ય અને અલૌકિક હોય, તો તે ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારમાં ઘણી વધારે મદદ કરે છે. એ જ ગ્રંથમાં કહેલું છે કે:—

'અલ્ ઇશ્કો જુનોજુન રફદો બીના ઉલ અકલે:' 'અલ ઇશ્કે નારૂન ફિલ્‌કલ્બે તહર્રરકો મા સેવલ્લ મેહબૂબે.'

એટલે, “ઇશ્કનું લક્ષણ જ છે કે અક્કલની બીનાને તે ઉખાડી નાંખે છે. ઇશ્કની આગ એવી છે કે તે મેહબૂબ (યાને પ્રિયતમા) સિવાય બીજું બધું ભસ્મ કરે છે.”

અમેરિકાનો સુપ્રસિદ્ધ વેત્તા એમર્સન પણ આને ઘણે અંશે મળતા વિચારો જણાવે છે. તે કહે છે કે સ્નેહનું દર્શન આત્માને પૂર્વસ્મૃતિ કરાવે છે અને ક્રમેક્રમે સ્થળ બાબતો છૂટતાં ચાહનાર પરિણામે વિશ્વવ્યાપક–સર્વ સામાન્ય પ્રેમ સુધી પહોંચે છે અને આત્મદર્શન પામે છે. આત્માને ચાહનાર જાતે આત્મા બને છે. (જુઓ એમર્સન, 'ઓન લવ.')

હકીકત એવી છે કે હૃદયને કોઈ પણ સ્થાને ભવ્યતા સુંદરતા-કાંતિની દિવ્યતા–પ્રભુતાનું જ્વલંત દર્શન થવું જોઈએ. એ 'ઝખ્મ' યાને ઝાંખી જો વિશુદ્ધ અને અલૌકિક હોય છે તો જ ચાહનારના આખા આન્તરતન્ત્ર પર કાયમની અસર કરે છે, કેમકે તે પ્રકૃતિથી પર હોય છે અને આ આત્મીય પ્રેમ હોય તો જ તે ચાહનારને માનવસ્નેહમાં પણ પ્રભુપ્રેમનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. અલબત્ત 'પોતાપણું' તમામ ઓગાળ્યા વિના સામાન્ય માનવસ્નેહનો કશો જ વિશિષ્ટ અર્થ નથી એ સ્પષ્ટ છે; કારણ કે, સ્નેહ એટલે જ સાત્ત્વિક સેવા-સ્નેહ એટલે જ 'હું' મટીને 'તું' થવું; અને માનવસ્નેહના મામલામાં એ અતિશય વિકટ છે. અશારીરિક આત્મત્વ (પ્લૅટોનિક લવ)ની પ્રેમભાવના માનવસ્નેહમાં કાયમની રહેવી એ બહુ જ મુશ્કેલ છે. કામ, મોહ અને સ્વસ્નેહના વિકારોનાં વિકટ પ્રલોભનો માનવસ્નેહમાં પળેપળ આવે છે, અને એ પરીક્ષણોમાં ટકી રહેવું એ વિરલાં હૃદયથી જ બની શકે એવું છે. સ્ત્રીપુરુષના સ્નેહને માર્ગે અનેક પ્રકારનાં પ્રલોભક બલો ખડાં હોય છે અને એ દુશ્મનોનું માતબર લશ્કર આશકનો આગળનો માર્ગ સહેલાઈથી મેળવવા દેતું નથી, આથી તે અતિશય ભયંકર છે. સૂફીવાદના મિજાઝી ઇશ્કને નામે ચાલનારાં હૃદયને ખરેખર બહુ જ સંભાળવાનું છે.

ઈશ્કની ગઝલો લલકારનારાં જિગરોને આ પ્રસંગે આવશ્યક ચેતવણી આપવાનું ધર્મકર્તવ્ય છે કે, સ્નેહનાં કાવ્યો સ્ત્રીપુરુષના વિલાસી સ્વચ્છંદોને પોષણ આપવાને કદાપિ લખાયેલાં નથી; સૂફી આશક તો એવાં વિલાસી વર્તનનો ખરેખરો દુશ્મન છે અને હરકોઈ નીતિવેત્તા (મૉરેલિસ્ટ) સ્વચ્છંદ, વ્યભિચાર અને વિલાસને ધિક્કારવામાં જેટલો આગ્રહી હોઈ શકે, તેના કરતાં તે ઘણો વધારે આગ્રહી અને પવિત્ર છે. એકપત્નીવ્રત પાળનાર સામાન્ય ધર્મબુદ્ધિના વ્યાવહારિક મનુષ્ય કરતાં, સૂફી ઇશ્કના આશકનું હૃદય ધર્મ, નીતિ અને તત્ત્વની બાબતમાં ઘણું આગળ વધેલું હોય છે. ભોગવિલાસની નજરથી 'જોવું' એ જ સૂફી ઇશ્કના રાહદારી માટે ગંભીર પાપ છે અને તેથી કહેવું જોઇએ કે દુનિયામાં કોઈ પણ પ્રકારની નિરંકુશ બદી હોય તો તેને ઉમેરવાને નહિ, પણ મનુષ્યમાં રહેલા ઈશ્વરી બળનો પ્રવાહ તેના પોતાના મૂળ તરફ વાળવાને જ આવા સાહિત્યનો ઉપયોગ છે. સ્નેહ એટલે આન્તરનું અર્પણ, સ્નેહ એટલે શરીરનો નહિ, પણ આત્માનો આવિર્ભાવ અને સ્નેહનું દર્શન એટલે પ્રભુતાનું દર્શન. વ્યક્તિમાં એવું દર્શન થવા છતાં, આશક પોતાની પ્રિયતમાને કદાપિ પણ ભોજ્યા માનતો નથી – માની શકતો નથી, એ ખાસ કરીને લક્ષમાં રાખવું જોઈએ. સ્નેહ અથવા ઇશ્ક એ ભક્તિ છે અને આશક તે ભક્ત છે. અને ભક્તને તે પ્રભુનાં દર્શન થયા પછી પોતામાં પોતાની નાલાયકાત અને પ્રભુની અગાધ મહત્તા સિવાય બીજા વિચારો આવવાને અવકાશ જ નથી. આપણે જોઈએ:-

“સનમકા નૂર દેખા હય, ખુદાકા નૂરકે બદલે;
“હુવા હય દાગદિલ રોશન, ચેરાગહ તૂરકે બદલે.
* * *
“અનલહક્કે યવઝ લબ પર, અનલમહબૂબ જારી હો;
"ચ્હડાયેં દાર પર મુઝકો અગર મનસૂર બદલે.
(ગઝલે દાગ)

(પરમાત્માના જ્યોતિને બદલે સનમનું નૂર જોયું છે; તૂરના પહાડ પર પયગમ્બરને થયેલી ઝાંખીને બદલે મને દિલમાંનો ડાઘ સ્પષ્ટ થયો છે. 'હું બ્રહ્મ છું' એ મંત્રને બદલે 'હું મેહબૂબ-સનમ છું' એ મંત્ર મારા હોઠ પર ચાલુ રહો; અને મનસૂરને બદલે મને શૂળી પર ચઢાવી દો.)

"અરે ! કાતિલ તીખું તે જિગરને રેંશનારું છેઃ
“પરન્તુ પહાડનું હૈયું ખુદાએ આ ઘડેલું છે.”
(કલાપી)

(હૃદયને 'ઝખ્મ' કરનાર શસ્ત્ર—ઈશ્કનો ઝખ્મ કરનારું તેનું નેત્ર એટલું તો તીખું છે કે હૃદયને પૂરેપૂરું ચીરી નાખે; પણ મારું હૃદય જ કઠોર ગોયા પહાડનું બનેલું છે.)

પોતાનું અંતરવલોકન–પ્રતિપક્ષીની દ્રષ્ટિ કરે એવું–આબાદ થવું જોઈએ અને તો જ આન્તર પ્રવાસમાં આગળ વધી શકાય, અને આત્મવંચિત થવાના–ઊલટે રસ્તે જઈને દુ:ખદ બનાવો શોચવાનો પ્રસંગ ન આવે. પ્રવાસના ક્રમમાં પ્રત્યેકની પાત્રતા અને પ્રત્યેકના અનુભવો સમાન નથી હોતા, એ પણ ખ્યાલમાં રહેવું જોઇએ. 'હું પૂર્ણ છું' એ શબ્દ પ્રેમસ્વરૂપ ઈસુખ્રિસ્ત, શ્રીકૃષ્ણ, જનક, શુકદેવ, મનસૂર વગેરે દિવ્યાત્માના સ્વાનુભવની પ્રેરિત વાણી છે, પણ એ જ શબ્દો હિરણ્યકશિપુ, રાવણ, નમરૂદ કે ફિરોનના મુખમાં આત્મવિઘાતક-ઈશ્વરદ્રોહી છે, એ સ્પષ્ટ છે. પોતાના હૃદયનું–હૃદયભાવોનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવું એ બિલકુલ સહેલું નથી. 'સનમ તો હાજરાહજૂર છે, પણ આશકના ઇશ્કની કસૂર યા કમીનાને લીધે જ તે પરદેનશીન રહે છેઃ સજીવન–ચૈતન્યમૂતિ માત્ર સનમ જ છે—આશક તો ગોયા જાન વગરની ચીઝ મુરદું છે,' એ મૌલાના રૂમી સાહેબના કહેવા ઉપરાન્ત, આપણે મનન કરવા યોગ્ય એક સન્તના અનુભવોદ્ગાર છે કે –

'સાહેબકે દરબારમેં, કમી કાહુકી નાંહિ:
'બન્દા મૌજ ન પાવહી, ચૂક ચાકરી માંહિ.'

