← મલકાય છે ગુજરાતની ગઝલો
સર્વદા લેજે
[[સર્જક:|]]
૧૯૪૩
પરિશિષ્ટ →


'સગીર'

૮૯ : સર્વદા લેજે

નવું જીવન બનાવા ચાહે તો પંથી નવા લેજે,
ખરા રસ્તા બતાવે છે કોઈ એવી શકઅત લેજે.

યુવાનોની યુવા જોતી રહી મારી યુવા સામે,
બને આદર્શ એ રંગો નવા તું હે યુવા ! લેજે.

યદિ નિજ જાતને તું ઉચ્ચતર કરવા ચહે છે તો,
કોઈને પ્રેરણા દેજે કોઈથી પ્રેરણા લેજે.

વિચાર એ જ તારી જિંદગાનીના સુકાની છે,
વિચારીને વિચારમાં અમર રહેતી પ્રભા લેજે.

અનોખા રંગથી આવે અનોખી હો ઝલક એની,
હકીકત પણ કહે 'શાબાશ', એવી કલ્પના લેજે.

ઘણું છે સૂર્યમાં માન્યું અણુમાં પણ ઘણું જોઈશ,
સમજવાનું બધામાં છે નિચોવી તું સદા લેજે.

વ્યથા કે આપદા કે શોક કે દુઃખ દર્દ કે રુદન,
બધાં દેશે મઝા તુજને બધામાં તું મઝા લેજે.

ભલે સંજોગ તારા હાર આપે તો ભલે આપે !
પરંતુ હારમાંથી જીતની શીખી કળા લેજે.

યદિ તુજ એક કેરા નાશથી લાખો ઊગરતાં હો,
તો એવી ખુશનસીબીને વધાવી સર્વદા લેજે.

જીવનકર્તા જીવન તારું નિહાળી ધન્યવાદ આપે,
બનાવે દિવ્ય દુનિયાને તું એવી દિવ્યતા લેજે.

વિશાળ આ વિશ્વને પણ એની લાલસા થઈ જાયે,
ભરી નાના શા દિલડામાં તું એ સદ્ભાવના લેજે.

પ્રતિબિંબો પડે તુજ જાતનાં આ વિશ્વજન ઉપર,
કોઈ એવી ચમક તું સ્વયંને શણગારવા લેજે.

બની જા એ; કે ઈર્ષા પુષ્પને હસ્તીથી હો ભરી,
નમૂનારૂપ થાઓ શ્વાસમાં એવી હવા ભરજે.

જગતનાં દિલ ને દ્રષ્ટિમાં યદા કોઈ કરામત લે,
શશીથી ચાંદની લેજે ઉષાથી લાલિમા લેજે.

અમરતા ગર્વ લે તુજથી અમરતા હો અમર તુજથી,
બધું તુજ કારણે હોયે સુધાથી એ સુધા લેજે.

'સગીર' આ વિશ્વની વસ્તુ સબું આપી કહે છે તું,
ન સંઘરી રાખવા લેજે સહુન આપવા લેજે.


સમાપ્ત