ગુજરાતની ગઝલો/મલકાય છે
← વાત શું જાણે? | ગુજરાતની ગઝલો મલકાય છે [[સર્જક:|]] ૧૯૪૩ |
સર્વદા લેજે → |
'સાબિર'
અન્ય માટે ખૂન આપી જે અહીંથી જાય છે,
ઝર્દ હો ચહેરો છતાં એ સુર્ખરૂ કે’વાય છે.
માલદારોના ગુલાબી ગાલ શાને થાય છે?
ખૂનથી મઝદૂરના રૂખસાર એ રંગાય છે,
દિલતણી કડીઓ મળી જે એક સાંકળ થાય છે,
તો પરાધીન દેશની જંજીર તૂટી જાય છે.
આ ઝમીં તો માનવીના રક્તથી રાતી હતી,
રક્તના રંગે હવે આકાશ પણ રંગાય છે.
ઝિન્દગીના ભેદ તારી બંધ મુઠ્ઠીમાં હતાં,
શાનથી આવ્યો હતો, તું હાથ ખાલી જાય છે.
ખોલ યારબ એ લકબધારી ગુલામોનાં નયન,
જોઈને મોહરે ગુલામી બેસમજ મલકાય છે.
વર્ષગાંઠો ઝિન્દગીની દોરને ટૂંકી કરે,
વર્ષગાંઠે બેસમજ શું જોઈને મલકાય છે?