સરખાવો: ‘તમે હાથે કરીને જ હેરાન થાઓ છો–કોઈ બીજું તમારા ઉપર જબરદસ્તી કરતું નથી. કોઈ તમને બાંધી રાખતું નથી કે તમે જીવો કે મરો.'

સરખાવો:

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मने बन्धुरात्मैव रिपुरात्मनः ॥
भ. गी. ६.५

મસ્નવીમાંથી નીચેની એક વાત આપણને ઉપયોગી છે:

કોઈ આશકને એક પ્રસંગે તેની પ્રિયતમાનાં દર્શનની તક મળી. તેણે તેને હૃદયથી ચાંપીને ભેટવાને બદલે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને તેને વાંચી સંભળાવવા માંડ્યો. તે કાગળમાં એ જ માશૂકના રૂપની, તેના પૂર્ણત્વની અને તેના વિયોગમાં તે તેને કેટલા બધા પ્રેમથી ચાહતો તેની તારીફની તથા પોતાના દર્દની ગઝલો લખેલી હતી. તે સાંભળતાં માશૂકે તેને કહ્યું કે, 'હવે તો તમે સાક્ષાત્ મારી પાસે જ છો અને તેથી વિયોગના આવા વિલાપ અને દુ:ખના ઊભરા વાંચવામાં અત્યારે વખત ગાળવો એ તેનો અવળો ઉપયોગ છે. આપણને રૂબરૂ મળવાની જે લહાણ મળી છે, તેનો આ પ્રમાણે અવળો ઉપયોગ કરવો એ સાચા પ્રેમીને ઘટતું નથી. આ ઉપરથી તો સ્પષ્ટ થાય છે કે, તમારા પ્રેમની ખરી વસ્તુ હું નથી, પણ તમે ખરેખર જ જેને ચાહો છે, તે વસ્તુ તો તમારી પોતાની જ હાલમસ્ત દશા અને તેને લગતી તમારી પોતાની જ કવિતાના આલાપો છે. પાણીથી વિખૂટી પડેલી માછલી લાંબા કાળ પછી જેવી રીતે પાણીને જુએ તેવી રીતે હું તમને જોઉં છું, પણ તમે તો મારાથી જાણે તે રોકી રાખો છો. આ તો એવું છે કે જાણે હું અત્યારે લાહોરમાં હોઉં અને તમારું કોઈ પ્રેમપાત્ર લંકામાં હોય ! હૃદયને જેના તરફ ખરેખર પ્રેમ હોય છે, તે તો એવો હોય એ છે કે, હૃદયપાત્ર પ્રેમપાત્રને એકને માટે જ ખાલી હોય છે. તમારી બાબતમાં તો સ્પષ્ટ છે કે, તમારું હૃદય મારે માટે ખાલી નથી ! તમારા હૃદયમાં મારે માટે જગા હોય તેના કરતાં તમારી પોતાની ગઝલો માટે વધારે જગા છે !'

આ માશૂકના ઉદ્ગારોદ્વારા આશકોને બહુ ઉપયોગી નસીહત મળે છે. ખરા આશકની દશા તો આવી છે:-

“પ્હડેં ન ઈલ્મકી પોથી ! 'અલિફ બે પે' ન હમ સીખે !
“ફક્ત એક ઇશ્કકી મક્તબમેં હમ નામે સનમ સીખે!”

તાત્પર્ય એ છે કે, સૂફી આશકે ક્રમે ક્રમે પોતામાંની વાસનાઓનો ક્ષય કરીને મુક્ત થવા તરફ નિશાન રાખવું જોઈએ. તેણે 'સાફી' થવું જોઈએ. આસપાસની તમામ સ્થિતિમાંથી અલિપ્ત સાફ-પ્રેમસ્વરૂપ બનવાને જ તેણે મથવું જોઈએ. અનેક બાબતો તરફ ભટકતી વૃત્તિવાળું ચિત્ત 'પ્રેમયોગ' માટે નાલાયક છે. દુનિયાદારી અને ઈશ્કને બન્નેને મેળવવા માગનાર અને બન્નેમાં અક્કેક પગ રાખનારને સૂફીવાદના ઈશ્કમાં ફત્તેહ મળવાનો કેટલો ઓછો સંભવ છે, એ આપણે જોઈ શકીએ છીએ. માત્ર સૂફીવાદમાં જ નહિ પણ પ્રભુના બધા માર્ગોમાં એવી જ વિકટતા છે. પ્રેમસ્વરૂપ ઈસુ ખ્રિસ્તે પણ આપણને એવું જ કહેલું છે:–

“બે માલિકોની સેવા કોઈ માણસ કરી શકે નહિ, કેમકે તે એકને કાં તો ધિક્કારશે કે બીજાને ચાહશે, અથવા તો એકને પક્ષ કરશે ને બીજાને દ્વેષ કરશે. દેવ અને દૌલત બન્નેને તમે નહિ સેવી શકો.” (હોલી બાઈબલ પૃ. ૭૭૧; નવીન સન્ધિ, ૬: ૨૪ )

સૂફી આશકની ભક્તિ નીચેના પ્રેમ કીર્તનમાં આપણે જોઈએ:-

તેરી ઉલ્ફતમેં મર મિટના, શહાદત ઇસ્કો કહેતે હય:
તેરે કૂચેમેં હોના દફન, જન્નત ઇસ્કો કહેતે હય.

તુઝીકો દેખના, તેરી હિ સુનના, તુઝમેં ગુમ હોના:
હકીકત, મારિફત એહલે તરિક્ત ઇસ્કો કહેતે હય,
રિયાસત નામ હય તેરી ગલીમેં આનેજાનેકા:
તસવ્વરમેં તેરે રહેના, ઇબાદત ઇસ્કો કહેતે હય.

જો તુઝમેં ઔર તું જિસમેં ફિર ઉસકો ઢૂંઢના કયસા ?
યે હિ હય બેખબર ગફલત, જહાલત ઇસ્કો કહેતે હય.
પ્હડા કલમા બૂતોંને ઔર ગવાહી દી દરખ્તોંને:
નબૂઅત ઇસ્કો કહેતે હય: રસાલત ઇસ્કો કહેતે હય.

રહા મુઝમેં બશિકલે રુહ પર સૂરત ન દિખ્લાઈ:
ઇસે કહેતે હય બેગૈરત, મૈયત ઈસ્કો કહેતે હય.
કટાયા સરકો સિઝદેમે, યે હિ ઉમ્મતકી ખાતિર મૈં:
યહાદત ઇસ્કો કહેતે હય : ઈબાદત ઇસ્કો કહેતે હય.

નઝર આયા હય જો જલવા, મૈંને તાહ વ યાસીનકા :
ખા ખા કર કસમ કુરાને, સૂરત ઇસ્કો કહેતે હય.
તેરા આશક, તેરા શયદા, તેરા મફતૂં વ જાંદાદહ્:
તેરા ખાદિમ, તેરા બન્દા, હિદાયત ઇસ્કો કહેતે હય.
(ગઝલે હિદાયત)

એનો ભાવાર્થ આ પ્રમાણે છે:–

ખપી જવું પ્રેમમાં તારા, સમર્પણ એ અમે કહીએ :
દફન થવું શેરીમાં તારી, અમારું સ્વર્ગ એ કહીએ.
સ્તુતિ તારી જ બસ! સુખવી, તને જોતાં જ ગૂમ થઈએ:
મીમાંસા, સાંખ્ય ને તત્ત્વો, બધું એમાં અમે કહીએ.

સફર તારી ગલી માં તે, શહનશાહી અમે કહીએ :
રહેવું ચિન્તને તારા, પરાભક્તિ અમે કહીએ.
તું માં છે જે-તું છે જેમાં, પછી શું શોધવું તેને ?
ખબર નહીં એ જ અજ્ઞાની અગર ગાફિલ અમે કહીએ.

ઋચા આ વેદની શીખ્યા, બધું બ્રહ્માંડ સાક્ષીમાં :
અસલ એ શબ્દ બ્રહ્માનો, પ્રભુવાણી અમે કહીએ.
નિરાકારે રહે અન્દર મગર દર્શન ન દે દિલબર:
વગર તું તે નફટ જીવતર અગર મૃત્યુ અમે કહીએ.


ચરણ ચૂમતાં કપાવ્યું શિર, સનમના પ્રેમની ખાતિર :
સમર્પણ એ અમે કહીએ : પરાભક્તિ અમે કહીએ.
પીધું જે જ્યોતિ પ્રીતિનું, નિરંજન નેતિ નેતિનું :
ખરેખર ! વેદના સોગન ! પ્રભુ એ-એ અમે કહીએ.
દીવાનું ઘેલું તુજ પ્રેમી : ત્વદર્પિત પ્રાણુતનમનધન :
ગુલામી કાયમી તારી, સનમનો રાહ એ કહીએ.

