ગુજરાતની ગઝલો/પ્રેમ અને સત્કાર

← પ્રેમની ઘેલાઈ ગુજરાતની ગઝલો
પ્રેમ અને સત્કાર
[[સર્જક:|]]
૧૯૪૩
તરુણું તરલાનું પ્રેમગાન →


દા. ખુ. બોટાદકર

૬૬ : પ્રેમ અને સત્કાર

લખ્યું પત્રમાં પ્યારા ! 'નથી સત્કાર મેં કીધો,
'ખબર વિવેકની મુજને નથી તે તું ક્ષમા કરજે.'

અહો ! સત્સ્નેહને અંગે, સુહૃદ એ બોલવું છાજે?
અરે જો પ્રેમ આદરને નહીં એ પ્રેમ પ્રેમીનો.

અખંડિત પ્રેમને બન્ધુ ! જરૂર શું હોય આદરની?
‘પધારો, આવજો, બેસો,' વૃથા એ વાદ શા સારૂ?

હૃદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માગ્યો,
નયનસત્કાર નવ ઈચ્છે, વદનસત્કાર શાને તો ?

વિનય રસના તણો એ, બતાવે પ્રેમમાં ખામી;
પ્રપંચી કાજ રહેવા દો, ન ઈચ્છે પ્રેમનાં પાત્રો.

હસે દિલ પ્રેમનાં ભરિયાં, રહે જુદાં છતાં સંગે.
વિનય સત્કારને એમાં, નથી અવકાશ મળવાનો.

પધારો એમ કહેવાથી, પધારે તે પધાર્યા ના !
નિમંત્રણ પ્રેમીને શેનાં ? અનાદર પ્રેમીને શાનો?

મળ્યાં છે ચિત્ત વિણયત્ને, શરીર જોડાવવાં શાને?
કરે કર આપવો શાનો? મને મન જ્યાં મળેલાં છે?

હજુ 'હું–તું' તણો દિલમાં રહ્યો છું દ્વૈત-મત તુજને?
ક્ષમાની યાચના તે ક્યાં ? ક્ષમા કરનાર કો બીજો?

'પધારો' આદિ પોતાને કહે તે તો વિકલ ભાસે;
વિકલતા પત્ર તારામાં મને સન્મિત્ર ! ભાસે છે.

સહૃદનું આગમન થાતાં ઊઠે સત્કાર કરવાને.
અરે ! એ તો જનો જૂઠા, ખરેખર! બાહ્ય પ્રેમી તે.

ભલે ! એ થીગડાં દેવાં હજે અતિ ઈષ્ટ શિષ્ટોને,
સ્પૃહા સપ્રેમના ભોગી, જનો તે તેની ક્યમ રાખે?

વિનયની પૂરણી માગે અધૂરી એટલી પ્રીતિ,
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને.