ગુજરાતની ગઝલો/તરુણું તરલાનું પ્રેમગાન

← પ્રેમ અને સત્કાર ગુજરાતની ગઝલો
તરુણું તરલાનું પ્રેમગાન
[[સર્જક:|]]
૧૯૪૩
સનમને સવાલ →


નારાયણ વિસનજી ઠકકુર

૬૭: તરુણા તરલાનું પ્રેમગાન


આ પ્રેમ એવી વસ્તુ છે જે સ્વાર્થને નથી માનતી,
લજ્જા તથા જનમાનને પણ તે કદી ન પિછાનતી.

જો જો પતંગ બળી મરે દીપક મરે નિઃસ્વાર્થ તે;
ને પ્રાણ અર્પે છે ચકોરો ચન્દ્ર પર નહિ સ્વાર્થ તે.

હે પ્રાણવલ્લભ ! પ્રેમદા આ પ્રેમની છે ભોગિની;
તે ઈચ્છતી ના વૈભવને પ્રેમની છે યોગિની.

મમ નેત્ર આ આતુર રહે છે તવ વદનના દર્શને;
ને ઈચ્છતું આ હૃદય નિશદિન તવ તનુના સ્પર્શને.

સૌભાગ્યહેતો ! જીવના આધાર ! સત્વર આવને;
તું સ્નેહજલ સિંચન કરી આ વિરહવહ્નિ શમાવને.