આમીન. પ્રેમદર્શન, પ્રેમયોગ, પ્રેમભક્તિ અને છેલ્લે પ્રેમ અને જ્ઞાનની સુંદર અભિન્નતાનો આત્માનુભવ એ સૂફી ઇશ્કના રાહનો ક્રમ છે.

અલબત્ત સૂફીઓ પ્રભુને પ્રિયા કહે છે અને મજનૂં જેવા કોઈ દીવાના પ્રિયાને પ્રભુ પણ કહે છે, પરંતુ એ પ્રિયાને પામવું એ બચ્ચાઓની રમત નથી–ગઝલની લીટીઓ ગોઠવીને ગાનતાનમાં મશગૂલ રહેવાથી એ પ્રિયાનો ભેટો નથી, એ તો અવશ્ય વિચારવું જોઈએ. મજનૂં પોતાની પ્રિયાને પ્રભુ કહે એટલા માટે હાડમાંસની હરેક પૂતળી પ્રભુ બનવાને અથવા પ્રભુ તરીકે પૂજાવાને પાત્ર હોતી નથી. કૃષ્ણને મીરાંબાઈએ પ્રભુ તરીકે પૂજ્યા અને પ્રેમલક્ષણા ભક્તિથી હજી પણ ઘણાં હ્રદયો પૂજે છે, પણ એના ખોટા અનુકરણથી વૈષ્ણવ સંપ્રદાયના મહારાજો પૂજાવા લાગ્યા અને વલ્લભી સમાજે તેનું ગતાનુગતિક અનુસરણ કર્યું, એથી કેવા અનર્થ થયા એ “મહારાજ–લાયબલ–કેસ” ના અભ્યાસીઓને સુવિદિત છે.

પ્રેમભક્તિ એ બેશક કોમળ, પવિત્ર અને મહિમાવન્તાં ભક્તહૃદયોની દિવ્ય શ્રદ્ધાનું પરિણામ છે અને વિરલ હૃદયમાં જ તે સ્વયંસ્ફુરણ પામે છે, એટલું જ નહિ પણ હરકોઈ લૌકિક નિયન્ત્રણથી તે હંમેશાં પર હોય છે; છતાં પ્રેમને નામે જ્યારે દેશની અધોગતિ થવા લાગે છે, ત્યારે કુદરતના નિયમ મુજબ 'કરસનદાસ' જેવાં સાચાં અને વીર હૃદયો એ દુર્દશાનું ભાન કરાવવાને આગળ આવે છે અને આવવાં જ જોઈએ. ખરું છે કે શ્રદ્ધા એ બુદ્ધિનો વિષય નથી, છતાં, ધર્મને નામે ફરજિયાત અથવા અર્થહીન અનુકરણ તો કેવળ અનિષ્ટ છે. એથી સત્યનાં દ્વાર ખુલ્લાં નહિ, પણ બંધ થાય છે–પ્રકાશનો માર્ગ સંકોચ પામે છે, અને જાણેઅજાણે પણ પ્રેમ એટલે પ્રભુને આપણાથી અન્યાય થાય છે. વસ્તુસ્વરૂપનું રહસ્યજ્ઞાન પામ્યા વિના - ઈશ્કને નામે પ્રવાસી હૃદયો વિમાર્ગે વહી જવાની ધાસ્તી રહે છે અને તેથી આટલું બેલાશક બોલવાની ફરજ લાગે છે. મિજાઝી ઈશ્ક ગમે તેને ચાહે એમાં પ્રતિબંધ કશો નથી દેવી મીરાંની પેઠે તે જડમૂર્તિને લક્ષ્ય માને યા ચાહે તો મજનૂં જોગીની મિસાલે તે ચેતનમૂર્તિને લક્ષ્ય માનીને ચાહે; પણ જેને તે ચાહે છે, તેને દુનિયાની નજરથી નહિ પણ લૌકિક દ્રષ્ટિથી પર–પ્રભુતાની દ્રષ્ટિથી પૂજે છે કે કેમ એ જ તેની આત્મોન્નતિના ક્રમ માટે મૂળ પ્રશ્ન છે. ફારસી અને ઉર્દૂ સાહિત્યના ગતાનુગતિક અનુકરણ (એવા અર્થહીન અનુકરણને સૂફીવાદમાં 'તકલીદ' કહે છે)થી સંખ્યાબંધ ગઝલ ગૂજરાતીમાં દેખાવ આપવા લાગી છે, એ ચાલુ જમાનાની ખાસિયત હો કે ખૂબી હો, પણ તેનું પરિણામ આત્મવંચના અથવા વલ્લભી સંપ્રદાયની પેઠે વિકૃત કૃત્રિમતા નીવડે નહિ, એવી આપણે આશા રાખીશું અને તે સફળ કરવાને પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રાર્થના કરીશું ૐ||

હકીકી અને મિજાઝી ઈશ્ક એ બે જુદા માર્ગો નથી, પણ એક જ પ્રવાહનાં ક્રમિક ગત્યન્તર છે એ આપણે જોયું છે; અને સૂફીવાદની શૈલીએ લખાતી આપણી ભાષાની ગઝલોને કયાં સ્થાન છે, તે પણ આ નિરૂપણ પરથી જોઈ શકાશે.

દયારામભાઈ પછી એમના હૃદયને કંઈ અંશે સમરૂપ હૃદય આપણે કવિ નર્મદમાં જોઈએ છીએ. કવિ નર્મદે પ્રેમની મસ્ત અને જુસ્સાભરી બાનીમાં 'ઈશ્ક' ગાયો, બજાવ્યો અને ગુજરાતને સંભળાવ્યો છે. અલબત્ત, તેના હૃદય પર કીટસ, બાયરન અને બીજા અંગ્રેજી કવિઓની તથા દયારામ જેવાની અસર થયેલી છે, તેવી ફારસી કે ઉર્દૂ લેખકોની અસર થયેલી તેના ઉદ્ગારમાં જણાતી નથી. તેણે 'ગઝલ' નહિ ગાયેલી એવું નથી; 'ગઝલ' તેણે, બેશક, ગાયેલી, પણ તેના જેવા વીર હૃદયને 'પ્રેમશૌર્ય'ની ગર્જના પુકારવામાં ‘લાવણી”ની રચના વધારે અનુકૂળ પડેલી અને તેથી રૂઢ અથવા હાલ જે 'ગઝલ’ ગણાય છે તે માપ (મીટર)માં તેણે લખ્યું નથી.


"ચલો ! ચલો ! શું વાર લગાડો ! જલદી પીવા માંડો !”

વગેરે એના પ્રમત્ત ઉદ્ગારો જાહેર છે.

કવિ નર્મદના પ્રતિભાશાળી હૃદયે જ ગુજરાતને 'હૃદય' આપ્યું છે - જીવન આપ્યું છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ ગણાશે નહિ. નવી ભાવના, નવા વિચારો, નવી શૈલી અને નવા જુસ્સાની કવિતા તો આપણને નર્મદે જ આપી છે. જાણવા અને નોંધવા જેવું એ છે કે, 'લાગણી' એ શબ્દ જ અંગ્રેજી શબ્દ 'ફીલિંગ' ઉપરથી પહેલવહેલો ગુજરાતી ભાષાના શબ્દકોષમાં દાખલ કરનાર કવિ નર્મદાશંકર છે.

પરન્તુ, ગુજરાતી ભાષામાં ખરેખર ગઝલ લખનાર તો 'મસ્ત બાલ' છે. એ વિરલ વ્યક્તિએ આપણી એટલી તો કીમતી સેવા કરેલી છે કે તેની કદર કરવાની આપણા બંધુઓની અશક્તિ આપણે સ્વીકારવી જોઈએ. ફારસી શાયર હાફેઝ જે ઈરાનનો મહાન કવિ ગણાય છે, તેનું સાહિત્ય ગૂજરાત હજૂર રજૂ કરવાનો એમણે કરેલો પ્રયત્ન કેટલો ઉપકારક છે ? સૂફીવાદ વિષે પણ એ જ મહાન પુરુષે આપણને પહેલવહેલી માહિતી આપી છે. ઈસ્લામી રિયાસતના કેટલાક ઐતિહાસિક ગ્રન્થોનો તરજુમો પણ એમણે કરેલો; 'ભારતીભૂષણ,' 'બુદ્ધિપ્રકાશ' અને 'કૃષ્ણમહોદય’ વગેરે સામયિક પત્રોનું તન્ત્ર પણ કેટલોક કાળ ચલાવેલું. આપણા નવીન કાવ્યસાહિત્યમાં ફારસી ઢબ મુજબની ઈશ્કની શાયરી ‘મસ્ત બાલ'થી શરૂ થાય છે.

'મસ્ત બાલ'નું જિગર નીડર, પ્રામાણિક, સ્વતંત્ર અને વિશુદ્ધ છે, એ તેમના ઉદ્દગારોમાં પ્રપાત પામનારને સ્પષ્ટ થશે. ‘હરિપ્રેમપંચદશી' અને 'કલાન્ત કવિ' એ તેમનાં પ્રેમકાવ્યો હરેક પ્રેમી હૃદયને મનયોગ્ય છે. સૂફીવાદની ઝલક તેમની ગઝલોમાં બહુ સ્પષ્ટ છે અને તે ઈશ્કનાં રાહદારીઓને થોડુંક હૃદય ખર્ચ્યે સુગમ થઈ શકશે. ખરેખર, એ હૃદય આપણું રાહબર થવાને પાત્ર છે. 'ક્લાન્ત કવિ' માં સૂફી આશકે કરેલી ભક્તિ છે–ભક્તિ યોગ છે.

