← અગર તે ચાર શિરાઝી ! ગુજરાતની ગઝલો
સલામતી
[[સર્જક:|]]
૧૯૪૩
નાદાન બુલબુલ →


૧૦ : સલામતી

અંજન આંખડી ન આંજ, કપાશે સુઆંગળી !
મતિ તાહરી સલામતીમાં માહરી વળી.

પડે તાહરી અલાબલા સૌ માહરે શિરે,
સહું ધીર થઈ કોઈ ના પીડા શકે કળી.

નજરબાણ ક્યમ ન તાહરે કરે પીડા કરે ?
ખૂંચે છે તને શરીરમાં, ગુલાબની કળી.

નીચી નજર ના તું ઝાંખ, ઝાંખ માહરી ભણી !
ભલે વેધશે ફકીરને, ફિકર કશી બળી.

જો ! જો ! તુજ વિના સજન બધે સંસાર ડૂબશે,
પછી શી વલે થશે કંઈ ખબર તને મળી?

ખબર કેમ ન લેતી માહરી શિરે તું નિર્દયા?
ફસી પ્રેમફંદ તાહરે મુરાદ ના મળી!

ફિકર છે કશી ફકીરને ફકીર તણી તને?
જોબન ખૂલડે ખૂલી તું સુમનસેજમાં ઢળી !

ગયો ખેલ ખલકનો ગયો વળી મેળ મંનનો,
ઝલક ઝાંખવા મળે ન મધુર મૂર્તિ નિર્મળી !

સજન ગરીબ મારી હાલતે ઉપહાંસી કાં ધરે?
હમારા ભર્યા ભંડારની ખબર નથી મળી !

હૃદયકોષ માંહી પ્રેમરત્ન લાવીને ધર્યું,
સમર્પણ કર્યું તને અમૂલ્ય મેં રળી રળી !

અહા! કીમીયો વો દીઠો એ રત્નમાં ખરો,
દેખું માંહી મદભરી છબી છકેલી કોમળી !

જોને પળ ઘડી ઘડી પછી દિનરાત વહી જશે,
જશે આખરે શરીર આ ફકીરનું બળી !

દાગ લાગશે હમેશનો ગરદન પરે સજન !
ઊઠી ધૂમ આવશે શરીરથી બળી બળી !

જ્વાળ લાગશે ભડભડ કરીને શબ્દગર્જના,
પ્રીતમ ! તુંહી તુંહી તુંહી ! એ પ્રેમરંગમાં ભળી.

મૂકી માન માનિની, ઘડી દે સુખે સોબતે,
પડ્યો બાલ પરમ પાય પ્રીતમને લળીલળી.