તેમના સમકાલીન અને મિત્ર મર્હૂમ પ્રો. મણિલાલે પણ સૂફીવાદના ધોરણ પર થોડીક ગઝલો લખેલી છે. 'મસ્તી' અને ‘દર્દ' અને એમની ગઝલોમાં પ્રધાન છે અને ઇબારતની બાબતમાં પણ 'મસ્ત બાલ'ની છાપ પ્રબલ છે. એમનો કાવ્યસંગ્રહ સટીક છે અને પ્રોફેસરે જાતે એમાં તાત્ત્વિક રીતે વેદાન્તવિચારો સમજાવેલા છે. વેદાન્ત અને સૂફીવાદનો સબંધ કેટલો નિકટ છે, એ પ્રો. મણિલાલના હ્રદયોદ્ગાર સ્પષ્ટ કરે છે. (જુઓ માર્ગદર્શક ટીકા. ગૂ. ગ.)

મર્હૂમ ડૉકટર હરિ હર્ષદ ધ્રુવની હ્રદયરંજક ગઝલોમાં ઈશ્ક અને ઈશ્કની મસ્તી કરતાં શૃંગારરસનું દર્શન વધારે છે; દયારામનો શૃંગાર અને નર્મદનો જુસ્સો એમાં સ્પષ્ટ છે. બેશક, તેમાં દર્દ છે, છતાં આપણે જોઈ શકીએ કે એ દેશપ્રેમી અને રસથી ઊભરાતા હૈયાનાં કવનોને સૂફીવાદની ગઝલો સાથે કશો આન્તર સંબંધ નથી. “હય્‌રાને-હિંદ એ મથાળા નીચે તેમણે કેટલીક સ્વદેશપ્રેમની ઊછળતી ગઝલો લખેલી અને 'ચંદ્ર'માં છપાયેલી છે, પણ તે આ સંગ્રહમાં પ્રસિદ્ધ કરવાનું ઉચિત લાગ્યું નથી. ઈશ્કના દફતરમાં કલાપીનું નામ તો મશહૂર અને ચિરસ્મરણીય છે. એ વિષે વધારે વિવેચનની અહીં અપેક્ષા છે કે ? એના કોમળ અને વિશુદ્ધ હૃદયની તલ્લીન લાગણીથી ગવાયેલા ઈશ્કે ગુજરાતના ગરીબ બગીચાને સુહાવ્યો છે અને તેના પડઘા તો સંભળાયાં જ કરશે. ખરેખર, કલાપી એક અલૌકિક પુરુષ છે. સત્તર-અઢાર વર્ષની વયે તેણે લખેલી પહેલી જ ગઝલ 'ફકીરી હાલ' તેના હૃદયની મહાન ભવ્યતાની પ્રતીતિ કરાવવાને બસ છે. ઈશ્ક સિવાય જેણે આખી જિંદગાનીમાં બીજું કશું જ પુકાર્યું નથી, ઈશ્ક સિવાય જેણે બીજું કશું જ કર્યું નથી અને ઈશ્કમાં જ જેણે જિન્દગાનીની કુલ કુરબાની કરી છે, તે અદ્ભુત જિન્દગીને આપણે શી રીતે ઇન્સાફ આપીશું ?

તેની ગઝલોમાં કલાનું પ્રાધાન્ય નથી, તે તો લાગણીનો શિરોમણિ આલેખક છે. લાગણી એ તેની ગઝલોમાં મુખ્ય તત્ત્વ છે અને ઈશ્કી આદમીની જિન્દગાનીનું પણ એ લક્ષણ ચોક્કસ કાલ સુધી હોય છે જ. કલાપીની ગઝલોમાં ખરું જોતાં કવિની કલા નહિ પણ લાગણીને વશવર્તિની – તેના દર્દની પ્રબલ પ્રેમોર્મિઓ છે. પ્રેમયોગમાં લીન થવું અને લીનતા દ્વારા અન્તે એમાં જ લય પામવું, એ કલાપીની ગઝલનો સાર છે - ઈશ્કનો પણ એ જ સાર છે: પ્રેમ, પ્રેમયોગ, ભક્તિ, લીનતા અને લય; નવું જીવન–શાન્તિ–મુક્તિ–નિસ્ત્રૈગુણ્ય.

કલાપીના પવિત્ર અને સુન્દર હ્રદયોપવનની નવી પ્રસાદી 'માલા અને મુદ્રિકા' આપણને હમણાં જ જડે છે. અલબત્ત, એમાં અમુક વજનનાં મુખમ્મસ યા કવ્વાલીની બેતો નથી; છતાં, ખુદ આત્માને ગાવાની આબાદ ગઝલ-ગઝલની 'માલા' અને સફલ પ્રેમની 'મુદ્રિકા' એમાં પાને પાને આશક જુએ છે, અને ફિદા થાય છે. સાધુબાન્ધવ પઢિયારે 'પ્રેમ; પ્રેમ ને પ્રેમ' પ્રકટ કર્યા પછી, આવી વિરલ પ્રસાદી આપણને હમણાં જ મળે છે. લગ્નસ્નેહની જે ખામીથી 'સરસ્વતીચન્દ્ર 'નું મહાભારત ખરેખર દૂષિત લાગે છે તેનું કારણ અને વારણ આ નવલ અને મંગલ ગઝલથી ગુજરાત કદાચ જોઈ શકશે એવી આશા છે.ૐ||

સ્વ. જટિલ, અરવિન્દ અને તકિલે થોડીએક ગઝલો લખેલી છે અને તે સરલ છે. સ્વ. અમૃત નાયકની પણ થોડી જ ગઝલો ઉપલબ્ધ થઈ શકે છે. તેની કૃતિ ઉર્દૂને અનુરૂપ છે અને ઈશ્કનો તેને અભ્યાસ અને સ્વાનુભવ છે, એ આપણે જાણી શકીએ છીએ.

સ્વ. દીનબન્ધુ 'મસ્ત બાલ’ના સમકાલીન, કંઈ અંશે શિષ્ય અને સાહિત્યપ્રવૃત્તિમાં સાહાય્યક છે. એમની બે જ ગઝલો સંપાદિત થઈ શકે છે અને તેમાં ખરી 'ગઝલ’નો આવિર્ભાવ છે, એ આપણે જોઈએ છીએ.

પ્રસિદ્ધ ગુર્જર ગ્રન્થકાર મર્હૂમ ગોવર્ધનરામે વધારે ગઝલો લખી નથી પણ 'સરસ્વતીચન્દ્ર' અને 'સ્નેહમુદ્રા'માં પ્રેમનાં ચિત્રોનું આલેખન બની શકેલા તમામ કલાકૌશલ્યથી કરેલું છે. તેમની નવલકથામાંની બન્ને ગઝલો રસ, દર્દ અને ઊંડું હૃદય બતાવે છે. ફારસી કે ઉર્દૂ ભાષાના વિશેષ શબ્દપ્રયોગ વગરની છતાં એ ગઝલો મનોરંજક અને સુશ્લિષ્ટ છે. કલાની દેવી કેટલી સમર્થ છે, તેનો અચ્છો નમૂનો એ કલમ રજૂ કરે છે. ઈશ્કના ચુસ્ત આશકો પરમ સત્ય (હકીકત) તરીકે પ્રેમ અને ધર્મ એવી બે જુદી ભાવનાઓનો બેશક, ઈન્કાર કરે છે; પરન્તુ એ કલાવિધાનમાં નવલકથાના લેખકે સત્ય કરતાં સહીસલામતીનો માર્ગ વધારે પસન્દ કર્યો છે. અલબત્ત, ગુજરાતના એક અપૂર્વ નવલિક તરીકે મર્હૂમ ગોવર્ધનરામ માટે આપણને ઘટતું માન છે અને હોવું જોઈએ. પરંતુ હકીકતની નજરે તપાસતાં આપણે જોઈ જ શકીએ કે, એ કથાના પ્રેમ નાયકને ગ્રન્થકારે ફરીથી કરાવેલું અયુક્ત લગ્ન કેવળ કૃત્રિમ અને અશક્ય છે, એટલું જ નહિ, પણ એથી એને પ્રેમપ્રવાહમાં નિપતિત બનાવીને કુશળ કલાચાતુર્ય જ્યારે ધર્મ અને હિતને આગળ કરીને એની તરફેણમાં વકાલત કરે છે, ત્યારે તો ખરેખર વિચિત્ર લાગે છે – છતાં એ વિષય અત્યારે બહુ આવશ્યક નથી. સાંભળવા પ્રમાણે ગોવર્ધનરામે 'મુખમ્મસ'ના મિઝાન પર 'ગઝલો' રચવાને પ્રયત્ન કર્યો હતો, પણ એમણે વધારે ગઝલો લખેલી જણાતી નથી. એમની 'સ્નેહમુદ્રા' પણ સ્નેહપાત્ર છે.

ઈશ્ક મનુષ્યની જિન્દગાનીનો અતિશય ગંભીર પ્રશ્ન છે, અને હવે તો આપણો ઉલ્લેખ ભૂતવર્તમાનમાંથી ચાલુ વર્તન માનની બહુ નજીક આવી પહોંચ્યો છે, તેથી હવે આપણે અટકવું જોઈએ.

હયાત લેખકોની ગઝલો વિશે બોલવું એ, કદાચ, તેમની જિન્દગી માટે બોલવા બરાબર થાય અને તેથી બસ.

'ગુજરાતી ગઝલિતાન’ જોતાં આપણને એ વિચાર આવ્યા સિવાય રહેતો નથી કે મૂળ ફારસી અને ઉર્દૂ ભાષામાં ગઝલોનું સાહિત્ય જોતાં ગુજરાતી ગઝલિસ્તાન 'કુચ્છ બિસાત'માં નથી–'આબેહયાત' જેવા ઉર્દૂ ગ્રન્થો જોતાં બાહ્ય અને આંતર બન્ને પ્રકારે ગુજરાતી ગઝલોનો સંગ્રહ કશા દમ વગરનો લાગે છે. અલબત્ત, સ્વર્ગવાસી લેખકોમાં બાલ, મણિલાલ, કલાપી, નાયક વગેરે દ્વારા તેમજ હયાત લેખકોમાં રા. રા. દેરાસરી (હવે મરહૂમ) વગેરે થોડાક લેખકો દ્વારા આવેલી 'ચીઝ’ આશકોને બેનમૂન બખ્શિસ છે, અને બેશક એમાંના ઘણા હૃદયોદ્‌ગારો ચૈતન્યવાહી અને પ્રેમની પરાકાષ્ટા ખુલ્લી દર્શાવનારા છે. પ્રેમ તેઓ જાતે હો અને સર્વત્ર વિસ્તરો. અસ્તુ.

'ગુજરાતી ગઝલિસ્તાન'માં આપણી કેટલીક બહેનો પણ પ્રેમગાન ગાય છે, એ આપણે ઘણી લાગણીથી જોઈએ છીએ: ઈશ્કનાં મુબારક તખ્ત મિસાલ એમનાં કોમળ હ્રદયમાંથી આપણને જે પ્રસાદ મળે છે તે પણ કેવો છે !

“જગત બાગે તું વેપારી, ખરીદી તારી છે ન્યારી;
“બધું તારું, નથી મારું, હરિ–સુખરૂપ જે ચારુ.”
(સૌ. હરિસુખગૌરી, 'ગૂજરાતી ગઝલિસ્તાન', પૃ. ૨૧૭)

એ ઉદ્દગારો ત્રિભુવનને બાગ કલ્પીને તેના માળીને સંબોધેલા છે, અને તેમાં શ્રદ્ધા છે, સ્નેહ છે, અર્પણ છે.

ગઝલનું લક્ષણ દર્દ અને મસ્તી એનું પણ રુદન અને નિરૂપણ ગુર્જરી દેવીઓ કરે છે :–

“હવે સંન્યાસ આ ધાર્યો, ધરી કફની જ્યહાં અંગે !
“કહો ત્યારે હવે શાને, રહેવું સ્વાર્થીની સંગે ?
“ભલે ! રણમાં વસી, વનમાં, જીવન મારું બધું ગાળું !
“ગણી ખોટો-સોદો ખોટો ! સકલ સંસારને જૂઠો !
"અરે ! યોગી ! વિયોગી હું, સદા છું પ્રેમની યોગી;
"નહીં યોગી ! સદા યોગી ! સદા સંન્યાસિની હું તો !”
(સૌ. કાન્તા, ‘ગૂજરાતી ગઝલિસ્તાન', પૃ. ૨૧૬)

અને

“શૃંગાર કે સૌંદર્ય, રસ કે પ્રીતિ હૃદયે છે નહીં,
“વૈરાગ્ય વાધ્યો ઉરમાં ને સ્નેહજ્યોતિ ઈશની.
“મારે હવે સંસારમાં શું સ્નેહથી છે શોધવું ?
“ચિન્તામણિ આ દેહથી ચિન્તામણિ હું મેળવું.
* * *
"મિથ્યા બધો સંસાર આ પરપંચનો દરબાર છે,
“મિથ્થા બધી ઘટમાળ ને મનુ પરમ મૂરખરાજ છે.
“મનુષ્યો તણી જગ સફર ઊભી હું કિનારે જોઉં છું,
“ડૂબી ગયાં, કે ડૂબતાં, ડૂબી જશે, હું રોઉં છું.

“ડૂબ્યાં ઘણાં, ડૂબે ઘણાં, ડૂબી જશે આ દુનિયા,
“તોપણ, અરેરે! રંક જીવો હુંપણું નહીં ત્યાગતાં.
* * *
"મૃત્યુભૂમિના લોકની પ્રીતિ નકામી લાગતી,
"હું શુષ્ક થઈ તેથી કહો, પણ શુષ્ક સૃષ્ટિ ભાસતી.
“મારા હૃદયનો પ્રેમ જે શૃંગારરસને રેલતો,
"વિરમ્યો હવે સ્વામી દયાળુ શ્રી હરિનાં ચરણશો.”
(સૌ. જ્ઞાનમણિ, ‘ગૂજરાતી ગઝલિસ્તાન” પૃ. ૨૨. )

* * * સૌ. જ્ઞાનમણિ, 'ગુજરાતી ગઝલિસ્તાન,' પૃ. ૨૨૦)

આમાં 'દર્દ' છે, 'હ્રદય' છે, પ્રેમ છે, પ્રેમશૌર્ય છે, પ્રજ્ઞાનભાનુનાં આછાં–ઉજમાળાં કિરણોનો આશા આપતો પ્રકાશ છે અને એ ગઝલ છે. આપણે જોઈ શકીએ કે ગુજરાતી ગઝલિસ્તાનમાં નમૂનેદાર 'ચીઝ' માં એની ગણના છે.

પ્રેમનાં યોગી હૃદયને ભક્તિ અને જ્ઞાનના પ્રવાસમાં કોઈ કોઈ વાર કંઈ અદ્ભુત પરમાનન્દ (એક્સટસી)ની આત્મોર્મિનો સ્વાનુભવ થાય છે, અને એવી મસ્ત દશામાં જે અનિર્વાચ્ય ઉલ્લાસ તેની રગે રગે વહે છે તેનું નિરૂપણ કરવું એ અશક્ય છે. એ હાલમાં કંઈક સ્પષ્ટ અને અપરોક્ષ અભેદાનુભવ જેવું તેને થાય છે. ‘અભેદાનુભવ જેવું' એમ કહેવાનું કારણ એ છે કે એ અનુભવ કાયમનો રહેતો નથી. અલબત્ત, એ કાયમનો નથી અથવા કેટલા કાળનો છે એની તેને પોતાને કશી ખબર તે વખતે નથી હોતી. એ અનુભવને વાણીમાં વ્યક્ત કરી શકાય એવું નથી અને કહેવા ચાહીએ તો, 'પ્રભુના કૃપાપ્રવાહનો આત્મામાં અનુભવ' અથવા 'આત્મામાં પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ' કે એવું કંઈક અધૂરું બોલીએ તો બોલી શકાય. જુદા જુદા સૂફી સંતમહાત્માઓએ પણ પ્રસંગોપાત્ત આ હાલમસ્ત દશાનો સ્વાનુભવ વિવિધ પ્રકારે નિરૂપિત કર્યો છે. આવો અનુભવ પવિત્ર હૃદયની લાંબા કાલની લીનતાનું પરિણામ છે - તપાન્તે જન્મતું આત્મદર્શન છે. મૌલાના રૂમી સાહેબ કહે છે કે, એ દશા સમજવાને તો તેનો પ્રત્યક્ષાનુભવ થવો જોઈએ. 'ગુલ્શને રાઝ' (એટલે “રહસ્યનિકુંજ”) માં મહાત્મા મહમ્મદ શબિસ્તરી સાહેબ સમજાવે છે કે, જ્યારે પરમાત્મપ્રાપ્તિનો ઉમેદવાર તે અસીમ ભવ્ય જ્યોતિની લગભગ છેક નજીક આવી પહોંચે છે, ત્યારે તે જ્યોતિના નિ:સીમ પ્રકાશને લીધે મનની દ્રષ્ટિ કેવળ બંધ થઈ જાય છે - અને તે વખતની એ દશા છે.

આવો સ્વાનુભવ થવો એ અતિ વિરલ છે. કેટલીક ફારસી, ઉર્દૂ અને હિન્દી ગઝલોમાં આપણે આવા ‘હાલ જોઈએ છીએઃ-

'મૈ ખુદ હૂં ખુદાઃ ઈશ્કકે મયખાનેમેં દેખા :
જંગલમેં ન કાબેમેં: ન બૂતખાનેમેં દેખા.
'મનસૂર ચ્હડા સૂલીપેં, પુકારાઃ–અનલ હક !
'આશક્કો મઝા હમને યૂં મર જાનેમેં દેખા.
* * *
'ફના ક્યૂસી ? બકા ક્યૂસી ! જબ ઉસ્કે આશના ઠેરે!
'કભી ઇસ ઘરમેં આ ઠેરે ! કભી ઉસ્ ઘરમેં જા ઠેરે!
'જો ચશ્મે ગ્હૉરસે આઈન-એ-તૌહિદકો દેખા :
'તો સબ કુછ તૂંહિ તૂં હય તૂં, ન કુછ બેખુદનુમા ઠેરે!
'હકીકત ખોલ દી આઈન-એ-વહદતમેં દોનોકી :
'ન તુમ હમસેં જુદા ઠેરે, ન હમસે તુમ જુદા ઠેરે!”
(ગઝલે અમીર)

'જિસ્કો હૈ કહતે ખુદા હમ હિ તો હૈ !
'માલકે અર્ઝ–ઓ–સમા હમ હિ તો હૈ!
* * *
"કૌન કિસ્કો સિર ઝુકાતા અપને આપ ?
"જો ઝુકા જિસ્કો ઝુકા હમ હિ તો હૈ !

'મુઝકો દેખો, મૈં ક્યા હૂં તન તન્હા આયા
'મતલા-એ-નૂરે ખુદા હૂં: તન તન્હા આયા
* * *
'હૂં ભી, હાં ભી અનલ્હક હૈ, યહ ભી મંજલ અપની:
'શમ્સે ઇર્ફા કી જિયા હૂં તન તન્હા આયા હૂં.'

કલાપી એક મિત્ર ઉપરના પત્રમાં લખે છે કે, ફારસી અને ઉર્દૂ લેખકોનું હૃદય તેમને સાચું (સિનસિયર) અને બહુ પવિત્ર લાગે છે; એમનું એ કહેવું સૂફીઓની હાલમસ્ત અને લીન દશા પરથી આપણને સ્પષ્ટ થાય છે. પરમાત્મદર્શન માટે સૂફીનો તરફડાટ સાચો અને વસ્તુ પામવાને પાત્ર હોય છે. તેને માલૂમ છે કે,

'નેસ્તી હસ્તી હય, યારો ! ઔર હસ્તી કુછ નહીં:
બેખુદી મરતી હય, યારો ! ઔર મસ્તી કુછ નહીં.'

અને એવી દ્રઢ પવિત્રતાથી આત્મરત રહેનારને જ દિવ્ય નિજાનંદ અનુભવાય છે.

'આજ ઝાંખી થઈ કંઈ યારની છે હરિ ! હરિ !
'મતિ, આંખડી જાદુગારિયે છે હરી હરી !
'નિર્મળ તને પરિમળ બહેકી ઊડે ગગન !
'ખુશબો ઈરમ ગુલઝરની છે હરી હરી !”
(બાલ; ગૂ. ગ , પૃ. ૧૪)

આ ઉદ્‌ગારો એવી જ લીનતાનું પરિણામ નિરૂપે છે અને તે કાયમ અનુભવના ન છતાં, એક વાર આત્મામાં પ્રત્યક્ષ અનુભવાયેલા છે, એ તો ચોક્કસ છે.

પ્રો. મણિલાલના પણ એવા ઉદગારો છે:

'અન્તર આંટી તૂટી ગઈ રે,
'ભાગી ભેદ ભ્રમણની ભ્રાન્ત રે;
'બધે દરશન આપને આપનાં રે–
'સન્તો-ગીત અભેદનાં ગાઈએ રે.

'પ્રેમસુરત બાંધી પ્રેમથી રે,
'લાગી પ્રેમની તાળી તાન રે,
'એમ પ્રેમ મણિ નિજ ધ્યાનમાં રે–
'સો-ગીત અભેદનાં ગાઈએ રે.'

(સુદર્શન, જૂનઃ ૧૮૯૬)

ઉપરાંત, “પ્રેમજીવન” અને “અભેદોર્મિ માં પણ એવા જ ઉદગારો છે. (પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મા, કાવ્ય ૧૧ મું અને અભાનોર્મિ, કાવ્ય ૧૧ મું.)

કલાપીના ઉદગારોમાં કોઈ કોઈ પ્રસંગે એવા ઊભરા આવે છે. ('ઈશ્કનો બન્દો” અને 'અમારી પિછાન.')

સ્વામી રામતીર્થ જેઓ આખી દુનિયાને અદ્વૈતાનુભવ જાહેર કરે છે, એમના નિજાનન્દને અદ્દભુત બહાર જોઈએ:

'સબ વેદ ઓર દર્શન, સબ મઝહબ, કુરઆન, અંજિલ ઔર ત્રપટકા,
'બુદ્ધ, શંકર, ઈસા ઔર અહમદ, થા રહના, સહના ઈન સબકા,
મુઝમેં ! મુઝમેં ! મુઝમેં ! મુઝમેં !
'થે કપિલ, કનાદ ઔર અફલાતૂં, અસ્પેન્સર, કેટ ઔર હેમિલ્ટન,
શ્રી રામ, યુધિષ્ઠિર, અસકન્દર, બિક્રમ, કેસર ! અલઝબથ, અકબર,
મુઝમેં ! મુઝમેં ! મુઝમેં ! મુઝમેં !

ગુજરાતના પ્રાચીન ભક્તોએ પણ વિલક્ષણ અનુભવાત્મક ઉદ્દગારો રજૂ કરેલા છે –

'ભેખકી ટેક ચલી ખટદર્શન, ભેખ નહીં તહાં ટેક કીનાકી ?
'ટેકકી ચલી જો દશોદિશ, ટેક હમારી તો હે જો ફનાકી:
'લૂંડ કહો, કોઉ ભંડ કહો, પાખંડ કહો, અરૂ કહો જો ભિખારી!
'સજજન કહો, દુરિજન કહો, અરૂ ચોટ્ટ કહો, કેવું કહે બ્રહ્મચારી !
કાહકો પાવ ટિકે નહીં નહાં લે, જહાં જાઈ કીની અખે જો પથારી !
* * *
'માલા ન પહેરું, ટીકા ન બનાઊં, શરણે ન જાઊં મેં કોઉ કીસીકી,
'આપા ન મેટુ, થાપા ન થાપૂં મૈં મદમાતા હૂં મેરી ખુશીકા;

‘બેહિસ્ત ને દોઝખ દોઉ ન ચાહૂં, ન ચાહૂં નામ ન રૂપ કીસીકા,
'હે નહીંકી સંધ્ય પરી જે અખાકી, જાનેગા જે કોઈ ડેર ઉસીકા !'
(સન્તપ્રિયા, અખો.)

અને,
'વેદ વખાણે વાત, ઉપનિષદ અન્તે સદા;
'તે સ્વામી સાક્ષાત્, લખ્યો અખાના ભાગ્યમાં.
'સહજે ઊઘડી સેર, ખૂંટફાટુ બુદ્ધિમાં, અખા !
'રહ્યો ઘેરનો ઘેર, નિહાલ થયો નિધિ ઊઘડ્યે.’
(અખાના અપ્રસિદ્ધ દૂહા.)

પ્રેમ અને ભક્તિનાં હિમાયતી અથવા અમુક સંપ્રદાયને વળગી રહેનારાં હૃદયો તરફથી આપણે કેટલીક વાર સાંભળીએ છીએ કે, અખો શુષ્ક વેદાન્તી છે, અને એને પ્રેમની કે ભક્તિની જાણે કશી કદર નથી ! આમ માનવું એ પ્રેમના માર્ગને અનુકૂલ છે, છતાં એ સત્ય સ્થિતિ મર્યાદાથી બાધિત છે અને પ્રેમનું અંતિમ સ્વરૂપ કૈવલ્યજ્ઞાન, તેની કદર એ સ્થિતિ કરી શકે નહિ. સ્વામી રામતીર્થ જે સત્ય આત્માનુભવથી વીસમી સદીમાં આપે છે, તે જ સત્યનું આત્મજ્ઞાન અખાએ સત્તરમી સદીમાં કરેલું છે. સ્વામી રામતીર્થ પરમ ભક્ત છે અને જ્ઞાન એ ભક્તિનું જ ક્રમિક રૂપાંતર છે. અખાને ભક્તિ કે પ્રેમની પૂરી કદર છે, એ એની વાણીમાં જ આપણે જોઈએ:-

“સ્વામી સર્વાવાસ, સભર ભર્યો સઘળે મળે;
'(પણ) દોહ્યલો મળવો દાસ, ભલ ભેદુ ભગવન્તનો.'
(અખાના દૂહા.)
‘બિરહા જ્યૂં મેહા, અખા ! મેંહતેં સબ કુછ હોય,
'હરિઆ હરિ તો દેખીએ, જે બિરહા લાગ્યો સોય.
'જ્યૂં તાંબા પરસા પાર્સકો, સો કંચન હોઈ જાય;
‘જ્યૂ બિરહા પરસા જાહિકો, સો નર સબ હરિ હો જાય.
'ભક્તિ ભક્તકો તો ફલે, જોગ, ધ્યાન તો આય;
'જ્ઞાન, અખા ! તબ ઊપજે, જે બિરહા હોઈ સમાય.


'સાચા હરિજન ! સબ સુનો: જો ચાહો દિદાર;
'ફિર ફિર બિરહા માગીઓ, કહત અખા નિરધાર.'
(અખાની અપ્રસિદ્ધ સાખીઓ.)

અખાની 'અક્ષયગીતા'માં ભક્તિનું નિરૂપણ જોઈએ:-

કડવું ૧૧ મું
ધન્યાશ્રી
'વળી વળી કહું છું ભક્તિ વિશેષજી, જે ન દેખે હરિ વિના શેષજી:
'પેખે સઘળા હરિને વેષજી, તે જન ન કરે કહેને ઉવેખજી.


પૂર્વ છાયા (ઊથલો).

'ઉવેખ ન કરે કોયનો, આત્મા વિલાસી રહ્યો.

'જેહને શ્રી ભાગવત ગાયે ગીતા, ઉપનિષદે જે કહ્યો.
'નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનન્ત અપાર;
'જિહાં જેહવો તિહાં તેહવો, નારાયણ નર-નાર.
'ગદ્‌ગદ કંઠ ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
'હર્ષ, આંસુ, બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર.

* * *

'ખાતો પીતો બોલતો દેખતો તે સઘળે રામ;
'વેંધ્યૂ મન રહે તેહનું, શિથિલ સંસારી કામ.
'નવનીત સરખું હૃદય કોમલ, કહ્યું ન જાયે હેત.
'આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર.

અને પ્રેમના એવા તલ્લીન ભક્તને તો અખો કહે છે:-

'ઉદય ઉજાળું દે જેમ ચંદ્રમાજી, કિરણ તેહનાં પસરે વન, વિથિ, મદ્રમાંજી;
'તેમ સરખો આત્મા ભાસે કીટ, ઈંદ્રમાં જી, એહવો પ્રકટ્યો હૃદયકંદ્રમાં જી.


ઊથલો

'હૃદયગુહામાં રામ પ્રકટ્યો, તેણે પાલટો મનનો થયો;
‘માયાને ઠામે બ્રહ્મ ભાસે, સંસારનો સંભવ ગયો.

* * *

'જાગ્યો ત્યાં થઈ ચેતના, નિદ્રા, સાથે સર્વે પળ્યું;
‘ત્યમ તુરિયાવડે તિમિર ત્રાસે, ચિત્ત મચક્યું હૂં તૂં ટળ્યું.
'કહે અખો, સહુકો સુણો, જેમ દારિદ્રય નથી શ્રીમંતને;
'જો મહાધન હીંડો પામવા, તો સેવો હરિ, ગુરુ, સંતને.'
(અક્ષયગીતા, કડવું ૧૨ મું.)'

આપણે જોઈએ છીએ કે, મુક્તને ભક્તિ અને જ્ઞાનનું દ્વૈત નથી: અને એવા અદ્વૈતાનુભવમાં પ્રેમભક્તિ, પ્રેમયોગ એ સાધકની સ્થિતિ પરત્વે ક્રમિક મુકામો છે.

અલબત્ત, સિદ્ધાંતમાં સૂફીઓ એક જ બ્રહ્મને સર્વવ્યાપક માનતા હોવાથી, કેટલાક હિન્દુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ વગેરે માને છે, તેમ ઈશ્વરના અમુક વિશિષ્ટ અવતારને તેઓ ‘પ્રભુ' તરીકે સ્વીકારતા નથી. અખો પણ કહે છે કે:

'મોજ પામે તે ચોવીસ કહો ક્યમ ગણે ?
'માને મહારાજને એકમેકેઃ
'અવતાર પરઠે તો સર્વે જ સ્વામી તણા,
'સહજ સાગર તણી લોઢ લેહેરી:
'અન્ય સિદ્ધાંત જોતાં તે છે મન તણા,
‘પણ મનાતીતને ન શકે હેરી.'
(અપ્રસિદ્ધ “સિદ્ધાંતશિરોમણિ,' અખો.)

સત્ય સાથે પૂર્ણ લીનતાથી યોગ થયા પછી જ્ઞાનનો આશક પોતે તેમાં ખોવાઈ જાય છે અને પ્રેમ વિના એવું પોતાપણું ગુમાવવાનું કદાપિ બની શકે નહિ એ સ્પષ્ટ છે. મસ્તી એ પ્રેમ અને જ્ઞાનના અદ્વૈતનું પૂર્વસ્વરૂપ છે અને એ ભક્તિનો જ પ્રકારાન્તર છે એ સંશયરહિત છે.

'કલાપીનું પ્રેમરાજ્ય' પ્રકાશનાર દેવી પણ એવા મસ્ત હાલના અનુભવોદ્‌ગારનું અમૃત ગુજરાતના હૃદયને સિંચે છે. એ આપણે પ્રેમ અને ઉલ્લાસથી જોઈએ છીએ:

'હૈયે હૈયાં દઈ મેળવી,
'અદ્વૈત વાણી વંદતાં:
‘રાજ્યો હજારો છોડીને,
'કૈં આત્મરાજ્ય મહાલતાં !

'એ ગોષ્ઠી સ્મરતાં મીઠડી–
'છો ઝિંદગી હું ગાળતી:
'એ હૂસ્નની ઝાંખી મને-
'હોજો સદા આમીન એ,’
(“ગૂજરાતી ગઝલિસ્તાન, પૃ. ૨૨૧)

અસ્તુ. પ્રેમની અનંત દયાલુતાને-નિર્માણના સુંદર બ્રાહ્મી પ્રવાહને આપણે યાચીશું કે, ભગવતી મીરાં, પાક બાનુ રબિયા અને અનલ જેવાં દૈવી હૃદયથી જેમ આખી આલમ તેમ ગુર્જરી ભૂમિ પણ અલંકૃત અને પુનિત હો. ૐ ||

આ પ્રમાણે ગુજરાતીમાં ગઝલના સાહિત્યનું દિગ્દર્શન છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતી ગઝલિસ્તાનમાં વિવિધ અનુભવાત્મક હૃદયાલાપો રજૂ થયેલા છે. અલબત્ત, ગુજરાતી ગઝલિસ્તાનનું આંતર સ્વરૂપ અવલોકતાં એક અતિશય મહત્તવની બાબત એ જોવાય છે કે, એમાં દર્દ છે, લગની છે, ભક્તિ છે અને પ્રેમનાં આનુષંગિક ઘણાં લક્ષણો છે, પણ પ્રાપ્તિનો આનંદ-અંતિમ દશાનો ઉલ્લાસ–મુક્ત સ્થિતિનો આત્માનંદ એમાં નિરૂપિત નથી. સ્પષ્ટ છે કે ગુજરાતી ગઝલિસ્તાનમાં જે ઉદ્ગારો આપણે જોઈએ છીએ તે સિદ્ધાત્માના ઉદ્દગારો નથી, પણ પ્રવાસી હૃદયોના આત્મજ્ઞાનની ઊર્મિઓ છે. અને બેશક એ હૃદયો સિદ્ધ કે બ્રહ્મનિષ્ટ ન હોવા છતાં, આપણા સ્નેહ અને સમભાવને પાત્ર છે. કેટલાંક હૃદયો એમાં એવાં પણ છે કે આપણે જેમને સ્વાભાવિક રીતે જ માન આપ્યા સિવાય રહીએ નહિ; આપણા મિત્ર અને રાહબર તરીકે આપણે સ્નેહ અને માનથી સાથે રાખીએ એવાં પણ કેટલાંક ઉમદા જિગરોનો આપણને ગુજરાતી ગઝલિસ્તાન મારફત થોડો-ઘણો પરિચય થાય છે. આમીન.

વિસ્તાર વધારો થયો છે પણ એ અનાવશ્યક નથી; હજી આ લેખને સલામ કરતા પહેલાં આપણે તાજું કરવું જરૂરનું છે કે, ઈશ્કની મસ્તી–શરાબ-સનમ-સાકી અને દિલદારનાં ચુંબનો કવિતામાં ગાવાં કે રદીફ-કાફિયાદાર (અનુપ્રાસાલંકારવાળી) ગઝલો લલકારીને શાયર તરીકે નામના મેળવવી એ ઇશ્કનો કે આવા સાહિત્યનો બિલકુલ હેતુ નથી; એટલું જ નહિ, પણ એ તો, એક સડેલા મુર્દાને ગોયા ટાપટીપથી શણગારીને તેની સાથે ખેલ્યાં કરવા જેવું છે. દુનિયાદારીની ક્ષુદ્ર બાબતોને, માનસિક વિકારોની વાસનાઓને કાયમની પરિત્યજીને પ્રભુ સાથે એક થવું–પાર્થિવ જીવનમાંથી પોતે પ્રેમસ્વરૂપ બનવું અથવા ખરું કહીએ તો, આત્મા–પરમાત્માની એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ ઈશ્કનો અને આવા સાહિત્યનો ખરો ઉદેશ છે; અને એ માર્ગમાં પ્રવાસીના આત્માનુભવનું સ્વયંભૂ ગાન એ જ ગઝલ છે. 'ખુદી' છોડીને 'ખુદા' થવું એ બધી ગઝલનો ટૂંકામાં સાર છે અને ચિત્તક્ષોભને લીધે લાગતાં સુખદુ:ખો જેની હકીકતમાં કશી વજૂદ નથી તેને ન ગણકારતાં માર્ગમાં જ લીન અને આત્મરત રહીએ તો જીવનસિદ્ધિ, બેશક, થઈ શકે.

હકીકતનો જે શરાબ શબ્દાન્તરે સૂફીની ગઝલ આશકોનાં જિગરમાં રેડે છે, તે જ સોમરસનું પાન વેદોના કાલમાં આર્ય ઋષિઓએ કરેલું છે અને તે જ જ્ઞાનનો આસવ આર્યાવર્તન ભક્તોએ અને જ્ઞાનીઓએ પીધો છે–પાયો છે–પાયાં કરે છે દેહાધ્યાસ છૂટી જતાં, દેહાભિમાન ગલિત થતાં, બ્રહ્માનન્દ સ્વત: અનુભવાય છે, એ જ સર્વના અનુભવનો સાર છે. एकं सत् विप्रा: बहुधा यदन्ति।એ આપણે જોઈએ છીએ: –

'આપા ઓટે, આપ હય, તાતેં રહ્યા લુકાઈ;
'દાદુ પ્રકટ પીવ હય, જો યહ આપા જાઈ.' (દાદુ)

'જબ મેં થા તબ તૂ નહીં, અબ તૂ હય, મે નાહીં
'કહે કબીર નગરી એક્મેં, દો રાજા કહાં સમાઈ ?' (કબીર)

'જ્યહાં રામ ત્યહાં કામ નહીં, કામ ત્યહાં નહીં રામ;
'તુલસી દોનો કયૌં રહે, રવિ-રજની એક ઠામ ?' (તુલસી)

આપણી સતત આત્મકેન્દ્રગામી ઇચ્છા અને લીનતા જ આપણી પૂર્ણતા વા અપૂર્ણતામાં કારણભૂત છે, એ અતિશય સ્પષ્ટ છે. मन एव मनुष्याणां कारणं बन्धोमोक्षयो: ।અને એ મનને જ તદર્પિત–તદ્રૂપ અનુભવવું એ જ જીવનસિદ્ધિનો આબાદ ઇલાજ છે. એવું થતાં આપણે અવશ્ય પરમ સત્યમાં ભળી જતાં અનુભવીશું જ કે, પશુ, પંખી, પ્રાણી અને તરુવિટ૫, અદ્રિ વગેરે જડચેતન હરેક ચીજ એ જ સર્વોપરિ સચ્ચિદાનન્દની તારીફ ખરેખર અશ્રુતપૂર્વ ગઝલમાં નિરન્તર લલકાર્યા જ કરે છે - ગોયા–તેઓ બધાં તે પરાત્પરનાં જ અદ્ભૂત સ્વરૂપ છે અને આપણને તદ્રૂપ હોવાને સાગ્રહ પ્રેમનિમંત્રણ કર્યા જ કરે છે. તેની ઈચ્છાનુસાર તેનો શરાબ આપણને ફના કરો અને આપણે પોતામાં પોતે ખોવાઈ જઈએ, એ સિવાય બીજું કશું ઇચ્છવા કે ચાહવાનું નથી જ.

અને જીવાત્માની એ સ્વયંભૂ પ્રેરણાની આત્મસિદ્ધિ માટે બ્રહ્મવેત્તા મનસૂર, જે કોઈ પણ પન્થ કે સંપ્રદાયની બિલકુલ પરવા કે હિમાયત વગર કેવળ જ નગદધર્મ બતાવે છે, તેને આપણે સાંભળીએ, હૃદયાતરમાં તેનો હરદમ પાઠ કરીએ અને તેને જ પચાવી દઈએ:-

અગર હય્ શૉક મિલનેકા, તો હરદમ લો લગાતા જા:
જલા કર ખુદ નુમાઈકો, ભસમ તન પે લગાતા જા. અગ૨૦

પકડ કર ઇશ્ક કા ઝાડૂ, સફા કર હુઝ્ર યે દિલકો:
દુઈકી ધૂલકો લે કર, મુસલ્લા પર ઉડાતા જા. અગર૦

મુસલ્લા ફાડ તસ્બીહ તોડ, કિતાબેં ડાલ પાનીમેં:
પકડ દસ્ત મય પરસ્તોંકા, ગુલામ ઉન્કા કહાતા જા. અગર૦

ન જા મસ્ઝદ, ન કર સઝ્‌દા, ન મર ભૂખા, ન રખ રોઝા:
વુઝૂકા તોડ દે કૂજા, શરાબે શૉક પીતા જા. અગર૦

હમેશાં ખા, હમેશાં પી, ને ગફલતોંસે રહો ઈકદમ:
નશેમેં સૈર કર અપની, ખુદીકો તૂં જલાતા જા. અગર૦

ન હો મુલ્લાં, ન હો બમ્મન, દુઈકો છોડ, ન કર પૂજાઃ
હુકૂમનામા કલન્દરકા, અનલહક તૂં કહાતા જા. અગર૦

કહે મનસૂર મસ્તાના, હક મૈંને દિલમે પહેછાના :
વોહિ મસ્તોંકા મયખાના, ઉસકે બીચ આતા જા. અગર૦

આમીન ૐ ॥ प्रेमस्वरुपाय नम: । प्रेमधर्माय नम: ॥ ૐ ॥ शान्ति: शान्ति: शान्ति: ॥

ચિત્રાલ, તા. પાદરા
૧૧ : જાન્યુઆરી : ૧૯૧૩.
सागर
 
છેલ્લાં ૩૨ વર્ષથી શિષ્ટ અને ઉપયોગી સાહિત્ય પૂરું પાડી રહેલી
ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલી


વિવિધ ગ્રંથમાળા
સંવત
૧૯૯૯
વર્ષ
૩૨ મું
વાર્ષિક લવાજમ રૂા. ૫)


ટપાલખર્ચ-માફ


*
લડાઈના આ ચોથા વર્ષમાં કાગળો,
બૉર્ડ, છીંટ, શાહી
ઈ૦ની છથી
આઠ ગણી મોંધવારી
છતાં વાર્ષિક
લવાજમમાં
વધારો
કર્યો
નથી.
*
વરસે દિવસે
૫" × ૭"નાં
પાન ૨૦૦૦નું
વાચન ધેર
બેઠાં પટ્ટીવાળાં
મજબૂત પૂઠાંનાં
ચારથી છ
પુસ્તકો દ્વારા
અપાય
છે.

  • ૧ શિવાજી છત્રપતિ
    ૨ દત્ત–પરશુરામ
    ૩ કચ્છની લોકવાર્તા જાણીતા
    લે. ડુંગરશી ધરમશીકૃત
    ૪ ગુજરાતની ગઝલોનો સંગ્રહ
    સાક્ષર શ્રી કૃષ્ણલાલ
    મો. ઝવેરી દ્વારા સંપાદિત
    ૫ સંસારમાં સુખ કયાં છે?
    વા૦મો,શાહકૃત
    ૬ સંવત ૨૦૦૦ નું પચાંગ


સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય} ભદ્ર પાસે, અમદાવાદ
કાલબાદેવીરોડ, મુંબઈ

છેલ્લી અરધી સદીમાં મહાગુજરાત મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધીજી અને ભિક્ષુ અખડાનંદ એ ત્રણ મહાપુરુષે આપ્યા છે.

એ ત્રણે મહાપુરુષોએ જનતાના હિતના મહાન સિદ્ધાંત વિચાર્યો, જાહેર કાર્યો ને પોતાના જ જીવન દ્વારા અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ક્રિયાના પ્રદેશમાં એ સિદ્ધાંતને સફળ કર્યો.

સંત અને કર્મચાગી એવા ભિક્ષુ અખંડાનંદે જનસેવાના ઉચ્ચ પ્રકાર દેખાડ્યો છે.

તેમણે અજ્ઞાનરૂપી અંધાપો દૂર કરવા માટે પુસ્તકો દ્વારા ઉત્તમ વાચનરૂપી રસાયન લાખો ગુજરાતીઓને પૂરું પાડ્યું છે.

તેમણે ઋષિમુનિઓની વાણી અને વિદ્વાન લેખકોના વિચારોનો પ્રચાર કરી જનતાને નવું જીવન આપ્યું છે. તેમણે સાહિત્યના છે મહાન ક્ષેત્રમાંથી ત્રણ જેટલાં ઉત્તમ પુસ્તકો ચૂંટીને, સર્વ રીતે શુદ્ધ કરીને, સરળ અને સહેલાઈથી વાંચી શકાય તેવા મોટા અક્ષરોમાં છપાવ્યાં અને તેની લાખો પ્રતો ગરીબમાં ગરીબ માણસને પોસાય એવી સસ્તી કિંમતે ગુજરાતના ઘરેઘરમાં પહોંચાડી છે.

આ અગ્રગણ્ય સંતપુરુષે 'कथयन्तो मां नित्यं' એ ગીતાસૂત્ર પ્રમાણે, છેક છેવટની ઘડી સુધી ગુજરાતના જીવનમાં અનેક શુભ સંસ્કારી રેડ્યા છે.

તે શ્રેષ્ઠ કાર્ય તેમની પાછળ ચાલુ રહે તેવી વ્યવસ્થા પણું તેમણે કરી છે.

જ્ઞાનનું દાન એ સૌથી ઊંચું દાન છે અને એ પ્રદેશમાં પહેલી પંક્તિએ બેસનાર દાતા ભિક્ષુ અખંડાનંદનું સ્થાન ગુજરાતના ગૌરવમાં-હિન્દના રાષ્ટ્રજીવનમાં અપ્રતિમ રહેશે.

સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ
મુંબઈ-૨